ભારતીય સંસ્કૃતિનો ઘાટ કઈ માટીથી ઘડાયો છે એ સમજવું-તપાસવું હોય ઘણું પાછળ જવું પડે, આપણી માટીની પ્રાચીન સુગંધ લેવી પડે. તો ચાલો, આપણે પ્રારંભ વેદોથી કરીએ.
વિનોબા ભાવેએ વેદોની સમન્વયકારી દૃષ્ટિ વિષે કહ્યું છે : “વેદોની ભાષા, વિચાર વ્યક્ત કરવાની તેની રીતિ, એમાં નિરુપિત વિવિધ વિષય એવાં છે કે હૃદયને આકર્ષિત કર્યાં વિના રહેતાં નથી. ખાસ કરીને વિચાર કરવાની વેદોની પદ્ધતિ એની વિશેષતા છે. એ એકાંગી ગ્રંથ નથી. સમગ્ર વેદોનું અધ્યયન કરવાથી તેમાં જીવનના એટલા અંગોનું દર્શન મળે છે કે વેદની સમન્વયકારી શક્તિનો એમાંથી પરિચય મળે છે.” (વિનોબા સાહિત્ય ખંડ પહેલો, વેદચિંતન, પૃષ્ઠ, ૨૮૬)
થોડું આચમન કરીએઃ
नानाधर्माणां पृथिवीं विवाचसम (અથર્વવેદ : ૧૨.૧.૪૫)
હે પૃથ્વીમાતા! તું અનેક ધર્મોથી સંપન્ન છે, અનેક ભાવોથી સંપન્ન છે, તારામાં ભિન્ન ભિન્ન વાણી છે – આવી તું અમારી માતા, અમારા પર પ્રસન્ન થાઓ.
एकं सत् विप्रा बहुधा वदन्ति अग्निं यमं मातरिश्वा नमाहु: (ઋગ્વેદઃ ૧.૨૩.૧૬)
ઋષિ કહે છે, સત્ એક જ છે. ઉપાસના કરવા માટે ઉપાસક ભિન્ન ભિન્ન રૂપ પસંદ કરે છે. અગ્નિ, યમ, વાયુ વગેરે. આનો અર્થ એ થયો કે સત્ નિર્ગુણ નિરાકાર છે.
अग् ने नय सुपथा राये अस्मा न् विश्वा निदेव वयुनानि विद्वा न्
युयोध्यस्मज्जुहुराणमेन: भूयि ष्ठां ते नमउक्तिं विधेम (ઋગ્વેદઃ ૧.૨૪.૧૫)
હે માર્ગદર્શક દૈદીપ્યમાન પ્રભુ, વિશ્વમાં ગૂંથિત દરેક તત્ત્વો તો તું જાણે છે. અમને સરળ માર્ગે એ પરમ આનંદ સુધી લઈ જા અને ખોટા માર્ગનું પાપ અમારાથી દૂર કર. અમે નમ્ર વાણીમાં વિનવણી કરીએ છીએ.
अज्येष्ठासो अकनिष्ठास एतं सं भ्रातरो:
वाव्रुध: सैभाग्य (ઋગ્વેદઃ ૫.૪.૪)
કોઈ વરિષ્ઠ નથી તેમ કોઈ કનિષ્ઠ નથી. દરેક સમાન છે. દરેક બંધુ છે અને દરેકે એકબીજાના શ્રેય (સૌભાગ્ય) માટે જીવન જીવવાનું છે.
વિનોબા કહે છે કે “વેદમાં આ મંત્રમાં એક જગ્યાએ अमध्यम: શબ્દ આવે છે અર્થાત્ નાના-મોટા તો કોઈ નહીં, મધ્યમ પણ કોઈ નહીં. આપણે ત્યાં આદર્શ સમાજના વર્ણન માટે ‘હંસવર્ણ’ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. હંસનો એક જ રંગ હોય છે; સફેદ. નિષ્પાપ, નિર્મળ, નિષ્કલંક. બંધુત્વમાં પણ બંધન છે. બંધુ અને બંધન બન્ને એક જ ધાતુના શબ્દો છે. માટે भ्रातरो: નહીં अमध्यम:”
अदित्सन्तं चि दाघृणे पूषन् दानाय चोदय
पणेश्चिद् वि म्रदा मन: (ઋગ્વેદઃ ૬.૮.૧)
અમને તપાવીને શુદ્ધ કરનાર હે દેવ! જે દેવા નથી ઈચ્છતો તેને પણ દેવા માટે પ્રેરિત કર અને કૃપણના મનને પણ કોમળ બનાવ.
अन् ने समस्य यदसन् मनीषा: (ઋગ્વેદઃન ૧૦.૪.૧૨)
આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે આપણે અન્નનો એક કોળિયો મોંમાં મૂકીએ છીએ ત્યારે તેમાં બધાની વાસના વળગેલી હોય છે. અર્થાત્ વહેંચીને ખાવું જોઈએ.
अभ्यूर् णोति यन्नग्नं भिषक्ति विश्वं यत्
तुरम्
प्रेमंध: ख्यन्नि: श्रोणो भूत (ઋગ્વેદઃ ૮.૯. ૧૪)
મનુષ્યે દુનિયામાં કેવાં કામ કરવાં જોઈએ? ઉઘાડા હોય એને કપડાં પહેરાવવાં જોઈએ. બીમારને દવા આપવી જોઈએ. તેની સેવા કરવી જોઈએ. અંધ હોય એ જોઈ શકે એ રીતની તેને મદદ કરવી જોઈએ. લંગડો હોય તે ચાલી શકે તે રીતની મદદ કરવી જોઈએ. પરમેશ્વરને આ ગમતું કાર્ય છે.
अर्हन्निदं दयसे विश्वम भ्वम् (ઋગ્વેદઃ ૨.૬.૭)
આ તુચ્છ દુનિયા પર, તુચ્છ વિશ્વ પર તું દયા રાખતો જઈશ તો વિશ્વનું ભલું થશે.
अहं राष्ट्री संगमनी वसूनाम (ઋગ્વેદઃ ૧૦.૧૮.૩)
હું રાષ્ટ્ર દેવતા છું. સર્વે રાષ્ટ્રની વાણી છું. સર્વે સૌજન્યોનું સમન્વય હું કરું છું. જેટલું સૌજન્ય દુનિયામાં ફેલાયેલું છે એ મેં ફેલાવ્યું છે.
आ नो भद्रा: क्रतवो यन्तु विश्वतः (ઋગ્વેદઃ ૧.૧૪.૧)
જે શ્લોકનું આ એક પદ છે તે સમગ્ર શ્લોકનો સૂર એ છે કે બધી દિશાઓમાંથી અમને ભદ્ર વિચાર પ્રાપ્ત થાઓ.
रुतस्य श्लोको बधिरा ततर्द (ઋગ્વેદઃ ૪.૨.૬)
સત્યનો શ્લોક (વચન) બહેરાના કાનમાં પણ પ્રવેશી શકે.
नमो नम:स्तेनानां पतये नमो नम:
नम: पूंजि ष्ठेभ्यो नमो निषादेभ्य:
ब्रह्म दाशा ब्रह्म दासा ब्रह्मैवेमे कितवा: (તૈતરીય સંહિતાઃ ૪.૫.૩.૧)
એ ડાકુઓના સરદારને નમસ્કાર! એ ક્રૂર જનોને નમસ્કાર! એ હિંસ્રા જનોને નમસ્કાર!. એ ઠગ, ચોર, ડાકુ બધા બ્રહ્મ જ છે. એ દરેકને નમસ્કાર!
पथां विसर्गे धरुणेषु तस्थौ (ઋગ્વેદઃ ૧૦.૧૫)
જીવનનો આધાર શાશ્વત ધર્મતત્ત્વો પર ઊભો છે, જેમાં બધા જ પંથોનું વિસર્જન થાય છે.
भद्रं कर्णेभि: शृणुयाम देवा: भद्रं पश्येमाक्षभिर्यज त्रा:
स्थिरैरंगेस्तुष्टुवांसस् व्यशेम देवहि तं यदायु: (ઋગ્વેદઃ ૧.૧૪.૫)
હે, દેવો! અમે કાનેથી શુભવચન સાંભળવા ઈચ્છીએ છીએ, હે, પુજનિયો! અમે આંખેથી શુભ જોવા ઈચ્છીએ છીએ. આપની સ્તુતિ કરતાં કરતાં અને સ્થિર અંગો અને મજબૂત શરીર સાથે ઈશ્વરે આપેલું આયુષ પૂરું કરવા ઈચ્છીએ છીએ.
मित्र स्य मा चक्षुषा सर्वा णि भूतानि समि क्षन्ताम्
मित्र स्या हं चक्षुषा सर्वा णि भूतानि समीक्षे (યજુર્વેદઃ ૩૬.૧૮)
જો હું ઈચ્છતો હોઉં કે મારી આસપાસની દુનિયા મારા તરફ મિત્રની નજરે જૂએ તો હું પણ આખી દુનિયાને મિત્રની નજરે જોઉં.
मोघमन्नं विदं ते अप्रचेता: सत्यं ब्रवीमि वध इत् स तस्य
आर्यम णं पुष्यति नो सखायं केवलाधो भवति केवलादी (ઋગ્વેદઃ ૧૦.૧૬.૬)
અવિવેકી પુરુષ કારણ વિના અન્નનો ઢગલો કરે છે. ખરું કહું છું, જે અન્નનો સંગ્રહ કરે છે એ મૃત્યુનો સંગ્રહ કરે છે. જે ઉદાર થઈને સૃષ્ટિનું તેમ જ સમાજનું પોષણ નથી કરતો અને એકલો ખાય છે એ પાપ ખાય છે.
यं स्मा पचृ्छन्ति कु ह सेति घोरं उतेमाहुर् नेषौ अस्ति त्येनम्
सो अर्य: पुष्टीर्विज इवा मि नाति श्रदस्मै धत्त स जनास इंद्र: (ઋગ્વેદઃ ૨.૨.૫)
ઘણા લોકો સવાલ કરે છે કે પરમાત્મા છે ક્યાં? તેઓ સંશયવાદી લોકો છે. કોઈ કહે છે પરમાત્મા છે જ નહીં. તેઓ નાસ્તિક છે. આમ ઋગ્વેદના સમયમાં સંશયવાદીઓ અને નાસ્તિકો અસ્તિત્વ ધરાવતા હતા.
यतेमहि स्वराज्य (ઋગ્વેદઃ ૫. ૪. ૧૧)
અમે સ્વરાજ માટે પ્રયત્ન કરીશું.
અહીં સ્વરાજ વ્યાપક અર્થમાં લેવાનો છે. વિનોબા કહે છે, વેદોમાં સૂર્યને आदित्य स्वराट् કહ્યો છે. સ્વરાટ્ એટલે સ્વપ્રકાશિત. ચન્દ્રને અન્યરાજ કહેવામાં આવ્યો છે. વાચકને આના પરથી ધ્યાનમાં આવ્યું હશે કે સ્વરાજ એ કેટલી મોટી જવાબદારી છે.
विश्वमानुष: (ઋગ્વેદઃ ૭.૮.૯)
માણસ તો છે જ, પણ એમાંથી જે માણસ ઘડવાનો છે એ છે વિશ્વમાનવી.
विश्वं पुष्टं ग्रामे अस्मि न् अनातुरम् (ઋગ્વેદઃ ૧.૧૮.૮)
અમારા ગામમાં આરોગ્યવાન પરિપુષ્ટ વિશ્વનું દર્શન થાવ!
शतहस्त समाहर सहस्रहस्त सं किर (અથર્વવેદઃ ૩.૨૪.૫)
સો હાથે કમાઓ, હજાર હાથે દાન કરો.
समानी व आकूति : समाना ह्र्दयानी व:
समानमस्तु वो मन: यथा व: सुसहासती (ઋગ્વેદઃ ૧૦.૨૪.૧૩)
તમારી ભાવના સમાન હો, તમારા હૃદય સમાન હો, તમારું ચિત્ત સમાન હો કે જેથી તમારી વચ્ચે ઉત્તમ એકતા સધાય.
આ તો થોડાં નમૂના માત્ર છે. વ્યાપકતા સિવાય નાની વાત કહેવામાં આવી નથી. ખોળી જુઓ વેદગ્રંથોને. તપાસી જુઓ વેદોની ઋચાઓને. તમારા મનને ખાતરી થઈ જશે. શ્રી અરવિંદે તેમના ‘વેદ રહસ્ય’ ગ્રંથના પુરોવચનમાં લખ્યું છેઃ “ભારતીય સંસ્કૃતિ, ભારતનો ધર્મ, તેનું તત્ત્વચિંતન, તેની સભ્યતા વેદમાં રહેલાં ગૂઢવાદી તત્ત્વમાંથી ઊતરી આવ્યાં છે. તેથી પરંપરાગત માન્યતા ઐતિહાસિક હકીકતો સાથે વધારે સુસંગત છે.” (પૃષ્ઠ, ૯) યાદ રહે, અરવિંદે અહીં ભારતીય શબ્દ વાપર્યો છે, હિંદુ નહીં; જ્યારે કે શ્રી અરવિંદ એક સમયે રાષ્ટ્રવાદી ક્રાંતિકારક હતા.
તો વાત એમ છે કે આજે આપણા સમાજમાં ક્યાંક જે વૈચારિક તામસિકતા જોવા મળે છે એનાં મૂળ પદાર્થો વેદોમાં તો નથી મળતા. વેદોમાં તો સાત્વિક વાતો જ કહેવાઈ છે. આમ વેદ આપણી અંદર પેદા થયેલી તામસિકતાનું કારણ નથી.
e.mail : ozaramesh@gmail.com
http://sandesh.com/vedas-cultural-ganges/
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામે લેખકની સાપ્તાહિક કટાર, ’સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 24 માર્ચ 2019