Opinion Magazine
Number of visits: 9448746
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વન વચ્ચોવચ પાનખરના પીપળે …!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|14 November 2019

હૈયાને દરબાર

ગયા વખતની કૉલમમાં, 16મી સદી પછી નરસિંહ-મીરાંના ભક્તિ માર્ગમાં વૈષ્ણવ-ધારાનો એક વિશિષ્ટ પ્રવાહ ભળ્યો એ વિશે વાત કરી હતી. પુષ્ટિ સંપ્રદાયનો સંગીત પ્રવાહ તથા સંપ્રદાયના પ્રવર્તક શ્રીમદ્દ વલ્લભાચાર્યજી અને તેમના પછી પુત્ર વિઠ્ઠલનાથજીએ ધર્મોપદેશ માટે જ્યાં રોકાણો કર્યાં એ સ્થળો 'બેઠક' તરીકે ઓળખાયાં, અને ભારતમાં આવી લગભગ 84 બેઠકો છે એ વિશે પણ લખાયું. પરંતુ, જે લોકપ્રિય ભક્તિ ગીત માણ્યું એ, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજીના કવિ-સંગીતકાર કોણ એ ખબર નહોતી. ઘણાને ખબર નહીં હોય. પરંતુ, એ વિશે પૂરક માહિતી ગાયક-સંગીતકાર આશિત દેસાઈએ પૂરી પાડી. આ લોકપ્રિય ગીતના રચયિતા ચંદ્રકાંત મણિલાલ ભૂપતાણી વિદર્ભના અમરાવતીમાં જન્મ્યા હતા, અને નાનપણથી સંગીતના ચાહક હતા. નાગપુર અને સમસ્ત વિદર્ભમાં એમણે ભજન ગાયકી દ્વારા સંગીત સાધના કરી. એમનાં ભજન અને ગરબા લોકોના કંઠે આજે ય છે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી લખી – સ્વરબદ્ધ કરીને એમણે સમગ્ર વૈષ્ણવ સમાજને ગૌરવાન્વિત કર્યો એમ કહી શકાય. આભાર આશિતભાઈ.  

પુષ્ટિમાર્ગીઓની સંખ્યા ઘણી મોટી છે અને એનું શાસ્ત્ર અગાધ છે. પુષ્ટિ સંપ્રદાયના ચાહકો અને અભ્યાસકો માટે યુનિવર્સિટી કક્ષાએ વલ્લભવેદાંતનો અભ્યાસક્રમ દાખલ કરવાનો યશ જાય છે આર્કિટેક્ટ, કવિ, સર્જક અવિનાશ પારેખને. એમણે કૃષ્ણ પ્રેમનાં અનોખાં ગીત રચ્યાં છે જેમાં કોઈ દંભી ધાર્મિકતા નથી કે નથી પોચટ ઊર્મિલતા. ઇશ્વરની વાત પરોક્ષ રીતે અથવા તો સૂક્ષ્મ રીતે એમાં વ્યક્ત થતી હોવાથી એ સંપૂર્ણપણે સાહિત્યિક કૃતિ બની જાય છે. તાજેતરમાં જ પ્રગટ થયેલાં એમનાં 'ગીત સુરીલાં' આલબમના લોકાર્પણ વખતે એક સુંદર ગીત સાંભળવા મળ્યું, જેના શબ્દો છે; વન વચોવચ પાનખરના પીપળે …! પાનખર અને વસંતની વાત જિંદગી સાથે એમણે સરસ રીતે વણી લીધી છે આ ગીતમાં. પાનખરનું પોતાનું આગવું સૌંદર્ય છે.

વિશ્વભરનાં જંગલોમાં પાનખરનો પ્રારંભ થઇ ગયો છે. વૃક્ષોનાં જૂનાં પીળાં પર્ણો ખરવા માંડયાં છે અથવા તો નવાં પાન આવે તે પહેલાં આ ઝાડવાં જૂનાં પર્ણોનો ત્યાગ કરી રહ્યાં છે.

સુકાયેલાં પીળાં પર્ણો જાણે સોનાનાં પાંદડાં હોય એવું જ લાગે. ઝાડ નીચે સોનેરી પાનની જાજમ જ જોઈ લો. સાપ પોતાની કાંચળી બદલે તેમ વૃક્ષેા પણ જૂનાં વસ્ત્રો ત્યજીને વસંતમાં નવાં લીલાંછમ્મ વસ્ત્રો પરિધાન કરે છે. પાનખરનો વૈભવ માણતાં શીખી જાઓ તો વસંત બારેમાસ કંઈક એવી જ વાત આ ગીતમાં રજૂ થઈ છે.

લીલાંછમ્મ વૃક્ષોનાં સૌંદર્ય જેટલું જ સૌંદર્ય પાનખરમાં ખરતાં પીળચટ્ટાં પર્ણોનું પણ હોય છે. પવનમાં ઊડતાં સૂકાં પાંદડાંનો ચરરચરર અવાજ અને જમીન પર ખખડતાં પાનનો અવાજ જાણે પેલાં નવાં આવનારાં પાનને કહી રહ્યાં છે કે ધીરી બાપુડિયા, મુજ વીતી તુજ વીતશે! આજનાં લીલાં પાન આવતી કાલે પણ પીળાં બનીને એક દિવસ ખરી જવાનાં છે. આપણાં જીવનનું પણ એવું જ છે, જૂનાનો ત્યાગ અને નવાનો આવિષ્કાર ને છેવટે એક દિવસ ખરી પડવાનું. દરેકના જીવનમાં પાનખર પછી અવશ્ય વસંત આવે છે. કુદરતનો એ ક્રમ છે અને કુદરત મહાન છે. આપણે સૌએ પ્રકૃતિ પાસેથી ઘણું શીખવા જેવું છે.

પાનખરને કવિઓએ જુદી જુદી રીતે ગાઈ છે.

ઉમાશંકર જોશીની પંક્તિઓ છે, ‘પાનખર પ્રભુના ઘરની આવી.’ મોટો શેઠિયો જેમ પોતાના માણસોને ઘરે ભેટસોગાદો મોકલે એમ પ્રભુએ અમૂલ્ય એવી પાનખર મોકલી છે. પાનખરની પોતાની છટા છે અને વસંતનું સ્વયં એક હરિયાળું આકર્ષણ છે. આપણું મન એને કઈ રીતે સ્વીકારે છે તેના પર બધો આધાર છે. મરીઝ સાહેબ કહે છે :

ખુશબૂ હજુ છે બાકી જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું

તો બીજી બાજુ કવિ અનિલ જોશી કહે છે,

મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી મને પાનખરની બીક ના બતાવો.

આવી જ પાનખરની વાત લઈને આવે છે કવિ અવિનાશ પારેખ, 

વન વચોવચ પાનખરના પીપળે,
હજી વાસંતી વાયરા જોયા નથી,
કદી પાંદડે પાંદડાં રોયાં નથી.

ગીતના ભાવાર્થ મુજબ, વનની વચ્ચે એક એવું વૃક્ષ છે જેણે માત્ર પાનખર જ જોઈ છે. એ પાનખરી વૃક્ષ છે પીપળો. કવિને એ અભિપ્રેત છે કે અત્યારે આ પીપળો ભલે પાનખરની શુષ્કતા અનુભવતો હોય પણ એણે ક્યારેક તો વસંત જોઈ છે. અહીં પાનખરનો ઉલ્લેખ વયના સંદર્ભે નથી, પરિસ્થિતિજન્ય પાનખરની વાત છે. એવી પાનખર દરેકના જીવનમાં આવે છે. પરંતુ, પાનખર પછી વસંત આવશે એ આશાવાદ હોય તો જ જિંદગીનો આનંદ માણી શકાય. નકારાત્મક સંજોગોમાં પણ માણસ હકારાત્મક રહી શકે છે. જીવનમાં લીલી કુમાશ ન હોય, જીવતરને ધોવા સાવ નાનું ઝાકળબિંદુ પણ ન હોય છતાં આપણા એકાંતને ખોવાનું નથી. એકલતા અને એકાંતમાં બહુ મોટો ફરક છે. એકલતાનો ભાર લાગે, જ્યારે એકાંતમાં તો નિર્ભાર થઈ જવાય. રંગોની ગેરહાજરીમાં, વિજોગમાં પણ ઉજાસ જેવો ભાસ હોય એવા કોઈ અકળ તત્ત્વની તલાશમાં કવિ છે. વાસંતી વાયરા જોયા નથી, જીવતરને ઝાકળથી ધોયાં નથી તોયે રૂદનથી દૂર અને આનંદની પ્રતીક્ષામાં જ કવિ છે. એટલે જ અહીં એ પરોક્ષ રીતે કહે છે કે ધેર ઈઝ ઑલ્વેઝ અ સિલ્વર લાઈન. તેથી જ લાગણીવેડાને બદલે કવિનાં દરેક ગીતમાં છૂપી રીતે આશાવાદ જ પ્રગટે છે.

'ગીત સુરીલાં'નાં તમામ ગીતોમાં ભાવકના મનમાં આશ્ચર્યજનક સંવાદિતા સર્જાય છે. કવિ અવિનાશ પારેખની ભાવપૂર્ણ અતરંગી રચનાઓ કવિતા ચાહકોને વિસ્મય પમાડે છે.

આ ગીતનાં ગાયિકા દિપાલી સોમૈયા પોતાની લાગણી વ્યક્ત કરતાં કહે છે, "ગીત ભલે પાનખરનું છે પણ એનાં સ્વરો પોઝિટિવ ફીલીંગ આપે છે. તેથી કવિને જે અભિપ્રેત છે એ હકારાત્મકતા જ ભાવક શ્રોતા સુધી પહોંચે છે. જેમને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન હોય એમને આ ગીતમાં રાગ યમનની ઝલક પણ દેખાશે. રાગ યમન પૂર્ણ રાગ કહેવાય છે અને એમાં ભારોભાર શૃંગાર અને આનંદની લાગણી હોવાથી આ રાગમાં કરુણ ગીત પણ દુખદાયી નહીં પણ મનનો ભાર હળવું કરનારું લાગે છે. ઉમાશંકર શુક્લના સિતારના ટુકડા આ ગીતને વધારે કર્ણપ્રિય બનાવે છે."

દિપાલી સોમૈયાની વાત સાચી છે. આ ગીતના સ્વરકાર સુરેશ જોશીનાં ગીતોની ખાસિયત એ છે કે ગીત મીટરની દ્રષ્ટિએ સંગીતબદ્ધ કરવું અઘરું હોય તો ય એ સાહજિકતાથી એમાં સરળતા ઉમેરીને ગીત કર્ણપ્રિય બનાવે છે. યમનના સ્વરો એમનાં ગીતોની કોઇક કોઈક પંક્તિમાં અજાણતાં જ પોતાની જગ્યા કરી લે છે તેથી એ ગીતો વધુ મીઠાં લાગે છે.

"તમારી વાત સાથે એ રીતે સંમત છું કે યમનનો મારા પર પરોક્ષ પ્રભાવ હોઈ શકે. એ એવો રાગ છે જેમાં વિસ્તરવાની અપાર શક્યતાઓ છે. જો કે, પ્રયત્નપૂર્વક મેં કોઈ ગીત રાગ આધારિત નથી બનાવ્યું પરંતુ, બેશક, છેવટે એમાં કોઈક રાગના સ્વરો તો હોય જ, જેમાં યમન છૂપા વેશે પ્રવેશી જતો હશે.  'ગીત સુરીલાં'નાં ગીતો અર્થસભર છે, સંવેદનશીલ છે એટલે સ્વરબદ્ધ કરવાનો આનંદ આવે જ." સુરેશ જોશી કહે છે.

કુદરતે દરેક સૌંદર્યમાં સંવેદના ભરી છે, પ્રકૃતિની તમામ સંવેદના યોગ્ય સમયે જ પ્રગટ થાય છે. દરિયામાં મોટી ભરતી પૂનમે જ આવે છે, મેઘધનુષ વરસાદની ટાઢક પછી જ રચાય છે. ઉનાળામાં દેખાય એ ઝરણાં નથી હોતાં પણ મૃગજળ જ હોય છે. આપણે મૃગજળને ઝરણું માની લઈએ તો એમાં વાંક મૃગજળનો નહીં પણ આપણો હોય છે. સુકાઈ જવાનું પણ એક સૌંદર્ય હોય છે, જો તમે કોઈ યોગ્ય કારણ માટે સુકાતા હો. પાનખરનું સૌંદર્ય એટલે જ છે કે ત્યાં વસંત પાછી આવવાની છે. પાનખર અને વસંતનો વિરહ છે, કંઈક ઊગવાનું હોય તો ખરવાની અને ખમવાની પણ મજા હોય છે.

આથમતાં સૂર્યનું સૌંદર્ય એટલે જ સારું લાગે છે, કારણ કે એ બીજા દિવસે પાછો ઊગવાનો છે. અંધારાનું સૌંદર્ય ત્યારે જ ગમે જ્યારે પ્રકાશ પાછો આવવાનો હોય. રાહ પણ એની જ જોવાય જેના પાછા ફરવાનો વિશ્વાસ હોય અથવા કદી જશે નહીં એની ખાતરી હોય. વિદાય પાનખર જેવી ભવ્ય હોવી જોઈએ. જાઓ પણ પરિપૂર્ણ થઈને, ગરિમાપૂર્વક. નવા પરિવેશમાં પ્રવેશ પણ લાલચટ્ટક જ હોવો જોઈએ. અચરજ પામીએ એવું કેટકેટલું સમજાવે છે કુદરત! એ સમજીએ તો ઉદ્ધાર થવાનો જ.

અવિનાશ પારેખ પોતે અચરજના માણસ છે.

તેઓ કલાના ચાહક, સાહિત્યના ઉપાસક અને મિજલસના વાહક છે. ગમતાંનો કરીએ ગુલાલની જેમ વહેંચવામાં માને છે. નિજાનંદ માટે લખાયેલાં ગીતો કવિ એટલા માટે વહેંચે છે કારણ કે ભગવાન સામે એમણે ધરાવેલા કાવ્યરૂપી છપ્પન ભોગનો એ સંગીતમય પ્રસાદ જ છે. તક મળે તો જરૂર સાંભળજો આ ગીત. પાનખરમાં વસંત ખીલી ઊઠશે.

*****

વન વચ્ચોવચ પાનખરના પીપળે
હજી વાસંતી વાયરા જોયા નથી
કદી પાંદડે પાંદડાં રોયાં નથી
શમણામાં આવે વસંત ભલે એવો હો શાપ
ભમ્મરિયા વાવમાં સુક્કી શાખ લે હિલ્લોળા અમાપ
કોઈ કલરવ પ્રીત વછોયા નથી …

લીલી કુમાશ જેવા વર્ષા ઝરમરનાં
વિખરાયાં વળગણ
તરસભીની સૂની બખોલમાં ચોપાસનાં
વિસરાયા સગપણ
અમે એકલપણાને પણ ખોયાં નથી …

ફૂલોની શોધમાં સુગંધના કરમાયા સૂના પ્રવાસ
રંગોની અમાસમાં વિજોગના સચવાયા ઉજાસ
ઝાકળથી જીવતરને ધોયાં નથી …

•  ગીતકાર : અવિનાશ પારેખ    •  સંગીતકાર : સુરેશ જોશી   •  ગાયિકા : દિપાલી સોમૈયા દાતે

પ્રગટ : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 14 નવેમ્બર 2019

Loading

14 November 2019 admin
← ગુજરાત માટે ગૌરવવંતી ઘટના એટલે હેલ્લારો !
આલિયા બકર : તોપમારાની વચ્ચે પણ બસરાના જાહેર ગ્રંથાલયનાં પુસ્તકોને બચાવનાર લાઇબ્રેરિયન →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved