સંગીતકાર ખય્યામનું અવસાન થયું, ત્યારે મેં સુરતના સમાચારપત્ર ‘ગુજરાત મિત્ર’માં એક લેખ લખ્યો હતો. તેમાં મેં એક માહિતી આપી હતી કે નિર્માતા-નિર્દેશક રમેશ સહેગલે ૧૯પ૮માં રાજ કપૂર અને માલા સિન્હાને લઈને ‘ફિર સુબહ હોગી’ ફિલ્મ બનાવી હતી, તે રશિયન લેખક ફ્યોદોર દોસ્તોયેવસ્કીની નવલકથા ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’ પરથી પ્રેરિત હતી. ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’ ૧૮૬૬માં પ્રકાશિત થઈ હતી અને તે દોસ્તોયેવસ્કીની સૌથી મહાન કૃતિ ગણાય છે. ૧૯મી સદીની સાંસ્કૃતિક અને સાઇકોલૉજિકલ ક્રાંતિઓ એનું સૌથી મહત્ત્વનું સ્થાન છે, કારણ કે એમાં માનવતાની શાશ્વત દુવિધા ચીતરવામાં આવી હતી. આ ફિલ્મનાં ગીતો સાહિર લુધિયાનવીએ લખ્યાં હતાં અને સાહિરના કહેવાથી જ, ત્યારે નવોદિત ગણાય તેવા ખય્યામ પાસે તેનું સંગીત કમ્પોઝ કરવામાં આવ્યું હતું. સાહિરે કારણ આપ્યું હતું કે ખય્યામે ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’ વાંચેલી છે, એટલે એ વધુ સારો ન્યાય આપી શકશે.
આ લેખ મેં મારા ફેસબુક પેજ પર મૂક્યો હતો, તે વાંચીને ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’ના સંદર્ભ પ્રત્યે અશ્વિન ચંદારાણાનું ધ્યાન ખેંચાયું. તેમણે મને મૅસેજ કરીને મારો નંબર મેળવ્યો અને ફોન કરીને કહ્યું કે ‘ઑલ ક્વાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ના ગુજરાતી અનુવાદ માટે હું પ્રસ્તાવના લખું. ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’ અને ‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ બંને બુનિયાદી રૂપે માણસના આંતરિક અપરાધબોધ અને વિવેકબુદ્ધિની વાત કરે છે, એ આ પ્રસ્તાવનાનો સંદર્ભ છે.
ર૮ વર્ષની ઉંમરે વિદ્રોહી ગતિવિધિઓ બદલ ફ્યોદોર દોસ્તોયેવસ્કીને મૃત્યુદંડની સજા કરવામાં આવેલી. એમની પર બંદૂર તાકવામાં જ આવી હતી, અને ઝાર(રશિયન સમ્રાટ)નો સંદેશો આવ્યો કે તેમને મૃત્યુદંડમાંથી માફી આપવામાં આવી છે અને તેના બદલે તેમને સાઈબેરિયામાં કાળી મજૂરી કરવા મોકલી આપવામાં આવશે. દોસ્તોયેવસ્કીએ પોતાનું મોત નજર સામે જોયું હતું. એની અસર દૂરગામી હતી. સાઈબેરિયામાં સજા કાપીને તેઓ પાછા આવ્યા, એ પછી તેમણે પોતાની મહાન નવલકથાઓ લખી હતી. દોસ્તોયેવસ્કીની તમામ નવલકથાઓમાં મૃત્યુ પડછાયો બનીને સરકતું રહે છે. હત્યારાઓ અને પીડિતોને અત્યંત ઘાતકી અને ઘૃણાસ્પદ રીતે ચીતરવાની એમનામાં મજબૂરી આવી ગઈ હતી.
આધુનિક મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સ, એમ્પથી એટલે કે હમદર્દીને માણસ હોવાના અગત્યના પુરાવા તરીકે જુએ છે. બીજા લોકોનાં દુઃખ-દર્દને, તેમના અનુભવોને સમજવાની ક્ષમતા વગર નૈતિક જીવનની કલ્પના કરાવી અશક્ય છે. તાજેતરના માનસિક અભ્યાસો કહે છે કે ગંભીર સાહિત્ય વાંચવાથી હમદર્દીમાં વધારો થાય છે, અને આપણે બીજા લોકોના પેંગડામાં પગ ઘાલીને જીવનનાં જોડાં કયાં ડંખે છે, તે સમજી શકીએ છીએ. સાહિત્યનાં એ પાત્રો, જે આપણા જેવાં નોર્મલ નથી, તે આપણને એક વૈકલ્પિક ભયાનક દુનિયા જોવા મજબૂર કરે છે, જેથી આપણે આપણી દુનિયાને દુષ્ટ બનતી બચાવી રાખવા મહેનત કરીએ.
એરિક મારિયા રિમાર્કની નવલકથા ‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ આ જ સંદર્ભમાં એક અગત્યનું પુસ્તક છે. તેમાં પ્રથમ મહાયુદ્ધમાં હિસ્સો લેવા ગયેલા જર્મન સૈનિકો કેવી રીતે આત્યંતિક શારીરિક અને માનસિક યાતના ભોગવીને નોર્મલ જિંદગી જીવવાનું ભૂલી જાય છે, તેની વાર્તા છે. ફ્રેન્ચ વિચારક જ્યાં-પોલ સાર્ત્ર, જે ખુદ એક પ્રખર યુદ્ધ-વિરોધી હતા, એકવાર તેમણે લખ્યું હતું કે “તમે જો વિજયોને ગહેરાઈથી જુઓ, તો તમને એ પરાજયથી બહુ અલગ ના દેખાય” સાર્ત્ર રપ વર્ષના હતા ત્યારે ૧૯ર૯માં પુસ્તકરૂપે પ્રકાશિત થયેલી ‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ની પ્રસ્તાવનામાં એરિક મારિયા રિમાર્કેએ એ જ વાતનો પડઘો પાડતાં લખ્યું હતું “(આ પુસ્તકમાં) એક એવી પેઢીના લોકોની વાત કરવાનો પ્રયાસ છે, જે તોપમારામાંથી તો બચી ગયા હતા, પણ યુદ્ધે તેમને તબાહ કરી દીધા હતા.”
યુરોપિયન સાહિત્યની અગત્યતા એ છે કે તેમણે યુદ્ધો જોયાં છે. યુદ્ધ કઈ રીતે પેઢીઓની પેઢીઓને, શરીરથી અને મનથી, ખતમ કરે છે તે લેખકોને ખબર છે. યુદ્ધોની ભયાનકતા જો યુરોપમાંથી આવી હોય, તો યુદ્ધ-વિરોધિતા પણ ત્યાંથી જ આવી છે. બીજાં સમાજો અને દેશોએ આ સમજવા જેવું છે. એટલા માટે ‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’નું ગુજરાતીમાં પ્રકાશન અગત્યની ઘટના છે, ખાસ કરીને ભારતની નવી પેઢીને યુદ્ધનો ચસ્કો લાગ્યો છે ત્યારે ખાસ.
તમારા હાથમાં આ નવલકથા છે, તે તમારે કેમ વાંચવી જોઈએ?
ભારતના મધ્યમ-વર્ગને યુદ્ધની ટ્રેજેડી શું કહેવાય અને સૈનિકોની જિંદગીની વાસ્તવિકતા કેવી હોય એ ખબર નથી, એટલે બંદૂકો અને બૉમ્બથી બધી સમસ્યાઓનાં સમાધાન શોધવાનું ફૅશનેબલ થઈ ગયું છે. બીજી-ત્રીજી પેઢીના ભારતના મધ્યવર્ગી લોકોને ‘ફ્રી માર્કેટ ઇકોનોમી’માં સ્વર્ગ જોવાની ટેવ પડી ગઈ છે (અથવા ટેવ પાડવામાં આવી છે), અને એને લાગે છે કે ભારતે મહાન થવું હોય તો જરીપુરાણી, દકિયાનૂસી સમાજવાદી, ઉદારવાદી અને લોકતાંત્રિક વ્યવસ્થાને તોડી-ફોડીને હથોડાછાપ વ્યવહાર અપનાવવો જોઈએ.યુદ્ધ શું કહેવાય એ લોકોને ખબર નથી. યુરોપના ઘણા દેશોમાં જે રાજકીય-સામાજિક ચિંતન અને વ્યવસ્થાઓ છે, એ તેમનાં યુદ્ધોની લોહિયાળ વાસ્તવિકતામાંથી ઘડાઈ છે. આપણે ત્યાં યુદ્ધ એ ટેલિવિઝન કે સિનેમાની ફેન્ટસી રહી છે. સેનાને પરદા ઉપર કે સોશિયલ મીડિયાના બૉક્સમાં જોવા-ચર્ચવાથી એક પ્રકારનું વીરત્વ તો પેદા
થાય, પરંતુ એની વાસ્તવિકતા ખબર ન પડે.
વીરત્વનું આ સરળીકરણ એટલા માટે થયું છે, કે આપણે જીવનને બ્લેક ઍન્ડ વ્હાઈટમાં જોતા થયા છીએ. આપણે સામાજિક દ્વંદ્વને ઇતિહાસના સંદર્ભમાં કે શાસનની નિષ્ફળતાના સંદર્ભમાં જોતા નથી. આપણે એને ‘દુશ્મન’ના અપરાધ તરીકે જોઈએ છીએ.
જગતને સારા અને ખરાબ એવા સીધા વિભાજનમાં જોવાની આપણી ટેવને કારણે આપણને એનાં સમાધાન પણ સર્જિકલ સ્ટ્રાઈકની જેમ ધમાકેદાર અને ફટાફટ જોઈએ છે. આપણે જેને દેશની સમસ્યા કહીએ છીએ, એ પારિવારિક બખેડાથી અલગ નથી. એક જ પિતાનાં સંતાનો એકબીજાંને પુણ્યાત્મા અને પાપી ગણે એવો આ ઘાટ છે. ઘરમાં તો આપણે આવા દ્વંદ્વનો ઉકેલ તડજોડથી લાવીએ છીએ, પરંતુ સામાજિક અને વૈશ્વિક સ્તરે આપણે આવી છૂટ આપતા નથી. ત્યાં આપણા માટે જગત બે ભાગમાં, ઇષ્ટ અને અનિષ્ટમાં વહેંચાયેલું છે અને જગતને શ્રેષ્ઠ બનાવવાનો એક માત્ર રસ્તો અનિષ્ટનો સંહાર છે. તમામ યુદ્ધો આવા સરળીકરણમાંથી આવ્યાં છે.
ર૦૧૬માં સાહિત્યનું નોબેલ પારિતોષિક પહેલીવાર એક અમેરિકન ગીતકાર-સંગીતકારને આપવામાં આવ્યું હતું. બોબ ડીલન એનું નામ. માનવાધિકાર અને યુદ્ધ-વિરોધી ઝુંબેશમાં બોબ ડીલનનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. આ નોબેલ પારિતોષિક સ્વીકારતી વખતે તેણે જે ભાષણ આપ્યું હતું તેમાં તેણે કહ્યું હતું કે તેનાં ગીતો પર ત્રણ પુસ્તકોની અસર રહી છે : હેરમન મેલ્વિલેનું ‘મોબી ડીક’, ગ્રીક મહાકાવ્ય ‘ધ ઓડીસે’ અને ‘ઑલ કવાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’. એમાં ડીલને કહ્યું હતું –
‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ ખોફનાક વાર્તા છે. આ એ પુસ્તક છે, જ્યાં તમે તમારું બાળપણ ગુમાવી દો, સાર્થક દુનિયામાં તમારો વિશ્વાસ અને વ્યક્તિઓ માટેની ફિકર ગુમાવી દો. એક દુઃસ્વપ્ન વળગી જાય છે. મોત અને પીડાના રહસ્યમય વમળમાં સપડાઈ જઈને તમે તમારા વિનાશને રોકવા પ્રયાસ કરો છો. નકશા પરથી તમારું નામોનિશાન મિટાવી દેવામાં આવે છે. એક સમયે તમે મોટાં સ્વપ્નોવાળા એક નિર્દોષ યુવાન હતા, જેમને ગીતો ગાવાં હતાં. એક સમયે તમે જીવન અને જગતને પ્રેમ કરતા હતા અને હવે તમે એના ફુરચા ઉડાવી રહ્યા છો. તમને રોજ ભમરીઓ ડંખ મારે છે અને તમારું લોહી ગરમ કરે છે. તમે ઘેરાઈ ગયેલા જાનવર જેવા છો. તમે ક્યાં ય ફીટ થઈ શકતા નથી. અવિરત હુમલા થઈ રહ્યા છે, ઝેરી ગૅસ છૂટી રહ્યો છે, ગૅસોલીન સળગી રહ્યું છે, રોગચાળો છે, મળ-મૂત્ર છે, ચારે તરફ જીવન વીખેરાઈ રહ્યું છે અને તોપમારાના અવાજો આવી રહ્યા છે. આ પૃથ્વી પરનું નર્ક છે, કાદવ-કીચડ છે, કાંટાળી વાડ છે, ઉંદરોથી ભરેલા ખાડા છે, ઉંદરોએ કાતરી નાખેલાં મૃત શરીરો છે અને કોઈક તમને બૂમ મારે છે, “એઈ, ઊભો થા અને લડ.”
‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ આ યુદ્ધ-તરફી માનસિકતા તોડવાનું કામ કરે છે. આ પુસ્તક સાહિત્યની પહેલી સૌથી મોટી યુદ્ધ-વિરોધી નવલકથા છે, અને એટલે એ તમામે વાંચવી જોઈએ. દ્વિતીય મહાયુદ્ધ વખતનો જર્મન ઇતિહાસ તો બહુ કુખ્યાત રીતે બધાને ખબર છે, પણ જર્મનીમાં નાઝી પાર્ટીનો હજુ ઉદય થઈ રહ્યો હતો ત્યારે આ નવલકથા આવી હતી, અને ૧૯૩૩માં નાઝીઓ સત્તામાં આવ્યા ત્યારે જાહેરમાં જે પુસ્તકોને સળગાવવામાં આવ્યાં હતાં તેમાં ‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ પહેલું હતું. ૧૯૩૦માં આ નવલકથા પરથી બનેલી ફિલ્મનું જર્મન થિયેટરોમાં પ્રદર્શન થયું, ત્યારે પાછળથી હિટલરનો પ્રચાર મંત્રી બનેલો ગોબેલ્સ નાઝી કાર્યકરોને લઈને અંદર ઘૂસી ગયો હતો અને ધમાલ મચાવી હતી.
‘ઑલ કવાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ જર્મનીમાં પ્રગટ થઈ અને ટૂંકા ગાળામાં તેની બાર લાખ નકલો ખપી ગઈ હતી. ૧૯ર૯માં મહામંદીનો દૌર હતો છતાં, બ્રિટન, ફ્રાંસ, અને અમેરિકામાં તેની દસ લાખ નકલો વેચાઈ હતી. ૧૯૭પમાં એકલા અમેરિકામાં તેની ૪,૪રપ,૦૦૦ નકલો વેચાઈ હતી. આ નવલકથા વિશ્વની પ૦ ભાષાઓમાં અનુવાદિત થઈ છે અને એની અંગ્રેજી આવૃત્તિની વર્ષે ર૦,૦૦૦ નકલો વેચાય છે.
મારી જો ભૂલ ના થતી હોય, તો ‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ ગુજરાતી ભાષામાં પહેલીવાર આવે છે. અશ્વિન ચંદારાણાએ તેનું ભાષાંતર સરસ કર્યું છે. આ પ્રકારની વેસ્ટર્ન ક્લાસિક નવલકથાને ગુજરાતી ભાષામાં અનુવાદ કરવા પસંદ કરવી, તે જ એક સાહસનું કામ છે. આપણી સરહદો શાંત છે, પણ ગમે ત્યારે સળગી ઊઠવાની દહેશત હંમેશાં હોય છે, ત્યારે યુદ્ધ જીવનમાં કેવી તબાહી લાવે છે, તેને યાદ રાખવા માટે ‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ એક હાથવગો દસ્તાવેજ છે. આજે ભલે પુસ્તકો સળગાવાતાં ના હોય, તમને ભ્રમિત કરવા માટે ગોબેલ્સ તો આસપાસ હોય જ છે. એટલા માટે થઈને પણ આ નવલકથા વાંચવા જેવી છે.
દોસ્તોયેવસ્કીએ ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’માં લખ્યું હતું તેમ, “પોતાના રસ્તે ભૂલા પડવું એ બીજાના રસ્તે સાચા પડવા કરતાં બહેતર છે.”
(પુસ્તકમાંથી સાભાર)
વડોદરા
‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ : લેખક – એરિક મારિયા રિમાર્ક, અનુવાદક – અશ્વિન ચંદારાણા : પ્રકાશક : સાયુજ્ય પ્રકાશન, પહેલી આવૃત્તિ, ૨૦૨૦, રૂ. ૩૫૦/-
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 04-05