ફિલ્મ જંઝીરના ક્લાઈમેક્સમાં હીરો અમિતાભ અને વિલન અજિત વચ્ચે જબરી ટક્કર થાય છે. અમિતાભ એકદમ ખુન્નસભેર, લાક્ષણિક એંગ્રી-યંગ-મેન મુદ્રામાં અજિતને યાદ અપાવે છે કે આજથી વીસ વર્ષ પહેલાં આવી જ એક દિવાળીની રાતે તેં મારા મા-બાપનાં ખૂન કરેલાં. એ વખતે અજિત ગ્લાસમાં શરાબ રેડી રહ્યો હતો. એ શરાબ રેડતાં-રેડતાં શાંતિથી કહે છે કે મેં તો મારી જિંદગીમાં અનેક ખૂન કર્યાં છે (એમાં તારાં મા-બાપનાં ખૂન, અને એ પણ આજથી વીસ વર્ષ પહેલાંનાં ખૂન, એમ કંઈ તરત થોડાં યાદ આવે).
અજિત છે તો વિલન જ, પરંતુ તેનું આ લોજિક વાજબી છે. જેનો ધંધો જ ખૂનનો હોય એ કેટલાં ખૂન યાદ રાખે?
એ જ લોજિક પ્રમાણે, જેનો ‘ધંધો’ જ સર્જન-વિસર્જનનો હોય એ કેટલાં સર્જન યાદ રાખે? કેટલાં વિસર્જન યાદ રાખે? આ પૃથ્વીનો જરા ઠંડો પડેલો ગોળો સતત નવાં-નવાં પ્રકારનાં જીવોને જન્મ આપતો રહ્યો છે અને અનેક જીવોને લુપ્ત પણ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં પૃથ્વી પર પાંચ અબજથી વધુ પ્રકારનાં જીવો જીવી ચૂક્યાં છે. પાંચ અબજ પ્રકારનાં જીવો … આપણે પ્રકારો યાદ કરવા બેસીએ તો માનવી, વાનર, હંસ, બતક, ગધેડો … એવા બહુ બહુ તો સો-બસો-ત્રણસો પ્રકાર યાદ કરતાં હાંફી જઈએ, જ્યારે પૃથ્વી પર આવીને જતાં રહેલાં વિવિધ પ્રકારનાં જીવોનો (એમની વસતિનો નહીં, એમના પ્રકારોનો) આંકડો પાંચ અબજને વટી ચૂક્યો છે, જેમાંના ૯૯.૯૯ (અનેક નવડા) પ્રકારના જીવો લુપ્ત પણ થઈ ચૂક્યા છે. અત્યારે, આજની તારીખે જેટલાં પ્રકારનાં જીવો બચેલાં છે, તેમાંથી ફ્ક્ત બારેક લાખ જીવોનું જ ડોક્યુમેન્ટેશન થયું છે. બાકીનાં અંદાજિત ૮૬ ટકા જીવો વિશે હજુ આપણને કશી જાણકારી જ નથી. કરો વાત, આપણને લાગે કે આપણે પૃથ્વીને અને જીવોને જાણીએ છીએ, આપણને લાગે કે વિજ્ઞાને ઘણું બધું શોધી લીધું છે, પરંતુ હકીકત એ છે કે આજની તારીખે પૃથ્વી પર જીવતાં મોટાં ભાગનાં જીવો વિશે આપણે કશું જ જાણતા નથી. હા, વિજ્ઞાનીઓ એટલું જાણી-સમજી શક્યા છે કે આજની તારીખે પૃથ્વી પર જેટલાં પ્રકારનાં જીવો છે તેમાંના ૯૦ ટકા પ્રકારો ફ્ક્ત ૧૦ જ ટકા વિસ્તારોમાં એટલે કે ઉષ્ણકટિબંધનાં જંગલોમાં જીવી રહ્યાં છે; એવાં જંગલોમાં, જ્યાં મનુષ્યની ઉપસ્થિતિ પ્રમાણમાં ઘણી પાંખી છે.
તો, મુદ્દો એ છે કે આપણે મનુષ્યો ભલે આપણને પૃથ્વીની શાન ગણીએ, પૃથ્વીને મન તો માનવી હાલના એક કરોડથી વધુ પ્રકારનાં જીવોમાંનો એક છે. એટલું જ નહીં, અન્ય મોટાં ભાગનાં જીવોની સરખામણીમાં મનુષ્ય જુનિયર છે, નવોસવો છે. પોણા ચાર અબજ જૂની જીવસૃષ્ટિમાં માનવી બહુમાં બહુ તો સાડા ત્રણ લાખ વર્ષ જૂનો છે. આવામાં, આપણે મનુષ્યો જો ભૂલેચૂકે પૃથ્વી, સૃષ્ટિ, પ્રકૃતિ સમક્ષ અમિતાભની સ્ટાઈલમાં ડાયલોગ મારીએ કે સાડા ત્રણ લાખ વર્ષથી અમે આ પૃથ્વી પર છવાયેલા છીએ અને અહીં તો અમારું રાજ ચાલે છે … તો સૃષ્ટિ પેલા અજિતની જેમ શાંતિપૂર્વક કહી શકે કે ભઈલા, તારા જેવા તો અહીં કંઈક આવ્યા ને કંઈક ગયા … હું કેટલાનો હિસાબ રાખું?
બરાબર છે. સૃષ્ટિ કેટલું યાદ રાખે? પણ આપણે બે વાત યાદ રાખવી.
૧. પ્રચંડ જૈવિક વૈવિધ્યના અત્યંત બહોળા-પહોળા-ડહોળા ઇતિહાસમાં આપણી, માનવીની ક્ષુલ્લકતા યાદ રાખવી. અહીં તો કંઈક આવ્યા … કંઈક ગયા … એમ આપણે આવ્યા અને આપણે પણ જઈશું … માટે ખાંડનો ઓવરડોઝ કરવો નહીં.
૨. વૈવિધ્ય … આ સૃષ્ટિનું હાર્દ છે, અપાર વૈવિધ્ય … કુદરતે કાળાં અને ધોળાં એવાં ફ્ક્ત બે જ પ્રકારનાં પતંગિયાં બનાવ્યાં હોત તો કોઈ એને પૂછવા નહોતું જવાનું, કોઈ એનું ઓડિટ નહોતું કાઢવાનું, છતાં, સૃષ્ટિએ અસંખ્ય પ્રકારનાં રંગો ધરાવતાં પતંગિયાં બનાવ્યાં અને બીજાં અબજો પ્રકારનાં જીવો રચ્યાં.
શું કામ?
કારણ કે વૈવિધ્ય એ સૃષ્ટિનું હાર્દ છે. બાયોડાયવર્સિટી(જૈવિક વૈવિધ્ય)ની જે અપાર સમૃદ્ધિ આપણી ચારે તરફ વિખરાયેલી પડી છે તેના પર આપણું ઝાઝું ધ્યાન નથી જતું, પણ તેના પર ધ્યાન આપવા જેવું છે.
ખાસ તો અત્યારે, ચૂંટણી અગાઉ ભારતમાં રચાયેલા ઝંઝાવાતી માહોલમાં શાંતિપૂર્વક સમજવા જેવું એ છે કે આ સૃષ્ટિનાં અબજો પ્રકારનાં જીવોમાંના એક એવા મનુષ્યની અબજોની વસતિમાં પ્રત્યેક મનુષ્ય જુદો છે, તેના અરમાન-અભિપ્રાય-વલણો જુદાં છે. ફ્ક્ત સમસ્યાની જ વાત કરીએ કોઈને હિન્દુ-મુસ્લિમ મુદ્દો સૌથી મહત્ત્વનો લાગે તો કોઈને સ્ત્રીઓના કે દલિતોના કે ગરીબોના હકનો મુદ્દો સૌથી મહત્ત્વનો લાગે. આવામાં, આપણને જેમાં રસ પડે તેમાં ભલે રસ લઈએ, પણ બીજી વ્યક્તિને બીજી વાતોમાં રસ પડે, બીજી વ્યક્તિ જુદું વિચારે, તેને જુદો નેતા ગમે, જુદો પક્ષ ગમે, તેને જુદું શાક ભાવે, તેને પર્વત કરતાં દરિયો વધુ રૂપાળો લાગે … તો ઇટ્સ ઓકે. એમાં બાંયો ન ચડાવાય. “મને જેમાં રસ પડે છે તેમાં તને રસ કેમ નથી પડતો?” “તું મારા જેવો કે જેવી કેમ નથી?” આવું બધું ન પૂછાય.
સૃષ્ટિનું જૈવિક વૈવિધ્ય અને માનવીનું માનસિક-સામાજિક-સાંસ્કૃતિક વૈવિધ્ય … આ બંને બહુ જ મહત્ત્વનાં છે. આ વૈવિધ્ય બળ પૂરું પાડે છે. વિશ્વની અનેક સંસ્કૃતિઓ નાશ પામી પણ આપણી ભારતીય સંસ્કૃતિ ગમે તેવી તો પણ હજુ સુધી ટકી શકી છે તેનું એક મહત્ત્વનું કારણ સૌ સ્વીકારે છે. તે કારણ છે, વૈવિધ્ય … ભારતીય સંસ્કૃતિ જેટલું વૈવિધ્ય બીજે ક્યાં ય નથી. શક્ય છે કે આ વૈવિધ્યને લીધે આપણી સંસ્કૃતિ આટલું લાંબું ટકી.
તો, ચૂંટણીમાં મત કોને આપવો એ નિર્ણય લેવા ઉપરાંત બીજો એક નિર્ણય પણ ભેગાભેગો લઈ લઈએઃ આપણા દેશના સાંસ્કૃતિક વૈવિધ્યને આપણે તાકાત બનાવવા માગીએ છીએ કે નબળાઈ?
વિચારી જોજો.
facebook .com / dipaksoliyan
સૌજન્ય : ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 14 ઍપ્રિલ 2019