Opinion Magazine
Number of visits: 9448942
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદ્યાર્થી તરીકે જાપાનમાં ત્રણ મહિના

માર્ગી પરીખ|Opinion - Opinion|25 August 2023

ભારત–જાપાન વિદ્યાર્થી વિનિમય હેઠળ, નવેમ્બર 1987થી ફેબ્રુઆરી 1988 સુધીના ત્રણ મહિના જાપાનમાં વિતાવ્યાનાં સંભારણાંની ‘ઇકેબાના’ – સુશોભિત ફૂલગોઠવણી કરવાનો પ્રયાસ

પાંત્રીસ વર્ષ પહેલાંના પ્રવાસની યાદદાસ્ત તાજી કરતાં થાય છે, કે મૂઠી તારલા વેરી ને “આ રહ્યું આકાશ” એમ કહેવા જેવો ઘાટ તો નથી થતો ને? પણ તે છતાં, ઉર્વીશભાઈની વાત સાચી લાગે છે – અન્ય દેશોની સરખામણીમાં જાપાનનો પ્રવાસ ઓછો થાય છે. આ લખતાં પહેલાં અમસ્તું જ જોયું, તો ખબર પડી કે પ્રવાસન વિકાસનો એક વૈશ્વિક સૂચકાંક (ઇન્ડેક્સ) છે, જેની સૂચિમાં જાપાન પ્રથમ સ્થાને છે[1], તે છતાં અને દેશાવર જનારા ભારતીયોનાં પ્રથમ ૧૫ ગંતવ્ય સ્થનોમાં આજે પણ જાપાનનો સમાવેશ થતો નથી[2], એટલે એના વિશે થોડું વાગોળવામાં બહુ વાંધો નહીં, કદાચ.

Source: https://google.com

અને, હું પણ ક્યાં ફક્ત પ્રવાસીની જેમ ગઈ હતી? હું જાપાનના ઓસાકા શહેરની ઓતેમોન ગાકુઇન યુનિવર્સિટીની મહેમાન અને ભારત -જાપાન વિદ્યાર્થી વિનિમયના એક સાંસ્કૃતિક ભાગરૂપ હતી. જાપાનનો મારો પરિચય સિદ્ધાર્થ બસુની પ્રશ્નોત્તરી, નેશનલ બુક ટ્રસ્ટની ભાષાન્તરિત વાર્તાઓ, અને એશિયાદની ઝાંખીઓ કરતાં વિશેષ થવાની હતી. પણ પરીકથાની જેમ સહુ સરળ રીતે પાર પડે કાંઇ?

૧૯૮૭માં હું બી.કે. સ્કૂલ ઑફ બિઝનેસ મેનેજમેન્ટમાં ભણતી, ત્યારે ભારત-જાપાન પ્રોગ્રામમાં દર વર્ષે જનારા બેમાંથી એક વિદ્યાર્થી અમારા ડિપાર્ટમેન્ટનો હોય જ. પણ, એનાથી મને કાંઇ ઘેર બેઠાં ટિકિટ નહોતી મળી જવાની. બે યુનિવર્સિટીના સહકારથી ચાલતા આ કાર્યક્રમમાં પસંદ થવા મહેતનત કરવાની હતી. વળી, પૈસા ક્યાં હતા?

માર્ગી પરીખ

શું આ જાપાન જવા જેવું છે? રાજીવ અને સુનીલ – બન્ને સહાધ્યાયીઓએ ઘણાં કારણ ગણ્યાં. રાજીવ આગલા વર્ષે જ જઈ આવ્યો હતો. જાપાન જવાથી સીધો આર્થિક ફાયદો થઈ જવાનો નહતો. પણ, એમ.બી.એ.ના છેલ્લા સેમેસ્ટર પછી નોકરી પર લાગ્યા પછી ઘણા સમય સુધી કોઈ લાંબી રજાનો અવકાશ ન હતો. ભાવિ પ્રવાસ વ્યાવસાયિક હોવાની શક્યતા ઘણી વધુ હતી. અમારી ઉમ્મરે વિદેશનો પ્રવાસ એક પ્રથમ અવસર હતો, અને એ પણ સાંસ્કૃતિક અભિગમ વાળો હોય તો વ્યક્તિત્વના ઘડતર, અને પોતાના ઘર, દેશ, સમાજથી દૂર જઇને બે તકો મળતી હોય છે – એક, તદ્દન નવી સંસ્કૃતિ અને રીત-ભાતના પરિપ્રેક્ષ્યમાં પોતાની રીત-ભાતો, પ્રણાલિકાઓ, વગેરે ઉપર વિચાર અને બીજું, ઘરથી દૂર, એક જવાબદાર રીતે રહેતાં રહેતાં, પોતાના અભિગમ, વ્યક્તિત્વ, લક્ષણિકતાઓ, વગેરેનાં અવલોકન અને ચિંતન. ચોવીસ વર્ષે આ રીતનાં મૂલ્યાંકનમાં કાંઇ તથ્ય મળે, તો એની અસર લાંબા ગાળા સુધી રહે. અને એક નવા દેશ અને એના લોકોનો પરિચય તો ખરો જ.

ચાલો, અરજી તો કરી, તૈયારી પણ કરી. રોજ ક્લાસનું ભણવાનું અને પછી તૈયારી.

અગાઉ જ‌ઇ આવેલા “પૂર્વસૂરિઓ” – અમારા સિનિયરો એ ચેતવણી આપી જ હતી, કે મુકાબલો દુષ્કર છે. ધુરંધર કલાકારો ભાગ લેતા હોય છે – કોઇ ગાયક, કોઇ નર્તક, વગેરે. પણ અમારું સબળું પાસું એ હતું કે અમે મેનેજમેન્ટના વિદ્યાર્થી હતા. જાપાને અગાઉના થોડાક જ દાયકામાં પોતાની ઉત્કૃષ્ટ પ્રબંધ શૈલીથી અમેરિકન અને અન્ય દેશોનાં સંખ્યાબંધ બજારો સર કર્યાં હતાં. અમેરિકાના ઘર આંગણે બનતી મોટરગાડીઓના દિગ્ગજ ઉત્પાદકોને હરાવી, ને જાપાનીઝ ગાડીઓએ વિજયના વાવટા ફરકાવી દીધા હતા – કિંમત ઓછી, મોડલો (ગાડીનાં) આકર્ષક, અને છતાં બળતણની એવરેજ ઓછી. એ જ પ્રમાણે જાપાનીઝ એલેક્ટ્રોનિક્સ પણ એક ધરખમ ખેલાડી તરીકે અમેરિકન બજારમાં તેના જ ઉત્પાદકોને પાછા પાડી રહ્યું હતું. અમારા અભ્યાસની સાથે સાથે થતા બુક રિવ્યૂમાં, સોની, માત્સુશિતા જેવી કંપનીઓના ઊંચા દરજ્જાના નેતાઓની ચોપડીઓના રિવ્યૂ ક્લાસ વર્ગસમાંતર જ નહીં, પણ ભણાવતાં ભણાવતાં જ પ્રોફેસરો અને આમંત્રિત મહેમાન વક્તાઓ કરતા અને વિદ્યાર્થીઓ ક્લાસમાં ચર્ચા અને દલીલોનો આધાર એના પર બનાવતા.

અમે જો મેનેજમેન્ટનો કોઇ પ્રશ્ન એવો શોધીએ, કે જે ભારત અને જાપાનને સાંકળે, અને જાપાન પ્રવાસથી એવી કોઇ સમજણ ઊભી થાય કે જે અમે ભાવિ કારકીર્દિમાં અમલમાં પણ મૂકી શકીએ, તો અદ્ભૂત.

પણ વાત એટલેથી પૂરી થતી નહતી. જાપાન ગયા વગર, અમારું જ્ઞાન ફક્ત ઉપરચોટિયું અથવા પોથીમાંનાં રીંગણાં જેવું કહેવાય. વળી, ત્યાં ગયા પછી અમને મળનારા અનેક લોકો અમારી પાસેથી જાપાનીઝ સભ્યતા અથવા ઉધોગો વિશે નહીં, બલકે ભારત વિશે પૂછવાના હતા. એ રીતે અમે ભારતનાં સાંસ્કૃતિક દૂત હતાં. એટલે ટૂંકમાં, અમારે તૈયારી ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ -ભૂગોળ , રાજકારણ અને અન્ય સાંપ્રત બાબતો, એવાં અનેક પાસાં ઉપર સમજણ તાજી કરવાની હતી – એવી માહિતિના આધારે, કે જે અધૂરી, પક્ષપાતી, કે આધાર વિનાની ન હોય. એક-બે ચોપડીઓનાં નામ તો પુરોગામી રાજીવે જ આપ્યાં હતાં. એટલે, સવારે ૮.૩૦થી બે-ત્રણ વાગ્યા સુધી ક્લાસ પતાવી, વાંચવાનું, ચર્ચા કરવાની, એક-બીજાને પ્રશ્નોત્તર કરવાના, અને પોતાની દરખાસ્ત – મજબૂત કરવાની.

મને એટલું યાદ છે કે મારે એ જાણવું હતું, કે જાપાન એક નાનકડો દેશ છે, જ્યાં ખેતીલાયક જમીન ઓછી છે. વળી ત્યાં વસ્તીની ગીચતા પણ દુનિયામાં સહુથી વધુ કે તેમાંની એક છે. તો, નિકાસ, આધુનિક ઉદ્યોગો અને શહેરીકરણ, તેમ જ ખેતી અને ગ્રામીણ બાબતોનું બેલેન્સ જાપાન કઈ રીતે બનાવે છે?  

પ્રોગ્રામમાં અરજી કર્યા પછી બે‌એક મહિનાનો સમય હશે. ઇન્ટરવ્યૂના બે તબક્કા હતા. ભવનમાં તો બે જ અરજી હતી, પણ યુનિવર્સિટીના ઇન્ટરવ્યૂમાં ગઈ, અને જે પૅનલ જોઇ, એ જીવનમાં જોયેલી સહુથી મોટી પૅનલ. આ પહેલાં બે ઔપચારિક ઇન્ટરવ્યૂ આપેલા. એક, બી.કે.માં ઍડમિશન વખતે, અને ત્યાર બાદ કૅમ્પસ પ્લેસમેન્ટના ભાગરૂપે. પહેલા જ ઇન્ટરવ્યૂમાં નોકરીની ઑફર થઈ, અને મેં લઈ પણ લીધી. પણ ત્યારે ઍડમિશનમાં ચાર-પાંચ તજજ્ઞો હતા, અને નોકરી વખતે ઇન્ટરવ્યૂ બે-ત્રણ થયા, પણ દર વખતે બે-એક લોકો જ હતા. આ વખતે, ૮-૯ કે એવા જણાતા વડીલો હતા. અમારા ભવનના ડિરેક્ટર પણ હતા. હજી તો હું બેસતી હતી, ત્યાં એ કહે, આ અમારી વિદ્યાર્થિની છે, એટલે હું પ્રશ્ન નહીં પૂછું. સ્વાભાવિક રીતે, એ મેનેજમેન્ટના તજજ્ઞ, છાપાંમાં રોજ એમની કૉલમ આવતી. એ પૂછે, તે મને આવડવાનો ચાન્સ વધુ, અને તો મૂલ્યાંકનમાં મને અયોગ્ય ફાયદો થાય.

અન્ય સવાલો તો યાદ નથી, પણ ઘણા એવા સવાલો થયા, પછી કોઈ કહે, તમે ત્યાં જશો, ત્યાં બધા જ લોકો કાંઈં મેનેજમેન્ટના ક્ષેત્રના નહીં હોય. વળી, તમારા બાયોડેટામાં તમે કોઈ ગાયન-વાદન જેવી પ્રવૃત્તિ જણાવી નથી. જો ત્યાં કોઇ તમને ભારતીય સંસ્કૃતિના કોઇ પાસાંની રજૂઆત કરવાનું કહેશે, તો શું કરશો? ખબર નહીં ક્યાંથી, પણ એ વખતે મને બાળપણમાં સ્કૂલમાં શિખેલા રવીન્દ્રસંગીતની યાદ આવી. મેં કહ્યું, મને થોડું ગાતાં આવડે છે, તાલીમ નથી લીધી, પણ સ્કૂલમાં રવીન્દ્રસંગીત શીખી છું. “ગાઈ બતાવશો?” સવાલ થયો. મને સ્ટેજ ઉપર ગાવા તો શું, બોલવાનું પણ જરાયે ન ગમતું. સ્કૂલમાં કરતી, એ અલગ વાત છે. પણ આમ ઇન્ટરવ્યૂમાં?

પણ, મને ગમતાં બે-ત્રણ ગીતોમાંનું, “હિમેરો રાતે, ઓઇ ગૉગોનેર દીપ …” યાદ આવ્યું અને મેં ગાયું. થોડુંક સાંભળીને એમણે પછી કહ્યું, “ભલે, તમે જઈ શકો છો.” આપણે બહાર.

મને આશા નહતી, પણ હું બેમાંની એક “એક્સચેન્‌જ સ્ટુડન્ટ” તરીકે તરીકે પસંદ થઈ ગઈ. હવે? પાસપોર્ટ નહીં, પૈસા પણ ક્યાંથી આવે? પ્રોગ્રામની શરત એ હતી કે વિદ્યાર્થીએ ટિકિટભાડું આપવાનું અને યજમાન ત્યાં રહેવા-ખાવા-ફરવાનો બધો જ ખર્ચ ઉપાડી લે. સોળ હજાર રૂપિયા સહુથી સસ્તું ભાડું હતું. પહેલાં પણ ઘેર વાત કરી હતી, પણ ત્યારે એમ હતું કે પરિણામ તો આવે. હવે સાચેસાચ જવાનું થયું. ડૅડી કહે, એમ કાંઇ જવાય નહીં આ બધામાં પૈસા અને સમય બગાડવાના? મારી પાસે પૈસા નથી. મેં કહ્યું, મારા લગ્નના પૈસા તમે રાખ્યા છે, એમાંથી આપો, અને લગ્નમાં ઓછો ખર્ચો કરીશું. પણ એમને જચ્યું નહીં. મને થયું, કૅમ્પસ ઉપરથી નોકરી મળી છે ત્યાંથી આગોતરો પગાર માંગું. મામા-માસા ખૂબ હસ્યા, કહે, એવું જરય ન કરાય. તું તારે જા, પૈસા મળી જશે. મેં પાછા આપવાની શરતે લીધા. એક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિનિમય હોવાથી પાસપોર્ટ -વિઝા તરત મળી ગયાં, અને હું ઊપડી!

અમને લેવા એક ઓફિસર, એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને એક પ્રોફેસર આવ્યા હતા. ઓસાકા શહેરથી અમારી યજમાન ઓતેમોન ગાકુઇન યુનિવર્સિટી જવા પહેલાં અમે પિઝાનું જમણ કર્યું – પાતળો ક્રસ્ટ અને મોઝારેલા ચીઝનો પ્રથમ પરિચય. નેપથ્યમાં વાગતાં જાપાનીઝ સંગીતનો પણ.

યુનિવર્સિટીના પ્રમુખ, અન્ય ગણ્યમાન્ય અધિકારીઓ, અને વિદ્યાર્થી પ્રવૃત્તિના ડીન, પ્રોફેસર ટાગોર, વગેરે સાથે વિધિસરની, ઔપચારિક મુલાકાત થઈ. અમે સિનિયરો પાસેથી સાંભળ્યું હતું કે બે મહિનાનો સમય લંબાવી ને ત્રણ મહિનાનો થઈ શકે છે. અમે બન્ને દેશોના દૂતાવાસને, યજમાન યુનિવર્સિટી મારફતે લખાવ્યું અને ત્રીજા મહિનાનો સમય વધારો પણ મળી ગયો. અને, યુનિવર્સિટીના અગ્રણીઓ, દૂતાવાસના અધિકારીઓ, વગેરે સાથે વાત-ચીત અને કામગીરીનો અનુભવ લટકામાં.

ત્રીજા મહિનાનો વધારો! Yeyy!

મને બે મહિનાની, દિવસ વાર પ્રવૃત્તિનું જે સમયપત્રક આવતાં વહેંત મળ્યું હતું એ ઘણું નોંધનીય લાગ્યું હતું. ભણવામાં આયોજન, વ્યવસ્થાપન વગેરે બારમા ધોરણથી લઈને એમ.બી.એ. સુધી ભણી હતી, પણ આ કાગળ જોતાં ખ્યાલ અવ્યો કે કેટલા લોકોએ, કેટલા વખતથી આની ઉપર કામ કર્યું હશે, અને કેટલું સંકલન કર્યું હશે, ત્યારે આ બન્યું હશે. વળી, પત્રક જોતાં મેં કહ્યું, કે મને બાળકોની શાળા જોવામાં પણ રસ છે – જઈ શકાશે? અમારા ઓફિસરે પહેલાં તો ખૂબ વિચાર કર્યો. સામાન્યરીતે “ના” પાડવી, એ એમની સંસ્કૃતિમાં અઘરું છે. પછી એમણે કહ્યું કે જાપાનમાં આવી બાબતો ઘણી અગાઉથી નક્કી થતી હોય છે, એટલે અચાનક મુલાકાત થશે કે કેમ, પણ એ પ્રયત્ન કરશે. મને થયું, ત્રણ મહિનાનો સમય અચાનક કહેવાય? પણ ત્યાં જ મારો લેસન હતો : દરેક દેશમાં “અગાઉથી” અને “છેલ્લી ઘડીએ” એવા ખ્યાલ હોય છે, પણ કોને અગાઉથી અને કોને છેલ્લી ઘડી કહેવાય એની પરિભાષા અલગ હોય છે.

જાપાનના લોકોનાં નામો, અમુક શિષ્ટાચારના શબ્દો, વગેરેનો પરિચય પણ તરત જ થવા લાગ્યો હતો. ધારો, કે મને કોઇ પૂછે, કે રવિવારને જાપાનીઝમાં શું કહેવાય ? અને હું કોઈ ભળતા વારનું નામ બોલું, તો સામે વાળી વ્યક્તિ, “ખોટું”, એમ ન કહે, પણ કહે, “ચિગાઉ” – એટલે, [ખરો જ વાબ] જુદો છે.” વળી, જાપાની ભાષામાં બોલી પ્રમાણે લખાતું નથી. સૈકાઓ સુધી જાપાન પાસે લિપિ જ નહતી. પાછળથી ચીની ચિત્રાક્ષરો વપરાશમાં આવ્યા. આજે જાપાનીઝ ભાષામાં ત્રણ રીતે લખી શકાય છે: ચિત્રલિપિ, જેને “કાન્‌જી” કહે છે; હિરાગાના, જેમાં કાન્‌જી સિવાયના જાપાનીઝ શબ્દો લખાય છે, અને કાતાકાના, જેમાં પરદેશી ભાષાના શબ્દો લખાય છે. એટલે, ઉપર સમયપત્રકમાં ૯ અને ૧૦ તારીખમાં કૌસમાં “ફ્રી” લખ્યું છે, એ કાતાકાનામાં છે. જ્યારે તારીખની બાજુમાં વારનાં નામ છે, એ ચિત્રલિપિમાં છે. ૧૧મી તારીખ સુધીમાં મને ભાષા બોલવાનું આવડવા માંડયું હતું, એટલે “જાપાનીઝ ભાષાનો ક્લાસ” (નિહોન્‌ગોનો જુગ્યો) એમ લખ્યું છે.

એરપોર્ટથી ઉતરતાં જ દૈનિક સમયપત્રક હાજર !

અમારે યુનિવર્સિટીમાં હોઇએ ત્યારે વર્ગો ભરવાના, એ સિવાય અમને આમંત્રણ આપે એને ઘેર જવાનું, અને અમારા ગેસ્ટ હા‌ઉસ ઉપર અમને મળવા પણ ઉત્સુક મિત્રો, અગાઉનાં વર્ષોમાં ભારત જઇ આવેલા વિદ્યાર્થીઓ, વગેરે આવે. એ સિવાય અમને જાપાનીઝ કુટુંબો સાથે રહેવાનું આમંત્રણ હોય , તો એમ, અને એ સિવાય ઓસાકા, ટોક્યો, કોબે, નારા, જેવાં મહત્ત્વનાં શહેરોમાં મહત્વનાં સ્થળોની મુલાકાત – એમ અમારો ઉપક્રમ.

અમારાં જાપાનીઝ ભાષાનાં શિક્ષક હારુકો યોકોમાચી હતાં. સામાન્યરીતે, નામના અંતે “કો” હોય, તો છોકરીનું નામ હોય. એમની સાથે જ, એક હિગુચી સેન્સેઇ પણ જાપાનીઝ સંસ્કૃતિનાં ઘણાં પાસાં ઉપર ક્લાસ લેતા. અમારા ક્લાસમાં અમે બે જ હોઇએ, બીજા બધા તો જાપાનીઝ ભાષામાં ભણતા હોય.

તાકાગી સાન અમારા ઓફિસર. યુનિવર્સિટીમાં અમારા ક્લાસ હોય તેને છોડીને લગભગ હંમેશાં અમારી સાથે. નામ એમનું તોરુ. તાકાગી અટક. જાપાનીઝમાં ઔપચારિક રીતે નામ કરતાં અટકથી સહુને બોલાવવાની પ્રથા છે, અને “શ્રી.” એમ કહેવું હોય, તો નામ પાછળ “સાન ” લગાડવું જોઇએ. એમ, તોરુભાઈ બન્યા તાકાગી સાન. એમનું નામ જાપાનીઝમાં  高木さん થયું. હવે, “સાન” એ જાપાનીઝ શબ્દ ખરો, પણ ચીની ભાષામાંથી નથી ઊતરી આવ્યો, એટલે એ હિરાગાનામાં લખાય, પણ તાકાગી ચિત્રલિપિમાં. એ વળી બે ચિત્રાક્ષરોનું બનેલું છે, “તાકા” એટલે ઊંચું અને “કી” એટલે ઝાડ. પણ આગલા ઉચ્ચારની સાથે મળતાં જ, “કી”નું “ગી” થઇ જાય. છાપાં વગેરે જવું રોજ-બ-રોજનું જાપાનીઝ સમજવા આશરે ૧,૮૫૦થી ૨,૦૦૦ કાન્‌જી જાણવાં પડે. હિગુચી સેન્સેઇએ થોડા ક્લાસ જાપાનીઝ ચિત્રલિપિ કાન્‌જી ઉપર પણ લીધેલા. નીચે ચિત્રમાં છે અસલ એ રીતે એમણે દરેક ચિત્ર, એક લિપિનો ભાગ કેવી રીતે બન્યું તે સમજાવ્યું.

Source:  https://rb.gy/gr6j

અમને હાથખર્ચીના પૈસા યુનિવર્સિટી આપે. સીધું-સામાન, ટ્રેન અને બસ-ભાડું, વગેરે. એમાં ટેક્સીભાડું નહીં, અને અંગત શોખ કે ટેવોના પૈસા નહીં. અમારા ખર્ચનાં બિલો તાકાગીસાન જુએ, હિસાબ મેળવે, અને અનેક વાર ગણતરીમાં ભૂલ કરે. પછી ખૂબ છોભીલા પણ પડે. એમના પાકીટમાં બે બાજુ પૈસા હોય. “આ મારા”, અને “આ ગાક્સેઇકાના” (વિદ્યાર્થીઓને લગતી ઑફિસના). સતત સિગરેટ ફૂંકે, પણ સિગરેટના પૈસા પોતાના કાઢે.

અમારા પ્રોગ્રામ ઓફિસર તાકાગી સાન

ગેસ્ટ હાઉસમાં અમે હોઇએ, ત્યારે તેની પાછળ મેસમાં સાંજનું જમવાનું હોય. જમવાનું વહેલાસર ચાલુ થઈ જાય. પહેલા દિવસે અંદર જવા બારણું ખોલતાં જ હૉલમાં બેઠેલા વિદ્યાર્થીઓના સમૂહિક, “કોમ્‌બાઁવા!” નાદથી જાણે હૉલ ભરાઈ ગયો. કોમ્‌બાઁવા એટલે Good Evening. પછી તો અમે જોયું કે વિદ્યાર્થી પ્રવેશે ત્યારે એના જુનિયરો બધા એને કોમ્‌બાઁવા કહે, અને પેલો સિનિયર પણ સામે કહે. પહેલ જુનિયરે કરવાની. વળી, વર્ગ તરફ જતાં પાછળથી કોઇ આવીને આપણી આગળ નીકળી જાય, તો “શિત્સુરેઇ શિમાસ” (તમારી આગળ જવાનો અવિવેક કરું છું) એમ અચૂક કહે. શહેરમાં બહુ સાંભળવા ન મળે. નવી ઓળખાણ થાય અથવા મળવાનું થાય ત્યારે કમરથી ઝૂકી અભિવાદન કરવાનું પણ અમે શિખ્યાં. કેટલું નમવાનું, તે સામે વાળા અને તમારા દરજ્જાને આધારે નક્કી થાય. ભાષાના વર્ગમાં એ પણ ભણ્યાં, કે જાપાનીઝ ભાષામાં “હું” સૂચક બાર શબ્દો છે!

દરમ્યાનમાં અમારો ગેસ્ટહાઉસનો અડ્ડો બરોબર જામી ગયો હતો. મને રોજની રસોઇ તો ઠીક આવડતી હતી, અને ભારતથી સીધુંસામાન ઘણો લાવેલો હતો, એટલે જ્યારે બહારગામ કે હોમ સ્ટે ન હોય ત્યારે મિત્રોને બોલાવીએ, વળી ઘણા ઉત્સુક જીવ અમસ્તા પણ આવે. સામાન્ય રીતે કદી ખાલી હાથે ન આવે – કોઈ ફળ, નાનકડી ભેટ, એવું એવું કાંઇંક તો હોય જ. અને જમતાં-જમતાં ખૂબ વાતો થાય. ક્યારેક કોઇ શોખીન બન્દા હોય તો રસોડામાંથી ઢાંકણાં, વગેરે ઉપાડીને લાઇવ કોન્સર્ટ પણ કરે!

પેશ છે : રૉક બેન્ડ!

યુનિવર્સિટીમાં ભણવા સાથે મોટા ભાગના વિદ્યાર્થી બે વસ્તુ અચૂક કરતા જોવા મળ્યા : એક, યુનિવર્સિટીમાં ચાલતી કોઇ એક “ક્લબ”માં સક્રિયતા અને “આરુબાઇતો” – મૂળ જર્મન શબ્દ, પાર્ટ-ટાઇમ નોકરી. પૈસાદાર મા-બાપનાં સંતાનો પણ આરુબાઇતો કરતા હોય. કામ શિખવા, અને ખિસ્સાખર્ચી કાઢવા. કોઈ કામ હલકું કે ઓછું ગણાતું નથી. આપણને એમ હોય, કે આપણે ગુજરાતીમાં બેફામ પરદેશી ભાષાના શબ્દો ઉઠાવીએ છીએ, પણ જાપાનીઝમાં જાત -જાતની ભાષાઓના શબ્દો મળે. એ ક્યાંથી અને કેમ આવ્યા એની પણ વાતો થાય, અને જાપાનના ઐતિહાસિક અને તે વખતના સાંપ્રત પ્રવાહો સાથે ભારતની વાતો વણાઈ જાય.

ટાગોર સેન્સેઇના ક્લાસમાં લખેલી નોટ્સ અને મિત્રોએ આપેલી ભેટોમાંની કેટલીક.

યુનિવર્સિટીએ પોતાની ક્લબોમાં પણ અમારી મુલાકાત રાખી હતી. જાપાનમાં ફૂલોની કલામય ગોઠવણીને ઇકેબાના કહે છે. બૌદ્ધ ધર્મની અસર હેઠળ સુંદર રીતે સજાવેલાં ફૂલો મંદિરમાં ધરાવાતાં, અને એમ મનાતું કે આ ગોઠવણી એક અભિગમ, એક રસ્તો છે – જે દિલોજાનથી કરો, તો મોક્ષ – નિર્વાણ સુધી લ‌ઈ જ ‌ઈ શકે છે. આ સંદર્ભમાં ઇકેબાના “કાદો” તરીકે ઓળખાય છે : “કા”નું કાન્‌જી ફૂલ દર્શાવે છે, અને “દો” એટલે માર્ગ. જૂડો નામની માર્શલ આર્ટ યાદ છે ને? એનો શબ્દશ : અર્થ છે, હળવો, gentle માર્ગ. આપણે ફિલ્મોમાં માર-ધાડની રીતે એને જોઇ હોય, પણ વાસ્તવમાં એ હથિયાર વગર અને હુમલો કરવા આવનારને માર્યા વગર પ્રતિકાર કરવાની રીત છે. એવો જ બીજો એક માર્ગ છે, “આઇકિદો” – aikido. એમાં હુમલો કરનારની પોતાની જ શક્તિ, માનવ શરીરની રચનાની સમજણની મદદથી, એની જ સામે વાળવામાં આવે છે. એ પણ બૌદ્ધ વિચારસરણીનો જ એક શાંતિપૂર્ણ સ્વબચાવનો માર્ગ છે. કેન્દો પાતળી, સીધી તલવારની યુદ્ધકળા છે, તમે ઑલિમ્પિક જોતા હો તો ખબર પણ હશે. અમે આઇકિદો ક્લબમાં ગયાં, એક સેશન ત્યાંના મસ્ટર અને વિદ્યાર્થીઓએ (ખૂબ ધીરજપૂર્વક) અમને કરાવ્યું.

આ ક્લબોમાં જઈ આવીને જ્યારે હોમ-સ્ટે માટે ગયાં, ત્યાં જોયું કે દરેક ઘરમાં, સહુ પ્રથમ પગરખાં કાઢવાની જગ્યા હોય. ત્યાં જ છત્રી વગેરે પણ મૂકવાનાં, અને ઘરનાં તેમ જ મહેમાન માટે પણ સ્લિપર રાખ્યાં હોય તે પહેરીને અંદર જવાનું. અંદર ઘણુંખરું એક ખાસ ગોખલો – તોકોનોમા હોય, જ્યાં જાપાનીઝ કેલિગ્રાફીમાં લખાણ અથવા લાક્ષણિક કાળી શાહીમાં કરેલું ચિત્ર અને ઇકેબાના જરૂર હોય.

જાપાનનું પારંપરિક પરિધાન કિમોનો છે તે આપણને ખબર હોય, પણ એની વિવિધતા આપણી સાડી જેવી જ. ઉપર ફોટો સવારે ઊઠીને તરત પાડ્યો છે એમ વર્તાઈ જાય છે, અને જે કિમોનો જેવું વસ્ત્ર છે તે યુકાતા તરીકે ઓળખાતો બાથરોબ છે. અમારા રોકાણ દરમ્યાન “ઓનસેન્” તરીકે ઓળખાતા ગરમ પાણીના ઝરાવાળા ગામમાં, જાપાનીઝ શૈલીની, “ર્‌યો-કાન” તરીકે ઓળખાતી હોટેલમાં લીધેલો છે. ર્‌યો-કાનનો અનુભવ શું કહું? જાણે સમય ફેરવીને ઇતિહાસમાં પહોંચી ગયા હો એવું લાગે. સુંદર રીતે સાચવેલું દાદાનું ઘર, એના સંપૂર્ણ માભામાં બિરાજેલું ન હોય? લાકડાની ફર્શ, એની ઉપર વાંસની ગૂંથેલી સાદડીઓ, લાકડાના ચોકઠાંદાર, સરકતા દરવાજા, અને ચોકઠાંમાં ભરેલા પારંપરિક, જાડા, સફેદ કાગળ. રૂમની સાથે બાથરૂમ હોય, તેની એક દીવાલ કાચની, જેમાંથી, બાથટબમાં બેસીને બહારના બગીચાની સુંદરતા માણી શકાય. અમારી ર્‌યોકાનમાં નીચે જ કુદરતી ગરમ પાણીનો બાથ હતો. આવા બાથ સાર્વજનિક હોય છે. વળી પારંપરિક રીતે પહેલાં બહાર સ્વચ્છ થઈને પછી પબ્લિક બાથમાં પ્રવેશવાનું હોય છે. જાપાનમાં અન્ય વ્યક્તિઓની હાજરીમાં કપડાં વગર બાથમાં પ્રવેશવું એ વિચિત્ર ગણાતું નથી. કેટલાક બાથમાં સ્ત્રી-પુરુષ ઉભય વર્ગના સભ્યો માટે પણ હોય છે. મારી ર્‌યોકાનના સ્ત્રીઓના પબ્લિક બાથમાં હું ગઈ ત્યારે કોઇ જ ન હતું. તે છતાં આંતર વસ્ત્રો સાથે બાથમાં પ્રવેશતાં ખ્યાલ આવ્યો કે આપણી માન્યતાઓ, અભિગમ, અણગમા વગેરે કેટલાં દૃઢ હોય છે.

તોકોનોમા

ટાગોર સેન્સેઇની વાત યાદ આવી. એ બન્ને દેશોને આત્મીય રીતે જાણતા હતા. એમનાં પત્ની, એ‌ઇકો સેન્સેઇ જાપાનીઝ હતાં. એ અમને એક વાર એક નાનકડી વિશીમાં લઈ ગયાં. તદ્દન નાની દુકાન, એની બહાર લાલ ફાનસ લટકતું હોય. એમાં ચિકનની પારંપરિક જાપાનીઝ વાનગીઓ મળે. એક વાર કહે, આપણે ચિકન ખાવા જવાનું છે. મેં કહ્યું, હું શાકાહારી છું. ક્વચિત્‌ ઇંડાંની બનાવટ ચાલે છે, અને મા-બાપ સાથે આ વિશે કાંઇં ચર્ચા થઈ નથી – કદાચ મારે માંસાહાર કરવો હોય તો એ લોકો ના ન યે પાડે – જેમ કે મને સ્કૂલ વગેરેના પ્રવાસે જતાં પહેલાં કે અહીં આવતાં પહેલાં એમણે માંસ ન ખાવું એવું કહ્યું નથી, પણ મને નથી લાગતું કે હું ખાઈ શકું. સેન્સેઇ – એટલે કે શિક્ષક કે પ્રોફેસર – કહે, આપણો ધર્મ એ કાંઇં લેંઘાનું નાડું નથી, કે જરા ઢીલું થયું કે આપણે ઉઘાડા. પણ તે દિવસે પણ, હું ભૂખી રહી, પણ ચિકન ન જ ખાઈ શકી. ટેવો અને પસંદગી-નાપસંદગીની માન્યતાઓ માત્ર મગજથી વિચાર કરવાથી નથી બદલાતી.

ટાગોર સેન્સેઇ

મારી જાપાન મુલાકાત નવેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન હતી, એટલે જાપાનનાં પ્રસિદ્ધ સાકુરા ફૂલોની પૂરબહારમાં ખિલેલી શોભા જોવા મળવાની નહતી. પણ, નવું વર્ષ – ૧૯૮૮ જાપાનમાં વધાવવાનું હતું. નવા વર્ષે આપણી જેમ જ, જાપાનમાં ઈશ્વરને (અને પાર્ટીને પણ) યાદ કરાય છે. બૌદ્ધ, શિન્તો, ખ્રિસ્તી, એ ધર્મો ઘણા પળાય છે. નવા વર્ષે અમને ગેસ્ટ હાઉસમાં છોડવાને બદલે એક ભૂતપૂર્વ વિદ્યાર્થિની – કાયોકો કોમોરીને ઘેર હોમસ્ટે હતો. કાયોકો અને એના પપ્પા અમને ક્યોતો શહેરની મુલાકાતે લઇ ગયાં. ક્યોતો એનાં મંદિરો માટે પ્રખ્યાત છે. આપણા સુવર્ણ મંદિરની જેમ જ, ત્યાં પણ “કિન્‌કાકુજી” છે. કિન્‌ એટલે સોનું – સોનાના મંડપવાળું મંદિર. ત્યાં બહાર તાપણામાં ચોખાની વિશિષ્ટ કેક – મોચિ – શેકીને ખાવાનો રિવાજ છે. નવા વર્ષની સવારે, સુંદર, પારંપરિક કપડાં (કિમોનો) પહેરી, મંદિરે જઈ, ઘંટ વગાડવો એ શુભ મનાય છે.

નવ વર્ષ મુબારક ! – Akemashite Omedetou Gozaimasu!

એક વાત છે. જાપાનનાં વ્યંજનો ભારતની સ્વાદકલિકાઓથી ન જ આલોચાય. ફિક્કું લાગતું જાપાનીઝ ભોજન વિશ્વના સૌથી આરોગ્યપ્રદ ખોરાકમાં ગણાય છે. એક વાર જીભ ઉપરથી, દાયકાઓથી કેળવાયેલા આગળપડતા મસાલાપ્રેમનું પડળ ઊતરે, તો એ વ્યંજનોની નાજુક સ્વાદિષ્ટતા ધીમે ધીમે પ્રગટ થાય. જેવું વ્યંજનનું બનાવવું, એવું જ એને પિરસવું. પાશ્ચાત્ય શૈલીના ડિનરસેટ  કરતાં અલગ, જુઓ તો જ ખ્યાલ આવે એવી પાત્રોની પસંદગી અને તેમના રંગો અને ડિઝાઇનની મિલાવટ .. બધાં પાત્ર ઉપર મશીન-છાપ એક જ રંગ અને ભાત ન હોય . જરા જરા ફેર હોવા છતાં બધાં પાત્રોનો સમન્વય ખૂબ મનભાવન રીતે કર્યો હોય – સાચે જ લાગે, કે જાપાનીઝ સંસ્કૃતિનું ઊંડાણ જ આ વાતમાં રહેલું છે, કે તેની સામાન્ય જણાતી ગતિવિધિને પણ એ ઝેન પરાકાષ્ઠા સુધી પહોંચાડી દે છે.

પણ કહેવું પડે, કે ભારતીય પદ્ધતિના ભોજનની જાપાનમાં લોકપ્રિયતા અદ્ભૂત હતી. એક પ્રોફેસર, ઓહ્‌તા સેન્સેઇને ઘેર અમને જમવા બોલાવ્યાં હતાં, ત્યાં એમણે એમનો, ભારતીય મસાલાનો ચાર્ટ અમને બતાવ્યો!

ઓહ્‌તા કુટુમ્બ, ભારતીય મસાલાના ચાર્ટ સાથે

હું જાપાન જવા જે વર્ષે પસંદ થઈ તે વર્ષે બન્ને વિદ્યાર્થી મેનેજમેન્ટ વિભાગના હતા. એનું એક પરિણામ એ આવ્યું કે મેનેજમેન્ટને લગતી બાબતો આવરી લેતી ઘણી મુલાકાતો ગોઠવાઈ. એક પ્રકારની કંપનીઓ એ હતી, કે જે જાપાનની પારંપરિક પદ્ધતિઓને અકબંધ જાળવી રાખે એવી વસ્તુઓ બનાવતી હતી, અથવા ઉત્પાદનની પદ્ધતિઓને એમના પારંપરિક સ્વરૂપમાં જાળવી રહી હતી, અને બીજી હતી જાપાનીઝ બહુરાષ્ટ્રીય કંપની. અમે નાની નાની કંપનીઓના મલિકોને મળ્યાં, જે પોતે ઉત્પાદનનું કામ જાતે કરતા હતા – કાપડ વણાટ, સેન્ડ્-કાસ્ટીંગ, સિરામિક, વગેરે. એ લોકોની સમસ્યા હતી કે પડતર ઘટાડવા મશીનનો વપરાશ કરવો પડે, પરંપરા છોડવી પડે – પણ પછી શું એ પોતાની ઓળખાણ ખોઇ ન બેસે? અમદાવાદથી હું ગયેલી એટલે એમનો પ્રશ્ન હું બરાબર સમજતી હતી. કૉલેજમાં ખાદી પણ ઘણી પહેરતી. શું મશીન ઉપર વણેલી, સૂતર સિવાયના દોરાથી વણેલી ખાદી, ખાદી કહેવાય ? સાથે એ ઉત્પાદકોની સમસ્યા એ પણ હતી, કે ઊંચી કિંમતે, જુનવાણી વસ્તુઓ ખરીદવા માગતો વર્ગ જો સંકોચાતો જતો હોય, અને જૂની પદ્ધતિથી વસ્તુ બનાવવાનું જાણતા કારીગરો ન મળતા હોય, તો ક્યાં સુધી ચાલી શકે આ કામ ? માલિકોની બીજી પેઢીના જુવાનિયાઓ જ કદાચ આ પેઢી-દર-પેઢીનો ધંધો શિખવાને એટલા ઉત્સાહી ન હતા.

સામે, એક  બહુરાષ્ટ્રીય કંપની હતી, જેની પ્રખ્યાત બ્રાન્ડ હતી “નૅશનલ” (હવે પૅનૅસોનિક), જે જાપાનમાં (એ વખતે) માત્સુશિતાના નામે ઓળખાતી હતી. તેનું મુખ્ય મથક ઓસાકામાં જ હતું. માત્સુશિતાના પ્રૉડક્ટ મ્યુઝિયમમાં અમે એમની ભવિષ્યની પરિકલ્પનાને સાકાર થયેલી જોઇ. માત્સુશિતાનાં ઉત્પાદનો – વૉશિંગ મશીન, ફ્રિજ, હીટર, વગેરેને ગ્રાહક ઑફિસમાં રહ્યે અથવા ઘેર પહોંચવાના અડધા કલાક પૂર્વે નિયંત્રિત કરી શકે, એવું એમણે અમને સમજાવ્યું. ઠંડા પ્રદેશમાં કાં તો આખો દિવસ હીટર ચાલુ મૂકીને જાઓ – જો ઘરના બધા સભ્યો કામ-કાજી હોય, અને કાં વિખવાદ થાય – કોણ ઠંડા ઘરમાં પહેલાં જાય અને ગરમ કરવા મૂકે. દૂર રહ્યે સંચાલિત સાધનો હોય પછી શું મગજમારી? હું તો આશ્ચર્યચકિત હતી. મારા ઘેર તો “૮૭માં વૉશિંગ મશીન હતું એ પણ કેટલા હસ્તક્ષેપથી ચાલતું હતું. આજે આપણે “સ્માર્ટ” ઉપકરણો વાપરીએ છીએ, તેને  એંશીના દાયકામાં સદેહ કરતી હતી આ અને આવી કંપનીઓ. કેટલી દૂરંદેશિતા હશે? એને સાકાર કરવા કેટકેટલા લોકોની creativityને એકસૂત્રે જોડી હશે, આમણે? મિત્રો સાથેના સંવાદો, વાચનસામગ્રી, અને આવી મુલાકાતોથી ખ્યાલ આવ્યો, કે એક સમુદાયની રીતે, બીજા વિશ્વયુદ્ધ પછી લગભગ સંપૂર્ણપણે ભાંગી ગયેલો દેશ ફક્ત મૂઠીભર માણસોની ક્ષમતાપર ઊંચો આવે અને એમ ટકી રહે એવું ન બને.

અને એનો જ વાબ મને અનેક દૃષ્ટાંતોથી દેખાતો હતો – દૂરંદેશિતા, મૌલિકતા, નવરચના, શિસ્ત – એ બધાંને પ્રબન્ધ – વ્યવસ્થાપનના પ્રવાહમાં જોડી, એક એવી રચના કરવી, કે આ સર્વે એક cultureનો ભાગ બની જાય. ગ્રાહકલક્ષિતા, ગુણ વત્તા, અને નવાચાર – આ બધાંનો સમન્વય, અને એનું સાતત્ય ટકાવવા બનાવાયેલી રચના, મેં આ કંપનીઓમાં જોઇ – ફક્ત ઔપચારિક ઈન્ટરવ્યૂમાં નહીં.

અગાઉ કાયોકો કોમોરીની વાત મેં કરી હતી. એના ઘરે રહી આવ્યા પછી, એકાદ મુલાકાતમાં અમારી સાથે વિધાર્થી કોણ આવે એવી વાત હતી. કાયોકોને પૂછ્યું, તો એ કહે, કે એને ઑફિસ ચાલુ છે. “રજા મૂકી દે”, એને સૂઝાડ્યું. કાયોકો એક વિમા કંપનીમાં ગ્રાહકના ક્લેઇમ તપાસતા વિભાગમાં હતી. એણે શું કહ્યું, ખબર છે? “હું (બે કે ત્રણ દિવસ, ચોક્કસ યાદ નથી) રજા પાડું, તો મારા ટેબલ ઉપર ક્લેઇમ આવે, એ પડી રહે, તો ત્યાર પછીનું બધું કામ પાછું ઠેલાય. એવું થાય તો અમારા ગ્રાહકને વિલંબ થાય અને કમ્પનીનું નામ ખરાબ થાય. એટલે ભલે કોઈ બીજા આવે. મને મન તો બહુ છે, પણ હું નહીં આવી શકું.”

એ એક સારી મિત્ર હતી, અને માત્ર બહાનું કાઢવા માટે નહોતી કહી રહી. એ જે કહી રહી હતી, એ એની કમ્પની પ્રત્યે, એના કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા હતી, એવું હું સમજી. આજે મેનેજમેન્ટમાં, સંસ્થાની આંતરિક વર્તણૂંકો ભણાવું છું, ત્યારે સમજું છું, કે એ માત્ર પઠન -પાઠનથી ઊભી થતી નથી. વળી, આટલી પ્રતિબધ્ધતા ભોગ પણ માગે છે : વણભોગવેલી રજાઓ,  તણાવ, વગેરે અનેક સંતતિ છે એની. પણ હું છિદ્રાન્વેષ કરવા નહતી માગતી.

કાયોકો અને ટાગોર સેન્સેઈની જેમ બીજા સાથે પણ સંવાદો થયા હશે – આજે સંવાદોનાં પાન ખરી ગયાં છે, અને અશોકનાં ઝાડ ઉપર વગર પાને જેમ કૂલો જ દેખાય એમ પ્રસંગો અને અનુભવો જ યાદ છે. લખવા બેસવાનો મતલબ નથી એટલી વિશિષ્ટતાઓ વર્ણવતાં પુસ્તકોનો ઢગલો છે, જાપાન ઉપર. ચોખ્ખાઇ, કાળજી, અન્યો પ્રત્યેની જવાબદારી, સત્યનિષ્ઠા, એવાં કેટલાયે ગુણો ઉપર આજે પણ ઇન્ટરનેટ ઉપર કેટલાયે કિસ્સા ફરે છે. પાણીના કુંડમાં ડૂબ્યા પછી જેમ આપણને તરબોળતાં એક-એક ટીપાંનો હિસાબ નથી હોતો, એમ આજે તો, બસ, જાપાન જઇ આવ્યાની ભૂતકાલીન અનુભૂતિમાં એક-એક યાદનો હિસાબ ભૂલી જવો છે.

[1] https://rb.gy/iex4py 

[2] https://rb.gy/n0j8jv P.89-90

e.mail : margieparikh@gmail.com
(પ્રગટ : “સાર્થક જલસો – 18”; મે 2023; પૃ. 107-113)

Loading

26 August 2023 Vipool Kalyani
← ‘વિક્રમ’ લેન્ડરનો વિશ્વવિક્રમ !
ચલ મન મુંબઈ નગરી—211 →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved