વિભાજન
સંહારની એકતરફી રજૂઆત ઇતિહાસનો બોજ હશે, બોધ નથી
જે વિગત આ મોડ્યુલ માર્તંડો (બલકે એમના માલિકો ચૂકી ગયા છે તે એ છે કે અહીંથી નીકળેલાં 13 લાખ મુસ્લિમો પાકિસ્તાન પહોંચ્યા નહીં, પાકિસ્તાનથી નીકળેલા આઠ લાખ જેટલા હિંદુ–શીખ અહીં પહોંચ્યા નહીં.

પ્રકાશ ન. શાહ
14મી ઓગસ્ટને વિભાજનની વિભીષિકા દિવસ તરીકે મનાવવાની જાહેરાત સાથે ભા.જ.પ. નેતૃત્વ ઓર આગે વધી રહ્યું છે. એને પક્ષીય ઉજવણીથી (અને એ રીતે કાઁગ્રેસમુક્ત ભારત તેમ કાઁગ્રેસયુક્ત ભા.જ.પ.ની કોશિશથી) ધરવ નથી. પ્રાથમિક ને માધ્યમિકનાં વરસોમાં સત્તાવાર ધોરણે તે આ બાબત અભ્યાસક્રમમાં સુનિશ્ચિત કરવા માગે છે, અને એ રીતે કશોક પક્ષીય વિચારધારાકીય હેતુ અંકે કરવા ઇચ્છે છે.
હજુ ગયે અઠવાડિયે જ અભ્યાસકાળમાં પાર્ટિશન હોરર્સ દાખલ થઈ શકે તે દૃષ્ટિએ સરકારી સૂચનાથી એન.સી.ઈ.આર.ટી.એ તૈયાર કરેલ મોડ્યુલની વિગતો પણ પ્રકાશમાં આવી છે. અલબત્ત મોડ્યુલને છેડે એણે શાણી વાત જરૂર કરી છે કે કાઁગ્રેસ વગર મુસ્લિમ લીગ કોઇને ય સાગમટે બધો દોષ ન ખતવાય તે સારુ સમગ્ર ઇતિહાસ જાણવો સમજવો જરૂર છે.
ભલે ભાઈ. પણ આ શાણીસોજ્જી વાત છતાં એન.સી.ઈ.આર.ટી. ગણાવે છે ત્રણ જવાબદારો – એક, ઝીણા ને લીગ, કેમ કે એમણે પાકિસ્તાનની એટલે કે ભાગલાની માગણી કરી. બે, કાઁગ્રેસ, કેમ કે એણે છેવટે ભાગલાનો નિર્ણય કબૂલ રાખ્યો. ત્રણ, લોર્ડ માઉન્ટબેટન, કેમ કે એમણે ભાગલાનો વિધિવત અમલ કીધો.
સબૂર. આમાં ભા.જ.પ.-જનસંઘના પૂર્વસૂરિઓ ક્યાં છે? હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ક્યાં હતા. આ દિવસોમાં? અને હા, હમણાં પેટ્રોલિયમ ખાતાએ માથે સાવરકર (ને પછી ગાંધી વ.) એવું જે પોસ્ટર પ્રસારિત કર્યું છે તેના વીરનાયક એટલે કે સાવરકર ક્યાં હતા ત્યારે? ઇતિહાસમાં નોંધાયું છે કે સાવરકરનો હિંદુત્વ થિસીસ વીસમી સદીના ત્રીજા દસકાનાં પૂર્વાર્ધમાં બહાર આવી ચૂક્યો હતો. સ્વરાજની ચળવળથી સલામત અંતર રાખવાની સમજૂતી સાથે બહાર આવેલા અંગ્રેજ સરકારના પેન્શનર સાવરકરે 1937માં હિંદુ મહાસભાના અમદાવાદ અધિવેશનની અધ્યક્ષીય રજૂઆતમાં સાફ સાફ કહ્યું હતું કે આપણે (હિંદ/ઇન્ડિયા) એક રાષ્ટ્ર નથી, વધુ રાષ્ટ્રો છીએ – ઓછામાં ઓછા હિંદુ અને મુસ્લિમ બે રાષ્ટ્રો તો અહીં છે જ. મુસ્લિમ લીગનો પાકિસ્તાનનો ઠરાવ તે પછી, 1940માં આવ્યો. આ ઠરાવ ફઝલૂલ હકે રજૂ કર્યો હતો, અને હકને બંગાળમાં મુખ્ય મંત્રીપદ દરમિયાન એક મંત્રી તરીકે મળી રહેલો સધિયારો હિંદુ મહાસભાના નેતા શ્યામાપ્રસાદ મુખર્જીનો હતો. આ જ મુખર્જી પછી સંઘ નેતૃત્વ સાથેની ગોઠવણપૂર્વક જનસંઘના સ્થાપક – પ્રમુખ બનવાના હતા.
વાસ્તવિકતા એ છે કે કાઁગ્રેસ ખેંચી શકી ત્યાં સુધી એણે ‘આપણે સૌ હિંદીઓ’ને ધોરણે વાત કરી. મુસ્લિમ લીગે ‘મુસ્લિમ’ હોવાના ધોરણે તો સંઘ-હિંદુ મહાસભાએ ‘હિંદુ’ હોવાને ધોરણે. કાઁગ્રેસની ચૂકના પ્રસંગો ગણાવી શકાય, પણ ‘આપણે એક રાષ્ટ્ર નથી’ એવી પાયાની જે ચૂક લીગ અને સંઘ-હિંદુ મહાસભાની હતી, એનીયે ભૂમિકા ખસૂસ છે જ. ભાગલા વખતે રજવાડાને ભારત/પાકિસ્તાનમાં ભળવાનો અગર સ્વતંત્ર હોવાનો જે વિકલ્પ હતો તે દરમિયાન કાશ્મીરના હરિસિંહ સ્વતંત્ર રાજ્ય તરીકે ‘હિંદુ રાજ્ય’ની ભૂમિકા લે તે માટે એક તબક્કે હિંદુ મહાસભા ઉત્સાહી હતી જેમ એણે ત્રાવણકોર – કોચીનની સ્વતંત્ર રાજ્ય તરીકેની જાહેરાતને ય ‘હિંદુત્વ’ છેડેથી આવકારી હતી. (ચોક્કસ શકવર્તી ગાળા દરમિયાન હિંદુ મહાસભા અને સંઘનું રજવાડાં-સંધાન તપાસ ને અભ્યાસની બાબત છે.)
સંહાર અલબત્ત અમાનવીય બીના જ છે. પણ એની એકતરફી રજૂઆતમાં ઇતિહાસનો બોજ હશે, બોધ નથી. મોડ્યુલમાં જણાવ્યું છે કે આશરે દોઢ કરોડ લોકો વિસ્થાપિત થયા અને કમ સે કમ છ લાખ લોકો માર્યા ગયા. પણ જે વિગત આ મોડ્યુલ માર્તંડો (બલકે એમના માલિકો) ચૂકી ગયા છે તે એ છે કે અહીંથી નીકળેલાં 13 લાખ મુસ્લિમો પાકિસ્તાન પહોંચ્યા નહીં, પાકિસ્તાનથી નીકળેલા આઠ લાખ જેટલા હિંદુ-શીખ અહીં પહોંચ્યા નહીં.
તો, લમ્હોંમાં ખાયેલી ખતા સબબ સદીઓમાં કિંમત ચૂકવવાની ગાંઠ બાંધીને નીકળેલું નેતૃત્વ જરી જપ્તમાં ઝાંખે અને લગાર પોરો ખાઈ ડગલું ભરે તો શો વાંધો છે, ભાઈ? કાશ, વિભીષિકાની મૂઠ ને મૂર્છા ઉતરે અને કારુણિકાની સંજીવનીનો સ્પર્શ થાય!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 20 ઑગસ્ટ 2025