સત્તા, પ્રસંશા અને મોહથી ઘેરાયેલા સાહિત્યિક વિશ્વમાં વિનોદ કુમાર શુક્લના શાંત અવાજની આજે પહેલાં કરતાં વધુ જરૂર છે

વિનોદ કુમાર શુક્લની એક કવિતા છે;
हताशा से एक व्यक्ति बैठ गया था
व्यक्ति को मैं नहीं जानता था
हताशा को जानता था
इसलिए मैं उस व्यक्ति के पास गया
मैंने हाथ बढ़ाया
मेरा हाथ पकड़कर वह खड़ा हुआ
मुझे वह नहीं जानता था
मेरे हाथ बढ़ाने को जानता था
हम दोनों साथ चले
दोनों एक दूसरे को नहीं जानते थे
साथ चलने को जानते थे।
આ કવિતાની સરળતા ભ્રામક છે પણ તેમાં રહેલી લાગણીઓ માણસની અંદર કંઇ તોડી નાખે તેવી, ઢંઢોળી નાખે તેવી છે – આ સાદગી જ તેની વંટોળિયા સમી તાકાત છે અને આ અને આવાં અનેક કારણોને પગલે સમજી શકાય કે વિનોદ કુમાર શુક્લ શા માટે હિન્દી સાહિત્યના સૌથી અનોખા લેખકોમાંના એક બન્યા. મંગળવારે, રાયપુરમાં 89 વર્ષની વયે તેમનું અવસાન થયું ત્યારે હિન્દી સાહિત્યએ માત્ર એક લેખક નહીં, પણ દુનિયાને જોવાનો એક દૃષ્ટિકોણ ગુમાવ્યો – એવો દૃષ્ટિકોણ જે સાધારણ બાબતોના ગુંજનને એક કળી ન શકાય તેવા મહત્ત્વ સાથે ગણગણી શકતો.
1 જાન્યુઆરી 1937ના રોજ છત્તીસગઢના રાજનંદગાંવમાં જન્મેલા વિનોદ કુમાર શુક્લએ સાહિત્યિક વર્તુળોથી દૂર રહેવાનો એક સજાગ નિર્ણય લીધો હતો. તેમને મોટા શહેરો, દોડતી ભીડ, ઠઠ્ઠા મશ્કરી કરતાં લોકો, એકબીજાને વખાણતાં લોકો, ધીમા અવાજે સુષ્ઠુ સુષ્ઠુ વાતો કરતાં લોકો, માણસોમાં જીતવાની લાગણીની હાંફતી સ્પર્ધાની દુનિયા માફક નહોતી આવતી. તેમણે ખેતીવાડીની તાલીમનું શિક્ષણ લીધું હતું – જબલપુરથી એમ.એસસી. કરનારા વિનોદ કુમારે નિવૃત્ત થયા તે પહેલાં ગ્રામીણ સમુદાયોને ખેતીની તકનીકો શીખવી હતી. મૂળિયાંસોતા જીવવું એક સભાન પસંદગી હતી, કોઈ પ્રાદેશિક મર્યાદા નહોતી. તેમણે એકવાર કહ્યું હતું કે, ‘સ્થાનિક બન્યા વિના હું સાર્વત્રિક નથી બની શકતો.’
તેમનું રાયપુર, તેમનું નાનકડું છત્તીસગઢ તેમના આગવા પ્રયોગો અને શાંત ક્રાંતિનો મંચ બન્યું. મૂશળધાર શબ્દો અને રાજકીય વાકબંધના વજનમાં રચાતા હિન્દી સાહિત્યના વિશ્વમાં વિનોદકુમાર શુક્લ એવા વાક્યો, એવા શબ્દો લઇને આવ્યા જેમાં વધારાનું કોઈ વજન નહોતું.
સાહિત્યિક ટીકાકારો તેમના કામનું વર્ગીકરણ નહોતા કરી શકતા, તેને કઇ શ્રેણીમાં મૂકવું તે કળવું તેમને માટે મુશ્કેલ હતું. ‘મેજિકલ રિયાલિઝમ’ શબ્દનો ઉપયોગ ઘણીવાર કરાયો પણ તે હંમેશાં બંધબેસે તેવું ય નથી થતું. વિનોદ કુમાર શુક્લનું જાદુ, ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝના ‘વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યૂડ’નાં પીળાં પતંગિયાં કે પછી સલમાન રશ્દીના ‘મિડનાઇટ્સ ચિલ્ડ્રન’થી સાવ વિપરીત છે. તેમની રચનાઓનું જાદુ ધામધુમથી પોતાની હાજરી નથી નોંધાવતું પણ વાસ્તવિકતા ધીરે ધીરે હકીકતની મર્યાદાઓ પાર કરે છે, સરિયલ (Surreal) તરફ જાય છે; જેમ કે, દીવાલમાં જીવતી બારી, વૃક્ષમાં જીવતો ઓરડો, ગરમ ઊની કોટ પહેરીને ચાલી નિકળતો વિચાર.
તેમના ગદ્ય સર્જનો વિશે અનુવાદકોનું કહેવું હતું કે તેમનાં લખાણોમાં પરિચિત હોય, જે વિશે ખબર હોય તેવી સાધારણ બાબત પર એટલું ધ્યાન કેન્દ્રિત કરવામા આવતું કે તેમાં એક અજીબ વિચિત્રતા ભળતી અને તે સાવ ઓળખાય તેવું, નજીકનું હોવા છતાં તે અપરિચિત લાગતું. કવિ રાજેશ જોશીએ તેમની આ શૈલી વિશે એમ ટાંક્યું હતું કે, “વિનોદ કુમાર શુક્લએ હિન્દી સાહિત્યનું પરંપરાગત માળખું તોડી નાખ્યું.” કુમાર અંબુજે તેમના અવસાન બાદ લખ્યું કે, “તેમનું જવું હિન્દી સાહિત્યના શુક્લ પક્ષનો અંત છે.”
સત્ય સરળ અને વિચિત્ર છે : વિનોદ કુમાર શુક્લ એ રીતે લખતા જાણે તે પહેલીવાર ભાષા શોધી રહ્યા છે, દરેક શબ્દનું વજન, તેનું બંધારણ ચકાસતા હોય તે રીતે તે કસોટી કરીને પછી તે શબ્દને પોતાના વાક્યમાં પ્રવેશવાની મંજૂરી આપતા. તેમને વાંચવા માટે વાચકે પહેલાં તો પોતાની સાહિત્યિક અપેક્ષાઓનું સંતુલન કરવું પડે. તેમના વાક્યો ત્યાં સુધી જ સરળ લાગે છે જ્યાં સુધી તમે પોતે એવું કંઇક લખવાનો પ્રયાસ ન કરો.
1979માં પ્રકાશિત ‘નૌકર કી કમીઝ’, હિન્દી સાહિત્ય, ફિક્શન શ્રેણીમાં તેમનું પહેલું પુસ્તક, આજે પણ સૌથી પ્રભાવી ડેબ્યુ (પ્રથમ પ્રયાસ) ગણાય છે. આઝાદી પછીના શરૂઆતી વર્ષોમાં એક સાધારણ સરકારી કારકુન વર્ગ અને માન-અપમાનની ગૂંચમાં પોતાનો રસ્તો કેવી રીતે કરે છે તેની વાત કરે છે. આ વાર્તામાં કોઇ પરંપરાગત વાસ્તવવાદ અને સમાજની વાત નથી. નવલકથા વાત કરે છે કે માણસ પોતાના પહેરેલાં કપડાં કાઢે તે પહેલાં તેને ગરીબી નિર્વસ્ત્ર કરે છે, કે પછી કપડાં બદલાશે તો ઓળખ પણ બદલાશે. આ વાર્તા આપણને કહે છે કે શાલીનતા કે ગૌરવ એક પરફોર્મન્સ છે, એક દેખાડો છે જે ઊંચ-નીચના ને દેખાતા માંચડાઓ પર ઊભેલા સમાજમાં ટકી જવા માટે જરૂરી છે.
પુસ્તકનો વાર્તાકાર નોંધે છે કે બૌદ્ધિક ગલગલિયાં ભૂખ્યા માણસને હસાવશે; કમનસીબે ભારતમાં લાખો લોકો આ બૌદ્ધિક ગલગલિયાંના ખેલનો શિકાર છે. 1979માં જે લખાયું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે.
સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા નવલકથા, ‘દીવાર મેં એક ખિડકી રહતી થી’માં શાળાના શિક્ષક રઘુવર પ્રસાદ અને તેમની પત્ની સોંસીની વાત છે, એવા પાત્રો જે વર્તમાનમાં એવું વસ્યા છે કે એમ લાગે જાણે ભવિષ્ય સ્થગિત છે. “આજની સવાર”થી શરૂ થતી વાર્તા બસ એ સવારમાં જ રહે છે. બારીમાંથી દેખાતાં વૃક્ષો ‘આજનાં વૃક્ષો’ છે. પ્રિયજન સામેની દરેક નજરમાં કંઇક એવું દેખાય છે જે પહેલાં નહોતું દેખાયું. વિનોદ કુમાર શુક્લના હાથમાં સમય શાશ્વત, તદ્દન કામચલાઉ અને કોઇ રબરબેન્ડની માફક ખેંચી-તાણી શકાય એવો બની જાય છે.
માર્ક્સવાદી ટીકાકારોએ પહેલાં તો નવલકથામાં રાજકીય સંલગ્નતા ન હોવાથી તેને જાકારો આપ્યો, નકારી કાઢી. તેઓ એ ચૂકી ગયા કે વિનોદ કુમાર શુક્લનું રાજકારણ નાની બાબતો પર ધ્યાન આપવાના નીતિશાસ્ત્રમાં સમાયેલું હતું. તેમણે નાના શહેરના શિક્ષક અને તેની પત્નીની જિંદગીને પણ એ ચકાસણી કે અવલોકનને લાયક ગણાવ્યા જે અવલોકન મોટે ભાગે સત્તા ધરાવતા કે આર્થિક રીતે શક્તિશાળી લોકો પૂરતું મર્યાદિત રહ્યું હતું.
લેખકને અંગત રીતે મળનારા લોકોએ તેમને વિશે ખૂબ નમ્રતાથી વાત કરી. તે કોઈ સોશ્યલ મીડિયા પર નહોતા, તેમને ટેકનોલૉજી માફક ન આવતી. એક જૂજ ઘટના ગણાય તેવા એક ઓનલાઇન સેશનમાં તેમણે કબૂલ્યું હતું કે, “કહેવા માટે ઘણું છે, બધું એટલું વેરવિખેર છે કે હું પોતે તે બધું એકઠું નહીં કરી શકું.” જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા તે છત્તીસગઢના પહેલા લેખક હતા અને તેમણે ટિપ્પણી કરી હતી કે, “મેં ઘણું જોયું છે, ઘણું સાંભળ્યું છે, અને ઘણું અનુભવ્યું છે પણ હું થોડું જ લખી શક્યો છું.”
આ કોઈ ઉપરછલ્લી નમ્રતા નહોતી પણ એવા લેખકના શબ્દો હતા જે સમજતા હતા કે અભિવ્યક્તિ કરતાં અનુભવ વધારે હોય છે. એંશીની વયે પહોંચ્યા પછી પણ તે રોજના સાતથી આઠ કલાક કામ કરતા, તેમની ઘરડી આંખો થાકી જતી તો તેમનાં પત્ની તેમનું બોલેલું ટાઇપ કરતાં. તેમના લખાણોમાં રહેલા જાદુ તત્ત્વ વિશે જ્યારે પુછાયું હતું ત્યારે તેમણે એમ જવાબ વાળેલો કે, “જિંદગી પ્રત્યેના તમારા પ્રેમમાં જાદુ અને આનંદ તમને મળી આવે છે.”
તેમને આંતરરાષ્ટ્રીય સાહિત્યિક પ્રવાહોનો બહુ પરિચય નહોતો, તે માત્ર હિન્દીમાં વાંચતા છતાં પણ 2023 PEN / નાબોકોવ એવોર્ડ ફોર અચીવમેન્ટ ઇન ઇન્ટરનેશનલ લિટરેચર મેળવનારા તે પહેલાં ભારતીય લેખક બન્યા. વિનોદ કુમાર શુક્લની પ્રાંતિય ભૂગોળમાં જીવતા અનેક સ્તરો, વાર્તાઓ બાબતો એવોર્ડ કમિટિની આંખે ચઢ્યા, લેખકની સ્થાનિક દૃષ્ટિની સાર્વત્રિકતાની સિદ્ધિ તેઓ કળી શક્યા.
તાજેતરમાં એવા સમાચાર આવ્યા કે તેમના પુસ્તક ‘દીવાર મેં એક ખિડકી રહતી થી,’ની છ મહિનામાં નેવું હજાર નકલો વેચાઈ જેની રોયલ્ટી ૩૦ લાખ જેટલી થઇ. હિન્દી પ્રકાશન વર્તુળોમાં હલચલ થઇ ગઇ. વાચકો સાહિત્યને નામે થતા દેખાડા, રાજકીય ઝૂકાવોથી કંટાળ્યા હોવાનો આ પુરાવો હતો. વિનોદ કુમાર શુક્લના લખાણોમાં વિલંબિત તાલમાં જિદંગીનું થતું ઉત્ખનન, સાધારણની મહાનતા અને કોમળ નજરથી જોવાતી દુનિયા વાચકોને પોષણ આપનારી સાબિત થઇ. તે ધીરજથી ક્ષણોમાં રહી શકતા જ્યારે બીજા લેખકોનાં કામોમાં આ મામલે ઉતાવળ વર્તાતી રહી છે.
ઘણાં યુવાન હિન્દી લેખકો પર તેમના કામનો પ્રભાવ છે, જેનો સ્વીકાર પણ બહુ કરાતો નથી. તેમનાં લખાણોએ શીખવ્યું કે વાક્યો સરળ અને અખૂટ બંને હોઈ શકે છે. ઓછું હોવાનો અર્થ લાગણીઓની ગરીબી નથી થતો, અને જેમાં કંઇ ખાસ છે જ નહીં તેની પર ધ્યાન આપવું એ એક આગવું રાજકારણ છે.
આપણો દેશ ચળકાટ, ઘોંઘાટ, અનિષ્ટથી ખદબદતા ભવિષ્ય તરફ દોડી રહ્યો છે ત્યારે ક્ષણોમાં જીવાડતું વિનોદ કુમાર શુક્લનું સાહિત્ય, આજનાં વૃક્ષો, આજની સવાર અને આજની કડીઓ પર ધ્યાન આપવા કહે છે – આપણે ભવિષ્ય પાછળ દોડવામાં શું ગુમાવી રહ્યા છે તેની આ ચેતવણી છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તેમનાં લખાણોએ વાચકોને નોંધ લેતા શીખવ્યું, બારી કોઈ બાકોરું નથી પણ એક રહેવાસી છે, તેની આગવી ઓળખ છે. તેમનાં લખાણો એ શીખવ્યું કે અંધારામાં હાથ લંબાવાયો છે એ પારખવું, એ હાથ કોનો છે તે જાણવાના મોહ કરતાં વધારે અગત્યનું છે.
વિનોદ કુમાર શુક્લએ એકવાર કહ્યું હતું કે જ્યારે તેઓ લખવા બેઠા હતા ત્યારે મનમાં એક જાણીતું પક્ષી આવ્યું, લખવાની ક્રિયા એ મનમાં રહેલા પંખીને મુક્ત કરવાનો તેમનો પ્રયાસ હતો. ઘણીવાર તેઓ શરૂ ન કરતા ત્યાં સુધી તે પોતે પણ ન જાણતા કે તે શું લખશે? લખવાની પ્રક્રિયાને શરણે જવું, તેને સમર્પિત થવું, ભાષા જ્યાં લઇ જાય ત્યાં તેને અનુસરવાની તેમની આ ઇચ્છાએ આધુનિક હિન્દી સાહિત્યમાં અવિસ્મરણીય ગદ્યો સર્જ્યાં.
એ પંખી હવે મુક્ત છે. પરંતુ એ પંખીને રહેવા માટે વિનોદ કુમાર શુક્લએ જ નવલકથાઓ, કવિતાઓ અને વાર્તાઓ રચ્યાં એ તમામ મનના પંખીને આવકારતા આમંત્રણો છે. તેમાં પ્રવેશ કરવો એટલે એ શોધવું કે વાસ્તવિકતા આપણે કલ્પી હતી તેના કરતાં વધુ વિચિત્ર અને નાજુક છે, એ શોધવું કે લંબાવેલો હાથ નિરાશા દૂર કરી શકે છે, કે ઓળખાણ વિના સાથે ચાલવું પણ આગવી સમજણ રચે છે.
બાય ધી વેઃ
સત્તા, પ્રસંશા અને મોહથી ઘેરાયેલા સાહિત્યિક વિશ્વમાં વિનોદ કુમાર શુક્લના શાંત અવાજની આજે પહેલાં કરતાં વધુ જરૂર છે. તેમનું સઘળું કામ એક કપરા સત્યનો પુરાવો છે કે ખરું ધ્યાન, જે ધીરજાવાન, પ્રેમાળ, ઝીણવટભર્યું હોય તે માત્ર સાહિત્યને જ નહીં પણ તમારી આંતરીક સૂધને પણ બદલી શકે છે. આપણી બારીઓમાંથી દેખાતાં વૃક્ષો આજનાં છે, આપણને જેમ વિનોદ કુમાર શુક્લએ શીખવ્યું છે એમ આશ્ચર્ય, અહોભાવ, ચોકસાઈ અને અખૂટ કાળજીથી આપણે ‘આજ’ને, ‘અત્યાર’ને, જોઈશું તો બહેતર જીવીશું. તેમના જ શબ્દોમાં તેમના જવાને વર્ણવીએ તો તેમની રચના ટાંકવી પડે;
वह आदमी नया गरम कोट पहिनकर चला गया विचार की तरह।
रबड़ की चप्पल पहनकर मैं पिछड़ गया।
जाड़े में उतरे हुए कपड़े का सुबह छः बजे का वक़्त
सुबह छः बजे का वक़्त, सुबह छः बजे की तरह।
पेड़ के नीचे आदमी था।
कुहरे में आदमी के धब्बे के अंदर वह आदमी था।
पेड़ का धब्बा बिलकुल पेड़ की तरह था।
दाहिने रद्दी नस्ल के घोड़े का धब्बा,
रद्दी नस्ल के घोड़े की तरह था।
घोड़ा भूखा था तो
उसके लिए कुहरा हवा में घास की तरह उगा था।
और कई मकान, कई पेड़, कई सड़कें इत्यादि कोई घोड़ा नहीं था।
अकेला एक घोड़ा था। मैं घोड़ा नहीं था।
लेकिन हाँफते हुए, मेरी साँस हुबहू कुहरे की नस्ल की थी।
यदि एक ही जगह पेड़ के नीचे खड़ा हुआ वह मालिक आदमी था
तो उसके लिए
मैं दौड़ता हुआ, जूते पहिने हुए था जिसमें घोड़े की तरह नाल ठुकी थी।
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 ડિસેમ્બર 2025
![]()

