2022નું વર્ષ પૂરું થવામાં છે ત્યારે વિશ્વનું વાતાવરણ, ઉજવણાંનું ઓછું અને ઊઠમણાંનું વિશેષ જણાય છે. નાતાલનો પણ તાલ રહ્યો નથી. અમેરિકાએ તો બરફમાં દટાઇને ક્રિસમસ ઊજવી છે. ત્યાં બોમ્બ સાઈક્લોને 48 રાજ્યોમાં બરફની સફેદ સફેદ ચાદરો ફેલાવીને 65 જીવોને ઠંડી કબરોમાં દફનાવી દીધા છે. સૌથી વધુ મોત ન્યૂયોર્ક સ્ટેટના બફેલો સિટીમાં થયાં છે. આઠ ફૂટથી વધુ બરફ જામી ગયો છે ને લાખો લોકો વીજળી-પાણી વગર ઝઝૂમી રહ્યાં છે. પાણી જામી જવાને લીધે, ઠંડી અને પાણીને અભાવે 34 લોકો મૃત્યુ પામ્યાં છે. 25 કરોડથી વધુ લોકો આ તોફાનથી અસરગ્રસ્ત છે. આ તોફાનને આર્કટિક બ્લાસ્ટ પણ કહે છે. એને કારણે પારો -57 ડિગ્રીએ પહોંચ્યો છે. આર્કટિક પરથી બરફનાં કણો સાથે પવન ફૂંકાય છે ને તે બોમ્બની જેમ વરસે છે. 26 ડિસેમ્બરે ત્રણ ભારતીયો જામી ગયેલાં વુડ કેનન લેક પર ફરતાં હતાં ને એકાએક બરફની પરત તૂટતાં લેકમાં ગરકાવ થઈ ગયાં ને મૃત્યુ પામ્યાં. અમેરિકામાં જનજીવન ઠપ થઈ ગયું છે ને ત્યાં ઇમરજન્સી ડિકલેર થઈ છે. ત્રણ હજારથી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે ને સ્થિતિ અત્યારે વિશ્વ આખાથી કપાઈ ગયા જેવી છે. એ જ રીતે જાપાનમાં આઠેક દિવસથી થઈ રહેલી હિમવર્ષાને કારણે 17 જીવોને બરફની કબરો નસીબ થઈ છે. જાપાનના 20 હજારથી વધુ ઘરોમાં અંધારપટ છે ને બીજી પણ ઘણી મુશ્કેલીઓનો સામનો તે કરી રહ્યું છે. .
એ પણ છે કે ચીન, જાપાન, ભારત, અમેરિકા પર ફરી એક વાર કોરોનાનો પંજો રાક્ષસી રીતે ફેલાઈ રહ્યો છે. ચીનમાં તો રોજના કરોડો લોકો કોરોનાની પકડમાં બહુ ખરાબ રીતે જકડાઈ રહ્યાં છે. ચિત્ર એવું ભયાનક છે કે ચીનમાં શબોના નિકાલ માટે વીસેક દિવસનું વેઇટિંગ ચાલે છે. એ પણ સૂચક છે કે કોરોના પિક પર છે ત્યારે તે 3 વર્ષે દેશની સરહદો ખોલી રહ્યું છે ને બીજી તરફ ચીનથી આવતાં લોકો પર 5 દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. ચીનથી જરા ય ઓછું જોખમ ભારતમાં કોરોનાનું નથી, છતાં અહીં બધા દેશોમાંથી હવાઈ ઊડ્ડયનો ચાલુ જ છે. ચીનથી ભારતમાં અનેક પ્રવાસીઓ આવી રહ્યા છે ને એમાંના કેટલાક તો કોરોના પોઝિટિવ પણ છે, કેરળમાં જ ચીનથી પોઝિટિવ કેસો આયાત થયા છે ને ત્યાં કેસમાં રાતોરાત 38 ટકાનો વધારો જોવાયો છે, પણ સરકાર અત્યારે તો દેશ આખામાં જરૂરી ટેસ્ટ કરાવીને જ ફરજ બજાવ્યાનો સંતોષ લઈ રહી છે.
કોરોનાને રોકવાના પ્રયત્ન કરતાં કોરોનાને સત્કારવાની તૈયારીઓ ભારતમાં વિશેષ જણાઈ રહી છે. અહીં બે પ્રકારની પરિસ્થિતિ કોરોના સંદર્ભે જોવા મળે છે. એક વર્ગ એવો છે જે કોરોનાને મામલે જરા પણ ફિકર કર્યા વગર બિન્ધાસ્ત ગમે ત્યાં રખડે છે. તેને રોકવાની જરૂર કોઈને જણાતી નથી. એક તરફ સ્કૂલોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું છે, પણ ઉચ્ચ અધિકારીઓને એવી કશી ફરજ અત્યાર સુધી પડી નથી તેનું આશ્ચર્ય જ છે. કોઈ શતાબ્દી મહોત્સવ કે કાંકરિયા ફેસ્ટિવલ કે લગ્નના વરઘોડા કે ધાર્મિક વિધિવિધાનો ભલે હોય, પેલા બિન્ધાસ્ત વર્ગને ગમે ત્યાં હાજર થઈ જવાની કોઈ છોછ નથી. બીજો વર્ગ એવો છે જે કોઈ પણ સરકારી કે ખાનગી જાહેરાતો વગર પણ, સતત દહેશતમાં જ જીવે છે. ખાંસીનો એકાદ ઠસકો આવે તો ય કોરોના પોઝિટિવ હોવાની તેને ફાળ પડતી રહે છે. સરકાર અત્યારે તો હોસ્પિટલોમાં પૂરતી વ્યવસ્થા છે કે કેમ તેની તકેદારીમાં પડી છે તો ખૂટતી રસીઓ લેવા લોકો પણ ઉતાવળ કરી રહ્યા છે.
આમ કોરોના ચીનથી વિશ્વમાં ફેલાયો એ પછી કોરોના વાયરસ ન રહેતાં તે વૈશ્વિક ષડયંત્ર થઈને રહી ગયો છે. જેટલાં મોઢાં એટલી વાતો ચાલે છે. સાચુંખોટું પરખાતું નથી. ચીનમાં ભયંકર સ્થિતિ છે એવું કહેવાય છે, તો ત્યાં રહેનારાઓ જ એવું કૈં નથી – એવું પણ કહે છે. રશિયન ચેનલો ચીનની વિરુદ્ધ પડી હોય તેમ તેનું ભયંકર ચિત્ર વિશ્વ સમક્ષ મૂકી રહી છે. આ પાછું નિર્દોષ ભાવે થતું નથી. દુ:ખદ વાત જ એ છે કે કોઈ નિર્દોષ જણાતું નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)થી માંડીને ઘણા દેશોએ એમાં રાજનીતિઓ કરી છે ને કોરોના અટકે તે કરતાં તે ચાલુ રહે એમાં જ ‘વૈશ્વિક કલ્યાણ’ જોવાઈ રહ્યું છે. ચીને મહાસત્તા બનવાની લહાયમાં વૈશ્વિક અર્થકારણ તોડવાની કોશિશ, કોરોના ફેલાવીને કરી એથી અમેરિકા ઉશ્કેરાયું ને ચીન તથા અમેરિકાનો શત્રુવટ સપાટી પર આવ્યો. વિશ્વમાં રસીઓની શોધ ચાલી તે સાથે વાયરસ અટકાવવાને બદલે નવા વાયરસની શોધ પણ ચાલી. આમ તો રશિયા અને ચીન મિત્ર રાષ્ટ્રો છે, પણ રશિયા અત્યારે ચીનની વિરુદ્ધ માં પડ્યું છે ને તેણે તેની વિરુદ્ધ અપપ્રચારમાં પણ ઝુકાવ્યું છે. એમ પણ મનાય છે કે જ્યોર્જિયાની એક લેબોરેટરીમાં કોરોના તૈયાર કરીને ચીનમાં જાસૂસો દ્વારા મોકલવામાં આવ્યો છે. આ વાયરસ વોર છે અને અમેરિકા એ દ્વારા ચીનને પછાડવા માંગે છે. ચીનમાં જે સ્થિતિ છે તે અમેરિકાને આભારી હોવાનું પણ કહેવાય છે. કોરોનાની કરમકહાણી એ છે કે તે તેની હયાતીમાં જ મિથ હોવાનું ગૌરવ પણ ભોગવે છે. ચીન શાંતિની વાત કરવા ઈચ્છે છે અને અંદરખાને શસ્ત્રો સજાવીને ભારતને ભીંસમાં લેવાની પેરવીમાં પણ છે જ !
નેપાળમાં શાસન બદલાયું છે તે ઉપરાંત ત્યાંથી તે ઉત્તરાખંડ સુધી ભૂકંપના ત્રણેક આંચકાઓ આવી ચૂક્યા છે, ભૂકંપથી ગયા નવેમ્બરમાં જ ઇન્ડોનેશિયામાં ત્રણસોથી વધુ માણસોનાં મોત થયાં તો અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપથી હજારથી વધુ માણસોનાં મોત થયાં. એ સાથે જ અફઘાનિસ્તાનમાં પૂરથી પણ 182 લોકોનાં મોત થયાં ને એ જ પૂરે ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, નાઈજિરિયા, પાકિસ્તાનમાંય સેંકડો માણસોનાં જીવ લીધાં છે, તો પાકિસ્તાન પોતે આતંકી હુમલાનો ભોગ પણ બન્યું છે. તેણે તો શરૂથી સાપને ઝેર પાવા જેવું જ કર્યું છે. ફરજિયાત હિજાબને મામલે ઇરાનમાં મહિલાઓએ જાહેરમાં વાળ કાપીને ભારે વિરોધ કર્યો, આ ઉપરાંત તાલિબાને તમામ સરકારી ને બિનસરકારી સંગઠનોને મહિલાઓને કામ પર આવતાં રોકવાની તાકીદ કરી છે. અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને શાસકો વચ્ચે સંઘર્ષ ચાલે છે. પેરિસમાં વંશીય સમુદાયને નિશાન બનાવીને ગયે અઠવાડિયે જીવલેણ હુમલો થયો તેના વિરોધમાં સેંકડો સીરિયન કુર્દો સડક પર ઊતરી આવ્યા છે. શ્રીલંકામાં લોક વિરોધે એવી કટોકટી સર્જી કે ત્યાંના રાષ્ટ્રપતિએ ભાગવું પડ્યું. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું છે. મોરબીમાં ખુલ્લો મુકાતાં જ પુલ તૂટે ને 135 લોકોના જીવ જાય ને એ વળી થોડા સમયમાં જ સહજ થઈ જાય એવું અમેરિકામાં પણ છે, ત્યાં ફરક એટલો છે કે પુલ 50 વર્ષે તૂટે છે. એટલે બાંધકામમાં ગરબડ ભારતમાં જ છે એવું નથી, પેન્સિલવેનિયાના પિટ્સબર્ગમાં ય છે. ટૂંકમાં, વિશ્વ પર નજર નાખીએ છીએ તો વાતાવરણ ઠારનારું અને ડારનારું જ જણાય છે.
એમ પણ લાગે છે કે આખું વિશ્વ કોઈક રીતે મારીને મરવાની ઉતાવળમાં છે. અમેરિકા, ચીન અને રશિયા એકબીજાની સ્પર્ધામાં કોઈને પણ હાનિ પહોંચાડવામાં પૂરતાં બેશરમ રાષ્ટ્રો છે. આ રાષ્ટ્રો યુદ્ધથી, વાયરસથી, કુદરતી તોફાનથી પ્રભાવિત છે, પણ શાંતિ કોઈને ખપતી નથી. કોઈ જંપતું નથી. માનવ કલ્યાણની વાતો બધાં જ કરે છે, પણ સર્વનાશ વગર કલ્યાણ શક્ય નથી એવી ગ્રંથિથી પીડાતા હોવાનું પણ લાગે છે. આટલાં ધરતીકંપ, દાવાનળ, પૂરપ્રકોપ, બરફનાં તોફાનથી થતાં નુકસાન વિશ્વને ઓછાં પડે છે એટલે તે યુદ્ધ, વાયરસથી વધુને વધુ નુકસાન પહોંચાડવા મથે છે. જે પ્રચંડ તોફાન અમેરિકા અત્યારે વેઠી રહ્યું છે એમાં બધાં હથિયારો એમનાં એમ પડી રહે ને કુદરત એનું કામ કરીને ચાલતી થાય એમ પણ બને. કુદરતના આટલા પ્રકોપ પછી પણ માનવ જાત એ સમજતી નથી કે એ જેટલાં શસ્ત્રોથી દુનિયા ખતમ કરી શકાય એનાં કરતાં પણ વધુ ઝડપે ને ઘાતકી રીતે કુદરત વિનાશ વેરી શકે એમ છે. બધાં અણુબોમ્બ એમના એમ રહી જાય અને એ નાખવાની પણ તક ન રહે એટલી ઝડપે બરફનો બોમ્બ અમેરિકા પર પડ્યો છે, પણ અમેરિકાની અને અન્ય દેશોની આંખો નથી ઊઘડતી ને આ મહાસત્તાઓ એકબીજાને કાબૂ કરવાની હિંસક અને નિર્લજ્જ કોશિશો કરતી રહે છે. લાખો લોકો માનવ સર્જિત વાયરસનો ભોગ બન્યા પછી પણ, રશિયા-યુક્રેનને લડ્યા વગર નથી જ ચાલ્યું એ પણ વિધિની વક્રતા જ છે ને ! ચીનમાં વાયરસને કારણે લાખો લોકો તેમના કોઈ વાંક ગુના વગર મરવાં પડ્યાં છે, પણ જીવ લઈને જીવ ટકાવવાની રમતો બંધ થતી નથી. સત્તાની લાલચ સામે કોઈ શિક્ષણ, કોઈ નીતિ, કોઈ સંસ્કૃતિ કામ લાગતી નથી એ હકીકત છે. અમેરિકા ને કેનેડા એમને એમ જ થીજી જાય એમ છે, પણ દુનિયા સાથે તેનો મૈત્રીભાવ પ્રગટ થતો નથી. તેની મૈત્રી સ્વાર્થ વગરની નથી. જો કે, નિસ્વાર્થ તો હવે રહ્યું છે જ કોણ કે તેની પાસેથી સાધુત્વની અપેક્ષા રાખવાની?
આટલી બધી શાંતિ પરિષદો ભરાય છે, આટલાં બધાં શિખર સંમેલનો થાય છે, પણ કોઈને જ રક્તપાત વગરની શાંતિ ખપતી નથી એ દુ:ખદ છે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 ડિસેમ્બર 2022