કલા અને પ્રેમ જેટલાં અમૃતમય છે તેટલાં જ વિષમય પણ છે. કલાની સાધનામાં અસ્તિત્વને ઓગાળી નાખનાર અને ખળભળાવી મૂકે તેવી તીવ્રતાથી જીવનાર – મરી જનાર કલાકારોને જો કલાના મજનૂઓ કહી શકાય તો વિન્સેન્ટ વાન ગૉગ કલાનો એવો જ એક મજનૂ – દીવાનો હતો. વિન્સેન્ટ વાન ગૉગની અદ્દભુત કલા – જીવલેણ સંઘર્ષ, એના વિશે લખાયેલા અરવિન્ગ સ્ટોનના પુસ્તક ‘લસ્ટ ફૉર લાઈફ’ અને વિનોદ મેઘાણીએ કરેલા એના અનુવાદ ‘સળગતાં સૂરજમુખી’માંથી જરા પસાર થવું છે?
કલા અને પ્રેમ જેટલાં અમૃતમય છે તેટલાં જ વિષમય પણ છે. કલાની સાધનામાં અસ્તિત્વને ઓગાળી નાખનાર અને ખળભળાવી મૂકે તેવી તીવ્રતાથી જીવનાર – મરી જનાર કલાકારોને જો કલાના મજનૂઓ કહી શકાય તો વિન્સેન્ટ વાન ગૉગ કલાનો એવો જ એક મજનૂ – દીવાનો હતો. કોઈ પુસ્તક વાંચીને ઊંઘ હરામ થઈ જાય એવું હવે બહુ ઓછું બને છે. એમાં મારી પોતાની ઘટતી જતી મુગ્ધતા જવાબદાર હોઈ શકે, પણ વિનોદ મેઘાણી રચિત વિન્સેન્ટ વાન ગૉગની જીવનકથા ‘સળગતાં સૂરજમુખી’ વાંચીને મારી રાતની ઊંઘ અને દિવસનું ચેન હરામ થઈ ગયાં હતાં – સાથે એક અજબ સુખનો પણ અનુભવ થયો હતો. પછી અરવિન્ગ સ્ટોનનું મૂળ પુસ્તક ‘લસ્ટ ફૉર લાઈફ’ પણ વાંચવા મળ્યું. ‘લસ્ટ’ અને ‘સળગતાં’ આ બન્ને શબ્દો અનેક અર્થ વ્યંજિત કરે છે.
30 માર્ચે વિન્સેન્ટ વાન ગૉગનો જન્મદિન છે એટલે મારા જેવાં બીજાં થોડાંકને પણ એ અજબ અજંપ સુખ આપવાનું મન થયું.
વિન્સેન્ટ વાન ગૉગ એટલે એક આખી સદીની કલા જેના વડે દોરાઈ હતી તે ડચ મૂળનો ઈમ્પ્રેશનિસ્ટ પેઈન્ટર. ગહન પ્રામાણિક સંવેદના, ઘેરા રંગો અને વાસ્તવનું ખરબચડું સૌંદર્ય ધરાવતાં 2,000થી વધુ ચિત્રો તેણે સર્જ્યાં હતાં. સ્ટીલ લાઈફની તેની પ્રસિદ્ધ ચિત્રશ્રેણી ‘સનફ્લાવર્સ’ અને અન્ય ચિત્રો આજે તો જગવિખ્યાત છે, પ્રખ્યાત ગેલેરીઓને શોભાવે છે અને લાખો-કરોડોના ભાવે વેચાય છે પણ તેની જિંદગી અદમ્ય, સળગતી અને સળગાવી મૂકતી સર્જકતા અને ઘોર ઉપેક્ષા વચ્ચે ભીંસાતાં જ વીતી હતી અને તેના જીવનકાળ દરમ્યાન તેનું એક જ ચિત્ર વેચાયું હતું.
આર્થિક ભીંસ વચ્ચે જીવતો વિન્સેન્ટ, લંડનની તેની મકાનમાલિકણની પુત્રી પ્રત્યેના એકપક્ષી પ્રેમની નિષ્ફળતાથી ભાંગી પડે છે અને પાદરી પિતા પાસે પાછો ફરે છે અને પોતાની જિંદગીની શોધમાં નીકળે છે ત્યાંથી શરૂ થતી આ કથા હૃદય હલાવી નાખે તેવી યાતના અને ઉપલબ્ધિના ઘેરા-આછા રંગોથી આરક્ત અને ઘણી ટૂંકી છતાં અનંત અથાક પરિશ્રમથી ભરેલી છે.
વિન્સેન્ટના પિતા પુત્રને પણ પાદરી બનાવવા ઈચ્છે છે. વિન્સેન્ટ ઉપદેશક તરીકે કોલસાની ખાણમાં કામ કરતા લોકો વચ્ચે જાય છે. ગરીબ, કંગાળ, મેલાઘેલા લોકો વચ્ચે સ્વચ્છ કપડાં પહેરી, સગવડવાળા મકાનમાં રહી ઈસુનો ઉપદેશ આપવાનું એને બહુ અજુગતું ને શરમભર્યું લાગે છે એટલે એ ત્યાંના મજૂરો જેવું જીવન જીવવા માંડે છે. ચર્ચ તેને બરતરફ કરે છે. પોતાની સાચી વિશ્રાંતિ રંગ અને રેખાઓમાં છે તેનો ખ્યાલ તેને આવતો જાય છે, પણ એ દિશામાં આકરો સંઘર્ષ છે. એક વાર પોતે ચાહેલી દૂરની પિતરાઈ યુવતી વિધવા થતાં વિન્સેન્ટ પોતાનો પ્રેમ ફરીવાર વ્યક્ત કરે છે અને ફરીવાર હડધૂત થાય છે. દરેક દિશાએથી નિષ્ફળ અને નકામા હોવાનો ઉપાલંભ પથ્થરની જેમ ફેંકાતો તેને ઘાયલ કરતો રહે છે. એના પ્રયત્નો ઝનૂની છે અને એની કલા ઉત્તમ, પણ ચિત્રકાર તરીકે ઓળખ મેળવવાના તેના સંઘર્ષનો છેડો આવતો નથી. આ સંઘર્ષના વિવિધ તબક્કાની વાત કરતાં 19મી સદીના યુરોપના કલાપ્રવાહોની સરસ ઝાંખી પુસ્તકમાં વણી લેવાઈ છે.
દેહ વેચતી ક્રિસ્ટીન સાથે પ્રેમ, તેની સાથે રહેવાનું શરૂ કર્યા છતાં ઘર ચલાવી શકાય તેટલી આવક ઊભી કર્યા પછી જ પરણવાનો વિન્સેન્ટનો નિર્ધાર, ખૂબ કરકસરભર્યા જીવન અને વિન્સેન્ટની કલા પ્રત્યેની ધૂનથી ત્રાસીને ક્રિસ્ટીનનું ચાલ્યા જવું, ભૂખ્યા-અર્ધભૂખ્યા પેટે ચિત્રો કરતા રહેતા વિન્સેન્ટનું ઝનૂન, આત્મામાં ઊતરતાં અને પ્રામાણિકતાથી વ્યક્ત થતાં દૃશ્યો, સતત મળતાં ટીકા અને નકાર, અભિવ્યક્તિની જીવલેણ મથામણ, ઉપેક્ષા, નિષ્ફળતા – આ બધાંના પરિણામે એક તરફ તેની કલા વધુ ને વધુ ધારદાર બનતી જાય છે ને બીજી તરફ શરીરમન કંતાતાં જાય છે. આત્મામાં અગન ભભૂકે છે. વ્યક્તિત્વ વિક્ષિપ્ત, વિશૃંખલ થતું જાય છે. ભ્રમણાઓ પીડે છે. અત્યાર સુધી તેને પોષતો આવેલો ભાઈ થિયો પણ તેનાથી થાકવા માંડે છે. આવી મનોદશામાં પોતે જેને ચાહી બેઠો છે એ વેશ્યા મજાકમાં કહે છે, ‘પૈસા નથી? વાંધો નહીં, તારો એક કાન મને આપી દેજે.’ ત્યારે તે સાચે જ પોતાનો કાન કાપી, તેને ટુવાલમાં વીંટી, લોહીનીકળતી દશામાં એ વેશ્યાને આપવા જાય છે. તેને વાઈના હુમલાઓ આવે છે. પાગલખાનામાં સારવાર માટે જવું પડે છે. આ બધા વચ્ચે ચિત્રો દોરવાનું ચાલુ જ છે. પાગલખાનાના ડૉક્ટર ગાશે તેના મિત્ર અને ચાહક બની જાય છે, પણ અંદરબહારની વિષમતાઓ વિન્સેન્ટને ઘેરતી, ભીંસતી ને ભાંગીને ભૂક્કો કરતી રહે છે. અંતે તે પોતાને ગોળી મારી દે છે ને મૃત્યુ પામે છે – ફક્ત સાડત્રીસ વર્ષની ઉંમરે.
આવા તીવ્રતાઓવાળા સર્જકને અને તેના સર્જનને ઓળખવું, સમજવું ને તેની તમામ દુર્દમ્ય સર્જકતા અને યાતનાઓ સાથે આલેખવું તે તલવારની ધાર પર ચાલવા જેવું કામ છે. લેખક અને અનુવાદક બન્ને તલવારની ધાર પર ચાલ્યા છે. એમ ચાલવા જતાં તેમનું લોહી પણ વહ્યું છે અને લોહીના એ રંગો વડે વિન્સેન્ટ વાન ગૉગનું જીવનચરિત્ર અવિસ્મરણીય રંગોનો પુટ પામ્યું છે.
અરવિન્ગ સ્ટોન વિવિધ વ્યક્તિઓ પર જીવનચરિત્રાત્મક નવલકથાઓ લખવા માટે પ્રખ્યાત છે. ‘લસ્ટ ફૉર લાઈફ’ એમની આ પ્રકારની પહેલી નવલકથા છે. 1903માં જન્મેલા અરવિન્ગ સ્ટોન પૅરિસમાં વિન્સેન્ટ વાન ગૉગનું પ્રદર્શન જોઈને ચકિત થઈ ગયા હતા – કોણ છે આ? આટલું સ્પષ્ટ દર્શન? આટલી વેધક અભિવ્યક્તિ? નોકરીધંધો છોડી શેરલોક હૉમ્સની અદાથી એમણે ખાંખાખોળાં શરૂ કર્યાં. દર વર્ષના પરિશ્રમથી પુસ્તક લખાયું, પણ સત્તર પ્રકાશકોએ નાપસંદ કર્યું. સેક્રેટરી જિને થોડી કાપકૂપ કરી ત્યાર પછી સ્ક્રીપ્ટ સ્વીકારાઈ. દરમ્યાન બંને પરણી ગયાં. પછી તો ‘સેલર ઑન હૉર્સબેક’ (જેક લંડન), ‘લવ ઈઝ ઈટર્નલ’ (મેરી ટોડ લિંકન), ‘ધ એગની એન્ડ ધ ઍક્સ્ટ્સી’ (માઈકલ એંજેલો), ‘પેશન્સ ઑફ ધ માઈન્ડ’ (ફ્રોઈડ) જેવી જીવનકથાઓ સહિત પચીસેક પુસ્તકો તેણે લખ્યાં.
અને અનુવાદ – વિનોદ મેઘાણીનો અનુવાદ 1971માં પ્રગટ થયો. પણ તેનાથી તેમને સંતોષ ન થયો. વિન્સેન્ટનું વ્યક્તિત્વ તેમને ખેંચતું રહ્યું. 1990માં, વિન્સેન્ટની જન્મશતાબ્દીના વર્ષે વિનોદ મેઘાણી અમેરિકા હતા. એમણે વિન્સેન્ટ વિશે ખૂબ વાંચ્યું, પ્રદર્શનો જોયાં ને બે મહિના તેના જીવન-સર્જન પર એકાગ્ર રહ્યા. જાણે પરકાયા પ્રવેશ કર્યો. તે પછીના ત્રણ વર્ષમાં તેમણે ફરી અનુવાદ કર્યો, બે વાર ફેરનકલ ઘૂંટી, ગુજરાતી વાચકોને ઉપયોગી થાય તેવું પારિભાષિક શબ્દોનું ટિપ્પણ બનાવ્યું અને 1994માં ‘સળગતાં સૂરજમુખી’ ફરી પ્રગટ કર્યું. લેખક અને અનુવાદકની આવી સર્જનાત્મક નિષ્ઠાને પરિણામે જ 19મી સદીના એક ચિત્રકારની છાતીમાં લાગેલી એવી જ સુંદર ને આકરી, પ્રકાશિત કરનારી ને દઝાડનારી અગન 21મી સદીના વાચકની છાતીમાં પણ જાગે છે. લેખન અને વાચનનું સાર્થક્ય આ જ નથી?
આજે જ્યારે એકસાથે ત્રણચાર અખબારોમાં લખવાનો અને અભિમાનથી ‘અમે એકવાર લખેલું ફરી વાંચતા નથી’ એમ કહેતા ફરવાનો યુગ ચાલે છે ત્યારે એક પુસ્તક પાછળ લેખકે ને અનુસર્જકે લીધેલી જહેમતને જોઈને ચક્ત થઈ જવાય છે.
પણ જહેમત લીધા વિના કદી કશું પાંગરે નહીં – જીવન પણ નહીં, સર્જન પણ નહીં.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 માર્ચ 2023