
ચંદુ મહેરિયા
ખાસ્સા વિરોધ વચ્ચે યુરોપિયન દેશ ડેન્માર્કે નોકરીની નિવૃત્તિ વય વધારીને ૭૦ વરસની કરી છે. ભારતની ૧૦ ટકા વૃદ્ધ વસ્તીમાંથી ૭૦ ટકાને જીવન ગુજારા માટે કામ કરવું પડે છે. દેશમાં સૌથી ઓછી (૭.૭ ટકા) વૃદ્ધ વસ્તી ધરાવતા રાજ્ય બિહારે યુવા આયોગની રચના કરી છે. દેશનું સૌથી સાક્ષર રાજ્ય કેરળ સૌથી વધુ વૃદ્ધ વસ્તી (૧૬.૫ટકા) ધરાવે છે. તેણે માર્ચ ૨૦૨૫માં વરિષ્ઠ નાગરિક આયોગની રચના કરી છે. જાપાનની ૧૨.૩ કરોડની કુલ વસ્તીમાં ૩.૬ કરોડ (૨૯.૩ ટકા) લોકો ૬૫ વરસ કરતાં વધુ વયના છે. જાપાનમાં પંદર વરસથી ઓછી ઉમરની વસ્તી ૧૧ ટકા જ છે. ૨૦૨૧માં ગુજરાતમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ ૧૦.૧ ટકા હતું. પરંતુ ૨૦૨૫માં ગુજરાતની અંદાજિત ૭.૩૨ કરોડની કુલ આબાદીમાં ૬૫ ટકા (૪.૭૭ કરોડ) લોકો ૩૫ વરસ કરતાં ઓછી ઉમરના છે. દેશ-વિદેશમાં વસ્તીના કેવા વિરોધાભાસો જોવા મળે છે તેના આ કેટલાક નમૂના છે.
આગામી વરસોમાં વૃદ્ધ વસ્તી બાળ વસ્તી કરતાં વધુ હશે તેના સંકેતો મળી રહ્યા છે. એટલે વૃદ્ધોની વિશેષ દરકાર સમાવેશી અને સંવેદનશીલ સમાજના નિર્માણ માટેની તાતી જરૂરિયાત છે. ૧૯૬૧માં ભારતમાં વૃદ્ધજનોની વસ્તી ૫.૧ ટકા હતી જે આજે વધીને બમણી થઈ ગઈ છે. કેરળમાં ૧૬.૫ ટકા, તમિલનાડુમાં ૧૩.૬ ટકા, હિમાચલ પ્રદેશમાં ૧૩.૧ ટકા, પંજાબમાં ૧૨.૬ ટકા વસ્તી ૬૦ વરસ કરતાં વધુ ઉમરના વરિષ્ઠ નાગરિકોની છે. ઘટતો પ્રજનન દર અને ઓછો મૃત્યુ દર, મોટી ઉંમરે લગ્ન, અવિવાહિત વસ્તીનું વધતું પ્રમાણ, બાળક ન હોવું કે ઓછા બાળકો હોવાં, રોજગાર માટે વિદેશ કે અન્ય રાજ્યોમાં વસવાટ, સરેરાશ આયુષ્યમાં વૃદ્ધિ જેવા કારણોથી વૃદ્ધ વસ્તી વધી રહી છે અને બાળ કે યુવા વસ્તી ઘટી રહી છે.
બાળ કે યુવા વસ્તી કરતાં વૃદ્ધ વસ્તી વિશેષ કાળજી માંગે છે. એજિંગ ઈન ઇન્ડિયા : ચેલેન્જિસ એન્ડ ઓપર્ચ્યુનિટી રિપોર્ટમાં વૃદ્ધ વસ્તીની બદહાલ સ્થિતિ જણાવી છે. પોણા ભાગના વૃદ્ધો આર્થિક પરાધીનતામાં જીવે છે. તેમણે મોટી ઉંમર કે ખરાબ સ્વાસ્થ્યની પરવા કર્યા વિના પેટનો ખાડો પૂરવા કામ કરવું પડે છે. કેરળ જેવા રાજ્યમાં રોજગારીની તલાશમાં યુવાનો દેશ કે રાજ્ય બહાર વસતા હોઈ વૃદ્ધોની દરકાર લેનાર કોઈ નથી. આશરે સાડા ત્રણ કરોડની કેરળની વસ્તીમાં દર પાંચે એક ઘરની ઓછામાં ઓછી એક વ્યક્તિ રાજ્ય બહાર વસે છે. એકલા રહેતા પુરુષો કરતાં એકલી રહેતી મહિલાઓ કે વિધવાઓની વસ્તી વધારે છે. પેટ પૂરતું ખાવાનું ન મળવું કે કુપોષણ તે વૃદ્ધોની મોટી સમસ્યા છે. ડાયાબિટીસ, બ્લડપ્રેસર, હ્રદય સંબંધી બીમારીઓથી તે પીડાય છે. તેમની પહોંચ મોંઘી આરોગ્ય સેવાઓ સુધી નથી અને સરકારી આરોગ્ય સેવાઓ ખસ્તાહાલ છે. તણાવ અને એકલતા જેવા માનસિક વ્યાધિથી પણ તે પીડાય છે. ઉપેક્ષા, ભેદભાવ અને દુર્વ્યવહાર સહેવો પડે છે.
વરિષ્ઠ નાગરિકોની વસ્તીમાં થઈ રહેલા વધારા અને તેમની બદતર હાલત અંગે સરકાર ચિંતિત છે. ૨૦૧૧માં ભારત સરકારે વૃદ્ધજનો માટે રાષ્ટ્રીય નીતિ ઘડી હતી. આ નીતિમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ વરિષ્ઠ નાગરિક આયોગની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે. કેરળ દેશનું પહેલું રાજ્ય છે જેણે વરિષ્ઠ નાગરિક આયોગ બનાવ્યું છે. ૨૦૦૬માં વૃદ્ધ દેખભાળ નીતિ ઘડનારું પણ કેરળ પ્રથમ રાજ્ય હતું. કેરળની હાલની ૧૬.૫ ટકા વૃદ્ધ વસ્તી આગામી પચીસેક વરસોમાં વધીને બમણી થવાની શક્યતા હોઈ તે માટેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
કેરળનું સિનિયર સિટિઝન કમિશન કેરળ વિધાનસભાએ પસાર કરેલા સર્વસંમત વિધેયક(જે હવે કાયદો બન્યું છે)થી રચાયું છે. તેમાં અધ્યક્ષ ઉપરાંત ત્રણ સભ્યો છે. તેમનો કાર્યકાળ ત્રણ વરસનો નિર્ધારિત કર્યો છે. કમિશનના તમામ સભ્યો સિનિયર સિટિઝન હોય, સભ્યોમાં એક અનુસૂચિત જાતિ, જનજાતિમાંથી અને એક મહિલા હોય તેવી જોગવાઈ કરી છે. આ કમિશન વૃદ્ધોના કલ્યાણ, સલામતી, પુનર્વાસ, જાગ્રતિ, સશક્તિકરણનું કાર્ય કરશે. કમિશન સમક્ષ આવતી ફરિયાદોની તો તે તપાસ કરશે જ કેટલીક બાબતે સુઓમોટો પણ કરશે. રાજ્યની વૃદ્ધજન નીતિના ઘડતરમાં તે સલાહકારનું કામ કરશે. વૃદ્ધાવસ્થા સંબંધી બીમારીઓમાં તે વૃદ્ધો સુધી આરોગ્ય સેવાઓ પહોંચે, તેમના આરોગ્યની નિયમિત તપાસ થાય, સ્ટ્રેસ, ડિપ્રેશન, અલ્ઝાઈમર જેવી માનસિક બીમારીઓની પણ સારવાર મળે, તેમના જમીન-મિલકત કે ભરણપોષણના ગૂંચવાયેલા પ્રશ્નોમાં કાનૂની સહાય જેવાં કાર્યો પણ આયોગ કરશે. વરિષ્ઠ નાગરિકોના કૌશલ્ય, જ્ઞાન અને અનુભવોનો લાભ સામુદાયિક વિકાસ કાર્યો અને સેવાઓને મળે તે માટે પણ તે પ્રયત્ન કરશે.
કેરળ સરકારે વરિષ્ઠ નાગરિક આયોગની રચનાના છ મહિના પછી તાજેતરમાં વૃદ્ધજનો માટેની રાજ્યનીતિનો મુસદ્દો જાહેર ચર્ચા માટે રજૂ કર્યો છે. વરિષ્ઠ નાગરિકોના સન્માન, કલ્યાણ અને સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના નિર્ધાર સાથેના આ મુસદામાં વૃદ્ધોની ઉપેક્ષા અને દુર્વ્યવહાર અંગે રાજ્યની ઝીરો ટોલરન્સની નીતિની ઘોષણા કરવામાં આવી છે. વૃદ્ધજનોના કલ્યાણ, સુરક્ષા, નાણાંકીય સલામતી, દેખભાળ અને સરવાળે જીવનની ગુણવત્તામાં સુધારો જેવી બાબતો માટે વધુ દૃઢ અને પ્રગતિશીલ કાયદો ઘડવાની નેમ વ્યક્ત કરી છે. રાજ્યનીતિમાં જણાવ્યા પ્રમાણે નવા કાયદામાં વડીલોના કલ્યાણ સંબંધી નિયમોનો ભંગ કરનારને કઠોર દંડ કરવાની જોગવાઈ થશે. વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે કાર્યો કરવાં નાણાંની જરૂર રહેવાની એટલે રાજ્યસરકાર તેના બજેટમાં પાંચ ટકા સિનિયર સિટિઝન્સ કાર્યો માટે ફાળવશે તેવી જાહેરાત કરી છે અને મહાનગરપાલિકા, નગરપાલિકા તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ બજેટના ૧૦ ટકા ફાળવે તેવી ભલામણ કરી છે. વધુ નાણાંકીય જરૂરિયાત માટે સંપત્તિ કર પર સેસ નાંખવાની પણ જોગવાઈ કરવાની સરકારની ઇચ્છા છે.
અનુભવ અને જ્ઞાનમાં સમૃદ્ધ પણ અવસ્થાએ લાચાર એવા વરિષ્ઠ નાગરિકોની સંભાળ રાખવી તે વ્યક્તિ, સમાજ અને સરકારનું કર્તવ્ય છે. વળી આર્થિક રીતે નબળા કે વંચિત વર્ગોના વૃદ્ધોને સવિશેષ સહન કરવું પડે છે. તેથી વરિષ્ઠ નાગરિકો માટેની નીતિ અને કલ્યાણ કાર્યક્રમો સમાનતાના ધોરણે વિચારવા જોઈએ. પૈસાદાર અને ગરીબ બંને આર્થિક સ્થિતિના વૃદ્ધોની એક સરખી દરકાર લેવાય તેવાં પગલાંની આવશ્યકતા છે. જો આપણે સમાનતાના ધોરણે વૃદ્ધોના કલ્યાણ કાર્યક્રમો વિચારીશું તો ભવિષ્યમાં સંવેદનશીલ અને સમાવેશી સમાજના નિર્માણમાં સહાય મળશે.
e.mail : maheriyachandu@gmail.com