ગુજરાતમાં ઝાઝા જાણીતા ન થયેલા, પણ થોડા સમજદાર અભ્યાસીઓમાં વિદ્વત્તા અને સર્જકતાથી સ્વીકાર પામનાર ડૉ. નટવરસિંહ પરમારનું દુ:ખદ નિધન પહેલી ઑગસ્ટે સુરતમાં થયું. તેની જાણ તેમનાં બે વિદ્યાર્થીઓ — હિમાંશી શેલત અને મને — બરાબર એક મહિના પછી થઈ. તેનો આઘાત હજી ય શમ્યો નથી.
‘કાવ્યપુરુષ’ (1983), ‘પ્રબોધકાળનું ગદ્ય’ (1991), અને ‘અવેક્ષા’ (2014) એ તેમના સંશોધન-વિવેચનના ગ્રંથો. ’દોસ્તોએવ્સ્કી અને પ્રથમ ઓળખ’ એ રશિયન લેખક વિશેનું પરિચયાત્મક પુસ્તક છે. દક્ષિણ ગુજરાતના પોતાના વતન–પ્રદેશની નાનકડી ઠકરાતના વિવિધ પ્રસંગો-સ્મરણો નટવરસિંહ પરમારે ‘જગરું’(૨૦૦૮)માં આલેખ્યાં છે. આ વિલક્ષણ નિબન્ધસંગ્રહમાં તે સમયની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય સ્થિતિ અને તેમાં આવેલાં પરિવર્તનોનાં સંવેદનો સૂક્ષ્મ રીતે, નોખા સ્મરણીય ગદ્યમાં આપણને મળે છે. હા, ‘જગરું’ને ‘નર્મદ ચન્દ્રક’ પ્રાપ્ત થયો છે. તેમણે ‘યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ’ના અધ્યક્ષ તરીકે ગુજરાતના કેટલાક વિદ્વાનો પાસે આગ્રહ કરીને સારાં પુસ્તકો કરાવ્યાં હતાં.
નટવરસિંહજીએ માત્ર આઠ-દસ ટૂંકી વાર્તા લખી છે એની જાણ બહુ ઓછાને હશે. એમની એક જરા જુદી વાર્તા ‘કોર્નિયા આઈરિશ રેટિના’ વર્ષો પૂર્વે ‘રુચિ’ સામયિકના વાર્તા-વિશેષાંકમાં પ્રગટ થઈ છે.
સુરતની મ.ઠા.બા. (એમ.ટી.બી.) આર્ટ્સ કૉલેજમાં નિવૃત્ત થયા ત્યાં સુધી અધ્યાપન કરનાર પરમારસાહેબને કક્ષાથી ઓછું કશું ફાવતું નહીં. એની સાહેદી અનેક મિત્રો આપી શકશે.
પરવીનબહેન પરમારને વન્દન. અમારા સૌની પરમારસાહેબને હ્રદયપૂર્વકની નિવાપાંજલિ.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 07 સપ્ટેમ્બર 2020; પૃ. 08