Opinion Magazine
Number of visits: 9448794
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિચારઃ એક આકંઠ પાનની પ્રક્રિયા

રોહિત શુક્લ|Opinion - Opinion|16 October 2018

રેને દેકાર્ત (૧૫૯૬-૧૬૫૦) આધુનિક ફિલસૂફીનો જનક ગણાય છે. તેનું પ્રસિદ્ધ કથન વારંવાર સાંભળવા મળે છે – ‘I Think and therefore I am.’ (હું વિચારું છું અને માટે મારું અસ્તિત્વ છે.) વિચારની દુનિયા બધે જ વિસ્તરેલી છેઃ તેનાથી કોઈ પણ પ્રદેશ કે સંસ્કૃિત અછૂતાં રહ્યાં નથી – રહી શકે જ નહીં. પશ્ચિમના વિચારકોની જેમ પૂર્વમાં, ઉત્તરમાં અને દક્ષિણમાં પણ અનેક વિચારકો પાક્યા છે. બુદ્ધ કે મહાવીરથી લઈને આદિ શંકરાચાર્ય, રામાનુજ, માધવાચાર્ય ઉપરાંત અનેક તર્કવાદી પંડિતો ભારતમાં જન્મ્યા છે, તો ચીનમાં પણ કન્ફસિયસ (૫૫૧-૪૭૯ ઇ.પૂ.) લાઓ ત્ઝૂ (અંદાજે ઈ.પૂ. છઠ્ઠીથી ચોથી સદી) અને અન્ય અનેક ફિલસૂફો થઈ ગયા. માણસ માત્ર વિચારને પાત્ર એમ પણ કહેવાયું છે. આ તર્કવાદી વિચારકો ઉપરાંત આત્મ કે આધ્યાત્મદર્શી, સંતો અને સાહિત્યકારો પણ વિચારની પ્રક્રિયામાં આવી જાય છે. ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું’ કહેનારા નરસિંહ મહેતા કે ગોરખ, નાનક, કબીર, તુલસી અને અરવિંદ સહિત સૌ આ વૈચારિક દાયરામાં સમાઈ જાય છે. અખો પણ ભગત જ હતો ને! પણ તે કહે છે :

“સજીવાએ નજીવાને ઘડ્યો અને પછી કહે, હે ભગવાન મને કૈં દે;”

આ અખો ભગત તો એમ પૂછે છે કે તારી એક ફૂટી છે કે બે?’

વિચારો માટે અંગ્રેજીમાં બે શબ્દો પ્રયોજાય છે. Thought અને Idea. આ બંને એકસમાન નથી. Thought એક સળંગ ચાલતા અને ક્યારેક દૂર અથવા ઊંડે સુધી અને વ્યાપક સ્વરૂપ ધરાવતા વિચારો છે. જ્યારે Idea પરિસ્થિતિજન્ય અને ચોક્કસ સમસ્યાના ચોક્કસ ઉકેલની પ્રક્રિયા સાથે સંલગ્ન છે. આ દૃષ્ટિએ એન્જિનિયરિંગ, એમ.બી.એ., એમ.સી.એ., મેડિકલ વગેરે આઇડિયા ઉપર આધારિત છે, જ્યારે સમાજશાસ્ત્ર, ફિલસૂફી, અર્થશાસ્ત્ર અને સાહિત્ય થોટ માટેનું ક્ષેત્ર બને છે. ‘દરેક વ્યક્તિ વિચારે છે’ – એમ કહેવામાં Ideaનું સ્થાન છે. દરેક વ્યક્તિ વસ્તુગત, સર્વદેશીય, સર્વકાલીન અને દૂરોગામી અસરો ધરાવતા વિચારો કરતી નથી, એ પણ હકીકત છે. સામાન્ય રીતે જે ડૉક્ટર છે તે ફિલસૂફ નથી અને જે ફિલસૂફ છે, તે ડૉક્ટર નથી. છતાં ક્યારેક-જવલ્લે આવું સમાયોજન થતું દેખાય છે ખરું. ઇંગ્લૅન્ડના જાણીતા લેખક સમરસેટ મૉમ આનું ઉદાહરણ છે. તે એક ડૉક્ટર હta અને સાહિત્યમાં પણ તેમણે ઘણું પ્રદાન કર્યું છે. અલબત્ત, સમાજવિદ્યાઓ કે જાતભાતના સાહિત્ય સર્જકો વિચારવંત (થોટવાળા) છે એમ કહેવું બહુ ઉચિત નથી અને આઇડિયાવાળા કોઈ થોટના પ્રદેશના નથી એમ પણ કહી ન જ શકાય. પ્રકાશ આમ્ટે, દ્વારકાદાસ જોશી, ડૉ. વસંત પરીખ અને અભય બંગ તો આ આઇડિયા અને થોટથી પણ ઘણા આગળ છે. દા.ત. અર્થશાસ્ત્રમાં અમર્ત્ય સેનનું પ્રદાન આઇડિયા તેમ જ થોટના સ્તરે છે પણ અર્થતંત્રના ઇનપુટ-આઉટપુટના પ્રવાહોને આલેખતા વાસિલી લિયોન્ટિફનું પ્રદાન આઇડિયાના સ્તરનું છે.

અંગ્રેજીમાં Thought અને Ideaની જેમ એક ત્રીજો શબ્દ Discourse પણ ‘વિચાર’ શબ્દની સાથે સંદર્ભ ધરાવે છે. ડિસ્કોર્સને આપણે ‘વિચાર-વિમર્શ’ અથવા માત્ર ‘વિમર્શ’ કહીએ છીએ. આ શબ્દમાં અન્ય એક શબ્દ, ‘ચિંતન’ પણ સમાહિત છે. વિમર્શ વિચારની પ્રત્યેક આગવી ભૂમિકાના આંતરપ્રવાહોનું મંથન અને પ્રત્યાયન દર્શાવે છે. વિચારવિશ્વના આ ઉપરાંત પણ ઘણા ગ્રહો, ઉપગ્રહો વગેરે અસ્તિત્વ ધરાવે છે. આઇડિયોલૉજી, ફિલસૂફી, તર્ક, ન્યાય-વૈષેશિક, મીમાંસા (લગભગ ડિસકોર્સ-વિમર્શને મળતી આવતી ભૂમિકા) વગેરે વિચારનો આધાર ધરાવતા સંવાહકો છે.

આવું બધું માનવેતર વિશ્વમાં સંભવી ન જ શકે. પ્રાણી હોવા છતાં બુદ્ધિશક્તિ ધરાવતા હાથી, ચિંપાંજી, ઉરાંગઉટાંગ, ડૉલ્ફિન વગેરેમાં પણ આટલી સંકુલ બુદ્ધિ હોતી નથી. પંચેન્દ્રિયજનીત જ્ઞાન જ નહીં, પણ સ્મૃિત, તર્ક, અંગ-પ્રત્યંગનો ઉપયોગ, વાચા વગેરે જેવી ક્ષમતાઓ માત્ર ‘હોમો-સેપિયન્સ’ જ વિકસાવી શક્યા છે.

આ રીતે, માણસ હોવું એટલે જ વિચારશીલ હોવું એવો અર્થ નીપજે છે. માણસ ભય, અંધશ્રદ્ધા, પરંપરાપૂજક કે સમર્થક હોય, ત્યારે તેટલા પૂરતો અને તેટલા સમય માટે, આ અર્થમાં, માણસ રહેતો નથી. પંડિત નેહરુ જેને સાયન્ટિફિક ટેમ્પર એટલે કે વૈજ્ઞાનિક અભિગમ કહેતા, તે માણસમાત્ર માટેની આવશ્યકતા છે.

પરંતુ વિચારોને તર્કપૂત અને સમ્યગ્‌સ્વરૂપે જાળવી રાખવામાં કે આગળ વધારવામાં ઘણાં જોખમ રહેલાં છે. પહેલું જોખમ છે મુલ્લા નસરુદ્દીન પ્રકારનું.

એક નાનકડા ગામના તળાવમાં રોજ સાંજે ગામનું ધણ પાણી પીવા આવે. ધણમાં ગાયો પણ હોય અને ભેંસો પણ હોય. એમાં એક ભેંસનાં શિંગડાં સાવ ગોળ-ગોળ. આ તળાવને કાંઠે એક નાનકડો ચોતરો, જેની ઉપર સાંજના સમયે થોડાક ગામલોકો આવીને બેસે. આ બધા ભેળા મુલ્લા પણ ખરા. મુલ્લા ચોતરે બેસીને રોજ તળાવે આવતાં જતાં ઢોરને નીરખ્યા કરે.

એક દિવસ મુલ્લાએ દોટ મૂકી ને પાણી પીને પાછી ફરતી ભેંસનાં ગોળ શિંગડાંમાં માથું નાંખી દીધું! ભેંસ ભડકી અને નાઠી. ચોતરા ઉપરથી લોક દોડ્યું. મુલ્લાને માંડ-માંડ છોડાવ્યા. ચોતરે સુવાડ્યા – જરાક કળ વળી એટલે પૂછ્યું. મુલ્લા આમ, ભેંસના શિંગડાંમાં માથું ઘલાય? જરાક વિચાર તો કરવો’તો! મુલ્લાએ મરણાસન્ન હોવા છતાં કહ્યું, ‘ભાઈ, છેલ્લા છ મહિનાથી વિચાર કરતો હતો; આ ભગરીનાં ગોળ શિંગડાંમાં માથું ઘાલ્યું હોય તો કેવું લાગે!’ મુલ્લા નસરુદ્દીન વિચારનારાઓનો જ એક પ્રકાર છે!

મુલ્લાનું પાત્ર ભલે રમૂજભર્યું લાગે, પણ માથે કાયદાકીય સજાનો, આબરુ ગુમાવવાનો તથા અન્યને ભારે પીડા આપવાના ગુનાની ઘટના હોવા છતાં લોકો બળાત્કાર શા માટે કરતા હશે? આશારામ હોય, નિર્ભયાનો કાંડ આચરનારા હોય કે પાટણની પીડિતાના બળાત્કારી શિક્ષકો હોય, આ અવિચારી કૃત્ય પેલા મુલ્લાસાહેબની યાદીમાં જ ઉમેરાય!

બુદ્ધ અને મહાવીર લગભગ સમકાલીન હોવા છતાં અને બિહારના પ્રદેશમાં મોટા ભાગનો સમય સાથે રહ્યા છતાં તેમણે સ્થાપેલાં બૌદ્ધ અને જૈન ધર્મ અલગ કેમ હશે? બૌદ્ધ ધર્મમાં વિપસ્સના ધ્યાનનો પ્રકાર ખીલ્યો છે, તો જૈન ધર્મમાં પ્રેક્ષાધ્યાન વિકસ્યું છે. આ બંને હિંદુ પરંપરામાં રાજયોગ અને અષ્ટાંગયોગથી અલગ કેમ હશે?

આવા સવાલો કરવા તે વિચારના ક્ષેત્રનો એક આગવો પ્રકાર છે. અહીં હિંદુ પરંપરામાં બે પ્રચલિત વાક્યોને લક્ષમાં રાખવા જેવાં છેઃ

(૧) “અથ તો બ્રહ્મ જિજ્ઞાસા” – બ્રહ્મજ્ઞાનનો પ્રારંભ જિજ્ઞાસાથી થાય છે. આ ‘જિજ્ઞાસા’ નિરહેતુકી અથવા માત્ર જાણવાની ઇચ્છા ધરાવવામાંથી ઉદ્‌ભવે છે. કલા માટે કહેવાય છે – કલા કલા ખાતર છે – તેવી રીતે જિજ્ઞાસા પણ નિરહેતુકી છે.

(૨) “તદ્‌વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયે” – જ્ઞાનનો અર્ક પામવા વાસ્તે નમ્રભાવે ચારે બાજુના સવાલો ઉઠાવવા જોઈએ. આ જ દિશામાં કહેવાયું છે. “વાદે વાદે જાયતે તત્ત્વબોધઃ” વાદવિવાદ, ચર્ચા, વિચાર-વિમર્શ દ્વારા તત્ત્વની સમજ વિકસે છે.

હિંદુ પરંપરામાં આવા વિચારો હોવાની સાથોસાથ જાતિભેદ પણ છે; એવું કેમ હશે, તે પણ વિચારપાત્ર છે.

વિચારની ત્રીજી ભૂમિકાનું ઉદાહરણ ફ્રૅન્ચ ફિલસૂફ ફૂકો (Michel Foucauit – 1926-1984) છે. ફૂકોએ ‘ગાંડપણ’ વિષય ઉપર પીએચ.ડી.નું સંશોધન કર્યું. અન્ય ઘણાં આવાં સંશોધનમાં પાગલખાનાની મુલાકાતો યોજી. તેમાં વસતા લોકોની વિગતો તારવે – જેમ કે, આટલા ટકા પુરુષો, આટલા ટકા સ્ત્રીઓ કે બાળકો; આટલા ટકા ભણેલા, આટલા ટકા સવર્ણ, સરાસરી ઉંમર, સરાસરી વસવાટનાં વર્ષો વગેરે જેવા આંકડા એકઠા કરી તેને સંશોધન તરીકે ખપાવે. ખરેખર તો આમાં કોઈ સંશોધન નથી, પણ ઝાડનાં પાંદડાં ગણવાનો બાહુબલી ઉદ્યમ જ છે.

ફૂકોએ આવું બાહુબલી-સંશોધન ન કર્યું. તેણે સવાલો કર્યા. એક માણસને ‘ગાંડો’ એવું લેબલ કોણ અને કેવી રીતે ચિપકાવે છે? ડાહ્યા ગણાવા માટેનાં લક્ષણો કયાં અને તે કોના દ્વારા, સમાજની કઈ હલચલના કારણે નક્કી કરાયું? ડહાપણનું પ્રમાણ – નૉર્મ-કોણ અને કેવી રીતે નક્કી કરે છે? તેમાં ‘સત્તા’ની ભૂમિકા કેવી હોય છે? દા.ત. પુરુષપ્રધાન સમાજમાં વિધવા સ્ત્રીને પરેશાન કરીને અને આખરે ગાંડી સાબિત કરીને ઘરમાંથી હાંકી કાઢવાનો પ્રયાસ થાય, ત્યારે આ પુરુષપ્રધાન સમાજ પોતાની સત્તા અને શક્તિનો ઉપયોગ કરે છે. સમાજમાં કેવી વર્તણૂકને ડહાપણભરી ગણાય અને કેવી વર્તણૂકને ગાંડપણભરી, તે નક્કી કરવામાં સમાજના મુખિયા, ધર્મ અને વિચારહીન પ્રચાર મેદાનમાં ઊતરે છે.

આવી સત્તા વ્યક્તિસ્વાતંત્ર્યને કુંઠિત કરે છે અને તેથી તે સ્વતંત્રતા તથા લોકશાહીવિરોધી છે. ફૂકોના આ પ્રકારના વિચારોની કુલ અસર એ થઈ કે પૅરિસની સોબાર્ન યુનિવર્સિટી, જ્યાં ૧૯૬૬-૬૭માં સામ્યવાદ તરફી વિદ્યાર્થી તોફાનો થયાં હતાં અને જેનું વૈચારિક નેતૃત્વ પ્રસિદ્ધ સાહિત્યકાર સાર્ત્રના હાથમાં હતું, તે ઉખડી ગયું. સાર્ત્રના સામ્યવાદના સમર્થનની સામે ફૂકોના સત્તાવિરોધ અને સ્વતંત્રતા તથા લોકશાહીની વિચારધારા તરફનો ઝૂકાવ વધ્યો. સાર્ત્ર અને સામ્યવાદનો પ્રભાવ ઘટ્યો.

ફૂકોએ બાવડાંના બળે પીએચ.ડી. મેળવી ન હતી, પણ જિજ્ઞાસા, પરિપ્રશ્ન અને વાદ-વિવાદની સંયુક્ત વૈચારિક પદ્ધતિ વડે અકાટ્ય તર્ક નિપજાવીને વૈજ્ઞાનિક ઢબે પોતાના વિચારો ફેલાવ્યા હતા. આ મુદ્દો ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતના એક અણમોલ રત્ન સમાન ગાયક ઉસ્તાદ અમીરખાંસાહેબ બહુ સુપેરે સ્પષ્ટ કરી આપે છે. તે કહેતાં, ‘મહેનત કમ કરો – સોચો જ્યાદા’. ખાં-સાહેબના માલકંસ અને દરબારી કાનડા જેમણે સાંભળ્યા હશે, તેમને આ ‘સોચ’નો એક પક્ષ સ્પષ્ટ થશે. બીજી તરફ મહેનતના પક્ષને સમજવા માટે કેસરબાઈ તાનો સાંભળવી પડે, એક-એક તાન એક-એક લાખ વાર તે ઘૂંટતા! દ્રૂત તાનોમાં પણ સ્વરને મોતીના દાણાની જેમ જોઈ શકાતા. પણ ગાયકીનું સૌંદર્ય અને નિખાર પેલી સોચમાંથી જેટલું પ્રગટતું, તેટલું મહેનતમાંથી ભાગ્યે જ પ્રગટતું!

વિચારને આ ત્રણ પ્રકાર મુલ્લા નસરુદ્દીન, વૈદિક અને તે પછીની હિંદુ પદ્ધતિ તથા ફૂકોની સમન્વયકારી ઢબે જોઈ શકાય.

સમાજ આઇડિયા તેમ જ થોટ પ્રકારના વિચારકોનો ઋણી છે. આ બેનું સહ અસ્તિત્વ દરેક વ્યક્તિમાં પ્રસંગોપાત જોવા મળે છે. પણ કદાચ વધુ મહત્ત્વની વાત એ નીપજે છે કે જગતમાં ફેલાયેલા આધુનિકતા, નવોન્મેષ તથા જનજાગૃતિ માટે થોટ પ્રકારના વિચારોની વધુ મોટી ભૂમિકા રહી છે. સમાજને વૈજ્ઞાનિક ઢબે વિચારવાની આઝાદી મળે અને એક હવા બંધાય, તે પછી નવી શોધખોળો તરફ પણ સમાજ ગતિ કરે છે. અમેરિકાની તુલનાએ અગાઉના સોવિયત સંઘમાં ખાસ ઔદ્યોગિક કે અન્ય શોધખોળ ન થઈ શકી, તે માટે તેનું બંધિયાર વાતાવરણ જવાબદાર ગણાય. તેવી જ રીતે ૧૯૬૭થી ભારતમાં હરિયાળી ક્રાંતિ શરૂ થઈ, પણ પાકિસ્તાનમાં ન થઈ તે માટે પાકિસ્તાનની સામંતયુગી અને ધાર્મિક કટ્ટરતાવાળી માનસિકતા જવાબદાર ગણાઈ છે. ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા, ત્યારે પંજાબનું પણ વિભાજન થયું. પૂર્વ પંજાબ ભારત પાસે આવ્યું અને પશ્ચિમનો ભાગ પાકિસ્તાનમાં ગયો. તે સમયે પશ્ચિમ પંજાબમાં જમીનદારી પ્રથા ચાલતી હતી. ખેતરો મોટા કદનાં હતાં અને સિંચાઈ પણ વધુ હતી. છતાં ભારતમાં હરિયાળી ક્રાંતિ થઈ. તેનું કારણ ભારતમાં પ્રવર્તતી થોટની આઝાદી હતી. આ બાબતે છેલ્લાં લગભગ ત્રણસો વર્ષથી યુરોપ અને અમેરિકા ઘણા આગળ છે. પરિણામે હાલમાં પ્રવર્તતી ચોથી ઔદ્યોગિક ક્રાંતિ સહિતની તમામ ક્રાંતિઓ પશ્ચિમના દેશોમાં જ અવતરી છે. આઝાદ બનેલા ભારતમાં પંડિત નેહરુ જેવા વડા પ્રધાન મળ્યા અને તેમણે વૈજ્ઞાનિક વિચારને મહત્ત્વ આપ્યું, તે આ દેશની એક મોટી સદ્‌નસીબી ગણાય.

પણ દુનિયા માત્ર વૈજ્ઞાનિક હોય તેવી વૈચારિક રચના ઉપર ટકી શકતી નથી. આવી એક ચોક્કસ ભૂમિકાએથી વૈજ્ઞાનિક ગણાતી હોય તેવી ઘણી બાબતો કરતાં જગત જુદું છે. વિયોનાર્દો દ વીંચીનો દાખલો લઈએ. તે વિજ્ઞાની હતો; માણસના દેહને – એનેટૉમીને સમજવા વાસ્તે રાત્રે છાનોમાનો કબરોમાંથી મૃતદેહોને બહાર કાઢીને વાઢકાપ કરતો. પણ ચિત્રકાર પણ અવ્વલ નંબરનો; તેણે જ મોનાલીસા નામનું વિશ્વવિખ્યાત ચિત્ર દોરેલું. અન્ય પ્રકારના વિચારો પણ ગહનસ્વરૂપના હતા. તેણે લખેલું, ‘Noblest pleasure – the joy of understanding’. સમજણનું સુખ એટલે સૌથી ઉમદા આનંદ. જે વૈજ્ઞાનિક સોચ દ્વારા જ નિષ્પન્ન થાય તે આવી ઉમદા આનંદની ક્ષણો હોય છે. સંગીત, સુગંધ, ચિત્ર, સ્વાદ કે શરીર ઉપર વહાલથી ફરતા હાથના આનંદને વૈજ્ઞાનિક સોચ વડે બાંધી શકાતો નથી. તરસ લાગી હોય, ત્યારે પાણી પીવાથી ચિત્તમાં રેલાઈ જતા આનંદને વૈજ્ઞાનિક સોચનો આકાર આપી શકાતો નથી.

આ જ સંદર્ભમાં ગાંધીજીને પણ સમજવા રહ્યા. ઘણાની ટીકા છે કે ગાંધીવિચાર વૈજ્ઞાનિક નથી. એડમ સ્મિથનું અને તેની પરંપરામાં આવેલું અર્થશાસ્ત્ર જ સાચું ગણાય. આ શાસ્ત્ર તેની અકાટ્ય ગણાય તેવી દલીલો વડે સાબિત કરે છે કે બજારલક્ષી અભિગમ જ સાચો જણાય. નેહરુ અને ગાંધી વચ્ચેના મતાંતરો અલગ પ્રકારના હતા; તેમાં માનવકેન્દ્રી નીતિમાન અને સમાજલક્ષી ત્યાગપ્રધાન જીવનની ઉત્કૃષ્ટતા અને સામે પક્ષે આધુનિક જગતના વિકસતા જતા વિજ્ઞાનના ઉપયોગમાં કલ્યાણલક્ષી રાજ્યની ભૂમિકા બાબતે મતાંતરો હતા. પણ નેહરુના વિચારોની સામે ૧૯૯૧ની નવી આર્થિક નીતિ વચ્ચે ૧૮૦ ડિગ્રીનો ફેર છે. નવી નીતિ રાજ્યને હાંસિયામાં ધકેલી દઈ કહેવાતા બજારવાદનો મહિમા કરે છે. આથી ‘અદૃશ્ય હાથ’ વડે અને સંપત્તિના અનુસ્રવણ દ્વારા વિકાસ અને કલ્યાણ બે ય બર આવશે, તેવી એક સાવ જૂઠી કલ્પના ફેલાવવામાં આવે છે.

વાસ્તવમાં શું છે? દેશની વસતીના એક ટકા એવા ધનિકો પાસે દેશની સંપત્તિના ૭૩ ટકા જમા થઈ ગયા છે. એક તરફ જી.ડી.પી.માં ઝડપી વધારાનો ઉદ્દેશ છે, તો બીજી તરફ લોકોની સ્વાસ્થ્ય, શિક્ષણ, પેય જળ, વસવાટ વગેરેની અતિ ગંભીર સમસ્યાઓ પણ છે. મોંઘવારી વધે છે, પણ ખેડૂતો પાયમાલ થતા જાય છે. શિક્ષણ વધે છે પણ બેકારી પણ વધે છે. દેશમાંથી ધન લઈને ભાગી જનારા, બેંકોના પૈસા લઈ જનારા, લોકોની જીવનભરની મૂડી હજમ કરી જાય છે. આવા ઘણા બનાવોમાં રાજ્ય અને સાંપ્રદાયિક શક્તિઓનું મેળાપીપણું પણ હોય છે. આધુનિક ગણાતાં અર્થશાસ્ત્ર, રાજ્યવ્યવસ્થા અને સમાજવ્યવસ્થાએ આપણને આ દશાએ લાવી મૂક્યા છે. ગાંધીવિચારમાં આ બધાંને સ્થાન ન હોત! અને છતાં, આ ગાંધીવિચારને આપણે અવૈજ્ઞાનિક ગણીએ છીએ.

ખરો સવાલ હિંદુ ધર્મનાં જ બે મહાપુરાણો વચ્ચેની પસંદગીનો છે. એક તરફ મહાભારત છે. તે સમયની સામંતી વ્યવસ્થાના મુદ્દાને ચર્ચાની બહાર રાખીએ. જો કે કર્ણને દાસીપુત્ર કહીને ઉચ્ચ કૂળનું ગૌરવ કરનારી દ્રૌપદીની મનોદશા આજે પણ દલિત, આદિવાસી, અન્ય ધર્મીઓ વગેરેની સામે બરકરાર છે. અનામત પ્રથા હોવા છતાં આજે પણ ‘એકલવ્ય’ના ભાગે નિરાશા અને ઉપેક્ષા જ છે. પણ મુદ્દો એ છે કે આજના આર્થિક વિચારોનાં પદ્યોગત લક્ષણો, જેવાં કે હરીફાઈ, કાર્યક્ષમતા, બળિયાનું રાજ, રાજ્યની લોકકલ્યાણ તરફની ઉપેક્ષા વગેરે આજે પણ લગભગ એટલાં જ પ્રચલિત છે. જગતમાં આજે પણ દુર્યોધનો, કર્ણો, જરાસંઘો, ભીષ્મો અને ધૃતરાષ્ટ્રો શોધ્યા સાંપડે તેમ છે. એક આધુનિક લિબાસ, પરિવેશ અને લિહાજમાં આપણે જાણે કે મહાભારતકાળમાં સંચરી રહ્યા છીએ. આ મહાભારતમાં ભાગ્યે જ ક્યાં ય માનવ સહજ પ્રેમ, લાગણી કે ઉષ્મા જોવા મળશે. ભીમ કીચકને કે દુર્યોધનને ભયાનક રીતે મારી નાંખે, અર્જુન પશુપતાસ્ત્ર મેળવે, કર્ણને છેતરીને કવચ-કુંડળ પડાવી લેવાય કે શકુની દ્વારા કપટપૂર્વકનું દ્યુત રમાય, તે બધી જ ઘટનાઓ નવાં પાત્રો અને ચહેરામાં પ્રવેશી-પ્રવેશીને અવતરતી જ રહે છે. શિક્ષણસંસ્થાઓમાં પણ ઉત્તમ શકુની, દ્રોણ કે દુર્યોધન કેમ બનાય તેની તાલીમ અપાય છે.

આ પુરાણથી અલગ એવું મહાપુરાણ ભાગવત – શ્રીમદભાગવત છે, તેની કથા સમજવા જેવી છે.

મહામુનિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે વેદના ચાર વિભાગ કર્યા. તે પછી સમાજજીવનને યોગ્ય નૈતિક આધારો સાંપડે તે સારું મહાભારત રચ્યું. આમ કરીને તેમણે વેદ અને ઉપનિષદ્‌ના જ્ઞાનને વ્યવહારમાં ઉતારવાનો પ્રયાસ કર્યો. જીવનના અંતિમ ચરણમાં હતા અને પોતે જે કંઈ કર્યું તે સઘળું ઉથલાવી-ઉથલાવીને માણી રહ્યા હતા. પણ ઘણાં કાર્યો ઉત્તમ કર્યાં હોવા છતાં, જીવનમાં સંતોષ કે આનંદ પ્રગટતા ન હતા. બ્રહ્માજી તો સર્વજ્ઞ ગણાય અને તેથી તે આ પણ સમજી ગયા. તેમણે નારદને ચાર શ્લોક આપીને વ્યાસ પાસે મોકલ્યા. નારદે તો પહોંચતાંવેંત વ્યાસજીની ઉપર વ્યંગબાણ છોડ્યું – કાં, હવે જગતભરના જીવો સુખેથી જીવે તેવા નીતિનિયમો તમે રચી કાઢ્યા, ખરું કે ! કાતરસ્વરે વ્યાસજીએ કહ્યું – ભાઈ નારદ, મને કાંઈ સમજાતું નથી. પણ અંદરથી હું દુઃખી અને ક્ષુબ્ધ છું. નારદે આવી મનોદશા ધરાવતા મહાજ્ઞાની વ્યાસજીને, બ્રહ્માજીએ આપેલા ચાર શ્લોક કહ્યા. આ શ્લોક એટલે ચતુશ્લોકી ભાગવત.  (બ્રહ્માજીને આ ચાર શ્લોક સૃષ્ટિની રચના સમયે ખુદ ભગવાને આપ્યા હતા. આથી તે ભાગવત્‌ બન્યા.) વ્યાસજીએ તેની ઉપરથી ભાગવત મહાપુરાણની રચના કરી. આ મહાપુરાણ પ્રથમ પોતાના પરમ વિરાગી પુત્ર શુકદેવને સંભળાવ્યું. શુકદેવે આ મહાપુરાણની કથા દ્વારા પરિક્ષિતને મૃત્યુની પેલે પારના અમૃતનું દર્શન કરાવ્યું.

મહાભારત અને ભાગવત એક જ વ્યક્તિ દ્વારા રચાયાં છે. પણ ભાગવતના હૃદયસ્થાને પ્રેમ છે. તેમાં શ્રીકૃષ્ણ અર્જુનના સારથી તરીકે નહીં, પણ ગોપસમૂહના ત્રાતા અને ભર્તા સ્વરૂપે ગોવર્ધન ઊંચકનારા છે. ભાગવતમાં શ્રીકૃષ્ણને ગોપીજનવલ્લભી રૂપે મહારાસ રમતા દર્શાવ્યા છે; તે ભીષ્મની બાણશૈય્યા ઉપરથી કહેવાતા, પરાક્રમી એવા વિષ્ણુ સહસ્ત્રનામના એકાંગી દાર્શનિક નથી. વિચારની આ જ પળોજણ છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં અકાટ્ય તર્કથી રક્ષાયેલા આધુનિક મૂડીવાદના આધારે આર્થિક રચનાઓ ચલાવવી કે પછી પ્રેમ, ભ્રાતૃભાવ, સમાજ તરફની જવાબદારી, સામાજિક ન્યાય વગેરે અવૈજ્ઞાનિક અને રંગદર્શી – રોમૅન્ટિક ગણાતા ગાંધીના આદર્શવાદનો આધાર રાખવો ?!

અલબત્ત, ગાંધી સાર્વત્રિકપણે પ્રસ્તુત હોવા છતાં આધુનિક વૈજ્ઞાનિક તર્કબુદ્ધિને ફાવે તેમ નથી. ત્યાગ, અસ્વાદ, સાદાઈભર્યું જીવન, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય વગેરેના આચરણનું જીવન સૌ કોઈ દ્વારા જીવી શકાતું નથી, તેથી કરીને જ કાંઈ ગાંધી ખોટા ઠરે કે ?!

વર્તમાન પરિસ્થિતિ માટે કદાચ સૌથી વધુ દોષિત હોય, તો ગાંધીનો અંચળો પહેરીને ફરનારા કહેવાતા ગાંધીવાદી પણ વાસ્તવમાં તકવાદી જનોના કુત્સિત કાવતરાં છે. અલબત્ત, આવાં ‘ગાંધીજનો’ની સંખ્યા અલ્પ છે અને તે પણ સાતત્યપૂર્ણ કુત્સિતજનો નથી. પણ સવાલ તેમની ભરોસાપાત્રતાનો છે. ગાંધીએ સ્વાર્થ પ્રેરિત કર્મો આચર્યા. આ તકવાદીઓ તો પોતાની વ્યક્તિગત અને મનોરોગી મહાત્ત્વાકાંક્ષાની સિદ્ધિ માટે તે ગમે તે હદ સુધી નીચા ઊતરી શકે છે. ચીજવસ્તુઓનું બજાર તો ઠીક, આવાં ગાંધીજનો તો ગાંધીવિચારનો પણ વેપાર કરી જાણતાં હોય છે.

શેખાદમ આબુવાલાએ કહ્યું તે યાદ કરીએ :

કેવો તું કીંમતી હતો સસ્તો બની ગયો,
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો,
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો!

મુખ્ય સમસ્યા જેટલી ગાંધીવિચારની વૈજ્ઞાનિકતા કે અવૈજ્ઞાનિકતાની નથી; ગાંધીવિચારને આવા કુત્સિત ગાંધીકારણીઓથી બચાવવાની છે. પણ પરસ્પરના હુક્કાપાણી ઉપર ચાલતા સમાજમાં સાચું બોલનાર કે પરખનાર માત્ર ધિક્કાર કે અવહેલનાને પાત્ર બની રહે છે.

સમાજ ગોડસે પાસેથી ભલે હિસાબ માંગે. પણ ક્યારેક આવા ગાંધીજનો પાસેથી પણ હિસાબ માંગે તે જરૂરી છે. ગાંધી-દોઢસોએ ગાંધીના જ કિલ્લામાં આવી વસેલા ગાંધી-અમીચંદોની ઓળખ છતી થતી રહે, તો કમસે કમ સત્યવાદની ભૂમિકા તો રચાશે!

પ્રવર્તમાન સમયમાં માત્ર સ્વદેશે જ નહીં, પણ વિદેશે પણ નિષ્ઠા અને ભરોસાપાત્રતાની મોટી કટોકટી છે. દુઃખદ વાત છે કે કેટલાંક ગણાતાં-ગાંધીજનો માત્ર સ્થાન, માન-પાન અને પૈસા તથા સત્તા માટે છાનગપતિયાં અને ગરબડ-ગોટાળા આચરવા તૈયાર થઈ જતા હોય છે. ક્યારેક ચુસ્ત ગાંધીવાદનો દેખાવ કરનારા માટે ઘનરાશિ, પદવી, પ્રતિષ્ઠા અને સત્તાની ‘તક’ની જ રાહ જોવાતી હોય છે.

સૌજન્ય :”અભિદૃષ્ટિ”, અંક – 131, વર્ષ – 12, અૉક્ટોબર 2018; પૃ. 01-06 

Loading

16 October 2018 admin
← મૌલાના પાંડોર
દેશમાં પ્રસિદ્ધ સંગીતકારો અનેક હતા અને છે, ગુરુમા એક જ હતાં →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved