આમ જુઓ તો માનવી ગુફાઓમાં રહેતો ત્યારથી, જિજ્ઞાસાને વશ થઈને અથવા અનુકૂળ આબોહવાવાળા પ્રદેશો અને ખોરાકની શોધમાં, પોતાની આસપાસના વિસ્તારોમાં રહેવા સ્થળાંતર કરતો અને આખર એ નવી ભૂમિમાં સ્થાયી થતો આવ્યો છે. તેને સ્થળાંતર (Migration) જેવી પરિભાષા નહોતી અપાઈ, છતાં પ્રક્રિયા તો પોતાના રહેઠાણથી અન્ય સ્થળે ખોરાક કે અન્ય સગવડોની શોધમાં જવાની જ હતી. હા, તે વખતે તેને પાસપોર્ટ કે વિઝાની જરૂર નહોતી પડતી.
સ્થળાંતર કરવાનાં કારણો સમયે સમયે અલગ અલગ રહ્યાં છે. કુદરતી આફતો, જેવાં કે ભૂકંપ, પૂર હોનારત, ત્સુનામી, જવળામુખીનું ફાટવું, હિમ પ્રપાત અને આબોહવામાં આવેલ ધરખમ ફેરફારોએ માનવીના નાના-મોટા સમૂહોને મોટી સંખ્યામાં સ્થળાંતર કરવાની ફરજ પાડી છે. માનવસર્જિત આપત્તિઓ જેવી કે યુદ્ધ, દેશનું વિભાજન, બહુમતી પ્રજા તરફથી ઊભો થયેલ લઘુમતી કોમ માટેનો સલામતીનો પ્રશ્ન અને અમુક વિશેષ સમૂહની દેશમાંથી હકાલપટ્ટી વગેરે જેવાં પરિબળોએ પણ લાખો લોકોને હિજરત કરવા મજબૂર કર્યા છે. આ ઉપરાંત શાંતિમય પરિસ્થિતિમાં પણ દુનિયા આખીમાંથી એક બીજાના દેશમાં સતત આવાગમન થતું જ રહ્યું છે.
સ્થળાંતરને વાહન વ્યવહારનાં સાધનો તથા જે તે દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ સાથે સીધો સંબંધ છે. વાહનવ્યવહારનાં સાધનોમાં થયેલ પ્રગતિ અને આર્થિક-સામાજિક સંયોગોમાં ચડાવ-ઉતાર આવતાં સ્થળાંતરની માત્રા અને કારણો બદલાતાં રહ્યાં છે. ભારત જેવા એક સમયે ઘી દૂધની નદીઓ વહેતી તેવા દેશની વાત કરીએ. સુવર્ણ યુગમાં ભારતના દરિયા કિનારેથી નાની મોટી હોડીઓમાં કે ઊંટની પોઠ પર માલ ભરીને સાગર ખેડુઓ કે વણઝારાઓ વેપાર અર્થે જતા. તેઓ માલ વેચી, તેના સાટામાં બીજી ખપની ચીજ વસ્તુઓ લઈને પાછા ફરતા. મોટા ભાગના આવા વેપારીઓ ઠીક ઠીક નાણું કમાઈને સમૃદ્ધ થતા. એ લોકો પોતે એકલા જતા. પોતાના પત્ની અને બાળકોને મા-બાપ પાસે મૂકીને જતા. આમ દીકરાના વિદેશ વેપારથી કુટુંબને સીધો આર્થિક લાભ થતો, અને મા-બાપને પોતાની ત્રીજી પેઢી સાથે રહેવાનો લ્હાવ પણ મળતો. બુઢાપામાં તેમની સેવા કરવા પુત્રનો પરિવાર પણ તેમની પાસે રહેતો.
ત્યાર બાદ સ્ટીમરની શોધ થઈ. તે દરમ્યાનમાં ભારતની આર્થિક સમૃદ્ધિમાં ઓટ આવી. જેને ઇકોનોમિક માઈગ્રેશન કહે છે તેનાં મંડાણ થયાં. નાના મોટા ઉદ્યોગ ધંધાઓ અને વેપાર પડી ભાંગ્યા એટલે રોજી રોટીની શોધમાં સાત સમુન્દર પાર દૂર સુદૂર દેશોમાં પુરુષો જવા લાગ્યા. હોડી કરતાં સ્ટીમર વધુ સલામત અને મોટી સંખ્યામાં લોકોની હેરાફેરી શક્ય બની તેથી ઘરનો મુખ્ય કમાનાર પુરુષ એકલો જવાને બદલે પોતાના પત્ની અને બાળકોને અને કેટલાક કિસ્સાઓમાં બૃહદ્દ પરિવારને પણ સાથે લઇ જવા શક્તિમાન બન્યો. આમ થવાથી તેને સ્વદેશ પરત થવાની જરૂર ન રહી અને એ ‘પારકા દેશ’ને પોતાનો કરી, ત્યાં બે-ત્રણ પેઢીઓ કે તેથી ય વધુ સમય રહેવા લાગ્યા. આમ છતાં વતનમાં રહેતા પોતાના અન્ય કુટુંબીજનોને આર્થિક સહાય મોકલી શકતા અને જરૂર પડ્યે પોતાનાં મા-બાપની સંભાળ રાખનાર બીજા ભાંડરુઓ કે કુટુંબીઓ હોવાથી બંને પક્ષે એવું સ્થળાંતર માન્ય અને સહ્ય હતું.
પછી જમાનો આવ્યો એરોપ્લેનનો. સ્વાતંત્ર્ય બાદ હજુ પણ ઘણા લોકો અર્થોપાર્જન અર્થે વિદેશ ગમન કરતા, પરંતુ કેટલાક લોકો વધુ અભ્યાસાર્થે, નવા દેશોમાં નવો અનુભવ લેવા ખાતર પાંચ સાત ટાઈમ ઝોન પાર જવા લાગ્યા. વિદેશ યાત્રા વધુ સુગમ બની. દીકરો ભણવા જાય પછી વિવાહિત બને તો પણ કારકિર્દીની સારી તકો, ઊંચા પગાર ધોરણો અને ચડિયાતી સુખ સગવડોને કારણે પોતાનું વિભક્ત કુટુંબ વસાવીને પોતાના દત્તક લીધેલા દેશમાં જ સ્થાઈ થઇ જવા લાગ્યા. છેલ્લા બે ચાર દાયકાઓમાં તો એવું બનવા લાગ્યું છે કે વિદેશમાં વસતા મૂળ ભારતીય લોકોનાં માતા પિતાને પોતાના સંતાનો તરફથી કોઈ આર્થિક સહાય મળતી નથી અથવા તેની જરૂર પણ હોતી નથી. આમ તેઓ હવે પોતાના સંતાનોના નાણાં અને વ્યાજ સમાન તેમના સંતાનોના સુખથી વંચિત રહેવા લાગ્યાં છે.
ખરું જોઈએ તો ભારતમાં ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ થઈ છે. શિક્ષણ અને વ્યવસાયની તકો વધી છે અને જીવન ધોરણમાં સુધારો ય થયો છે. હજુ આપણું સામાજિક માળખું કુટુંબના દરેક સભ્યની જરૂરિયાઓ પૂરી પાડે અને કાળજી કરે તેવું હૂંફાળું રહ્યું છે. તો સવાલ એ થાય કે શા માટે મોટી સંખ્યામાં યુવાનો ને યુવતીઓ વિદેશ જઈને ત્યાં જ સ્થાયી થાય છે? સંભવ છે કે અભ્યાસાર્થે ગયેલ વિદ્યાર્થીઓને કામની સારી તક મળે અને ‘બે-ચાર વર્ષનો અનુભ લઈને દેશ જઈશ’ કહીને રહી પડે. ભારત પાછો જાય ત્યારે અહેસાસ થાય કે મેં છોડેલી જગ્યા તો બીજા ઘણા શિક્ષિત અને કુશળ લોકોથી ભરાઈ ગઈ છે. અભ્યાસ અને શરૂઆતનાં કામનાં વર્ષો દરમ્યાન આવાં યુવક-યુવતીઓના દ્રષ્ટિકોણમાં પણ બદલાવ આવી ચુક્યો હોય છે. બે દેશના work ethics એટલે કે કાર્ય પદ્ધતિમાં પણ અંતર સમજાવા લાગે છે. આ કારણો સર તેમને ન છૂટકે ફરી વિદેશ જવું પણ પડતું હોય છે.
યાદ રહે કે પોતાનાં પુત્ર કે પુત્રી વધુ અભ્યાસ કરવા વિદેશ જાય ત્યારે માતા-પિતાની છાતી ગજ ગજ ફૂલે. તેને સારી નોકરી મળે તો ઘેલાં થઈને જગત આખાને કહી વળે. દીકરીને પરદેશ પરણાવવાની ઘેલછા તો અંસખ્ય મા-બાપને હોય છે. એટલું જ નહીં, દીકરા કે દીકરીનાં સંતાનોને સાચવવા અને રમાડવા (બેબી સીટિંગ કરવા) પણ હોંશે હોંશે (ક્યારેક તો વહેલી નિવૃત્તિ લઈને) માતા-પિતા વિદેશ પ્રવાસો કરતાં હોય છે અને ત્યાં સુધી સઘળું રૂડું રૂપાળું લાગે છે.
NRI [નૉન રેસિડન્ટ ઇન્ડિયન] પરિભાષા હવે દરેક ભારતીય મૂળના પણ વિદેશે વસતા લોકો માટે વપરાવા લાગી છે. તેમની અને તેમના માતા-પિતાની કફોડી દશા તો વડીલો જીવનની સંધ્યાએ પહોંચે ત્યારથી થવા લાગે છે. જો તેઓ પાસે એકાદ સંતાન દેશમાં તેમની દેખભાળ રાખવા હોય અને પોતાનાં જમાઈ કે વહુ સાથે મીઠાશભર્યા સંબંધો હોય તો તો જગ જીત્યા, પણ જો એક માત્ર અથવા બંને સંતાનો વિદેશવાસી બની ગયાં હોય તેવા વડીલોને ના છૂટકે મોટી ઉંમરે પોતાને માટે અજાણ્યા એવા દેશમાં ઉત્તરાવસ્થા ગાળવાનો સમય આવે એવું બને. ધરુ નાનો હોય ત્યારે વાવીએ તો તેના મૂળ ધરતીમાં ઊંડા જાય એ કુદરતનો નિયમ માનવી માટે પણ સાચો છે. વડલાની જેમ પોતાના કૌટુંબિક અને સામાજિક સંબંધોને વિકસાવી ચૂકેલાં માતા-પિતાને પોતાનું વહાલું ઘર અને સમાજ છોડીને માત્ર મોમ-ડાડ કે ગ્રાન્ડ મા-ગ્રાન્ડ ડાડ તરીકે શેષ જીવન વિતાવવાનું આવે એ અઘરું થઈ પડે છે. અને જો એ મારગ ન લે તો પોતાનાં જ સંતાનો અને તેમના પણ સંતાનો વિના દેશમાં ઝૂરવાનો સમય આવે. થાય એવું કે વાર્ધક્ય આવે એટલે શારીરિક અને માનસિક શક્તિઓ ક્ષીણ થવા લાગે. આજનું મોટા ભાગનું શિક્ષિત ભારત નાના મોટા શહેરોમાં વસે છે. સંતાનોને વિદેશ ગયા વિના પશ્ચિમી ઢબની ‘સ્વતંત્રતા’ ખપે છે. તેમનાં ઘર અને મન બંને સાંકડાં થવા લાગ્યાં છે. આથી હવે દેશમાં કે વિદેશમાં વસતાં પોતાના સંતાનોના ઘરમાં રહેવાનો વિકલ્પ કોઈ રહ્યો નથી.
યુનાઇટેડ કિંગ્ડમ જેવા દેશમાં ‘આપણે આપણી આગલી પેઢીની અવગણના કરીએ છીએ’ તેવાં વિધાનોના પ્રચારથી આજની પેઢીને કઇંક ખોટું કર્યાની લાગણી કરાવવામાં આવે છે, પરંતુ તેનો તોડ તો કોઈ ભળાતો નથી. ખરેખર વિદેશે વસતા મૂળ ભારતના લોકો પોતે અને વતનમાં વસતા તેમના વડીલો એક ભારે વિટંબણામાંથી પસાર થતા જોવામાં આવે છે. તો શું કોઈ મહત્ત્વાકાંક્ષી સ્ત્રી કે પુરુષે અભ્યાસ કરવા કે નવી કારકિર્દી અપનાવવા વિદેશ ન જવું? પોતાના બહોળા કુટુંબને સાથે લઇ જવું બધા માટે શક્ય ન હોય તો માતા-પિતા માટે તેમની ઉત્તરાવસ્થામાં દરેક સગવડ સચવાઈ રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી? કદાચ આના જ પ્રત્યુત્તર રૂપે આજ કાલ ખાસ કરીને ગુજરાતમાં કેર હોમ અને નર્સિંગ હોમ ઘણાં ફૂટી નીકળેલાં દેખાય છે. સંતાનો માતા-પિતા કે બેમાંથી એક બચ્યું હોય તેમને માટે આવા આવાસ અને સંભાળની વ્યવસ્થા માટે ડોલર કે પાઉન્ડની વ્યવસ્થા કરી આપીને પોતે ફરજ બજાવ્યાનો સંતોષ લઈ શકે. જો એ શક્ય ન હોય તો ના છૂટકે માતા-પિતાને વાનપ્રસ્થે અથવા વાર્ધક્યે પણ વિદેશગમન કરવું પડે.
હજુ આજે પણ લગભગ એક મૂકીને બીજા ઘરના યુવાનો વિદેશ જવા તત્પર જોવા મળે છે. આશા રાખું છું કે દેશની સીમારેખા પાર કરતા પહેલાં તેમને તેમના જીવનમાં આવનારી સંભવિત પરિસ્થિતિઓનું સ્પષ્ટ ચિત્ર મનમાં દોરાયેલું હશે જ અને તેના આવનાર પરિણામો ભોગવવા બંને પેઢીના લોકો કટિબદ્ધ હશે.
e.mail : 71abuch@gmail.com