
નટુભાઈ પરમાર
આજીવન ગરીબો અને વંચિતોના અધિકારોની પ્રાપ્તિ માટે લડતા રહેલા પ્રખર પત્રકાર, તંત્રી, લેખક, કર્મશીલ અને આંદોલનકાર ઇન્દુકુમાર જાની એટલે માતા સવિતાબહેન અને ગુજરાતી રંગભૂમિના ખ્યાતિપ્રાપ્ત નાટ્ય કલાકાર પિતા અમૃતલાલ જાનીના સુપુત્ર.
૧૭ ડિસેમ્બર ૧૯૪૩ના રોજ મોરબી જિલ્લાના ટંકારા ગામે જન્મીને મેટ્રિક્યુલેશન સુધી રાજકોટમાં ભણીને, રાજકોટની જમીન વિકાસ બેન્કમાં નોકરી કરતા કરતા બી.એ. (૧૯૬૫) અને એલ.એલ.બી.(૧૯૬૭)નો અભ્યાસ કરનાર ઇન્દુભાઈની એક બેન્ક કર્મચારી અને બેન્ક કર્મચારીઓના યુનિયનના આગેવાનથી શરૂ થયેલી અને ‘વાચાવિહોણાઓની વાચા સમા પત્રકાર – ચળવળકાર’માં પરિણમેલી જીવનસફર ગુજરાતી પત્રકારત્વની એક નોંધપાત્ર ઘટના છે.
૧૮ એપ્રિલ ૨૦૨૧ એ કોરોના વાઈરસનો ભોગ બનીને આપણી વચ્ચેથી અંતિમ વિદાય લઈ જનારા ઇન્દુભાઈએ આદિવાસી, દલિત, ખેતમજૂર, અગરિયાઓ, મિલમજૂરો અને એકંદરે શોષિત-પીડિત, અન્યાયગ્રસ્ત, અધિકારવિહિન વર્ગોના હિત, હક, ગૌરવ અને વિકાસ માટે એક કર્મશીલ આગેવાન રૂપે અને તેઓ જેના ચાર-ચાર દાયકા સુધી તંત્રી રહ્યા એ સામયિક ‘નયામાર્ગ’ના પત્રકાર – તંત્રીરૂપે તેમ જ અગ્રગણ્ય દૈનિકોના કટારલેખક – Columnist રૂપે નિભાવેલી ભૂમિકા અને તેમનું પ્રદાન ઇન્દુભાઈને ગુજરાતના યશસ્વી પત્રકારોની આગવી હરોળમાં સ્થાન આપે છે. ઇન્દુકુમાર જાનીના ઉલ્લેખ વિના ગુજરાતી પત્રકારત્વની વાત થઈ શકે નહીં.

ઇન્દુકુમાર જાની
‘આનંદયાત્રી બાબા આમટે’ (૧૯૮૬), ‘સંઘર્ષમય વિકાસયાત્રા’ (૧૯૮૭), ‘ઉત્તર ગુજરાતની વિકાસની સમસ્યાઓ અને શક્યતાઓ’ (૧૯૮૮), ‘સંઘર્ષસેનાની અને સમતાનો સૂર્ય – ડૉ. આંબેડકર’ (૧૯૯૧), ‘અત્યાચાર અને અસ્પૃશ્યતાના બે પડ વચ્ચે પીસાતા દલિતો’ (૧૯૯૬), ‘માનવ અધિકાર: સાબાર ઉપર માનુષ સત્ય’ (૧૯૯૮), ‘આંસુભીનાં રે હિરના લોચનીયાં’ (૧૯૯૯), ‘રેશનાલિઝમ : નવલાં મુક્તિનાં ગાન’ (૨૦૦૨), ‘યુવા નજરે : સ્વર્ણીમ ગુજરાત’ (૨૦૦૭), ‘બે દાયકાનો સફળ સંઘર્ષ’ (૨૦૦૭), ‘આદિવાસી પર્વ’ (૨૦૦૭), પિતા ઉપર ‘નટવર્ય અમૃત જાની’ (૨૦૧૨) અને તે પછી ‘તમે કહો છો તે આઝાદી ક્યાં છે ?’, ‘જમીન વિહોણા ખેડૂતોની સમસ્યા’, ‘ભૂમિહીન ખેતમજૂરોની સંગઠિત શક્તિ’, ‘સીમરખાઓની સમાંતર સરકાર’ સાથે અનેક દલિત – આદિવાસી કર્મશીલ આગેવાનો પરની સ્વતંત્ર પુસ્તિકાઓ – પુસ્તકોના લેખક – સંકલનકાર રહ્યા છે ઇન્દુભાઈ.
એમની વિદાય પછી એમના પરમ મિત્ર ડંકેશભાઈ ઓઝાએ, ઇન્દુભાઈ મેન્યુસ્ક્રીપ્ટ રૂપે મૂકીને ગયેલા બે પુસ્તકો ‘વહાલું મારું ગુજરાત, વહાલી એની સંસ્થાઓ’ અને ‘વહાલો મારો દેશ, વહાલાં એનાં માનવી’ (બંને ૨૦૨૫ માં) પ્રકાશિત કર્યા છે.
ખ્યાતિપ્રાપ્ત દૈનિકપત્રોમાં વર્ષો સુધી ચાલેલી એમની કોલમ ‘રચના અને સંઘર્ષ’ (લોકસત્તા – જનસત્તા) અને ‘જિંદગી એક સફર’ (સમકાલીન) થકી એમણે દીન-દુઃખિયા એવા વંચિત સમુદાયની વિપદાઓ, વ્યથાકથાઓ અને સાથે જ આ નિર્ધન-અધિકારવંચિત સમુદાયોના ઉત્થાન માટે કામ કરતી કેટલી ય પ્રતિભાઓના પ્રદાનને આલેખ્યાં હતાં. તેઓ જેના તંત્રી રહ્યા એ ‘નયા માર્ગ’ના બારેક જેટલા દળદાર વિશેષાંકોમાં પણ આ વર્ગની જ વ્યથાકથા કેન્દ્રમાં રહી.
જન્મે બ્રાહ્મણ પણ કર્મે વંચિતો – શોષિતોના પક્ષધર ઇન્દુભાઈ એક માનવતાવાદી – સંવેદનશીલ પત્રકાર તરીકે હંમેશાં વંચિત, બેસહારા, અવાજ વિનાના, અધિકારવંચિત ગરીબવર્ગના હામી બની રહ્યા.
‘પત્રકાર યા તંત્રી થઈને કશું જ સુધારાવાદી ન કરવું એ કલમનો વ્યભિચાર છે, શબ્દછળ છે’ એમ માનતા ઇન્દુભાઈ ઓફિસમાં બેસી ટેબલસ્ટોરી લખનારા પત્રકાર નહોતા, કિન્તુ ફિલ્ડમાં ઘુમતા રહીને સત્ય હકીકતોની જાત માહિતી મેળવીને વાસ્તવિકતા આલેખનારા પત્રકાર હતા.
મહિનાના ૧૬ થી ૧૭ દિવસ તેઓ અહેવાલ કે લેખ માટેની સામગ્રી મેળવવાને ઓફિસની બહાર, ગુજરાતનો ખૂણે ખૂણો ખુંદનારા પત્રકાર હતા.
મુખ્ય પ્રવાહના મીડિયામાં જેમના આંસુઓ અને તકલીફોને બહુ સ્થાન મળતું નથી એવા વંચિત – શોષિત વર્ગની પાસે બેસીને, તેમની કરમકથાઓને વાચા આપીને, ઇન્દુભાઈએ સાચા અર્થમાં આ વર્ગના આંસુઓ લુછવાનું કામ કર્યું છે અને તેમને ન્યાય અપાવવાનો નિષ્ઠાભર્યો પ્રયાસ કર્યો છે.
અત્યંત સંવેદનશીલ છતાં પોતે જે માનતા એને સ્પષ્ટપણે કહેવા અને લખવાથી કોઈ પરિબળ એમને ક્યારે ય ઝુકાવી નહોતું શક્યું.
ઇન્દુભાઈની પત્રકાર તરીકેની નીડરતાના અનેક કિસ્સાઓ છે પણ એમના પરમમિત્ર ડંકેશભાઈ ઓઝાએ વર્ણવેલો એક કિસ્સો પત્રકાર નામે હરકોઈએ વાંચવા જેવો છે. કિસ્સો કંઈક આમ છે :
એ સમયે કાઁગ્રેસનું શાસન હતું. ઇન્દુભાઈને આગળ લઈ આવવામાં નિમિત્ત બનેલા એક કાઁગ્રેસી આગેવાનની તેઓ નજીક હોવાનું માનીને, કોઈ રાજકીય ગજગ્રાહને કારણે ઇન્દુભાઈના લેન્ડલાઈન પર ત્યારના વરિષ્ઠ સત્તાવાહકનો ફોન આવ્યો : ‘તમારો ખાતમો બોલાવી દઈશ. કોઈને કાંઈ ખબર પણ નહીં પડે.’
ઇન્દુભાઈ ખરેખર જ થથરી ગયેલા. પણ બીજે દિવસે એમણે કેટલાક પત્રકારોને બોલાવીને આ ઘટનાની જાણ કરી. અખબારોમાં સમાચાર ચમક્યા. ત્યારે વિધાનસભા ચાલુ હતી. એ ફલોર પરથી પેલા વિરષ્ઠ સત્તાવાહકે પલ્ટી મારીને કહ્યું કે, આવી કોઈ ઘટના બની નથી. બધા ગપગોળા છે.
ત્યારે નગીનદાસ સંઘવી એવા પત્રકાર – કોલમ્નિસ્ટ નીકળ્યા જેમણે એમની કોલમમાં લખ્યું : ‘મારે આ બેમાંથી કોઈ એકની વાત માનવાની હોય તો હું ઇન્દુભાઈની વાત સાચી માનું.’
આ હતી એક નીડર પત્રકાર તરીકેની ઇન્દુભાઈની પ્રતિષ્ઠા અને ઓળખ.

ઇન્દુકુમાર જાની
એક પ્રતિબદ્ધ પત્રકાર તરીકેની આ ઓળખને જીવનના અંત સુધી જાળવી રાખી શકેલા ઇન્દુભાઈ જાગૃત, જાણતલ અને ગરીબલક્ષી અભિગમ સાથેના સમર્પિત પત્રકાર હતા. તેઓ વૈજ્ઞાનિક અને રેશનાલિસ્ટ વિચા૨શરણીને વરેલા – ખરા અર્થમાં ‘તટસ્થ’ પત્રકાર હતા.
ઇન્દુભાઈ ૧૯૮૧ થી ૨૦૨૦ પૂરા ચાર દાયકા સુધી જેના તંત્રી રહ્યા એ ‘નયા માર્ગ’ સામયિકનો તો મુદ્રાલેખ જ હતો : ‘વંચિતલક્ષી વિકાસપ્રવૃત્તિ, વૈજ્ઞાનિક અભિગમ અને શોષણવિહિન સમાજરચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક.’
કહેવું જઈએ કે આ મુદ્રાલેખને ઇન્દુભાઈ મન, વચન અને કર્મથી જીવ્યા હતા.
ગુજરાત સરકારનો ‘શ્રેષ્ઠ પત્રકાર’ પુરસ્કાર (૧૯૯૩), ગુજરાત જર્નાલિસ્ટ યુનિયનનો ‘વરિષ્ઠ પત્રકાર’ પુરસ્કાર (૨૦૦૫), મોરારિબાપુના હસ્તે રૂા. ૫૧,૦૦૦/-ની રાશિ સાથેનો ‘સદ્દભાવના પુરસ્કાર’ (૨૦૧૫), ‘નવસર્જન’નો શ્રેષ્ઠ પત્રકાર પુરસ્કાર (૧૯૮૯), સેન્ટર ફોર સોસ્યલ જસ્ટિસનો ‘હ્યુમન રાઈટ્સ પુરસ્કાર’ (૨૦૦૯), સાવલિયા રિસર્ચ સેન્ટરનો ‘શ્રેષ્ઠ પત્રકાર’ રૂપેનો સુવર્ણચંદ્રક જેવા સન્માનો, પુરસ્કારો, સુવર્ણચંદ્રકોથી વિભૂષિત હોવાની સાથે હજારો, લાખોની સંખ્યાના વંચિતો, શોષિતોના અંતરના આશિર્વાદ અને દુવાઓના હક્દાર એવા ઇન્દુભાઈ ગુજરાતી પત્રકારત્વજગતનું આદરપાત્ર અને ગૌરવવંતુ નામ છે.
ઇન્દુભાઈ રાજકોટની જે જમીન વિકાસ બેન્કમાં ક્લાર્ક તરીકે કામ કરતા અને તેના કર્મચારી મંડળના આગેવાન હતા તે બેન્કના પ્રમુખ એવા ગાંધીવાદી આગેવાન ઝીણાભાઈ દરજી સાથે ઘણી વાર ઇન્દુભાઈને સીધા સંઘર્ષમાં ઉતરવાનું થતું. એકવાર એમને રૂબરૂ મળવાનું થયું તો ઇન્દુભાઈની યુનિયન લીડર તરીકેની પ્રમાણિકતા અને કાર્યકુશળતાને પામી ગયેલા ઝીણાભાઈએ એમને ટકોર કરી : ‘વ્હાઈટ કોલરવાળા કર્મચારીઓની આટલી બધી ચિંતા થાય છે તો તમારે ખરી ચિંતા કોની કરવી જોઈએ, એ જો જાણવું હોય તો ચાલો મારી સાથે.’
… બસ એ દિવસ અને એ ઘડી. ઇન્દુભાઈ બેન્કની નોકરી છોડીને ઝીણાભાઈ સાથે આદિવાસીઓ – દલિતો – વંચિતો – શોષિતોની સેવામાં એવા તો જોડાઈ ગયા કે ઝીણાભાઈની વિદાય પછી ઝીણાભાઈ જેના સંસ્થાપક પ્રમુખ રહ્યા હતા તે ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’નું નેતૃત્વ ઇન્દુભાઈએ જીવનના અંત સુધી કર્યું.
એક સ્વકથનમાં ઇન્દુભાઈએ લખ્યું છે : ‘ગરીબોના બેલી ઝીણાભાઈએ મારું જીવન બદલી નાખ્યું છે.’
વર્ષોથી ઝીણાભાઈ દરજી સાથે કાર્યરત રહેલા ભીખુભાઈ વ્યાસ લખે છે : ‘ઇન્દુભાઈ બેન્કની સલામત નોકરીને તિલાંજલિ આપીને ઝીણાભાઈના સચિવ અને મિત્ર બની ગયા. મધ્યમ વર્ગના આ નોકરિયાતને ઝીણાભાઈના સંગે સંઘર્ષની નવી જે દિશા ખોલી આપી તે છેવાડાના માણસને થતા અન્યાય સામેનો સંઘર્ષ અને વિકાસ તાકતું નવનિર્માણ. જાની સંઘર્ષની જોડાજોડ નિર્માણની દિશામાં પણ ઝળકી ઉઠ્યા. સમાજસેવા સાથે જેને સ્નાનસૂતકનો સંબંધ નહીં એવા આ શહેરી કારકુનનો પદ-દલિતોના હામી, બીન-સાંપ્રદાયિકતાના પુરસ્કર્તા અને આગળ વધીને એક નીડર પત્રકાર રૂપેનો જબરો કાયાકલ્પ થઈ ગયો ! ક્યાંથી ક્યાં ! કેવી હરણફાળ !’
ભીખુભાઈ લખે છે : ‘ઇન્દુભાઈ વકીલનું ભણેલા પણ એમણે વકીલાત કરી તો માત્ર વંચિતોની, કર્મશીલ તો એવા કે પત્રકા૨ થઈને પણ આંદોલનોમાં મોખરે રહેતા.’

ઝીણાભાઈ દરજી સાથે ઇન્દુકુમાર જાની
મૂર્ધન્ય પત્રકાર – સાહિત્યકાર યશવન્ત મહેતા લખે છે : ‘ઇન્દુભાઈએ ‘નયા માર્ગ’ દ્વારા આદિવાસીઓ, દલિતો, ખેતમજૂરો, સ્રીઓ ઈત્યાદિ વંચિત સમુદાયોના હિતોની રખેવાળી કરી અને અગણિત આંદોલનોમાં અગ્રણી રહી કર્મશીલતા દાખવી. આજે કરુણતા એ છે કે ઇન્દુભાઈ જેવાઓએ જે સમતાશીલ, ન્યાયપૂર્ણ સમાજ માટે મથામણો કરી તેનાં હવે દર્શન થતાં નથી.’
ઇન્દુભાઈનું દૈનિક વાંચન, ચિંતન, પરિશીલન અને લેખન આજના કોઈપણ અધ્યાપકને લજવી મૂકે તેવું હતું, એમ જણાવી જાણીતા સમાજચિંતક રોહિત શુક્લ કહે છે : ‘કાશ ! ગુજરાતમાં બૌદ્ધિકોની કદર થતી હોત તો રાજ્યની કોઈ યુનિવર્સિટીએ તેમને માનદ્ ડોક્ટરેટની પદવી આપી હોત અને કંઈ કેટલાય છાત્રોએ તેમના હાથ નીચે પીએચ.ડી. કર્યું હોત.’
ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ સુદર્શન આયંગાર ઇન્દુભાઈના તંત્રીલેખોને ‘સણસણતા શબ્દબાણ’ ગણાવીને લખે છે : ‘ગુજરાતમાં કોઈ ખૂણે વંચિતોને નાનો-સૂનો અન્યાય થયાનું જાણે કે ઇન્દુભાઈ તરત ઉપડી જાય તપાસ કરવા અને દિવસો સુધી એમાં ખૂંપી જાય. તેના મુદ્દા સમજે, ‘નયા માર્ગ’માં લખે અને બીજાઓની પાસે પણ લખવડાવે. આમ અધિકારમૂલક લડાઈઓના તેઓ પ્રણેતા અને પ્રેરણાદૂત.’
આયંગાર વધુમાં લખે છે : ‘ઇન્દુભાઈએ આદિવાસીઓના અધિકારો માટેની લડાઈ તથા ઉત્કર્ષ માટે શિક્ષણ સહિત વિકાસ માટેના રચનાત્મક કામો હાથ પર લીધેલા. વંચિતો સિવાય એમના ફલક પર ભાગ્યે જ કોઈ હતા. દલિત, આદિવાસી, મુસલમાન, ખ્રિસ્તી, પીડિત, વંચિત કોમો અને બહેનોના પ્રશ્નો એ જ ઇન્દુભાઈના ‘નયા માર્ગ’ની સામગ્રી બનતી.’
ઇન્દુભાઈ અને એના તંત્રી ‘નયા માર્ગ’ વિશે ચિંતક – વિચારક ડંકેશ ઓઝા કહે છે : ‘સામાજિક ન્યાય અને વંચિતોના વિકાસ માટે સાતત્યપૂર્વક નીડરતાથી સમાજની ઝીંક ઝીલવાનું જે કામ ‘નયા માર્ગે’ કર્યું તેવું અન્ય સામયિક સાંપ્રત સમયમાં બીજું જોવા મળ્યું નથી. ઝીણાભાઈ દરજી અને ઇન્દુકુમાર જાનીની અભિન્ન ઓળખ પામેલા ‘નયા માર્ગે’ રશનલ વિચાર, ઊંઝા જોડણી જેવી બાબતોને કેન્દ્રમાં લાવીને, અનામતનીતિને બચાવવા ખુદના અસ્તિત્વને હોડમાં મૂક્યું હતું. રાજકીય અને સામાજિક રીતે વિરોધમાં હોઈએ ત્યારે કેમ સ્થિર ઊભા રહેવું તેની પ્રેરણા ‘નયા માર્ગે’ પૂરી પાડી છે.’
ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ અધ્યક્ષ અને જાણીતા લેખક – પત્રકાર – વિચારક પ્રકાશ ન. શાહ લખે છે : ‘અસંગઠિત વર્ગોના પ્રશ્નો હોય, રેશનાલિસ્ટ ચળવળ હોય, વ્યાવસાયિક આરોગ્ય ક્ષેત્રે કર્મીઓની આપદાવિપદા હોય, ‘નયા માર્ગ’ તેને સતત વાચતા આપતું રહ્યું. ‘નયા માર્ગ’માં ઇન્દુભાઈ આલેખિત સ્થળતપાસ આધારિત લેખશ્રેણીઓ વિશેષ ઉલ્લેખનીય બની રહી છે.’
ઇન્દુભાઈએ ‘નયા માર્ગ’ થકી હંમેશાં વંચિતોની વ્યથાને વાચા આપવાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું, એવો મત વ્યક્ત કરી સમાજચિંતક ઘનશ્યામ શાહ કહે છે કે, ગામડાગામી વરણ અને ગરીબો – શોષિતોની તરફેણ કરતા ઝોકે, એમાં પ્રસિદ્ધ થતાં સાહિત્યે ‘નયા માર્ગ’ની આગવી ઓળખ ઊભી કરી હતી.
પોતાના લખાણો અને વિચારોમાં તેજતર્રાર હોવા છતાં એકદમ કોમળ, અતિસંવેદનશીલ, પારદર્શક અને ગરીબો માટે પાકી નિસબત ધરાવતા ઇન્દુભાઈને જુદી માટીના વ્યક્તિ ગણાવતા સમાજસેવી આગેવાન હસમુખ પટેલ લખે છે : ‘વિદ્વત્તા, સરળતા, કર્મઠતા જેવા તેમના સ્થાયી ગુણોથી તો હું પ્રભાવિત હતો જ કિન્તુ સંવેદનાથી ભીંજાયેલા તેમના નિસબતપૂર્ણ વ્યક્તિત્વનો મારા જીવન પર ઠીક ઠીક પ્રભાવ હતો. મારી વિચારપ્રક્રિયાને પ્રગતિશીલ પાશ આપીને તેને માંજવામાં પણ ઇન્દુભાઈનું પ્રભાવી પ્રદાન રહ્યું છે. નાસ્તિક અને રેશનાલિસ્ટ હોવા છતાં તેમની માનવીય ભીનાશ હંમેશાં લીલીછમ હતી.’
કર્મશીલ – લેખક મનીષી જાનીના મતે ગરીબોના બેલી ઇન્દુભાઈ માત્ર શબ્દોમાં પ્રોત્સાહન આપનારા કે કોરી ચર્ચા કરનારા ન હતા, તેઓ તો નક્કર કામ કરનારા વ્યક્તિ હતા. તો કીમ (સુરત)ના સામાજિક આગેવાન ઉત્તમ પરમારના મતે, ઇન્દુભાઈ અકસ્માતે બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા પણ આ પારકી છઠ્ઠીના જાગતલ પ્રગતિશીલ બ્રાહ્મણે કેટલા ય વિશેષાધિકારો એક ઝાટકે પોતાના મન અને હૃદયમાંથી ખંખેરી કાઢીને વિવેકબુદ્ધિવાદી બનીને વૈશ્વિક માનવવાદને પોતાની જાત સમર્પિત કરી હતી.
બીજા પત્રકારો જ્યાં ભાગ્યે જ પહોંચે છે ત્યાં પહોંચીને પીડિતોની વેદનાને વાચા આપતા રહેલા ઇન્દુભાઈએ પૂરી માનવતા અને સંવેદનશીલતા સાથે એક સંશોધક અને સત્યાન્વેષી પત્રકાર તરીકેનો પોતાનો પત્રકારધર્મ નિભાવ્યો છે.

ઇન્દુકુમાર જાની
‘ખેત વિકાસ પરિષદ’ના મુખપત્ર સમા ‘નયા માર્ગ’ દ્વારા ગરીબો-શોષિતો-વંચિતોની સમસ્યાઓની ચર્ચા હેતુ આયોજિત અનેકવિધ કાર્યશિબિરો, પરિસંવાદો, બેઠકોમાં તંત્રી તરીકે ઇન્દુભાઈએ ઉપસ્થિત રહીને અહેવાલો લખ્યા અને પ્રસિદ્ધ કર્યા હતા. દલિતો-આદિવાસીઓ ૫૨ થતા અત્યાચારોના કિસ્સાઓમાં ઘટનાસ્થળોની રૂબરૂ મુલાકાત લઈને, કોમી તોફાનોના ભોગ બનેલાઓની તેમના વિસ્તારમાં જઈ ખતખબર લઈને – તેમની સાથે પલાંઠી વાળીને બેસીને, તેમની વ્યથાને ઇન્દુભાઈએ વાચા આપી છે.
કહે છે કે, મુખ્યત્વે શહેરોમાં કેન્દ્રિત થયેલા મુખ્યપ્રવાહના મીડિયાને શહેરોની અને એ શહેરોમાં વસતા મધ્યમવર્ગની સમસ્યાઓની જ વધારે ફિકર હોય છે. ગ્રામ્યજીવનની સમસ્યાઓ અને શહેરોમાં રહીને જ બે ટંકના રોટલા માટે જીવસટોસટનો સંઘર્ષ કરતા કાગળ-પ્લાસ્ટીક વેસ્ટ વીણતા, સફાઈ કામ કરતા, ઊંચી ઊંચી બિલ્ડીંગોમાં જીવના ભોગે કામ કરતા શ્રમિકો એવા ગરીબ- વંચિત વર્ગના પ્રાણપ્રશ્નો આ મીડિયાની પ્રાથમિકતામાં નથી હોતા.
ઇન્દુભાઈએ એક અર્થમાં પત્રકાર તરીકે અધિકારોથી વંચિત, બેસહારા, અવાજ વિનાના ગરીબ વર્ગની પડખે રહેવાનો કપરો માર્ગ પસંદ કર્યો હતો.
કાઁગ્રેસ પક્ષની વિચારધારાને વરેલા પાક્ષિકના તંત્રી હોવા છતાં, ક્યારે ય એ પક્ષનું સભ્યપદ નહીં સ્વીકારનારા અને પક્ષનું મુખપત્ર હોવા છતાં તંત્રી તરીકે તેમાં જ તે પક્ષ વિશે નુક્તેચીની કરવામાં પણ ઇન્દુભાઈએ પીછેહઠ નથી કરી.
એક જવાબદાર અને સાચા પત્રકારની ઓળખ તે આ.
જીવનભર ખાદીના કપડાં પહેરતાં હોવા છતાં ગાંધી જેટલા જ આંબેડકરને ચાહનારા ઇન્દુભાઈ શોષણવિહિન સમાજરચનાના આદર્શ સાથે કામ કરતા એક પ્રતિબદ્ધ પત્રકાર બની રહ્યા.
પત્રકાર – તંત્રી તરીકે ઇન્દુભાઈએ ઝૂંપડાવાસીઓને થતા અન્યાય, અસંગઠિત કામદારોના લઘુત્તમ વેતન સહિતના પ્રશ્નો, સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા શ્રમિકોની દયનીય હાલત, તેમનાં બાળકોનાં શિક્ષણ – આરોગ્યના પ્રશ્નો, જાંબુવાના સીદીઓ, વિચરતી વિમુક્ત જાતિઓના પ્રશ્નો, મીઠા ઉદ્યોગમાં કામ કરતા અગરિયાઓની સમસ્યાઓ, ખંભાતના અકીકના કારીગરોના કથળતા આરોગ્યના પ્રશ્નો અને વિશેષ કરીને અસ્પૃશ્યતા નિવારણ અને કોમી એકતા-એખલાસને જાળવવાના અનેકવિધ મુદ્દે કલમથી અને એક કર્મશીલ તરીકે આ વર્ગોની અધિકારપ્રાપ્તિની લડતમાં સદેહે જોડાઈને બહુમૂલ્ય અને યાદગાર યોગદાન આપ્યું છે.
માનવ અધિકાર, સામાજિક ન્યાય, કોમી એકતા, નારીઉત્થાન, આર્થિક અને સામાજિક અસમાનતા અને ભેદભાવો, ગરીબો માટે મોંઘો બનતો જતો ન્યાય અને ન્યાયતંત્ર પર પણ ઇન્દુભાઈએ પૂરી નિર્ભિકતાથી કલમ ચલાવી, કિન્તુ તેમને વિશેષ ભાવ અને પક્ષપાત રહ્યો દલિત અને આદિવાસી સમાજ માટે.
અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ફરતા રહીને, તેમની સાથે બેસીને મરચું અને જુવારનો રોટલો ખાઈને ઇન્દુભાઈએ ‘ખેત વિકાસ પરિષદ’ના નેજા નીચે અનેક કાર્યશિબિરો, સેમિનારો, ગોષ્ટિઓનું આયોજન કરીને, તેનું કરેલું આલેખન સ૨કારોને અને નીતિનિર્ધારકોને આ વર્ગના ઉત્થાન હેતુ કરવાના નીતિનિર્ધારણમાં બહુમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડતું પથદર્શક આલેખન પુરવાર થયું છે, એમ કહીએ તો એ અતિશયોક્તિ નહીં ગણાય.
એક સ્વકથનમાં ઇન્દુભાઈએ કહ્યું છે કે, ગુજરાતનો એકપણ આદિવાસી વિસ્તાર એવો નથી, જ્યાં હું ગયો ન હોઉં.
ઝીણાભાઈ દરજીના બે માનસપુત્રો ગણાતા. એક ઇન્દુકુમાર જાની અને બીજા અમરસિંહ ઝેડ. ચૌધરી. આદિવાસી આગેવાન અમરસિંહ પણ ઇન્દુભાઈની જેમ ‘ખેત વિકાસ પરિષદ’ સાથે આરંભથી જ જોડાયેલા કર્મશીલ.
ઇન્દુભાઈને યાદ કરતા અમરસિંહ ઝેડ. ચૌધરી લખે છે : ‘આદિવાસીઓ, દલિતો, વંચિતો અને લઘુમતિ સમાજ માટે લડવાનું હોય કે આગેવાની લેવાની હોય ઇન્દુભાઈ હંમેશાં પહેલી હરોળમાં રહેતા તેનો હું સાક્ષી છું. મારે આદિવાસીઓના પ્રશ્ને સમગ્ર દેશના આદિવાસી વિસ્તારોમાં જવાનું થતું ત્યારે મને હંમેશાં ઇન્દુભાઈનું કિંમતી માર્ગદર્શન અને પ્રેરણા મળતાં. ઇન્દુભાઈએ મને જીવનમાં હંમેશાં હિંમત આપી છે.’
નિર્મળ હોસ્પિટલ – સુરતમાં ઝીણાભાઈ દરજીએ અંતિમ શ્વાસ તેમના (અમરસિંહભાઈના) ખોળામાં લીધા હતા અને પછી કોરોનાકાળે ઇન્દુભાઈએ પણ વિદાય લીધી ત્યારે અમરસિંહભાઈએ વેદનાસભર શબ્દોમાં કહ્યું : ‘બાપ ગુમાવ્યા બાદ આજે હવે મેં મારા ભાઈને ગુમાવ્યો છે.’
પ્રકાશ ન. શાહ લખે છે તેમ, ગાંધી અને ગાંધીવાદીઓ સાથે દિલથી લગાવ છતાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને તેમના વિચારોથી અત્યંત પ્રભાવિત ઇન્દુભાઈનું ‘નયા માર્ગ’ તે જ કારણે દલિત સાહિત્ય પ્રકાશનનું સ્થાનક બની રહ્યું હતું. દલિતકવિતાના પ્રાગટ્ય સારું સળંગ લાંબો સમય રહેલું કોઈ એક પત્રિકાઠેકાણું બલકે, થાણું હોય તો તે ‘નયા માર્ગ’ અને ‘નયા માર્ગ’ જ.
મનીષી જાની કહે છે તેમ અનામત વિરોધીઓની સાથે રહી ઝેર ઓકતા છાપાંઓ વિરુદ્ધ ‘નયા માર્ગ’ અને ઇન્દુભાઈએ અનામતની તરફેણમાં કપરી કામગીરી નિભાવી હતી. એ ‘નયા માર્ગ’ જ હતું જેણે દલિત – આદિવાસીઓની શિક્ષિત – નોકરિયાત પહેલી પેઢીની અભિવ્યક્તિને ‘નયા માર્ગ’ના પાને સ્થાન આપ્યું.
ઉત્તમ પ૨મા૨ કહે છે તેમ ગુજરાતની પ્રમુખ સાહિત્ય સંસ્થાઓએ સમજણપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે દલિત તથા આદિવાસી સાહિત્યને ઉપેક્ષિત રાખવાનું કામ કર્યું ત્યારે એ ઇન્દુભાઈ જાની હતા જેમણે ‘નયા માર્ગ’માં દલિત સાહિત્ય અને આદિવાસી સાહિત્યને અગ્રતા આપીને અનેક દલિત સાહિત્યકારોનો મુખ્યધારામાં પ્રવેશ કરાવ્યો.
આમ ઇન્દુભાઈના નિસ્વાર્થ પ્રેમનો સૌથી વધુ અધિકારી અને સામયિક ‘નયા માર્ગ’ નો સૌથી વધુ લાભાર્થી રહ્યો હોય તો તે દલિત સમાજ અને તેના લેખકો – સાહિત્યકારો.
એ સમયે ગુજરાતનો એવો કોઈ દલિત કવિ નહીં રહ્યો હોય જેની કવિતા ‘નયા માર્ગ’ માં ન છપાઈ હોય ! એ ‘નયા માર્ગ’ જ હતું જેણે વર્ષો સુધી દલિત કવિતા માટે ‘અસ્મિતા’ કોલમ હેઠળ પાનાંના પાનાં ફાળવ્યાં હતાં.
‘અસ્મિતા’માં પ્રકાશિત દલિત કવિતાઓનો સ્વતંત્ર કાવ્યસંગ્રહ એ જ નામે ‘નયા માર્ગે’ પ્રસિદ્ધ તો કર્યો જ, સાથે જ દલિત કવિઓ શંકરભાઈ બુ. પટેલ, કિસન સોસા, જીવણ ઠાકોરના સ્વતંત્ર કાવ્યસંગ્રહો પણ ‘ખેત વિકાસ પરિષદ’ હેઠળ પ્રકાશિત કર્યા.
૧૯૯૧માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મશતાબ્દી અવસરે ડૉ. આંબેડકરની જીવનસફર, તેમનો વિચા૨વા૨સો, તેમની સાથેના મહાનુભાવોના સંસ્મરણો, વિદ્વાનોએ કરેલા મૂલ્યાંકનો અને આંબેડકર પરનાં કાવ્યો હેઠળ ‘સંઘર્ષ-સેનાની અને સમતાનો સૂર્ય : ડૉ. આંબેડકર’ દળદાર વિશેષાંક પણ ‘નયા માર્ગે’ જ પ્રસિદ્ધ કર્યો, જે ખૂબ પ્રશંસા પામ્યો. આંબેડકરી વિશેષાંકોમાં આ અંક એક સીમાચિન્હરૂપ સંપાદન ગણાય છે.
ગુજરાતી દલિત સાહિત્યના આરંભકોમાંના એક મૂર્ધન્ય દલિત સાહિત્યકાર દલપત ચૌહાણની યશસ્વી નવલકથા ‘મલક’ પણ પહેલવહેલી વાર ‘નયા માર્ગ’ માં જ હપ્તાવાર છપાઈ હતી.
ગાંધીજી સાથેની મુલાકાતમાં ડૉ. આંબેડકરે કહ્યું હતું : ‘જે દેશમાં અમારી સાથે કૂતરા – બિલાડા જેવો વ્યવહાર થાય, એ દેશ મને મારો કેમ લાગે ? મારે કોઈ માતૃભૂમિ નથી.’
જાણે કે ડૉ. આંબેડકરના આ ઉદ્દગારથી જ પ્રેરિત હોય એમ અગ્રણી દલિતસર્જકોએ પોતાની માતૃભૂમિ – વતન વિશે લખેલા લેખોની લેખશ્રેણી પણ સૌ પ્રથમ ‘નયા માર્ગ’માં જ હપ્તાવાર પ્રસિદ્ધ થઈ. જે પછી ‘વતનની વાત’ પુસ્તકરૂપે પ્રકાશિત થઈ.
સાહિત્યકારોએ પોતાની માતાઓ વિશે લખ્યું હોય એવા એકથી વધુ સંપાદનો ગુજરાતમાં પ્રસિદ્ધ થયા, કિન્તુ એકેયમાં દલિત સાહિત્યકારોનો કે એમની માતાઓનો સમાવેશ ન થયો ! અહીં પણ ‘નયા માર્ગે’ ઇન્દુભાઈની આગેવાનીમાં પહેલ કરીને દલિત સાહિત્યકારો અને સમાજ આગેવાનો પાસે તેમની માતાઓ પરના લેખો લખાવ્યા અને હપ્તાવાર પ્રસિદ્ધ કર્યા. આ લેખોનું સંપાદન પણ જાણીતા કટારલેખક – વિચારક ચંદુભાઈ મહેરિયાના સંપાદકપદે ‘માડી મને સાંભરે રે’ શિર્ષક હેઠળ પ્રકાશિત થયું અને વ્યાપક ચાહનાને વર્યું.
ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા ઠરેલી મૂર્ધન્ય સાહિત્યકાર જૉસેફ મેકવાનની વિખ્યાત કૃતિ ‘આંગળિયાત’ની પ્રથમ આવૃત્તિના પ્રકાશક બનવામાં પણ ઇન્દુભાઈ ‘ખેત વિકાસ પરિષદ’ થકી નિમિત્ત બન્યા. સાથે જ ‘ગોલાણા હત્યાકાંડ’ની તપસીલ આપતું જૉસેફભાઈનું પુસ્તક ‘ભાલના ભોમ ભીતર’ પણ તેમની જ આગેવાનીમાં ગ્રંથાવતાર પામ્યું.
લાંબા સમય સુધી કલમને વિરામ આપી બેઠેલા જૉસેફ મેકવાનની લેખનસફર પુનઃ જો આરંભાઈ તો તે ‘નયા માર્ગ’ થી જ.
પોતાને ‘નયા માર્ગ’ સુધી દોરી જનાર ચંદુભાઈ મહેરિયાને ‘ચંદુ મારો ગોરખ, મારો અનુજ અને મારો આત્મજ’ ગણાવતા જૉસેફભાઈ ઇન્દુભાઈ માટે લખે છે : ‘જૉસેફ મેકવાન એક સાહિત્યકાર થયા તે બધા પાછળનું પ્રેરકબળ હોય તો તે ઇન્દુભાઈ જાની. ૧૬ વર્ષ સુધી મેં તો લેખનવટો લીધો હતો. ઇન્દુભાઈએ ‘નયા માર્ગ’ ના પાનાંનાં પાનાં મેં જે કંઈ લખ્યું એને છાપ્યાં. ‘નયા માર્ગ’ ન હોત તો જૉસેફ મેકવાન ન હોત.’
જૉસેફભાઈના ‘મારો ચાહકવર્ગ વિસ્તારવાનું શ્રેય ઇન્દુભાઈને’ એવા આભારદર્શન સામે ઇન્દુભાઈનો આ વિનમ્રભાવ જુઓ. ઇન્દુભાઈ (મણિલાલ હ. પટેલ સંપાદિત ‘જિંદગી જીવ્યાનો હરખ’માં) લખે છે : ‘૧૯૮૨ થી ૨૦૦૯ સુધીમાં ‘નયા માર્ગ’માં જૉસેફભાઈના ૧૩૮ લેખો | કૃતિઓ પ્રગટ થયાં. જૉસેફભાઈનું લેખન એટલું સત્ત્વશીલ, બળુંકુ અને સંવેદનાઓને હચમચાવી દે એવું છે કે, એ સાહિત્ય સ્વયંપ્રકાશિત સૂર્યની જેમ ઝળહળી ઉઠવાનું હતું જ ! એમના સાહિત્યે ‘નયા માર્ગ’ને આગવી પહેચાન આપી છે.’
ઇન્દુભાઈએ અનેક પુસ્તકોનાં આમુખ અને અવલોકનો પણ લખ્યાં. ત્યાં પણ એમની વંચિતોતરફી વિચારશરણીના દર્શન થતાં. માર્ટિન મેકવાન | ચંદુ મહેરિયા સંપાદિત ‘દલિત સમસ્યા જગતચોકમાં’ના આમુખમાં ઇન્દુભાઈ લખે છે : ‘જ્ઞાતિવાદ હવે ભૂતકાળની ઘટના છે એમ કહેવું એ આપણો રાષ્ટ્રીય દંભ છે.’ તો ડૉ. હસમુખ પરમારના સંશોધનગ્રંથ ‘બળાત્કારગ્રસ્ત દલિત મહિલાઓ : એક અધ્યયન’ના આમુખમાં ઇન્દુભાઈની એક માત્ર મનોકામના છે. તેઓ લખે છે : ‘૨૧મી સદીનું ભારત જાતિભેદ, લીંગભેદ, વર્ગભેદ કે ધર્મભેદથી ત્રસ્ત ન હોય એ જ મારી મનોકામના,’
ચંદુભાઈ સાથે સંપાદિત ‘સંઘર્ષ – સેનાની અને સમતાનો સૂર્ય’ હેઠળના ‘નયા માર્ગ’ના વિશેષાંકમાં ઇન્દુભાઈ નિરાશાના ભાવ સાથે લખે છે : ‘આઝાદી પછી દેશમાં વિકાસ જરૂર થયો છે, પણ અસમાનતા તીવ્ર થતી ગઈ છે. ગરીબો, વંચિતો સુધી વિકાસના ફળ પહોંચ્યા નથી. બાબાસાહેબની ચેતવણી સાચી પડી છે.’
વંચિતો – શોષિતો – દલિતો પ્રતિની ઇન્દુભાઈની સદ્દભાવનાના અનેક ઉલ્લેખો થઈ શકે પણ અહીં એમના આ ઉદ્દગારો જ તેમણે આ વર્ગની પીડાને કઈ હદે આત્મસાત કરી હતી તેની સાહેદીરૂપ છે :
‘હું જન્મે બીનદલિત હોવાથી મને અસ્પૃશ્યતાનો કોઈ અનુભવ નથી, પણ એક સંવેદનશીલ નાગરિક તરીકે મને આ જીવન જીવવું જ નિરર્થક લાગ્યું છે.’
‘છાંયડો’, પ્લોટ : ૧૬૮૨, સૂર્યનારાયણ સોસાયટી, સેક્ટર-૨૫, ગાંધીનગર-૩૮૨ ૦૧૬.
e.mail : natubhaip56@gmail.com
પ્રગટ : “ગુજરાત”, દીપોત્સવી અંક; વિક્રમ સંવંત 2081; પૃ. 88- 93