હું મોટી થતી ગઈ એમ મારા ડૅડીની દેશદાઝ પ્રત્યે મારો આદર વધતો ગયો, પરંતુ તેમના મોટા ભાગના રાજકારણની હું વિરોધી છું. ખાસ કરીને, ૬૦ના દાયકાના તેમના રાજકારણનો હું સખત વિરોધ કરું છું. એ ગાળામાં વિયેતનામ યુદ્ધ વખતે યુએસ મરીન્સમાં ફરજ બજાવતા મારા એક મિત્રે એ ભૂમિ પર ખેલાયેલા મોતના તાંડવ વિશે મને પત્ર લખીને જાણકારી આપી, ત્યારે હું ખળભળી ઊઠી હતી. કોઈની લાગણીઓની કદર કરવી અને તેમને ઓળખવા એ બે બિલકુલ અલગ બાબત છે. હું ક્યારે ય અમેરિકાનું રાષ્ટ્રગીત ગાતી વખતે કે ધ્વજ ફરકતો હોય, એ સ્થળે રડી નથી.
જો કે ૯/૧૧ પછી એ સ્થિતિ બદલાઈ ગઈ. એ પછી મારા ડૅડી પણ અલ્ઝાઇમરમાં પટકાયા અને પથારીવશ થઈ ગયા. એ અત્યંત ઉદાસ હતા. એક સવારે હું ડ્રાઇવ કરીને મારાં માતા-પિતાના ઘરે જઈ રહી હતી. એ દિવસે મેં એક ખૂણામાં ટોળાં નજીક ઊભેલો એક ભિખારી જોયો, જે ચીંથરેહાલ અમેરિકન ધ્વજ ફરકાવી રહ્યો હતો. એનાં આંસુ જોઈને મારા માટે આગળ ડ્રાઇવ કરવું અઘરું થઈ ગયું અને એ બધા આગળ વધ્યા ત્યાં સુધી હું ઊભી રહી. એ લોકો જ્યાંથી આવતા હતા એ વાતે જ મને પરેશાન કરી મૂકી. મને એવું લાગ્યું કે મારા આખા જીવન દરમિયાન તેઓ મારી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું જાણતી હતી કે દેશ માટે રડ્યા પછી મને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવામાં આવી શકે છે!
મને એવા લોકો માટે રડવું આવ્યું કે જે સ્વચ્છ આકાશ હતું, ત્યારે સવારે વિમાનમાં ક્યાંક જવા નીકળ્યા હતા, જેમણે ક્યારે ય વિચાર્યું પણ ન હતું કે સ્વતંત્રતાની આ ભૂમિ પર આવો કાળ ત્રાટકવાનો છે. એ લોકો જાણતા ન હતા કે તેઓ આવતી કાલ જોવાના નથી. મારાં માતાપિતાના ઘરે પહોંચ્યાં પછી હું અને મારી મમ્મા, મારા પિતાની પથારી નજીક બેઠાં હતાં. એ વખતે મેં તેમને કહ્યું, આપણી સાથે, અમેરિકા સાથે કંઈક ખરાબ થયું છે. એક વિમાન બિલ્ડિંગમાં ઘૂસી ગયું અને અનેક લોકોનાં મોત થયાં છે, પરંતુ કોઈ જાણતું નથી કે આવું કેવી રીતે શક્ય બન્યું. હવે એ વિશે તમે અમને કંઈક કહો.
જો કે, એ વખતે ડૅડી કશું જ બોલવા સક્ષમ ન હતા, પરંતુ હું હંમેશાં માનતી હતી કે તેમનો આત્મા મને સાંભળતો હતો. તેઓ અલ્ઝાઇમરના ભોગ બન્યા ત્યારથી મારી માન્યતા હતી કે તેમનો આત્મા ક્યારે ય બીમાર ના થઇ શકે. એ સમયે તેઓ પોતાના વ્હાલા દેશને લઈને હૃદયભગ્ન થઈ ગયા હતા.
હું ડૅડીને મળવા જતી હતી, ત્યારે કારમાં રેડિયો પર વ્હિટની હ્યુસ્ટનનું ‘અમેરિકા ઇઝ બ્યુટીફૂલ’ વાગી રહ્યું હતું, અને એ વખતે આંસુ રોકાયાં નહીં ત્યાં સુધી હું ફરી એક વાર અટકી ગઈ હતી. મેં યાદ કર્યું કે, આ દેશ માટે મારા શરીરમાં ક્યાં પ્રેમ છે અને ક્યાં છે એ જખમોનું દુઃખ. ૨૦મી જાન્યુઆરીથી, મારી અંદરની એ એક જ જગ્યાના કારણે હું એકથી વધુ વખત આંસુ સારી ચૂકી હતી. જે કંઈ થયું એ ભયાનકતા અને જાનહાનિના કારણે હું ઊભરાઈ ગઈ હતી. મેં બીજી વાર બંધારણ વાંચ્યું, કારણ કે અમે કદાચ એ ગુમાવી ચૂક્યાં ત્યાં. એ ઉત્કૃષ્ટ દસ્તાવેજના પાયા પર જ આ ભૂમિ સર્જાઈ છે, જેને આપણે અમેરિકા કહીએ છીએ, તેના કારણે જ આપણી પાસે સ્વતંત્રતા, નિખાલસતા અને ન્યાયપ્રિયતા વચ્ચે સંતુલન સાધતી સરકારો છે. અમારી પાસે સ્વતંત્ર પ્રેસ છે, જેમાં સેન્સરની મુશ્કેલી નથી અને સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. અમે વિશ્વમાં સૌથી વિરલ છીએ. અમે અમારા ઇતિહાસનાં કાળાં પ્રકરણોને પાછળ છોડી દીધાં છે, પરંતુ અમેરિકા જે પાયા પર રચાયું છે એ મૂલ્યોને યાદ રાખીને અમે હંમેશાં સાચી દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ.
૨૦મી જાન્યુઆરીથી મેં ‘અમેરિકા ફર્સ્ટ’ સાંભળ્યું, એ દરેક વખતે મને કંપારી છૂટી ગઈ છે. એ ચાર્લ્સ લિન્ડબર્ગ જેવા યહૂદી વિરોધીનો નારો હતો. એ નારો અમેરિકા ફર્સ્ટ કમિટીનો હતો, જેમણે જર્મનીમાં થતા સામૂહિક નરસંહારને પણ અવગણ્યો હતો. તેઓ ઇચ્છતા હતા કે તમારી આંખો બંધ કરી દો, હૃદય બંધ કરી દો અને તમારી સરહદો પણ. મહેરબાની કરીને, ‘અમેરિકા ફર્સ્ટ’ નારો ક્યાંથી આવ્યો, એ ભૂલી ના જતા.
ટ્રમ્પ એડ્મિનિસ્ટ્રેશનના સલાહકાર સ્ટિવ બેને કહ્યું હતું કે ‘મને યાદ નથી કે મેં ક્યારે ય મારી જાતને લેનિનવાદી ગણાવીને કહ્યું હોય કે હું બધું જ ખતમ કરવા ઇચ્છું છું.’ જો કે, એક વાર તેઓ વહીવટી રાજ્ય ખતમ થઈ જવું જોઈએ એવું બોલ્યા હતા. તેઓ વિલિયમ સ્ટ્રોસ અને નીલ હોવે સ્વીકારેલી ઇતિહાસની સાઈકલની થિયરીમાં માને છે. આ થિયરીમાં હાલની કટોકટી અને દાવાનો સમાવેશ થઈ જાય છે, જેની કિંમત બીજાએ ચૂકવવાની છે. મિ. બેનન આવું કરવા કટિબદ્ધ છે. જે લોકો આ દેશનો તંતુ તોડી નાંખવા માંગે છે અને તેના પાયા હચમચાવી મૂકવા માગે છે, એ લોકોને આ દેશ સાથે કોઈ પ્રેમ નથી. વિનાશ કરવો એ દેશપ્રેમ નથી, પરંતુ જોહુકમી છે.
જોહુકમીથી ભયાનક વાવાઝોડા જેવો પ્રહાર નથી થતો અને તેનાથી રાતોરાત કશું પણ બદલાઈ નથી જતું, પરંતુ તેનાથી ધીમે-ધીમે આયોજનપૂર્વકનો સડો આવે છે. તેનાથી ભય વધે છે, તે દુશ્મનો પેદા કરે છે, તેનાથી સ્વતંત્રતા જોખમાય છે, ખાસ કરીને પ્રેસની સ્વતંત્રતા. બેનન જ્યારે મીડિયાને સંબોધીને એવું કહે છે કે, જો તમે એવું વિચારો છો કે અમે લડ્યા વિના તમને તમારો દેશ પાછો અપાવીએ, તો કમનસીબે તમે ભૂલ કરો છો.
આવું બોલીને તેઓ ભયનો માહોલ ઊભો કરે છે. કદાચ તેઓ બહુ અનુભવી નથી, પરંતુ ઘણા હોશિયાર છે અને જોહુકમીની સ્કૂલના નિષ્ણાતો છે. એવું પણ નથી કે અમેરિકાની શક્તિ અને તેની ટકી શકવાની ક્ષમતા અચળ છે. કોઈ દેશ એવો ના હોય. જેણે આ દેશને બનાવ્યો છે એવા આપણે ભયના માહોલમાં જીવીએ અને ગુસ્સે રહીએ અથવા આપણાં મૂલ્યોના પ્રેમ ખાતર એકજૂટ થઈએ. આપણે બેનનને સાંભળ્યા વિના, ફરી એક વાર એબ્રહામ લિંકનને સાંભળીએ.
લિંકને કહ્યું હતું કે ‘પરમાત્માની સાક્ષીએ આ દેશમાં સ્વતંત્રતાનો જન્મ થશે. આ ઉપરાંત લોકોની, લોકો વડે અને લોકો માટે સરકાર રચાશે, જેનો આ પૃથ્વી પરથી નાશ નહીં થાય …’
[અનુ.ઃ વિશાલ શાહ]
(Patti Davis, લેખિકા અમેરિકાના પૂર્વ પ્રમુખ રોનાલ્ડ રેગનનાં દીકરી અને રેસિઝમની પરની જાણીતી નવલકથા The Earth Breaks in Colorsનાં સર્જક છે.)
સૌજન્ય : “નિરીક્ષક”, 17 માર્ચ 2017; પૃ. 05