જગતમાં જ્ઞાનનું ખેડાણ અનેક ક્ષેત્રોમાં વિસ્તર્યું છે. એક ક્ષેત્ર શુદ્ધ વિજ્ઞાનોનું છે, જેમાં પદાર્થવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, અવકાશવિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે. બીજું ક્ષેત્ર માણસ અને સમાજને અનુલક્ષીને છે. તેમાં અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, વગેરેનો સમાવેશ થાય છે. ઇતિહાસ અને ભૂગોળનાં વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય સ્વરૂપો છે જ; પણ આપણે એકંદરે તેનો માહિતીના સ્રોત રૂપે વિચાર કરીએ છીએ. શાસ્ત્ર, વિજ્ઞાન અને વિદ્યા એમ ત્રણ નામે વૈજ્ઞાનિક પદ્ધતિના જ્ઞાનનો ઉલ્લેખ થાય છે. વિદ્યાઓમાં શસ્ત્રવિદ્યા, જ્યોતિષવિદ્યા વગેરેનો સમાવેશ થાય છે. આ સઘળાંમાં દર્શનશાસ્ત્ર સૌની ટોચે અને સર્વસમાવેશી હોય છે. દર્શનશાસ્ત્ર અનેક અલગ અલગ શાસ્ત્રો, વિજ્ઞાનો તથા વિદ્યાશાખાઓનો સમન્વય કરે છે. દર્શનશાસ્ત્ર શંકા, સવાલો, તાર્કિક ખંડન-મંડન, ધારણાઓ, સાબિતીઓ વગેરેના અડાબીડ જંગલમાંથી પસાર થાય છે. દાર્શનિકો ગહનચિંતન દ્વારા માનવજીવન, પ્રકૃતિ, આત્મા-પરમાત્મા, જડ-ચૈતન્ય, કાર્યકારણ સંબંધ વગેરે વિશે સમજ કેળવે છે.
વિજ્ઞાન કેટલાક ચોક્કસ આગ્રહો સેવે છે. જ્ઞાનનું શાસ્ત્ર અથવા સિદ્ધાંત, જેને અંગ્રેજીમાં થિયરી ઑફ નૉલેજ કહીએ છીએ, તે કેટલાંક પરિણામો અને કસોટીઓના ચોક્કસ પ્રકારો ધરાવે છે. પ્રયોગો તર્ક કે નિરીક્ષણ દ્વારા ચોક્કસ તારણો તરફ લઈ જાય છે. આ તારણોને લીધે માનવ જગત પાસે એક અદ્દભુત શક્તિ આવે છે. તેને પ્રેડિક્ટેબિલિટી-અવશ્યંભાવિતા કહેવાય છે. નર્મદા નદી ઉપરના બંધમાંથી છોડાતા પાણી વડે ટર્બાઇન ફરે એટલે વીજળી પેદા થાય જ. ગુરુત્વાકર્ષણના નિયમને કારણે ઊંચેથી પટકાવાથી મરણ કે ગંભીર ઈજા થાય જ. ગુરુત્વાકર્ષણનો નિયમ જે રીતે સફરજનને લાગુ પડે, તે જ રીતે ધર્માચાર્ય, વૃદ્ધ, મહિલા કે બાળકને પણ લાગુ પડે જ.
વિજ્ઞાનની ગતિવિધિ સૌ માટે સમાન છે. ચંદ્રયાન, ગ્રહણ, ભરતી-ઓટ, તબીબી સારવાર વગેરે તેના વિસ્તરતા સીમાડા દાખવે છે. વિજ્ઞાનમાં કશું ગૂઢ કે રહસ્યભર્યું હોતું નથી. તે પ્રયોગો કરીને જાણી શકાય છે. તેને સ્પષ્ટ રીતે માપી શકાય છે. તેને જોઈ અને બહુધા, સ્પર્શી શકાય છે.
ગ્રીક દંતકથા અનુસાર, ઑલમ્પસ પર્વત ઉપરથી પ્રોમિથસ અગ્નિ ચોરી લાવ્યો અને માનવજાતને તેની ભેટ આપી, ત્યારથી વિજ્ઞાનનો પ્રારંભ થયો. અગ્નિની જેમ પૈડું – ચક્ર પણ આવી જ ક્રાંતિકારી શોધ સાબિત થઈ. હાલનું જગત ચતુર્થ ઔદ્યોગિક ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યું છે. પ્રથમ ક્રાંતિ (૧૬૦૦-૧૭૪૦) કોલસો, વરાળ, ખેતી અને નાણાંવ્યવહારને લગતી હતી. કોલસા દ્વારા વરાળયંત્રો ચાલતાં થયાં અને કુટિર ઉદ્યોગો બંધ પડવા માંડ્યા. બીજી ક્રાંતિ લગભગ ૧૮૭૦થી આરંભાઈ. તેમાં કમ્બસ્ટન એન્જિનનો ઉપયોગ કરી જથ્થાબંધ ઉત્પાદન થવા માંડ્યું. ૧૯૬૯થી ત્રીજી ક્રાંતિનાં મંડાણ થયાં અને તેમાં અણુશક્તિ ચાલકબળ બની. તે સાથે ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ક્રાંતિનો પ્રારંભ થયો. એકવીસમી સદી ડિજિટલ ટેક્નોલૉજીની ક્રાંતિ છે. આ ક્રાંતિઓ બાબતે કેટલાક મુદ્દા નોંધવા જોઈએ :
૧. અગ્નિ અને પૈડાંની શોધ પછી સેંકડો વર્ષે પ્રથમ ક્રાંતિ જન્મી, પરંતુ તે પછી બીજી અને ત્રીજી ક્રાંતિ સો-સો વર્ષે સધાઈ. ચોથી અને ત્રીજી ક્રાંતિ વચ્ચે માંડ ચાર દાયકાનો સમય લાગ્યો.
૨. ક્રાંતિઓ અનેક શાસ્ત્રો, વિજ્ઞાનો અને વિદ્યાઓના આંતરસંબંધો ધરાવે છે. ચાલકશક્તિ, યંત્રવિદ્યા, તર્ક, ગણિત, મૅનેજમૅન્ટ, ફાઇનાન્સ, અર્થ-સમાજ, રાજકારણ – એમ દરેક બાબતમાં પરિવર્તનો અને વમળો જન્મે છે.
આટલા બધા વૈજ્ઞાનિક આવિષ્કારોના કારણે માનવજીવન તેમ જ રાજકીય વ્યવસ્થાઓમાં જે આમૂલાગ્ર ફેરફારો જન્મ્યા તેને પ્રગતિ કહેવી કે કેમ તે અંગે ચર્ચા થઈ શકે છે, વિજ્ઞાનની શોધખોળથી જીવન સુખ, સંતોષ કે આનંદમય બન્યું છે કે કેમ તે અંગે પણ મતભેદો હોઈ શકે. છતાં વિજ્ઞાનની આગેકૂચને કોઈ થંભાવી શકે તેમ નથી તે પણ એટલું જ સાચું છે. વિજ્ઞાન અને શોધખોળોમાંથી જન્મતી પ્રગતિની સામે સુખ, સંતોષ અને આનંદની ખોજમાં માણસ અધ્યાત્મના ક્ષેત્રમાં પણ, તપાસાર્થે ઊતર્યો છે.
જેમની સવાસોમી જયંતી ઊજવાઈ રહી છે, તે વિનોબા ભાવેનું અધ્યાત્મ, ધર્મ તથા શાસ્ત્રોના ક્ષેત્રે અતિ ઉમદા પ્રદાન છે. વેદ, શાસ્ત્રો અને પુરાણો, જગતના ધર્મો, સંતસાહિત્ય વગેરેમાં વિનોબાની સમકક્ષ સમજ ધરાવનાર અન્ય કોઈ ભાગ્યે જ સાંપડે. આ બધાંનો તેમણે માત્ર અભ્યાસ જ નથી કર્યો; તે બધું જીવનમાં ઉતારતા રહીને તેમણે ‘સમન્વય’ની ભૂમિકા સર્જી આપી છે. તેમનું સમગ્ર જીવન ‘દિલોંકો જોડવાનું કામ કરવામાં વીત્યું. દુનિયામાં ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવી, ભૂદાન પ્રવૃત્તિ પણ તેમણે જ ચલાવી બતાવી. વિનોબા અધ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચે સમન્વય કરવા મથે છે.
અધ્યાત્મ એક જુદી અને આગવી ભૂમિકા ધરાવે છે. ‘અધ્યાત્મ’ શબ્દને બરાબર સમજવો જોઈએ. અંગ્રેજી શબ્દ ‘સ્પિરિચ્યુઆલિઝમ’ તેની નજીક છે. આત્મા એટલે કે સ્પિરિટ વિષયક હોય તે આધ્યાત્મિક. નકારાત્મક ભાવથી ગણીએ તો ધાર્મિક, રૂઢિવાદી, મૂર્તિપૂજન-અર્ચન, વિધિવિધાન, કર્મકાંડ, યજ્ઞયાગાદિ, મંત્ર, તંત્ર વગેરે ક્ષેત્રો મૂળભૂત રીતે આધ્યાત્મિક નથી, પણ ભક્તિ, શ્રદ્ધા, ધ્યાન વગેરે ક્ષેત્રો આધ્યાત્મિક યાત્રામાં ખપનાં ગણાય છે.
વિનોબાની દૃષ્ટિએ અધ્યાત્મ માટે પાંચ આવશ્યકતાઓ છેઃ
૧. સત્ય, અહિંસા, કરુણા, પ્રેમ વગેરે જેવાં નિરપેક્ષ નૈતિક મૂલ્યોમાં શ્રદ્ધા, Faith in absolute values.
૨. પ્રાણીમાત્ર સાથે એકાત્મતા અને પવિત્રતા. (Unity and Sanctity of Life).
૩. મૃત્યુ પછી ય જન્મજન્માંતર દ્વારા જીવનની અખંડિતતા. (Continuity of Life)
૪. કર્મવિપાકઃ કર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા.
૫. વિશ્વ કોઈક વ્યવસ્થાને આધીન છે. (There is an order in the Universe.)
આ તમામ મુદ્દાનો સાર એ છે કે અધ્યાત્મ દ્વારા વ્યક્તિ કોઈક સચરાચર ચૈતન્ય સાથે તાદાત્મ્ય અનુભવે છે. પોતાનું જીવન કર્મ, પ્રારબ્ધ, પરમ તત્ત્વ વગેરેના સંદર્ભમાં જીવે છે. આવી વ્યક્તિને જન્મ અને પુનર્જન્મમાં શ્રદ્ધા હોય છે. ગાંધીજીએ કહેલું તેમ, ‘મચ્છર અને માંકડ પણ મારા સહોદર છે’ – એ વાતમાં તેને ભરોસો હોય છે.
આ પ્રકારના વિચારો અને શ્રદ્ધા ધરાવનાર અધ્યાત્મનો આધુનિક વિજ્ઞાન સાથે મેળ બેસે તેમ નથી. કેટલાક પાયાગત તફાવતો જોઈએ :
૧. વિજ્ઞાનનું જ્ઞાન નિરીક્ષણ આધારિત તથા પંચેન્દ્રિય (કાન, નાક, આંખ, સ્પર્શ અને સ્વાદ) જનીત છે. તેના પુરાવા આપી શકાય છે. અધ્યાત્મનું જ્ઞાન શ્રદ્ધા ઉપર અવલંબે છે અને તેના પુરાવા આપી શકાતા નથી. જન્મ-પુનર્જન્મ, પ્રારબ્ધ વગેરેના પુરાવા મળતા નથી; તે માત્ર માની લેવાની કે ધારી લેવાની બાબતો છે.
૨. આધ્યાત્મિક જ્ઞાનનો પ્રત્યક્ષદર્શી પુરાવો મળતો નથી. વિજ્ઞાન હંમેશાં પ્રત્યક્ષ-પ્રમાણ રજૂ કરે છે. જેનો પુરાવો કે પ્રમાણ આપી ન શકાય, તેને વિજ્ઞાન ન જ કહેવાય.
૩. વિજ્ઞાન તર્કબુદ્ધિ ઉપર આધારિત છે; અધ્યાત્મમાં તર્કનો પ્રયોગ નથી. મહાભારતના વિદુરના પાત્ર દ્વારા આ વાત ઉપર વેધક પ્રકાશ પડે છે. વિદુરે પોતાને આટલું બધું દુઃખ કેમ વેઠવું પડ્યું તે અંગે ધર્મરાજાને સવાલ કર્યો. તેને જવાબ મળ્યો કે અમુક જન્મમાં તે એક નાના (અગિયાર વર્ષના) બાળક હતા, ત્યારે બાવળની લાંબી શૂળ એક તીતીઘોડા ઉપર ખોસી દીધી હતી ! એક નાના બાળકને આટલી બધી સજા હોય ?! હાલની ન્યાયવ્યવસ્થા સાથે આ બાબત સુસંગત નથી. જુવેનાઇલ જસ્ટિસના સિદ્ધાંત પ્રમાણે એક તો અણસમજુ બાળકને આવી સજા ન કરાય. બીજું, સજા હંમેશાં ગુનાના પ્રમાણમાં જ હોઈ શકે. તાર્કિક રીતે હવે સવાલ એ કરવો જોઈએ કે એક નાના બાળકની અણસમજ માટે આવી સજા કરનાર ધર્મરાજાના કર્મ માટે કેવી સજા કરવી જોઈએ ?
આમ છતાં, વિનોબાના અધ્યાત્મ અને વિજ્ઞાનને સાંકળવાના પ્રયાસમાં મૂળભૂત રીતે મોક્ષમાર્ગી સમાજ માટે ઉચિત દિશામાં ગતિ કરે તેવા વિજ્ઞાનની ઉપર વિજ્ઞાનની દિશા ઉપર ભાર મુકાયો છે. આ મુદ્દો અનેક કારણોસર વિચારપાત્ર છે. વિજ્ઞાનને સમજણ અને વિવેકપૂર્ણ વ્યવહારના સંદર્ભમાં જોઈએ, તો અધ્યાત્મ સાથેનો તેનો આવશ્યક નાતો સમજી શકાય. અત્યંત મહત્ત્વની વાત એ છે કે અધ્યાત્મ સાથેના જોડાણવાળા વિજ્ઞાન વડે એક સુખી અને આનંદસભર માનવજીવનનો આવિષ્કાર થઈ શકે. થોડાંક ઉદાહરણો જોઈએ :
૧. વિજ્ઞાને અણુ ઊર્જાની ખોજ કરી બતાવી, પણ જો અધ્યાત્મનો વિચાર હોત તો હિરોશિમા-નાગાસાકી નીપજ્યાં ન હોત.
૨. આર્થિક અસમાનતા, ગરીબી, પર્યાવરણીય વિનાશ, ભ્રષ્ટાચાર, સત્તાખોરી, હિંસા, (મોબ લીન્ચિંગ, કરફ્યુ, આતંકવાદ) ન હોત અને ધાર્મિક ઝનૂન અને વેરભાવ પણ ન હોત.
૩. શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા વ્યવસાયોમાં નફાખોરી ન હોત.
૪. સ્ત્રીઓ તરફનું અપમાનજનક વર્તન ન હોત.
૫. ઉપભોક્તાવાદ અને તેના કારણે થતાં અનેકવિધ દૂષણો પણ ન હોત.
આ યાદી ઘણી લાંબી કરી શકાય તેમ છે. આધ્યાત્મિકતાનો કાબૂ હોય તે સમાજનાં તમામ તંત્રો સુખ અને આનંદકેન્દ્રી બની રહે તે સ્વાભાવિક છે. અહીં બે દેશોના દાખલા ઉપયુક્ત બને છે. એક તરફ ભૂતાન દેશ છે. ત્યાં સુખને લક્ષમાં રાખીને આર્થિક નિર્ણયો લેવાય છે. આથી ત્યાં ઔદ્યોગિકીકરણ થતું નથી. પ્રવાસનની આવક મુખ્ય હોવા છતાં તેને પણ મર્યાદિત રખાય છે.
ભુતાન કરતાં સુખના સૂચકાંકમાં નૉર્વે, નેધરલૅન્ડ, સ્વિડન વગેરે દેશો આગળ છે. ત્યાં આધુનિકતા અને વિજ્ઞાન છે, પરંતુ રાજ્યવ્યવસ્થા ખૂબ જ ઉચિત નિર્ણયો કરે છે, તેથી ભ્રષ્ટાચાર, ગરીબી, શોષણ, હિંસા વગેરે પણ ઓછાં જ છે. આથી જ નેધરલૅન્ડમાં હવે જેલો ભાડે અપાય છે.
આ ઉદાહરણોને આધ્યાત્મિક તથા વિજ્ઞાનના સંદર્ભે જોડીએ તો સમજાશે કે સ્કેન્ડિનેવિયાના દેશોમાં યુ.એન.ના આદર્શો અનુસાર અને સામાજિક ન્યાયની સંનિષ્ઠ વિભાવનાને કારણે વિજ્ઞાન આધારિત ધાર્મિક અને આધુનિક સુખી જીવન શક્ય બન્યું છે. બીજી તરફ ભારત, પાકિસ્તાન, સીરિયા, લિબિયા, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં (અધ્યાત્મ નહીં !) ઝનૂનના કારણે શાસન વ્યવસ્થા સમાજો માટે જરૂરી સુખનું સર્જન કરી શકી નથી. અધ્યાત્મના આંચળા હેઠળના ધાર્મિક ઝનૂનના સ્થાને આધુનિકતા સાથેનો સામાજિક ન્યાય ઉપયુક્ત બને છે.
અલબત્ત, અધ્યાત્મની સાચી દિશા પકડાય, તો માનવજીવન અકલ્પ્ય એવી ઊંચાઈએ પહોંચી શકે. વિનોબાજીની ભૂદાનપ્રવૃત્તિ દ્વારા આ ઊંચાઈ સાબિત કરીને સૌને પ્રત્યક્ષ કરી બતાવી છે. ભારતની આઝાદીની લડાઈમાં ગાંધીજીએ પણ અગિયાર મહાવ્રતો દ્વારા આ ઊંચાઈ સિદ્ધ કરી બતાવી છે. આ કક્ષાએ હજુ વિજ્ઞાનનું પહોંચવું બાકી છે.
સ્વ. કાંતિભાઈ શાહ, આપણા સમયના, વિનોબાજીના એક ઉત્તમ તત્ત્વચિંતક હતા. તેમનું પુસ્તક, વિજ્ઞાન, અધ્યાત્મ અને વિનોબા, (યજ્ઞ પ્રકાશન : ૨૦૦૪) આ ક્ષેત્રમાં વિચારનારા માટે ધ્રુવતારક સમાન છે.
કાંતિ શાહ નોંધે છે : ‘આ દુનિયાનું ઘડતર કરનારી અને માણસના જીવનને આકાર આપનારી ત્રણ તાકાત છે : વિજ્ઞાન, આત્મજ્ઞાન અને સાહિત્ય … આ ત્રણે શક્તિ અસલમાં વિચારવાની શક્તિ છે, જે ચિંતન-મનનમાંથી નીપજી છે. ચિંતન મુખ્યત્વે ચાર પ્રકારનું હોય છે : (૧) ડોગ્મેટિક એટલે કે રુઢિગત, સ્થિતિચુસ્ત, અમુક વાદને વળગી રહેનારું, હઠાગ્રહી. (૨) પ્રેગ્મેટિક એટલે કે પરિણામવાદી, ઉપયોગિતાવાદી, વ્યાવહારિક દૃષ્ટિએ વિચારનારું. (૩) રેશનલ એટલે કે તર્ક-આધારિત, બુદ્ધિયુક્ત કેવળ બુદ્ધિ-પ્રામાણ્યને માનનારું. (૪) ટ્રાન્સેન્ડેન્ટલ એટલે કે પેલે પારનું, બુદ્ધિની મર્યાદાને અતિક્રમી જતું, ગૂઢ અને રહસ્યને આંબતું. વિજ્ઞાન અને આત્મજ્ઞાનનું ચિંતન ચોથા પ્રકારનું છે.’
વિશ્વાત્માનું શોધન વિજ્ઞાન કરે છે અને અંતરાત્માનું શોધન આત્મજ્ઞાન કરે છે … વિજ્ઞાન અને આધ્યાત્મના શોધન દ્વારા બંને એક છે, તેવો અનુભવ થશે. આવી સંશય રહિત વૃત્તિ એટલે જ પ્રજ્ઞા. તે જેની પાસે કાયમ રહે, તે સ્થિતપ્રજ્ઞ. (પૃ. ૧૩૭)
‘મને ખાતરી છે કે વિજ્ઞાન આટલું બધું વધશે, તે પછી અધર્મ ટકી જ નહીં શકે, અને સર્વત્ર ધર્મ જ ફેલાશે. સંકુચિત ભાવના એ જ ‘અધર્મ’ છે. અને વ્યાપક ભાવના એ ધર્મ … મને ખાતરી છે કે હવે વિજ્ઞાનની ભૂમિકા ઉપર સાચા ધર્મની સ્થાપના થશે, માનવધર્મની સ્થાપના થશે.’ (પૃ. ૧૪૨)
વિજ્ઞાન અને અધ્યાત્મને આ રીતે એકાકાર વૃત્તિથી વિનોબા જોડે છે. તેમની પ્રજ્ઞા પ્રમાણે જગતમાં કોઈ અને કશું પણ પારકું નથી. યજુર્વેદ કહે છે તેમ જગતને મિત્રવત્ જોવાશે. પ્રજ્ઞા અને આંતરદૃષ્ટિની આ એક આગવી અને વિશિષ્ટ કસોટી છે. ગીતા કહે છે તેમ ‘આત્મવત્ સર્વ ભૂતેષુ.’ બધું જ અને બધે જ જે પરમાત્મા પ્રવર્તે છે, તે અને વ્યક્તિ-આત્મા એકાકાર થઈ રહેશે. મનન-ચિંતનની ટ્રાન્સેન્ડેન્ટલ પરિસ્થિતિમાંથી નીપજતી આ સ્થિતપ્રજ્ઞતા બને છે.
આ અતિ રોચક અને ભવ્ય વિચારને કાંતિભાઈ આ રીતે મૂકે છે : ‘હું તો કહીશ કે અવતારયુગ હવે પૂરો થયો. આપણે સહુ મળીને ભગવાનને કહીએ કે હવે તમારે અવતાર લેવાની જરૂર નથી. અમારો ઉદ્ધાર એમ જ કરીશું. તમે નીચે ઊતરો, તેને બદલે અમે જ ઉપર ચઢીએ. વારંવારે તમારે જ આવવું પડે, તેમાં તમારી શોભા નહીં અને અમે બાળકો માટે પણ તે શોભાસ્પદ નહીં, તેથી હવે અમારે જ વિજ્ઞાન અને આત્મજ્ઞાનની બે પાંખે ઊડતાં શીખી લેવું જોઈએ અને ધર્મ-સ્થાપના કરવી જોઈએ.’ (પૃ. ૧૪૧)
ડૉગ્મેટિક, પ્રેગ્મેટિક અને રેશનલ ચિંતનમાં પરિસીમિત રહેવાને બદલે ટ્રાન્સેન્ડેન્ટલ ચિંતનના આ માર્ગે અધ્યાત્મ અને વિજ્ઞાન ભાવિ સમાજની બે પાંખો છે.
‘સંપાદક’, અભિદૃષ્ટિ
(01 સપ્ટેમ્બર 2019ના દિવસે, રૉટરી ક્લબ, મહેસાણા સમક્ષ અપાયેલા પ્રવચન ઉપર આધારિત.)
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, સપ્ટેમ્બર 2019; પૃ. 02 − 05