મુકરદમાખોરીથી હિન્દુસ્તાન બરબાદ થઈ રહ્યું છે. દેશ આટલો નિર્ધન થઈ ગયો હોવા છતાં કોરટો અને મુકરદમાઓ પાછળ આજ જેટલો ખરચ થાય છે તેટલો બીજા કશા પાછળ નહીં થતો હોય. અદાલતોની જે પ્રથા ચાલુ છે તેમાં પાણીની પેઠે પૈસો વાપર્યા વિના એક તણખલું સરખું આમથી તેમ નથી થઈ શકતું.
સૌ પહેલું તો મંગલાચરણ તરીકે જ દાવો દાખલ કર્યાની ફી જે કોર્ટ ફી કહેવાય છે તે ભરવી પડે છે. એની રકમ પણ ઠીક જાડી હોય છે. આ ઉપરાંત કોર્ટમાં એવા કેટલાએ નાના અમલદારો પડેલા હોય છે જેમને ‘નૈવેદ્ય’ ન ધરવામાં આવે તો બધું કામ કથળી જાય અને એક ખરચવાથી ચાલે એવું હોય ત્યાં બે ખરચવાનો વારો આવે છે. કોર્ટ ફીમાંથી સરકારને જે આવક થાય છે એમાંથી અદાલતોનો બધો ખરચ નીકળી રહેવા ઉપરાંત સરકાર પાસે બચત રહે છે અને કેટલાક પ્રાંતોમાં તો આવી આવક વરસોવરસ વધી રહી છે.
વકીલ બારિસ્ટરોની ફીની તો વાત જ પૂછો મા. એમને જે ફી મળે છે એનો નથી કોઈ અડસટ્ટો કે નથી હદ. જેનું તીર એકવાર લાગ્યું એ પછી જોઈએ તો પાવડા ખંપાળીથી ધન ઢસડે અને જે કમબખ્ત રહી ગયો તે મૂઓ પડ્યો. ચાહે તેટલી યોગ્યતા ભલેને હો, કોઈ એનો ભાવ પૂછતું નથી. અને એ યોગ્યતા પણ વળી કઈ? વાદવિવાદના જોર વડે, બુદ્ધિની ચાલાકી વડે, સાચને જૂઠ અને જૂઠને સાચ કરાવી દેવું! વકીલ બારિસ્ટરોનું કામ એ નથી ગણાતું કે તેઓ સાચનો જ પક્ષ લે. એમનું કહેવું છે કે એ કામ તો જજનું છે. અમારું કામ તો એટલું જ છે કે જે પક્ષની બાજુ અમે લીધી હોય તે પક્ષને અનુકૂળ હોય તે બધી બાબતો રજૂ કરવી. જે બાબતો વિરુદ્ધની છે તે બતાવવાનું કામ તો સામેવાળાના વકીલનું છે. જો એક પક્ષનો વકીલ બુદ્ધિશાળી અને ચતુર હોય અને બીજા પક્ષનો નબળો હોય તો સારો મુકરદમો પણ માર્યો જાય અને વકીલ બારિસ્ટરોની મોટાઈ, એમનું ગૌરવ, એમાં જ રહેલું છે કે એમનો પક્ષ ગમે તેટલો કમજોર હોય, તો પણ સામાવાળાને હર ઉપાયે હરાવી જીત મેળવવી. અને આ બાબતમાં જેની જેટલી શક્તિ વધારે તેટલી તેની ફી પણ મોટી.
હવે ફી તરફ જરા નજર કરીએ. અદાલતોમાં ઘણું ખરું પાંચ કલાક કામ ચાલે છે. એને માટે ફી આપવામાં આવે છે. પણ આ સિવાય બીજી પણ કેટલીએ જાતની ફીઓ છે જેનું વર્ણન અહીં કરશું. ઘણા ખરા મોટા વકીલ બારિસ્ટરોમાં પ્રથમ મુકરદમાના કાગળો વાંચી જવાની જુદી ફી લેવાનો રિવાજ છે. મુકરદમો જેમ મોટો તેમ તેના કાગળો પણ થોકડાબંધ હોય છે. અદાલતમાં દલીલ કરવા સારુ કાગળો વાંચવા જ જોઈએ. કાગળ વાંચ્યા વિના તો મુકરદમો લડી જ કેવી રીતે શકાય? પણ ફી તો કાગળિયાં વાંચી જવા માટે જુદી અને પછી અદાલતમાં ઊભા રહી દલીલ કરવા સારુ પણ જુદી આપવી પડે છે! ઘણી વાર એવું બને છે કે એક જ પક્ષ તરફથી બે, ત્રણ કે વધુ વકીલો કામ કરતા હોય છે અને દલીલ તો એકીવારે એક જ જણ કરી શકે છે તેથી બીજાઓ બેઠા બેઠા બોલનાર વકીલને મદદ કરતા રહે છે, પણ તેઓનામાં પણ જો કોઈ નામીચો વકીલ કે બારિસ્ટર હોય છે તો તે પણ કાગળ વાંચવાની જુદી અને બેસવાની જુદી એમ ડબલ ફી લે છે! કાગળો વાંચી જવાની ફી પણ થોડી નથી હોતી. સાંભળ્યું છે કે કોઈ જગ્યાએ રૂ. ૫૦,૦૦૦ સુધી પણ કાગળ વાંચવાની ફી અપાઈ છે! અને પૃષ્ઠ દીઠ ૨થી ૫ રૂ. ફી તો સામાન્ય મનાય છે.
આમ જ્યારે કાગળો વંચાઈ રહે છે ત્યારે એક જ પક્ષના જેટલા વકીલો હોય છે એ બધાને ભેગા થઈને સાથે બેસી મુકરદમાની દલીલ કઈ ઢબે ગોઠવવી એનો વિચાર કરવો જરૂરી હોય છે. આવી રીતે એકઠા મળીને તે એક બીજાના વિચાર ન લે તો બધાની મહેનત અને બુદ્ધિનો લાભ મુકરદમાને ન મળી શકે. વળી મોટા વકીલ બારિસ્ટરોનો તો વખત પણ આવી કોન્ફરન્સ કરી લેવાથી બચી જાય છે; કેમ કે એમ કરવાથી તેમને દરેકને મુકરદમાના કાગળો વાંચી જવાની જરૂર રહેતી નથી, અને જે વકીલ કાગળો વાંચી ગયો હોય છે તેણે કરેલાં ટિપ્પણોથી તેઓ મુકરદમો સમજી લઈ પોતાની સલાહ આપે છે. પણ આવી કૉન્ફરન્સને માટે પણ જુદી ફી આપવી પડે છે. સામાન્ય રીતે કલાકના ૮૫ રૂ. આપવાનો રિવાજ હોય છે. ક્યાંક ક્યાંક વધારે આપવી પડે છે.
પણ આ બધી તો અદાલતમાં મુકરદમાની દલીલ પહેલાંની જ વાત થઈ. અદાલતમાં દલીલ કરવાની સાથે વકીલ બારિસ્ટરની ફી દરરોજ ઘણું ખરું ૫૦ રૂપિયા હોય છે અને ઘણી વાર તેઓ એક જ દિવસમાં બે ત્રણ મુકરદમાઓ પણ પતાવે છે! આ વકીલ પણ એક અદાલતમાંની પોતાની દલીલ પૂરી થતાં સામા પક્ષનો વકીલ તેનો જવાબ આપવા લાગે છે એટલે તે સાંભળવા ન થોભતાં બીજી અદાલતોમાંનું પોતાનું કામ કરવા ચાલતો થાય છે અને અસીલ જો સામાવાળાની દલીલ પણ સાંભળવાને વકીલને રોકવા ઇચ્છા કરે તો એને ૫૧૦ ને બદલે ૧૦૨૦ રૂ. આપવા પડે છે! રે! ઘણીવાર તો એવું બને છે કે ફી ખીસામાં મૂકીને પણ મુકરદમો નીકળે તે વેળાએ વકીલ દલીલ કરવા હાજર નથી થઈ શકતો અને તેને બદલે ફી પાછી આપવી જોઈએ તે પણ નથી આપતા! આ બાબતમાં એક નામાંકિત વકીલના મોઢાંનો એવો બચાવ મેં સાંભળ્યો છે કે “મારી ફી હું પાછી શાનો આપું ? અસીલે મને રોક્યો તે હું અદાલતમાં ઊભા રહીને દલીલ કરીશ જ એ ખાત્રીએ નહીં પણ એટલી જ આશાએ કે મને વખત હશે તો હું મુકરદમો ચલાવીશ!” મતલબ કે વકીલ સામા પક્ષ તરફથી ન ઊભો રહે એટલી જ ખાત્રી મેળવવાને અસીલ એને ફી ભરીને રોકી લે. મુકરદમો એને હાથે ચલાવવાનો તો માત્ર ચાન્સ જ લે.
હાઈકૉર્ટ છોડીને બહાર ગામ જવાની તો આ વકીલોની સામાન્ય ફી પહેલા દિવસ માટે રૂપિયા ૫,૦૦૦ અને બીજા દિવસથી રૂપિયા ૧,૫૩૦ હોય છે. સામટા માસિક મહેનતાણાની શરતે કોઈ રોકે તો તે ૫૦થી ૬૦ હજાર લેવામાં આવે છે!
આ ઉપરથી એમ નથી માની લેવાનું કે જે અસીલ ઉપલી ગજબખોર ફીઓ ભરે છે તે બધા ખુશીથી આપે છે. ગમે તેટલો નબળો મુકરદમો ભલેને હોય અસીલને હંમેશાં એ જ ઉમેદ રહ્યા કરે છે કે પોતે અવશ્ય જીતશે. નીચલી અદાલતમાં નહીં તો ઉપલીમાં. ત્યાં નહીં તો અપીલમાં, છેવટ પ્રિવી કાઉન્સિલમાં, ક્યાંકને ક્યાંક અવશ્ય જીત મળશે. અને જીતવાનો એક માત્ર ઉપાય એ જ કે સારામાં સારા વકીલ બારિસ્ટરોને રોકવા. આથી જ પોતાનો મુકરદમો સાચો હોય કે જૂઠો, વકીલ બારિસ્ટર ઉપર ખરચ કરવામાં અસીલ પાછું વાળીને જોતો નથી. જો પોતે સાચો હોય તો સામા પક્ષના પોતાને જૂઠો ઠરાવવાના પ્રયત્નમાંથી બચવાની ખાતર અને પોતે જૂઠો હોય તો પોતાના જૂઠને સાચ કરાવવાની ખાતર. ન્યાય તોલનારની સ્થિતિ એટલી લાચાર છે, કાયદાની શૈલી એવી જડ છે કે મુકરદમાનું કિસ્મત મોટે ભાગે વકીલોની બુદ્ધિ ઉપર આધાર રાખે છે.
પણ હિંદુસ્તાન આ કજિયાખોરીના ખરચથી બરબાદ થઈ રહ્યું છે એ આમ સ્પષ્ટ છતાં આમાં અમારી જે સૌથી મોટી હાનિ થઈ છે તે આર્થિક હાનિ નથી. આ અદાલતોને પ્રતાપે આજ આખી હિંદી પ્રજા સત્યનો ત્યાગ શીખી રહી છે. એવો એક પણ મુકરદમો નથી હોતો જેમાં બધી સાક્ષી સાચી લેવાતી હોય. સાક્ષી કાનૂન જ એવો છે, કે દેખીતી વાત પણ સહેલાઈથી સાબિત નથી થઈ શકતી. આપણા દેશીઓ એવા ચતુર નથી, અને કાયદાની સમજપૂર્વક બધાં કામ કરતા નથી તેથી જ્યારે કંઈ બાબત અદાલતમાં જાય છે ત્યારે તેઓ તેમાં રહી ગયેલી ઊણપ જૂઠી સાક્ષી વડે પૂરી કરવા માગે છે. અને એ જ કારણે જૂઠી સાક્ષીઓનો પાર રહેતો નથી. સારા વકીલ બારિસ્ટરો તો સાક્ષીઓને જૂઠી સાક્ષી આપવાનું નથી શીખવતા પણ તેઓ સુદ્ધાં પોતાના અસીલોને એટલું તો જરૂર સમજાવી દે છે કે ફલાણી ફલાણી બાબતોનો પુરાવો રજૂ કરવો પડશે. બસ, અસીલોને પછી જોઈતા પૂરાવાને સારુ ફાવે ત્યાંથી સાક્ષીઓ ઊભા કરવાનું જ બાકી રહે છે. આમ પ્રજાને જૂઠ શીખવવાના સીધા નહીં તો આડકતરા દોષમાંથી તો વકીલ વર્ગ નથી જ બચી શકતો.
ગામેગામ આવા જૂઠ કજિયાઓ ઊભા કરનારા અને મુકરદમાઓ કરાવી તે ઉપર જ પોતાની આજીવિકા કરનાર લોકો આજે દેશમાં ઊભા થયા છે. એમનો વ્યવસાય જ એ છે કે લોકોને પરસ્પર લડાવી મારવા અને પોતાની તુંબડી ભરવી. એ જ એમનો જીવનનિર્વાહ છે, એ જ એમની પ્રતિષ્ઠા છે. એમની જાળમાં સપડાઈને અનેક સાદા અને સરળ મનના ગામડિયાઓ પોતાના સર્વસ્વનું પાણી કરીને અદાલતોમાં આયુષ્ય ખુવાર કરે છે અને ધન, મર્યાદા અને ઇમાન ગુમાવી પાછા ફરે છે.
[નવજીવન, તા. ૧૦-૧૦-૧૯૧૯]
o
સૌજન્ય : नवजीवनનો અક્ષરદેહ, ઑગસ્ટ-સપ્ટેમ્બર 2019; પૃ. 277-279