Opinion Magazine
Number of visits: 9446710
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વતનની ઘૂળથી માથું ભરી લઉં આદિલ ……….. આદિલ મન્સૂરી 

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|28 July 2023

૧૯૯૫ના ઑકટોબર માસની એક વીકએન્ડમાં, રોચેસ્ટર-ટોરાન્ટોમાં મેં આદિલ મન્સૂરીનું કાવ્યવાંચન ગોઠવ્યું હતું. ટોરાન્ટોના કાર્યક્રમ બાદ, રવિવારની બપોરે મારા ઘરે નિરાંતે અમે બંને જણા બેઠા હતા. તે વખતે મેં કવિતાને નામે કોરા કાગળ પર કરેલા આડાઊભા લીટા આદિલભાઈને દેખાડયા. તે સાંજે સહપરિવાર સાથે વાળુપાણી કરતાં કવિ આદિલ મન્સૂરીએ તેના રમૂજી સ્વભાવ પ્રમાણે મને કહ્યું, ‘તમે આજથી હવે લઘુકાવ્ય પર હાથ અજમાવો. તમે માનો કે ન માનો તમારાં લઘુ કાવ્યમાં ક્યાંક ઊંડાણ છે તો કોઈક કાવ્યમાં ચમત્કૃતિ પણ જોવા મળે છે. એટલે તમને એક ખાસ સૂચન કરવાનું મન થાય છે કે તમે કોઈ એક પ્રતીક તે કોઈ એક કલ્પન પર એકથી વિશેષ લધુકાવ્યો લખો. માનવું ન માનવું એ તમારી મરજીની વાત છે.’

આ પ્રમાણે મને જણાવી કહે કે, ‘લધુકાવ્ય લખવાં એટલે ડાબા હાથનો ખેલ, લ્યો, હું તમને એક લધુકાવ્ય સંભળાવું.’

‘એક પનિહારી

બેડું લઈને આવીઃ

કૂવો ભરી ગઈ.

લધુકાવ્ય સંભળાવતાં આદિલ જાણે મારી સાથે લઘુકાવ્યની અંતકડી રમતા હોય તેમ મને કહે કે ,’લ્યો, હવે તમે મને એક શીઘ્ર લઘુકાવ્ય રચીને સંભળાવો …’ 

આદિલના ઉમંગ પર મેં મારા ઘરની ખુલ્લી બારી બહાર નજર કરી તો ચારે બાજુ અમાસનું ઘોર અંઘારું છવાયું હતું. મારા પડોશીના ઘરની પરસાળમાં એક વીજળીનો દીવો ટમટમતો હતો. આ દૃશ્યને આંખ સામે રાખી મેં ફકત ગમ્મત ખાતર આદિલને એક શીઘ્ર લઘુકાવ્ય સંભળાવ્યું;

એક દીવો 

રાત આખી અંઘકાર 

બાળતો રહ્યો!

મારા હોઠેથી આ શબ્દો પૂર્ણ થયા ન થયા ત્યાં આદિલે રંગમાં આવી જઈ મને દાદ આપતાં કહ્યું, ‘અરે! ક્યા બાત હૈ ! જિગર, બહુત ખૂબ. તમે જરા એ કાવ્યને ફરી એક વાર મને સંભળાવો તો !’ મારા લધુ કાવ્યને ફરી એક વાર સાંભળ્યા બાદ તેમણે મને કહ્યું, ‘બહુ જ સુંદર ….. બસ, લ્યો ત્યારે આ શુભ ચોઘડિયે કરો તમે લધુકાવ્યના શ્રીગણેશ….. ‘ દોસ્તો ! કવિતાની શૈલીમાં અમેરિકાને હું મારો વનવાસ લેખું છું. અમેરિકા એટલે પરીઓ અને કમ્પ્યુટરનો દેશ. ચોમેર ફેલાયેલ ગુલાબી વાતાવરણ મારી ભીતર આકાર લેતી માણસાઈની ભાષાને સમજવા અસમર્થ જણાતાં મેં યંત્રની ભાષા સાથે એટલે કમ્પ્યુટરની ભાષા સાથે મૈત્રીનો હાથ મિલાવ્યો. ટૂંક સમયમાં માણસની ભાષા ભૂલી યંત્રની ભાષા સાથે હળીમળી ગયો.

એ ઢળતી સાંજે ગઝલકાર આદિલ મન્સૂરીએ જો મને કવિતા લખવા પ્રોત્સાહિત ન કર્યો હોત તો! કદાચ આજ મારે મન ડૉલર જ માણસ ! ડૉલર જ ભાષા ! ડૉલર જ વ્યવહાર ….અને સાચું કહું તો રાત્રે સ્વપ્નો ય હું ડૉલરનાં જ જોતો હોત !

•••

શનિવારની એક સાંજે હું એકાદ બે કલાકથી આદિલભાઈને ફોન કરવાની કોશિશ કરતો હતો પણ આદિલસાહેબ આજે મળતા ન હતા. છેવટે મોડી સાંજે ફોન પર તેમનો ભેટો મને થયો.

‘અરે! દાદા ક્યારનો કલાકોથી ફોન કરું છું ક્યાં ખોવાઈ ગયા હતા?’ “પોસ્ટ બૉકસમાં ટપાલ લેવા ગ્યો હતો. શું તમને ‘ઘબક’ મળ્યું?’

‘આજે બપોરે ટપાલમાં આવ્યું, મીર સાહેબે શૂન્ય પાલનપુરી વિશેષાંક પ્રગટ કર્યો છે.’

‘પાલણપુરે આપણને અગણિત ગઝલકારો આપ્યા, તેમાં શૂન્યભાઈનું યોગદાન ખાસ કરીને ઉમર ખય્યામની રુબાઈનો એમણે ગુજરાતીમાં કરેલો અનુવાદ લાજવાબ છે. થોડુંઝાઝું તેમનું કામ ગઝલના છંદ શાસ્ત્રના પુસ્તકોમાં. આ બઘા પાલણપુરીમાં મારી દૃષ્ટિએ સૈફ પાલનપુરીની ગઝલો શ્રેષ્ઠ છે. ભલે, તેમણે આંગળીના વેઢે ગણાય એટલી ગઝલો લખી. તમે ક્યારેક ફુરસદે તેમની ગઝલ પર નજર નાંખજો. હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, તમને તેની પ્રત્યેક ગઝલમાંથી એકાદ બે ઉચ્ચ કોટિના શેર ચોક્ક્સ મળી રહેશે.’

સૈફે ગઝલો ઉપરાંત ઘણાં સુંદર મજાના મુક્તકો પણ આપ્યાં છે, એમાં કોઈ ના નહીં. મારી દૃષ્ટિએ આ માણસ ખરેખર સંવરેલો, સંવેદનશીલ ગઝલકાર હતો. પણ સાથી શાયર મિત્રોએ સૈફને ખોટે રવાડે એટલે કે નઝમ તરફ ચઢાવી દીઘો. “અરે,સૈફ આપકી નઝમ મેં ક્યા તાકાત હૈ!” સરવાળે આપણને સૈફ પાસેથી જે સુંદર ગઝલો મળવી જોઈતી હતી તેને બદલે મળ્યો નઝમનો ઢગલો. ખરેખર આપણાં યુગનું આ કમભાગ્ય છે.’

•••

એક વીક ઍન્ડમાં સાંજે હું જમીને ઊભો થાઉં છું ત્યાં ફોનની ઘંટડી રણકી ઊઠી. ફોન લેતાં જ સામે છેડેથી આદિલભાઈનો મીઠો સૂર મારે કાને પડયો. ‘લાહોરમાં વસતા મારા પરમ મિત્ર ઝફર ઈકબાલને ગુજરાતી રદીફ ને ઉર્દૂ ગઝલ લખવા માટે રમેશ પારેખનો સમ્રગ કવિતાનો સંગ્રહ “છ અક્ષરનું નામ” ઉથલાવતો હતો. રમેશની ગઝલના બેચાર રદીફ મને બહુ જ ગમી ગયા જેવા કે, “ચશ્માના કાચ પર”, “કાગડો મરી ગયો’ વગેરે. રમેશને વાંચતાં મને તમારી સાથે વાત કરવાનું મન થયું. આ પહેલાં મેં રમેશની સમગ્ર કવિતાના સંગ્રહમાં ઉપર છલ્લી નજર ફેરવેલ. આજે ઝફર સાહેબને ચૂંટેલા રદીફ મોકલવા માટે સવારથી રમેશના સંગ્રહને લઈને બેઠો છું. આપણા ગુજરાતી ગઝલના વિદ્ઘાનો કે વિવેચકોએ રમેશની ગઝલ પર ઘ્યાન નથી આપ્યું. બસ છંદ દોષને લક્ષ્ય બનાવી કારણ વિનાના ખોટા બૂમબરાડા કર્યે રાખ્યા છે. જે વાત સાવ તુચ્છ છે એને બધા આજ લગી વળગીને બેઠા છે. આજે રમેશની ગઝલને નિરાંતે વાંચતાં મને એક બાબત ચોક્ક્સ સમજાણી કે રમેશ પારેખની ગઝલનું જોઈએ એવું આજ લગી મૂલ્યાંકન જ થયું નથી. તેની પ્રત્યેક ગઝલમાં ભારોભાર કવિતા છે. મારી દૃષ્ટિએ રમેશ ગીતકવિ જેટલો જ ઉત્તમ ગઝલકાર છે. પછી ઝફર સાહેબની વાતે વળગ્યા. આ ઝફર ઈકબાલ મને ગાલિબ જેટલા જ પ્રિય છે. ભલે ઝફર સાહેબ વ્યવસાયે વકીલ રહ્યા પણ આજે વર્તમાનમાં ઉર્દૂ ગઝલમાં  તેમના જેવો ઉત્તમ ગઝલકાર ભાગ્યે જ કોઈ મળે. આ માણસ સવારે પોતાનું નિત્યકર્મ પતાવી એકવાર પલાંઠી વાળીને ટેબલ-ખુરશી પર બેસી જાય પછી વીસ ગઝલ લખીને જ ઊઠે. એમની ગઝલની ખાસ વિશેષતા તો એ છે કે તેમની ગઝલમાં ન તો ફરી એક શબ્દ કે ફરી પાછો એ જ વિચાર આપણને એમની બીજી કોઈ ગઝલમાં જોવા મળે. તેમની હરેક ગઝલ એક નવું જ ફૂલ  અને નવી એક મહેક! તેમની ગુજરાતી રદીફ સાથેના ઉર્દૂ ગઝલસંગ્રહ “તરકીબ”નું હું સંપાદન કરી રહ્યો છું.

ભારતથી અમેરિકા અવારનવાર આવતા સાહિત્યકારો, કલાકારો અને કથાકારને સાંભળવા જતા મારા બેચાર અંગત મિત્રો મરીઝ સાહેબ વિશેની થોડીક વાતો અને તેમની ગઝલના થોડાક શેર સાંભળી આવ્યાં હશે એટલે એકાદ બે મિત્રોને થયું કે આપણા માનનીય કથાકાર આ ગઝલકારની આટલી કદર કરે છે તો પછી આપણે સુરત કે મુંબઈમાં મરીઝ સાહેબનું એકાદ સ્મારક બનાવી નાંખીએ તો એ રીતે આપણું નામ અને આપણા પ્રિય કથાકારની ઈચ્છા પૂર્ણ થઈ જાય. એકાદ  અઠવાડિયા બાદ જ્યારે આદિલભાઈ સાથે ફોન પર મારી વાત થઈ ત્યારે આ જ વાત મેં તેમને કરી. ‘અરે! તમે એ મિત્રને કહેજો કે, મરીઝ સાહેબ તો આજ લગી મૃત્યુ જ કયાં પામ્યા છે. સ્મારક, કબર તો મૃત્યુ પામનારની પાછળ બનાવવામાં આવે છે.’

આજથી લગભગ પાંચેક દાયકા પહેલાં એકાદ મુશાયરામાં કે પછી કોઈ મહેફિલમાં યુવાન આદિલની મુલાકાત ઉર્દૂના નામાંકિત ગઝલકાર ફિરાક ગોરખપુરી સાથે થયેલ. પ્રથમ મુલાકાતે જ આદિલની ગઝલથી પ્રભાવિત થયેલ ફિરાક સાહેબે, આદિલને પ્રશ્ન પૂછ્યો, “બરખુરદાર, તમારી દૃષ્ટિએ ગઝલ કોને કહેવાય?” યુવાન આદિલે પોતાની રીતે ફિરાકસાહેબને ગઝલની વ્યાખ્યા સમજાવી. “આદિલમિયાં, છંદ, કાફિયા અને રદીફ તો ગઝલનું શરીર છે. તમે મને જે કહ્યું એમાં ભલા ગઝલનો આત્મા કયાં છે? લ્યો હું તમને ગઝલનો આત્મા શું છે એ સમજાવું છું. “માનો કે એક હરણ વન વગડે પોતાની મસ્તીમાં ચરી રહ્યું છે. બરાબર એ જ વખતે ગીચ ઝાડીમાંથી એક સિંહ છલાંગ મારતો આવી ચડે છે, ભયભીત હરણ જીવ બચાવવા દોટ મૂકે છે. શિકાર હાથમાંથી છૂટી ન જાય તે માટે સિંહ પાછળ દોડે. બરાબર એ વખતે હથેળીમાં જીવ લઇને દોડતાં હરણની સામે એક ઝરણું આવી જાય. જો હરણ ઝરણું કૂદી જાય તો જિંદગી, નહીંતર મોત. મૃત્યુની આખરી ક્ષણે હરણના મુખમાંથી એક જ વખત એક તીણી ચીસ નીકળે છે તે ગઝલ.’ ફિરાક સાહેબની આ વાતને આદિલે હ્રદયમાં ઘૂંટી લીઘી હતી. આ એક કારણે જ ગુજરાતી સાહિત્ય-જગતમાં આદિલ મન્સૂરીની ગઝલ ગુજરાતના બીજા ગઝલકારો કરતાં જુદી તરી આવે છે.

એક જમાનામાં ગઝલ સાકી, સુરા, જામ, વગેરે રદીફ કાફિયામાં અટવાયેલ હતી. આ પરંપરામાંથી ગઝલને બહાર કાઢવાનો અને ગઝલને એક અનોખો નવો વળાંક આપવાનો યશ આદિલ મન્સૂરીને ફાળે જાય છે. આદિલસાહેબ જેટલા ઉત્તમ ગઝલકાર હતા, એટલા જ એક ઝિંદાદિલ નમ્ર સ્વભાવના મૃદુ માનવી હતા. આજથી વીસેક વર્ષ પહેલાં હું અમેરિકન ગુજરાતી કવિઓની કવિતાનો પ્રથમ સંગ્રહ “બરફમાં મેઘઘનુષ” કરતો હતો, ત્યારે મેં આદિલ સાહેબને પૂછ્યું કે આદિલભાઈ, તમારા પરિચયમાં મારે શું લખવું? ત્યારે મને તેમણે કહ્યું, “બસઃ આટલું જ લખોઃ

“જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે,

નામ, ઘંઘો, ઘર્મ ને જાતિ ગઝલ.”

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

28 July 2023 Vipool Kalyani
← જ્યોતિભાઈ : પારદર્શક પારસમણિ
હ્રદય છલકાઈને મારું તમારો પ્યાર માગે છે ……. કૈલાસ પંડિત →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved