શક્તિ પ્રદર્શન માટે કરાવાતી રાજકીય હિંસા, પ્રજાતિઓ વચ્ચેના વિગ્રહો નિર્દોષ જિંદગીઓને ભૂખમરો, બિમારી અને રઝળપાટ આપનાર સાબિત થાય છે
અફઘાનિસ્તાનમાં સતત તાણ અને ભયના ઓથારમાં જીવાતી જિંદગીઓનું બેબાકળાપણું વિચલિત કરી દે તેવું છે. રાજકીય સંઘર્ષોને કારણે જિંદગીઓ પહેલીવાર ખોરવાઇ છે તેમ નથી બન્યું. સિરિયાથી લઇને યેમેન સુધી અને દક્ષિણ સુદાનથી માંડીને વેનેઝુએલાએ યુદ્ધ અને રાજકીય સંઘર્ષોને કારણે માણસોની જિંદગી વિખેરાતાં જોઇ છે. સમય બદલાતાં આ પીડાની ટીસ આકરી બનતી ચાલી છે. વિશ્વમાં અનેક સિવિલ વૉર્સ ચાલે છે અને પરિણામે વિસ્થાપિતોનો આંકડો વધતો રહ્યો છે.
છેલ્લાં છ વર્ષથી યેમેન પર સાઉદી અરેબિયા હેઠળના દેશો બોમ્બ ફેંકી રહ્યા છે. તેમનો ધ્યેય હતો કે હૂથી બળવાખોરોને દેશમાંથી તગેડી મૂકવા, તેમની સત્તા છીનવી લેવી અને સરકારને પુનઃસ્થાપિત કરવી. યેમેનમાં ૨૦૧૪ના અંત ભાગથી એક સિવિલ વૉરની સ્થિતિ સર્જાઇ છે જ્યાં એક જ દેશના લોકો એકબીજા સાથે લડી રહ્યા છે. સરકાર દેશવટા જેવી લાંબી ગેરહાજરીમાં છે અને મોટા ભાગના વિસ્તારો પર હૂથીનો કાબૂ છે. દક્ષિણ અને ઉત્તર યેમેન એક સમયે અલગ હતા, નેવુંના દાયકામાં એક થયા પણ દેશ ચલાવવા અંગેની તેમની વિચારધારાઓ હજી પણ એકબીજાથી સાવ વિપરીત છે. સાઉદી અરેબિયા જે નવ દેશોના સમૂહનું નેતૃત્વ કરે છે તેઓ યેમેનની સરકારની ટેકો આપે છે પણ ૨૦૧૫માં તેમણે યેમેન પર બોમ્બાર્ડિંગ શરૂ કર્યું જેથી હૂથીઝથી છૂટાકારો મળે, તેમને યુ.એસ., યુ.કે. તથા ફ્રાન્સનો ટેકો પણ મળ્યો. યુદ્ધ શરૂ કરનારા સાઉદી અધિકારીઓને હતું કે આ થોડા અઠવાડિયાઓનો ખેલ છે પણ જેમ અફઘાનિસ્તાનમાં તાલીબાનનો ત્રાસ છે એવું જ અહીં હૂથીઓ કરી રહ્યા છે.
૨૦૧૧માં સિરીયાના ૧.૫ મિલિયન લોકો આસપાસના દેશોમાં જીવ બચાવી ભાગ્યા. આજે દસ વર્ષ પછી પણ આ વિસ્થાપિતોનો સૌથી મોટો સંઘર્ષ ગણાય છે. ૬.૬ મિલિયન સિરયન્સે દેશ છોડ્યો છે અને ૬.૭ મિલિયન સિરયન્સ પોતાની જમીન પર જ વિસ્થાપિત છે. ઝનૂની સરકારે દારા શહેરમાં વિરોધ કરનારા કિશોરોનાં ટોળાંને અટકમા લીધું અને પછી તો ટોળાંઓ આક્રમક બન્યા અને સૈન્ય પણ તેની સામે ન ટકી શક્યું. આંતરિક સંઘર્ષ સિવિલ વૉર બની ગયો અને આજે પણ આ અસ્થિરતાનો ભોગ બનેલાંઓ વિષમ પરિસ્થિતિઓ સામે ટકવાના રસ્તા શોધી રહ્યાં છે.
ઑગસ્ટ ૨૦૧૭ના ઑગસ્ટ મહિનામાં મ્યાનમારમાંથી રોહિંગ્યા રેફ્યુજીઓ બાંગ્લાદેશ તરફ ભાગી છૂટ્યા. આધુનિક ઇતિહાસમાં રોંહિંગ્યા રેફ્યુજીઝનો મુદ્દો સૌથી ઝડપથી લોકોનું સ્થળાંતર થયું હોવાનો પુરાવો છે. મ્યાનમારમાં બૌદ્ધ ધર્મમાં માનનારાઓની મોટી સંખ્યા છે, અહીં રોહિંગ્યાઓને નાગરિકતા નથી. રોહિંગ્યા મુસલમાનો અને કટ્ટરપંથી બૌદ્ધો વચ્ચે હિંસાને પગલે રોહિંગ્યા વિસ્થાપિતો બાંગ્લાદેશ, ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડમાં શરણાર્થી તરીકે રહેવા માંડ્યા. તે દેશના સૌથી વધુ પીડિત અલ્પસંખ્યક સમુદાયમાં ગણાય છે અને તેમની પ્રત્યે કોઇ પણ દેશને ઉમળકો નથી બલકે તેમને સુરક્ષા પરનું જોખમ ગણવામાં આવે છે.
ઇઝરાયલીઓ અને પેલેસ્તિનિયન્સ વચ્ચે ૧૯૪૮ની સાલથી સંઘર્ષ ચાલે છે જેમાં ૫.૧ મિલિયન લોકોની જિંદગીઓ વિખેરાઇ છે. આમ તો આ મુદ્દો સો વર્ષ જૂનો છે એમ કહી શકાય તથા યહૂદીઓની લધુમતી તથા આરબોની બહુમતી વચ્ચે સતત તાણ ખડી થયા કરે છે જેની પર આગવી રીતે કાબૂ લાવવાનો પ્રયાસ કરવાનું બીડું બ્રિટને ઉપાડ્યું હતું પણ બ્રિટિશ શાસકો ૧૯૪૮માં ત્યાંથી નિકળી ગયા. આજે પણ ગાઝા, જેરુસલેમ અને વેસ્ટ બેંક વચ્ચે સતત તણાવ રહે છે.
વિયેતનામ વૉર દાયકાઓ સુધી ઉત્તર અને દક્ષિણ વિયેતનામ વચ્ચે ચાલેલો સંઘર્ષ છે. ૧૯૫૫થી ૧૯૭૫ સુધી ચાલેલા આ યુદ્ધમાં પરાકાષ્ઠા સાંઇઠના દાયકામાં આવી. ઉત્તર વિયેતનામને સામ્યવાદી રાષ્ટ્રોને ટેકો હતો જેમાં ચીન અને રશિયા પણ સામેલ હતા અને દક્ષિણ વિએતનામને યુ.એસ. સહિતના પશ્ચિમ દેશોનો ટેકો હતો. વિયેતનામ યુદ્ધમાં અમેરિકાના લશ્કરનો ફાળો મોટો હતો, ઇતિહાસકારોએ આ યુદ્ધને યુ.એસ.એ. અને સોવિયેટ યુનિયન વચ્ચેનું શીત યુદ્ધ યુગનું પ્રૉક્સી વૉર ગણાવે છે. આ યુદ્ધને કારણે વિસ્થાપિત થયેલાઓનો આંકડો ૩ મિલિયન હતો અને તેમાનાં ઘણાં યુ.એસ.એ. અને ચીનમાં સ્થાયી થયા હતા.
કૉરિયાના યુદ્ધ પાછળ શીત યુદ્ધ દરમિયાન ફેલાયેલો સામ્યવાદ કામ કરી ગયો અને બીજા વિશ્વયુદ્ધમાં જાપાને કોરિયા પર જે કબ્જો કર્યો તે પછી ૧૯૫૦થી ૫૩ દરમિયાન કોરિયા છોડીને ભાગી છૂટેલાઓની સંખ્યા એક મિલિયનથી પાંચ મિલિયનની વચ્ચે માનવામાં આવે છે.
૨૦૦૩માં ઇરાકમાં જે તાણ ચાલુ થઇ તેને પગલે અત્યાર સુધીમાં ચાર મિલિયન જેટલા લોકો વિસ્થાપિત થઇ ચૂક્યાં છે અને ૨,૬૦,૦૦૦ જેટલાં લોકોને દેશ છોડીને આસપાસના દેશોમાં ચાલ્યા જવાની ફરજ પડી છે. આઇસિસે ઉત્તર ઇરાકમાં હુમલા શરૂ કર્યા અને જિંદગીઓ તહેસનહેસ કરી નાખી. ૧૯૯૧થી ૧૯૯૫ દરમિયાન થયેલ યુગોસ્લાવિયા સંઘર્ષ, યુરોપ માટે બીજા વિશ્વ યુદ્ધ પછી સૌથી વધુ કારમો સંઘર્ષ ગણાવાય છે જેમાં ૨.૭ મિલિયનથી વધુ લોકોની જિંદગી વેરણછેરણ થઇ ગઇ. એથનિક ક્લિન્ઝિંગને નામે સર્બિયન નાગરિકોએ ક્રોએટ્સ અને મુસલમાનોને બોસ્નિયા તથા હર્ઝેગોવિનાના તેમના ઘરોમાંથી તગેડ્યા છે. રવાન્ડામાં તુત્સીઓ પર હુતુ કટ્ટરપંથીઓએ હુમલા કર્યા અને ૧૯૯૧ની સાલમાં થયેલા આ તણખાનો ભડકો આજે પણ જિંદગીઓ ભરખી રહ્યો છે. ૩.૫ મિલિયન જિંદગીઓ કોઇ પણ ચોકસાઇ વગર રેઢિયાળ હાલતમાં જીવાઇ રહી છે. આ તરફ સોમાલિયામાં સિઆદ બરેની સત્તા ૧૯૯૧માં પડી ભાંગી અને ત્યાં વિસ્થાપનની લહેર શરૂ થઇ ગઇ. અહીં ૧.૧ મિલિયનથી વધુ જિંદગીઓ વિખેરાઇ ચૂકી છે. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં આજે પણ સિવિલ વૉરની સ્થિતિ છે અને ૧.૧ મિલિયન લોકોના માથે અરાજકતા લખાઇ ગઇ છે. સુદાનમાં પણ સિવિલ વૉરે સાતથી આઠ લાખ લોકોને વિસ્થાપિતોની યાદીમાં ધકેલ્યા છે. ૧૯૯૬-૧૯૯૮ દરમિયાન થયેલા યુદ્ધને કારણે ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોમાંથી સાડા પાંચ લાખ લોકોની જિંદગીઓ રેફ્યુજી કેમ્પ્સમાં જીવાઇ રહી છે.
મોટાભાગના આ સંઘર્ષોમાં સિવિલ વૉર અહીં સ્થાનિક વૉર બની ગયું છે. ભૂખ, બિમારી, લાચારી, અચોક્કસતામાં લાખો જિંદગી જીવાઇ રહી છે કારણ કે અમૂક મજબૂત રાષ્ટ્રો પોતાની સત્તા સાબિત કરવા માગે છે.
બાય ધી વેઃ
૨૦૧૬ના અંતે વિશ્વ આખામાં સંઘર્ષોને કારણે વિસ્થાપિત થયેલા લોકોની સંખ્યા ૬૫.૬ મિલિયન હતી. આ આંકડો બીજા વિશ્વ યુદ્ધ પછી વિસ્થાપિત થયેલા લોકોની સંખ્યા કરતાં પણ મોટો છે. ૨૦૧૭માં આંકડો બમણો એટલે કે ૧૧.૮ બિલિયન થઇ ગયો હતો. ૨૦૧૭ સુધીમાં અઢાર જેટલા દેશોમાં ચાલતા કટોકટી ભર્યા સંઘર્ષને પગલે ભૂખમરો વેઠનારાની સંખ્યા ૭૪ મિલિયન હતી. છેલ્લા દોઢ દાયકામાં રાજકીય હિંસા અને સંઘર્ષનું પ્રમાણ વધ્યું છે અને આ તમામનો એજન્ડા કાં તો લશ્કરી તાકાત જમાવવાનો હોય છે કાં તો રાજકીય સ્વાર્થ સાધવાનો હોય છે. શક્તિ પ્રદર્શન માટે કરાવાતી રાજકીય હિંસા, પ્રજાતિઓ વચ્ચેના વિગ્રહો નિર્દોષ જિંદગીઓને ભૂખમરો, બિમારી અને રઝળપાટ આપનાર સાબિત થાય છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ઑગસ્ટ 2021