Opinion Magazine
Number of visits: 9504780
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે – પછી એ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ હોય કે નર્મદા બાલઘર

સોનલ પરીખ|Opinion - Opinion|7 March 2022

ડૉ. સી.વી. રામનને મળેલા નોબેલ પ્રાઇઝની યાદગીરીમાં, આપણે ત્યાં દર 28 ફેબ્રુઆરીએ વિજ્ઞાન-દિવસ ઉજવાય છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આ વર્ષે ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ જેવી સુંદર-અર્થપૂર્ણ થીમ પર દેશભરમાં 75 સ્થળે આખું અઠવાડિયું વિજ્ઞાન-સપ્તાહ તરીકે ઉજવાયું. આ તકે મળીએ વિજ્ઞાનના બે અનન્ય ઉપાસકોને. બન્નેના અભિગમ, વ્યક્તિત્વ, કાર્યપદ્ધતિ અને વ્યાપ આગવાં છે પણ જ્યાં સુધી સામાજિક નિસબત અને વિજ્ઞાન-સમર્પણની વાત છે, બન્ને એક છે.

ભારતના પ્રસિદ્ધ વિજ્ઞાની ડૉ. સી.વી. રામન, પહેલા ભારતીય જ નહીં, પહેલા એશિયન હતા જેમને વિજ્ઞાનનું નોબેલપ્રાઈઝ મળ્યું. આ ગૌરવપૂર્ણ ઘટનાને કાયમ યાદ રાખવા ‘નેશનલ કાઉન્સિલ ફૉર સાયન્સ એન્ડ ટૅક્નૉલૉજી’ દ્વારા ભારતમાં દર 28 ફેબ્રુઆરીએ વિજ્ઞાન-દિવસ ઊજવવામાં આવે છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આ વર્ષે ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ જેવી સુંદર-અર્થપૂર્ણ થીમ પર દેશભરમાં 75 સ્થળે આખું અઠવાડિયું વિજ્ઞાન-સપ્તાહ તરીકે ઉજવાયું.

આજે આપણે વિજ્ઞાનના બે અનન્ય ઉપાસકોની સામાજિક નિસબત વિશે જાણીશું. બન્નેના અભિગમ, વ્યક્તિત્વ અને કાર્યપદ્ધતિ આગવાં છે પણ જ્યાં સુધી સામાજિક નિસબત અને વિજ્ઞાન-સમર્પણની વાત છે, બન્ને એક છે.

પહેલા ઓળખીએ ડૉ. અરુણભાઈ દવેને. ગુજરાતમાં જે ત્રણ સ્થળ વિજ્ઞાન-સપ્તાહ ઉજવવા માટે પસંદ થયા, એમાંનું એક હતું લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા. લોકભારતીનું લોકવિજ્ઞાન કેન્દ્ર જે આ વર્ષે 50 વર્ષ પૂરાં કરે છે.

આ લોકવિજ્ઞાન કેન્દ્રની શરૂઆત અત્યારે લોકભારતીના મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી સંભાળતા ડૉ. અરુણભાઈ દવેએ કરી હતી. એ વખતે અરુણભાઈ બાવીસ વર્ષના. દર્શકદાદા કહે, ‘આવા ચાળા ન કરીશ. હું સોંપુ એટલું જ કામ કર.’ અરુણભાઈ કહે, ‘જે સોંપશો તે બધું જ કરીશ. પણ મને આ કરવા દો.’ અને વપરાયેલા કોથળા પર વિજ્ઞાનનાં ચિત્રો અને સમાચારો ઘરઆંગણે લગાડવાથી એમણે શરૂઆત કરી. વિદ્યાર્થીઓને રસ પડ્યો. લોકવિજ્ઞાન કેન્દ્ર વિકસતું ગયું. અરુણભાઈ બ્રિટિશ કાઉન્સિલ પાસેથી વિજ્ઞાનફિલ્મો મગાવે, એનું ગુજરાતી કરે અને વિદ્યાર્થીઓને બતાવે. આ ફિલ્મો ચૌદ-ચૌદ કલાકની હોય! એટલે આખું અઠવાડિયું રોજના બે-બે કલાક બતાવે. આવાં અનેક વિજ્ઞાન-ફિલ્મ-સપ્તાહો ઉજવ્યાં. કાઉન્સિલવાળા તપાસ કરવા આવ્યા કે આટલી બધી ફિલ્મોનું થાય છે શું? પચીસ વર્ષ વિજ્ઞાનસામયિક ચલાવ્યું, અનેક કાર્યક્રમો કર્યા. વિજ્ઞાનકાર્યક્રમો લઈને દેશભરમાં તો ફર્યા જ, 25 જેટલા દેશોમાં પણ ગયા. વીસ વર્ષ સુધી વિજ્ઞાનનાં પાઠયપુસ્તકો બનાવવામાં માર્ગદર્શન આપ્યું. સોલાર એનર્જીમાં તો યુનિક કહી શકાય એવું કામ થયું. નાસાને પત્ર લખ્યો કે હું એવા વિસ્તારમાં છું જ્યાં વિમાન પસાર થાય તો લોકો માથાં ઊંચાં કરીને જોઈ રહે છે. આમને મારે સ્પેસ અને ટૅક્નૉલૉજી વિશે કેવી રીતે સમજાવવું તેનું માર્ગદર્શન આપો. નાસાએ ઉત્તરમાં થોકબંધ સાહિત્ય અને સ્લાઈડ્સ મોકલ્યાં.

અરુણભાઈએ સિન્થેટિક દવાઓ પર પીએચ.ડી. કર્યું છે અને નાસા જેવી ઈન્ટરનેશનલ ખ્યાતિપ્રાપ્ત સંસ્થામાં કામ કરવાની તક છોડીને જીવનલક્ષી શિક્ષણ આપતી ‘લોકભારતી’ને સર્વસ્વ ગણી છે. એટલે જે બાળકો ગણિત અને વિજ્ઞાનમાં 99 અને 100 ટકા માર્ક્સ લાવે એમને ઘરમાં કે રોજના જીવનમાં એનો શો ઉપયોગ છે તે ખબર ન હોય એ અરુણભાઈને ખટકે – આ કેવું કે પરીક્ષા માટે ગોખવાનું ને પરીક્ષામાં ઓકવાનું – ખરી જરૂર તો વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાની છે. જીવન સાથે ન જોડાય એ જ્ઞાનને નાનાદાદા ‘વાંઝિયું’ કહેતા; અને અબ્દુલ કલામ કહેતા કે દેશ વિજ્ઞાન-ગણિત વિષયશિક્ષણમાં હોંશિયાર છે, પણ વૈજ્ઞાનિક અભિગમની બાબતમાં ગરીબ છે – આ બન્ને વાત એમના હૃદયમાં ઊતરી ગયેલી. લોકભારતીના શિક્ષણમાં ઘુંટાયેલા જીવન સાથેના અનુબંધના તત્ત્વનો ઉપયોગ એમણે વિજ્ઞાનમાં પણ કર્યો અને પાંચ પાંચ વર્ષના પાંચ વિજ્ઞાન-કાર્યક્રમો કર્યા, જેમાંનો છેલ્લો ‘મોજીલું શિક્ષણ’ બેવડાઈને દસ વર્ષનો થયો છે.

મોજીલું શિક્ષણ એટલે ભણનાર અને ભણાવનાર બન્નેને મોજ આવે એવું શિક્ષણ. એ તો સાબિત થઈ ચૂક્યું છે કે પ્રાથમિક કક્ષાના 98 ટકા વિદ્યાર્થીઓમાં મૌલિક વિચારશક્તિ અને અભિવ્યક્તિ હોય છે, જે બીબાંઢાળ ગોખણિયા શિક્ષણના પ્રતાપે નાશ પામે છે. અનુસ્નાતક કક્ષાએ પણ ‘લિથો’ પકડાવી દેવાય છે. એથી જ આપણા દેશમાં વિદ્યાર્થીઓમાં સંશોધનાત્મક વલણો વિકસ્યાં નથી અને વિશ્વની આધુનિક શોધખોળોમાં ભારતનો ફાળો ક્યાં ય દેખાતો નથી.

મોજીલું શિક્ષણનો મૂળ હેતુ કોઈ વિષયને ‘ભણાવી દેવાનો’ નથી, પણ વિદ્યાર્થી જાતે ભણતો – સમજતો થાય અને જ્ઞાનને જિવાતા જીવન સાથે જોડતો થાય એવી દૃષ્ટિ કેળવવાનો છે. લોકભારતીના વિજ્ઞાન-પ્રદર્શનમાં 350 રમકડાં છે જે બાળકોને પ્રવૃત્તિ દ્વારા વિજ્ઞાનશિક્ષણ આપે છે. માણસ જે પણ કામ કરતો હોય, એમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ઉમેરાય તો એ વધારે સારી રીતે થાય – લોકવિજ્ઞાન કેન્દ્ર મહિલાઓ, ખેડૂતો અને શિક્ષકોને પણ કેળવે છે. 

લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રે તમામ વિજ્ઞાનદિન ઉજવ્યા છે. ગાંધીજીએ વિજ્ઞાનના ‘વિવેકપૂર્ણ ઉપયોગ’ની જે વાત કરી તે લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રનો આદર્શ છે. આમ પણ લોકભારતીના તમામ વિભાગો આ દૃષ્ટિથી જ વિકસાવાયા છે. કોઈ ભલામણ વગર કેન્દ્ર સરકારે લોકભારતીની કરેલી પસંદગી યોગ્ય જ છે. આ સપ્તાહ દરમિયાન લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ભાવનગર જિલ્લાના આઠ સ્થળે બ્રહ્માંડ અંગેનાં વ્યાખ્યાનો, આકાશદર્શન અને વિજ્ઞાનમેળા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા. હજારો વિદ્યાર્થીઓએ અને એમના શિક્ષકોએ ભાગ લીધો.

વિજ્ઞાન-સપ્તાહ નિમિત્તે મોરબીમાં વિજ્ઞાનશિક્ષણના ક્ષેત્રે મહત્ત્વાકાંક્ષી પ્રવૃત્તિઓ કરનાર ભરતભાઈ મહેતાને પણ યાદ કરવાનું મન થાય. ભરતભાઈનાં માતાપિતા સુખલાલભાઈ અને નર્મદાબહેન અનન્ય વતનપ્રેમી અને આર્થિક-સામાજિક-આધ્યાત્મિક રીતે અતિવિકસિત દંપતી. ભરતભાઈ પણ મુંબઈ અને અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ લઈ, યોગ-ફિલોસોફીના અભ્યાસ સાથે ઉદ્યોગ અને કોર્પોરેટ ક્ષેત્રના અનેકવિધ અનુભવો મેળવી આંતરબાહ્ય રીતે ઘણા સમૃદ્ધ થયા. ભારતમાં કૉમ્પ્યુટર્સ લાવવામાં એક હાથ એમનો પણ હતો.

પૌર્વાત્ય અને પાશ્ચાત્ય મૂલ્યોના આ સંયોજન સાથે 1999માં એમણે માતાના નામ સાથે વતન મોરબીમાં, ‘નર્મદા બાલઘર’ શરૂ કર્યું. મોરબી સૌરાષ્ટ્રનું ઉદ્યોગ-પાટનગર ગણાય છે. એમાં ઉછરી રહેલાં બાળકોને કલાઓ, રમતગમત અને વિજ્ઞાનના સંસ્કાર મળે તે ભરતભાઈનું અને નર્મદા બાલઘરનું સ્વપ્ન.

ભવિષ્યની ટેક્નોલોજી પર નજર ઠેરવતા અને 82 વર્ષની વયે પણ યુવાન જેવી સ્ફૂર્તિ રાખતા ભરતભાઈ મોરબીને ‘સિલિકોન વેલી’ બનાવવા ઈચ્છે છે. અમેરિકામાં થાય છે એવો ટૅક્નૉલૉજિકલ પ્રોગ્રેસ અહીં કેમ ન થાય? વિકસિત દેશોની હરોળમાં ભારતને અગ્રીમ સ્થાન કેમ ન મળે? આવતીકાલની દુનિયાને ઉપયોગી એવા નવાં-નવાં સાધનો એમણે નર્મદા બાલ ઘરમાં વસાવ્યાં છે. અહીં વિદ્યાર્થીઓ વિજ્ઞાન-પુસ્તકોના અભ્યાસક્રમો પર આધારિત પ્રયોગો તો કરે જ છે, સાથે કૉમ્પ્યુટર કૉડિંગ, થ્રી-ડી પ્રિન્ટિંગ, બૅઝિક સાયન્સ, ડ્રોન ટૅકનૉલૉજી, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, ઑગ્મેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી આ બધાને લગતાં અનેક અદ્યતન સાધનથી પરિચિત થાય છે. આ સાધનોની રચના અને ઉપયોગ અંગે અહીં વિજ્ઞાનશિક્ષકોને ખાસ તાલીમ અપાય છે. ભરતભાઈની નજર ભવિષ્ય પર છે અને જ્ઞાનની સ્વતંત્રતાપૂર્વક વિસ્તૃતિને તેઓ ખૂબ જરૂરી માને છે. વિજ્ઞાન સપ્તાહ દરમિયાન 24 ફેબ્રુઆરી 2022ના દિવસે નર્મદા બાલઘરના ઉપક્રમે વીરપુરની ન્યૂ એરા ગ્લૉબલ સ્કૂલ ખાતે 75 શાળાઓમાં થ્રી ડી પ્રિન્ટર્સ અને 25 શાળાઓમાં વર્ચ્યુઅલ રિયાલિટી ગ્લાસિઝનું વિતરણ થયું, સાથે દસ ગામડાંની શાળાઓ અને રાજકોટ-મોરબીની બધી આશ્રમ શાળાઓના સંપૂર્ણ વિકાસની અને રાજકોટની વિદ્યાર્થિની બહેનોના કૌશલ્ય દ્વારા સશક્તીકરણની શરૂઆત થઈ.

ભારતમાં મધ્યમ અને ગરીબ વર્ગ મોટો છે. શિક્ષણ અને વિકાસની તકો થોડા શ્રીમંત અને શહેરી બાળકો પૂરતી મર્યાદિત રહે એ બરાબર નહીં. દૂરદૂરની શાળાઓમાં બધું પહોંચવું જોઈએ. આપણાં બાળકો આવનારા ભવિષ્ય માટે તૈયાર થાય અને નોકરીઓ પર મોહતાજ રહેવાને બદલે આત્મનિર્ભર બને એ માટે બાલઘરમાં ડુ ઈટ યૉરસેલ્ફ ઉત્પાદનો અને કૌશલ્યવિકાસ માટે  ‘મેકર રૂમ’ છે, ઉપરાંત સમૂહચર્ચા, સ્કેટિંગ, ચિત્રકામ, નૃત્ય સંગીત, યોગ વગેરે શીખવવાની જગ્યા અને લાયબ્રેરી પણ છે. પણ એમને ગામડે ગામડે પહોંચવું છે. ‘આપણાં બાળકો તેજસ્વી છે, એમને તક અને વૈજ્ઞાનિક વાતાવરણ આપવાની જરૂર છે.’ ભરતભાઈ કહે છે, ‘અમે 850 શાળાઓના 1,100 શિક્ષકોને તાલીમ આપી છે અને અઢી લાખ બાળકો સુધી પહોંચ્યા છીએ. આ વર્ષે આખા ગુજરાતમાં પહોંચવાની નેમ છે. હું ડેમોક્રોસી ઑફ એજ્યુકેશનમાં માનું છું. અમારી કાર્યશૈલી પણ કુટુંબભાવના આધારિત છે. સખત મહેનત અને સર્જનાત્મકતા અમારા મંત્રો છે.’ પણ આ બધા માટે વાતાવરણ જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજીની એક ઈકોસિસ્ટમ જોઈએ અને તે માટે શાળાઓ અને શિક્ષકોએ જ નહીં, શિક્ષણવિદો, વાલીઓ અને પત્રકારોનો સાથ પણ જોઈએ, તો વર્તુળ પૂરું થાય. હું એ સમજ્યો છું કે આપવાના આનંદથી મોટો કોઈ આનંદ નથી.’  

આપણા દેશના વર્તમાન સમાજને અને ભાવિ નાગરિકોને આવા થોડાક અરુણભાઈઓ અને ભરતભાઈઓની ખૂબ જરૂર છે.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 27 ફેબ્રુઆરી 2022 

Loading

7 March 2022 admin
← બા અને બાપુ – દાંપત્યનું એક સુગંધી ચિત્ર
ત્રણ દા’ડા : વામનથી વિરાટ ભણી લઈ જનારા …. →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved