આજે વિશ્વે અનેક ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી છે ને તે એ હદે કે ચંદ્ર અને મંગળ પર પણ માનવ- વસાહતો સ્થાપવાના પ્રયત્નો થઈ રહ્યા છે. માની લઇએ કે ત્યાં પણ વિકાસ થઈ ગયો, ત્યાં પણ માણસોનો વસવાટ થયો, પછી શું? ધારો કે સૂર્ય પર યાન મોકલીને ત્યાં પણ વસવાટ કરી લીધો, પછી શું? એથી આગળ પણ પ્રગતિ થતી જ રહેશે કે ક્યાંક અટકીશું? વારુ, જેને વિકાસ કહીએ છીએ તે પણ વિકાસ છે કે પછી એની દિશા વિનાશ તરફની છે? તે ચકાસીશું કે પછી આડેધડ વિકાસ, વિકાસની જ વાતો કર્યાં કરીશું? ખરેખર તો આપણે વિકાસમાં નથી, પણ વિકાસની ઘેલછામાં છીએ. આપણે પૃથ્વી પૂરતી બગાડી ચૂક્યા છીએ ને તે હવે રહેવા લાયક રહી નથી, એટલે ચંદ્ર કે મંગળને બગાડવા નીકળ્યા છીએ, એવું તો નથી ને? વિકાસ મનુષ્યની પ્રકૃતિ છે, પણ તે પ્રકૃતિને ભોગે થતો હોય તો તે અંગે વિચારવાનું રહે. ઘણીવાર તો એ જ ખબર નથી પડતી કે આપણે મૂરખ છીએ કે મતલબી? ઊંચે જવા આપણે કદાચ આપણાં જ મૂળિયાં કાપી રહ્યાં છીએ. સાદો સવાલ એટલો છે કે જો આપણો વિકાસ યોગ્ય દિશાનો જ છે તો પર્યાવરણના આટલા પ્રશ્નો કેમ છે?
આપણે ખેતીમાં રાસાયણિક ખાતરોનો એવો ઉપયોગ કર્યો કે જમીનના ને આરોગ્યના પ્રશ્નો ઊભા થયા. એ પછી ઓર્ગેનિક ખેતીનો વિકાસ થયો. આપણી ખેતી પહેલાં કુદરતી ખાતરની જ હતી, પછી બહુ બધું પકવવાના ને જમીનમાંથી ખેંચી કાઢવાના લોભમાં રાસાયણિક ખેતીનું નાટક કર્યું ને હવે ઓર્ગેનિક, ઓર્ગેનિકના મણકા ફરે છે ને ગમ્મત એ છે કે ઓર્ગેનિકને નામે બધું મોંઘું વેચાય છે. જે કુદરતી અને સસ્તું હતું તે રાસાયણિક ખાતર પછી યુ- ટર્ન મારીને આપણે વધારે મોંઘું કર્યું. આપણને વીજળી-પાણીની જરૂર પડી તો નદીઓ પર બંધો બાંધીને સિંચાઇ દ્વારા ખેતરો સુધી પાણી પહોંચાડ્યું ને ગામેગામ વીજળીનું સુખ ઊભું કર્યું. જમીન પર વધુ વસવાટ શક્ય ન લાગ્યો તો ઊંચે ગયાં ને હાઈરાઇઝની મજા માણી. એમાં પણ કેટલે ઊંચે જવું એ કોર્પોરેશન અને રાજ્ય સરકારના અધિકારીઓની હથેળીઓ ગરમ કરવા પર નિર્ભર રહ્યું. બિલ્ડર લોબી નામનો એક નવો વાયરસ દેશભરમાં ફેલાયો અને તેણે કોઈ પણ રીતે બધું બાંધી બાંધીને હોજરી ભરી લેવા માંડી. બધાંને નવડાવી ખવડાવીને ખાતાં જવું એવી નીતિનું પરિણામ એ આવ્યું કે સંસ્કાર, સંસ્કૃતિ, માનવતા જેવું આઉટડેટેડ થઈ જવા લાગ્યું. શિક્ષણ તો થયું, પણ સંસ્કારનો દાટ વળી ગયો.
શિક્ષક અત્યાચારી થયો. તેને આઠ વર્ષનાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનું કે વિદ્યાર્થીઓને આડેધડ ફટકારવાનું સહજ થઈ પડ્યું. તો, વિદ્યાર્થી પણ પાછળ શું કામ રહે? તે વિદેશમાં એટલા હિંસક બન્યા કે રિવોલ્વર કે રાઈફલથી શિક્ષક કે વિદ્યાર્થીઓને ગોળીએ દેતાં અચકાયા નહીં. કાલની જ ઘટના છે, છ વર્ષનાં એક બાળકે અમેરિકામાં તેની શિક્ષિકાને ગોળી મારી દીધી. છ વર્ષનાં બાળકને ભણતાં આવડે છે કે નહીં, તે તો નથી ખબર, પણ તેની ટીચરને ગોળીએ દેતાં તો આવડે જ છે. શિક્ષણ આધુનિક થયું તેનો આનંદ જ હોય, પણ તેણે સંસ્કારોનું જે ધોવાણ કર્યું છે તેણે પરિણામો તો હિંસક જ આપ્યાં છે. શિક્ષણ એટલું તો વિકસ્યું જ છે કે તે શિક્ષક કે વિદ્યાર્થીને પક્ષે હિંસાના પાઠ ભણાવી શકે. વિકાસનો હાથમાં આવતો આજનો અર્થ તો ગમે ત્યાં આડેધડ વધી જવું એટલો જ જણાય છે. વિકાસને કારણે બધું મોટું મોટું ને ઝાકઝમાળ દેખાય તો છે જ, પણ અંદરથી ઘણું પોલું છે એની પ્રતીતિ વારંવાર થતી રહે છે. સરકારી માણસ તો વિકાસનું વિચારે જ, પણ એ વિકાસ ધંધાદારી હોવાની ખાતરી જરૂર રાખી શકાય.
જૈનોનું તીર્થધામ સમેત શિખર ધાર્મિક અને પવિત્ર સ્થળ તરીકે જાણીતું છે. તેનાં વિકાસની કોઈ માંગણી જૈનો દ્વારા કરવામાં આવી નથી, પણ સરકારને, તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો વિચાર આવ્યો. આમ તો કોઈ ધાર્મિક સ્થળ વિકસાવવાનું સરકાર વિચારે તો આનંદ થાય, પણ એમ થતાં ત્યાં હોટેલો આવે, આવાસો વિકસે, દારૂ-માંસની મહેફિલો જામે ને એ બધાંમાં ધાર્મિક સ્થળની પવિત્રતા નષ્ટ થાય એ પણ ખરું. દેખીતું છે કે એ બધું તીર્થસ્થળને નામે થાય અને જે તે સમાજને તે ન જ રુચે. સમેત શિખરનાં પર્યટન સ્થળ તરીકેનાં વિકાસની વાતનો જૈનો દ્વારા દેશભરમાંથી વિરોધ ઊઠ્યો. ઠેર ઠેર દેખાવો થયા. જૈન સાધુઓએ અને જૈન સમાજે તીવ્ર અને મક્કમ અવાજ એવો બુલંદ બનાવ્યો કે સરકારે ઝૂકવું પડ્યું ને જાહેરાત કરવી પડી કે સમેત શિખરનો પર્યટન સ્થળ તરીકે વિકાસ નહીં થાય. સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિક્સાવવાના વિરોધે એટલું તો બતાવી આપ્યું કે બધા વિકાસ, વિકાસ નથી. ક્યાંક રકાસ પણ છે જ !
વિકાસનો આવો જ તાજો વિરોધ જોશીમઠના શંકરાચાર્યે પણ નોંધાવ્યો છે. તેમણે સુપ્રીમકોર્ટના દરવાજા ખખડાવતાં જાહેર કર્યું છે કે ઉદ્યોગો અને શહેરીકરણના વિકાસને લીધે જો માણસોનાં મોત થતાં હોય તો એવો વિકાસ નથી જોઈતો. બન્યું છે એવું કે હિંદુઓનાં પવિત્ર તીર્થધામ ગણાતાં બદ્રીનાથનાં પ્રવેશ દ્વાર જોષીમઠમાં 600 મકાનોમાં ને રસ્તાઓ પર તિરાડો પડી છે ને તેનાં મૂળિયાં હાલી ગયાં છે. ઉત્તરાખંડના ચમૌલી જિલ્લામાં આવેલા જોશીમઠનું અસ્તિત્વ જ જોખમમાં મુકાયું છે ને ત્યાંના રહેવાસીઓની વૈકલ્પિક વ્યવસ્થા માટે રાજ્ય સરકારે આદેશ આપવા પડ્યા છે. અહીંની ઘટનાઓને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ પણ ઊઠી છે. જોષીમઠ નગરમાં ભૂસ્ખલન અને જમીનો ધસી પડવાની ઘટનાઓને કારણે જમીનની નીચેથી અને ઘરોમાંથી પાણી નીકળવા લાગ્યું છે, જમીન ફાટી રહી છે. આખું નગર ભૂકંપની ફોલ્ટ લાઇન પર આવેલું છે, એને કારણે ત્યાં ભેખડો ધસી પડવાના બનાવો બનતા જ રહે છે. આવી પરિસ્થિતિમાં ત્યાં બાયપાસ રોડ બને કે ભારે મશીનરીથી ખોદકામ થાય, મકાનો ને ફોર લેન સડકો બને તો તે આખા ય સંવેદનશીલ વિસ્તાર પર જોખમ ઊભું કરે જ. મિશ્રા પંચે તો છેક 1976માં રિપોર્ટ આપેલો કે જોશીમઠ વિસ્તારનાં મૂળિયાં ઢીલાં છે ને તેની સાથે ચેડાં કરવાનું જોખમી છે. આવું કૈં થાય છે તો સરકાર સમિતિ નીમી દે છે. મોટે ભાગે તો સરકાર વળતર ચૂકવીને કે સમિતિઓ નીમીને ફરજ બજાવી લે છે. એ સમિતિઓ રિપોર્ટ પણ આપે છે, પણ એ મોટે ભાગે ધૂળ ખાવા માટે જ હોય છે. 1976માં મિશ્રા કમિટીએ રિપોર્ટ આપેલો જ હતો, પણ થયું શું? રિપોર્ટ, રિપોર્ટની જગ્યાએ રહ્યો ને બંધ બાંધવાનું, વીજળી પેદા કરવાનું, બહુમાળી ઇમારતોની પરવાનગી આપવાનું અને અન્ય વિનાશક યોજનાઓનો અમલ કરવાનું ચાલુ જ રહ્યું. આખું મકાન જમીનમાં ઊતરી ગયાનું પણ નોંધાયું છે ત્યારે પ્રશ્ન થાય કે યાત્રાધામો તેની પવિત્રતા જાળવે કે તેની સલામતી જળવાય એવું કૈં થાય એવું શક્ય છે કે કેમ?
મોટે ભાગે તીર્થધામો પર્વતો પર, દૂર, ઊંચાઈઓ પર આવેલાં છે, તેનું કારણ જ એ કે તે પવિત્ર રહે ને પ્રદૂષિત થતાં અટકે, પણ આપણે વિકાસને નામે ત્યાં પણ ધસી જઈને પર્યાવરણના અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. આપણે પર્વતોને પણ નગરોમાં ફેરવ્યાં છે ને પછી કુદરત માથું ફેરવે છે ત્યારે માથે હાથ દેવાનો વારો આવે છે. આપણે પ્રકૃતિમાં ય એન્ક્રોચમેન્ટ કર્યું છે, પછી એ ખાલી કરાવે છે ત્યારે ક્યાં ય હાથ મૂકવાં જેવું રહેતું નથી. 2013માં કેદારનાથમાં વાદળ ફાટવાની ઘટના પછી પણ આપણે ચેત્યા નથી. કેટલી લાશો પછી ચેતવું એનું ભાન જ કદાચ પડતું નથી. કેદારનાથ દુર્ઘટનામાં પાંચ હજાર માણસોના જીવ ગયા, પછી પણ આપણને વિકાસનું આકર્ષણ ઘટ્યું નથી એ દુ:ખદ છે. એ વખતે પણ વિકાસ પર અંકુશ મૂકવાની વાતો થયેલી. આવું દરેક દુર્ઘટના વખતે થાય છે અને નવી કોઈ ઘટના ન બને ત્યાં સુધી બધું ભુલાઈ જાય છે, પણ પ્રકૃતિ નથી થોભતી, એ તો એનો રસ્તો કરી જ લે છે. એટલું સ્પષ્ટ છે કે આ ઘટનાઓ કુદરતી નથી, એ પૂર્ણપણે માનવ સર્જિત છે. ખરેખર તો કુદરત માનવની મદદમાં રહેવા ઈચ્છે છે, એ હવા, પાણી જેવી જરૂરતો પૂરી કરે છે. નદીનો સ્વભાવ વહેવાનો છે. તેને બંધથી બાંધવામાં વિવેક દાખવવાનો રહે, પણ આપણને બંધો બાંધીને ભૂકંપો વસાવવાનું ફાવી ગયું છે. તો, ભલે તેમ ! શું છે કે આપણી પાસે મરી જવા માટે માણસોનો એટલો મોટો ખડકલો છે કે રેલમાં તણાવા માટે, આગમાં બળવા માટે, ભૂકંપમાં દટાવા માટે માણસો મળી રહે છે, એટલે ખપ્પર ભરાતું રહે છે ને કારભાર ચાલતો રહે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 જાન્યુઆરી 2023