
રવીન્દ્ર પારેખ
પ્રકૃતિ તેની સાથે થતી છેડછાડના અનેક આઘાતો મનુષ્યજાતને આપે છે, પણ માણસ જાત એટલી સ્વાર્થી ને મતલબી છે કે તે મરવા તૈયાર થશે, પણ સુધરવા તૈયાર નહીં થાય. જંગલમાં વસતા જીવો પર, જંગલો પર થોડી કમાણીની લાલચે મનુષ્ય એટલા અત્યાચારો કરે છે કે વન્ય સંપત્તિ ને જીવોનો સર્વનાશ થઈને રહે. વૃક્ષોના ઉછેરની, પર્યાવરણની વાતો તો ઘણી થાય છે, પણ એકાદ વૃક્ષ વાવવાનું કોઈથી ભાગ્યે જ બને છે. પ્રદૂષણ રોકવાની વાત તો દૂર રહી, હવા, પાણીને પ્રદૂષિત કરવાની એક પણ તક ભાગ્યે જ કોઈ જતી કરે છે. પ્રકૃતિના વિનાશ વગર વિકાસ શક્ય જ ન હોય તેમ, પર્યાવરણ સાથેની મનુષ્યની શત્રુતાના ઢગલો ઉદાહરણો મળી રહે તેમ છે.
જંગલોના વિનાશ અંગે વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટના આંકડા આંચકા આપે તેવા છે. પાછલાં વર્ષમાં પૃથ્વી પરથી 1.5 લાખ ચોરસ કિલોમીટર ટ્રોપિકલ જંગલોનો નાશ થયાની વાત છે. એમ કહેવાય છે કે આડેધડ વૃક્ષો કપાવાથી 7.5 બિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડ હવામાં ભળ્યો ને તેને કારણે ઋતુઓમાં થતા ફેરફારો, ગરમીમાં થતો વધારો, બરફ ઓગળવા જેવી અનેક વિટંબણાઓ ગ્લોબલ વોર્મિંગને નામે મનુષ્યને ઘેરતી રહી છે.
અન્ય દેશોની વાત જવા દઈએ તો પણ, ભારતમાં આમ પણ ટ્રોપિકલ જંગલો ઓછાં છે, તેમાં છેલ્લાં 15-16 વર્ષમાં 15,000 ચોરસ કિલોમીટર જંગલોનો વિસ્તાર જોખમાયો છે. બીજી તરફ ભારતીય પ્રજા પર્યાવરણને મામલે સૌથી વધુ બેદરકાર છે. તે પરિણામો વેઠે છે, પણ આ વેઠવાનું પર્યાવરણની ઉપેક્ષાને લીધે છે એવી સભાનતા તેનામાં લગભગ નથી. ઊર્જાનો ઉપયોગ વધ્યો છે, પણ તેની કાર્યક્ષમતા વધારવાની ચિંતા ઓછી જ છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધે છે, પણ તેની ખપત ઘટતી નથી. એ ઘટી હોત તો વાહનો પણ ઘટયાં હોત, પણ તેની ખરીદી વધતી જ જાય છે. દેખીતું છે કે આ બધાંનું પરિણામ ગરમી વધવામાં જ આવે. એનાથી મરી જવાય તો વાંધો નથી, પણ પર્યાવરણનાં વિનાશમાંથી ઉપયોગી કૈં મળતું હોય તો તે માણસ જાતને ખપે છે, એટલે જ તો દંતશૂળ મેળવવા તે હાથીને મારે છે કે પીંછા માટે મોરને મારે છે કે પર્સ માટે સસલાંને મારે છે. ઘરમાં રાચરચીલું વધતું હોય તો વૃક્ષોની સુશોભિત લાશ ઘરમાં વસાવવાનું ભાગ્યે જ કોઈ ચૂકે છે.
વાતો તો વધુ વૃક્ષો વાવોની થાય છે, પણ કપાય છે તે વૃક્ષો જ છે, તે નોંધવાનું રહે. સીધી વાત એટલી છે કે આપણા ચાવવાના ને બતાવવાના જુદા છે. આટલી ભૂમિકા એટલે બાંધી કે હૈદરાબાદ યુનિવર્સિટીને અડીને આવેલાં 400 એકર જંગલોનો ખાતમો બોલાવવાનો આદેશ તેલંગાણા સરકારે આપ્યો છે. કોણ જાણે કેમ પણ જ્યારથી તેલંગાણા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું છે, ત્યારથી તે સમસ્યાઓ જ સર્જતું રહ્યું છે. સરકારો વૃક્ષના ઉછેરની વાતો તો ઘણી કરે છે, પણ એ વાતો છે, દંભ છે, તે સરકાર પણ જાણે છે, કારણ જંગલો કાપવાનો આદેશ પણ સરકાર જ આપે છે, જેવો તેલંગાણા સરકારે આપ્યો છે. આદેશ આપવાનું કારણ શું, તો કે કોર્પોરેટ આઇ.ટી. પાર્ક બનાવવાનું. આઇ.ટી. પાર્ક દ્વારા કરવું છે શું? તો કે, એ દ્વારા 50 હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ મેળવવું છે ને 5 લાખ નોકરીઓ ઊભી કરવી છે. ઇન્વેસ્ટમેન્ટ અને નોકરીઓ માટે તેલંગાણા સરકારના એ દિવસો આવ્યા છે કે 400 એકર જંગલો કાપવા બુલડોઝરો ફેરવવાં પડે. આવી કારમી ગરીબી ભાગ્યે જ કોઈ બીજી સરકારની હશે. એને માટે તેલંગાણા સરકારે હરણાં, મોર ને અનેક વન્ય જીવોને કાળજું કંપાવનારાં રુદનને ભરોસે છોડી મૂક્યાં છે. વનને ભોગે જીવન શોધતી તેલંગાણા સરકારનો વિરોધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો કરી રહ્યા છે, તો તેમને માથે પોલીસ ઠોકી બેસાડાઈ છે જે લાઠી ચાર્જ કરવા સુધી ગઈ છે. પર્યાવરણ અંગે વિદ્યાર્થીઓને સૂઝે છે, એટલું પણ સરકારને સૂઝતું નથી એ કેવી વિડંબના છે !
1974માં કેન્દ્ર સરકારે લગભગ 2,300 એકર જમીન હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી માટે આપી હતી. 2003 અને 2004માં રાજ્ય સરકાર અને યુનિવર્સિટી વચ્ચે જમીન અંગે કરાર થયો હતો. સરકારનું કહેવું છે કે કરાર થતાં આ જમીન હવે સરકારની થઈ ગણાય. એના બદલામાં યુનિવર્સિટીને 397 એકર જમીન અલગથી ફાળવવામાં આવી. 2004માં આંધ્ર સરકારે IMG એકેડેમીને જમીન ફાળવી તો ખરી, પણ તેને પાછળથી રદ્દ પણ કરવામાં આવી. એ પછી તેલંગાણા રાજ્યની રચના થતાં એ જમીન તેલંગાણા સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રા સ્ટ્રક્ચર કોર્પોરેશનને મળી. કોર્પોરેશને માર્ચમાં એરિયાના ડેવલપમેન્ટનો પ્લાન શેર કર્યો ને 30 માર્ચે બુલડોઝર વૃક્ષો કાપવાં મોકલી આપ્યાં. મોરનાં રૂદનનો એ કરુણ વીડિયો ફેલાઈ જતાં વિદ્યાર્થીઓએ કેમ્પસમાં વિરોધ શરૂ કર્યો. બીજે દિવસે પર્યાવરણવાદીઓ ને સામાન્ય લોકો પણ જોડાયા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે બાયો ડાઈવર્સિટી નહીં રહે તો ભવિષ્યમાં હૈદરાબાદમાં રહેવાનું મુશ્કેલ થઈ જશે. વિદ્યાર્થીઓનું માનવું છે કે તેલંગાણાના મુખ્ય મંત્રી રેવન્ત રેડ્ડીનો ‘જંગલ કાપ’ નિર્ણય વાહિયાત છે. સુપ્રીમ કોર્ટે હાલ તુરત તો યુનિવર્સિટી નજીક કાંચા ગાચી બોવલી જંગલોનાં વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂક્યો છે ને વૃક્ષોની સુરક્ષા તેલંગાણા સરકાર સુનિશ્ચિત કરશે તેવો આદેશ આપ્યો છે ને બીજો આદેશ થાય તે પહેલાં ત્યાં કોઈ ગતિવિધિ નહીં થાય તેવો આગ્રહ રાખ્યો છે.
સુપ્રીમે સૂઓમોટો નોંધ લેતાં ટકોર પણ કરી કે આડેધડ વૃક્ષો કાપવાની એવી તે શી ઉતાવળ હતી? રાજ્યના મુખ્ય સચિવ પાસે સુપ્રીમે આ મામલે જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે એ પણ પૂછ્યું છે કે વૃક્ષો કાપવા માટે વન વિભાગ પાસેથી મંજૂરી મેળવાઈ હતી કે કેમ? સુપ્રીમે ત્યાં સુધી કહ્યું છે કે આમાં રાજ્યની કોઈ ભૂલ હશે તો મુખ્ય સચિવ એ જ સ્થળે બનેલી કામચલાઉ જેલમાં જશે. કોર્ટનો કેન્દ્ર સરકારની સમિતિને પણ આ મામલે મુલાકાત લેવાનો ને રિપોર્ટ કરવાનો નિર્દેશ છે. 16 એપ્રિલે સુનાવણી થાય ત્યાં સુધી જંગલો કાપવાનું અટકશે એમ લાગે છે. જો કે, વાત તો એવી પણ છે કે હાઇકોર્ટે પણ વૃક્ષો ન કાપવાનો આદેશ આપ્યો હતો, પણ એ આદેશને પણ ઘોળીને પી જવાયો છે. એવી પણ ખબર છે કે વિકાસને માટે જંગલોનાં ઘણાં વૃક્ષો ઢાળી દેવાયાં છે.
કેન્દ્ર સરકારે તેલંગાણા સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્રે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની નોંધ લેતાં ઉમેર્યું છે કે રાજ્ય સરકારની વૃક્ષો સાથેની એ કેવી શત્રુતા હતી કે આ અભિયાન રાતના અંધકારમાં ચલાવાયું ને મોર જેવા વન્ય જીવોએ બેઘર થવું પડ્યું? એમાં કોઈ શંકા નથી કે રાજ્ય સરકારનું આ સંવેદનહીન, નિષ્ઠુર અને નિર્દયી અભિયાન છે. જમીન કોણે, કોને, ક્યારે આપી ને કોનો, કેટલો હક હતો એ મુદ્દો જ નથી. મુદ્દો એ છે કે જંગલો કાપવાનું આ કાવતરું છે. એ જ કારણે, દિવસે વિરોધ થશે એ ડરે બુલડોઝરો રાત્રે ચલાવાયાં. આ જંગલમાં 455 પ્રકારની વનસ્પતિઓ અને વન્ય જીવ સૃષ્ટિ વિકસી રહી હતી, તેનો સફાયો થતાં શું બચ્યું હશે તેની અટકળ જ કરવાની રહે છે.
એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે કુદરતની કે પ્રકૃતિની વિરુદ્ધ માણસ વર્તે છે ત્યારે, થોડો વખત તો પ્રકૃતિ એ ચલાવી લે છે, પણ પછી એ વિફરે છે તો સિલકમાં ગણી ન શકાય એટલાં આંસુઓ જ બચે છે. માણસજાત એનાથી બેખબર કે અજાણ નથી, પણ અંગત સ્વાર્થ અને મતલબ તેને જોખમો તરફ દુર્લક્ષ સેવવા પ્રેરે છે. એ લાંબું ટકતું નથી. પરિણામ સામે આવે છે, ત્યારે ચામડી તો ઠીક, રૂંવાડું ય બચતું નથી કે ફરકે. હવે તો કોર્ટો પણ ચર્ચામાં છે, છતાં ઈચ્છીએ કે સુપ્રીમ તેલંગાણા સરકારની ચામડી નિર્મમતાથી ને તટસ્થતાથી તપાસે ને ઘટતું કરે. કોર્ટ તો કરશે, પણ આ આખા મામલામાં રાજ્ય સરકાર આર્થિક લાભ ચાટવાના મોહમાં કેવળ અમાનુષી રીતે વર્તી છે તે અક્ષમ્ય છે. તેના ઈરાદાઓ મેલા છે, એટલે તે પાપ અંધારામાં કરે છે. આ ભૂલ નથી, રોકડું પાપ છે. આવી સરકારોને પ્રજા ચાલવા દે છે તે ઉદારતાનું નહીં, પણ કાયરતાનું પરિણામ છે. જે વનને ન સાચવે, તે જીવનને સાચવે એમ લાગે છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”,07 ઍપ્રિલ 2025