“વડા પ્રધાનપદના પહેલા વર્ષ દરમિયાન, રાજીવ ગાંધી સરળતાથી પ્રેસને મળતા હતા અને છૂટથી સવાલ-જવાબ કરતા હતા. બીજા વર્ષે એ નિખાલસતા ઝાંખી પડવા લાગી હતી. અને ત્રીજા વર્ષે એમના દોસ્તો અને શાસનની આસપાસ કૌભાંડો ચોંટવા લાગ્યાં, ત્યારે તો એ સાવ જ અદ્રશ્ય થઇ ગયા."
૧૩-૧૮ નવેમ્બર, ૧૯૮૮ના 'સંડે' મેગેઝીનમાં રાજીવ ગાંધીના ૧૯ પાનાંના ઈન્ટરવ્યુની શરૂઆત આ રીતે થાય છે. પૂરી દુનિયામાં વડાપ્રધાનો અને પ્રેસિડેન્ટ એમના ગમતા પત્રકારો સાથે એમને ગમતા સવાલોના જવાબો આપવા કુખ્યાત છે, ત્યારે टઆનંદ બાઝાર પત્રિકાटવાળા અવીક સરકાર અને વીર સંઘવીના (અત્યારે બંધ થઇ ગયેલા) 'સન્ડે' સાપ્તાહિકનો આ ઇન્ટરવ્યુ એક લેશન છે કે પોલિટિકલ ઇન્ટરવ્યુ કેવા હોવા જોઈએ.
એની પ્રસ્તાવનામાં 'સન્ડે' લખે છે, " એમની મિ. ક્લીનની ઈમેજ ઝાંખી પડવા લાગી એટલે રાજીવ ગાંધી મીડિયાથી આઘા થઇ ગયા. અંગ્રેજી પબ્લિકેશન માટે એક માત્ર ઇન્ટરવ્યુ તેમણે કર્યો હતો, તે પણ સંબંધિત મંત્રીઓએ આપેલા લેખિત જવાબોવાળો હતો."
'સન્ડે'નો ઈન્ટરવ્યુ એ માટે નોધપાત્ર છે કે, એક તો એમાં વડા પ્રધાનને અઘરા સવાલો પૂછવામાં આવ્યા હતા અને અમુક સવાલોના જવાબમાં તો ઊલટતપાસ જ થઇ હતી. બીજું એ કે, બંને પત્રકારો ગાંધી પરિવાર સાથે મિત્રાચારીવાળા હતા, છતાં એ સવાલો પૂછી શક્યા હતા.
૧૯ પાનાંઓમાં સરકાર અને સંઘવીએ ગાંધીને સલમાન રશદી, PMO, અરુણ નહેરુ, ગાંધી પરિવાર, મુખ્યમંત્રીઓ, બોફોર્સ, હિન્દુજા બંધુઓ, ભ્રષ્ટાચાર, સતીશ શર્મા, અમિતાભ બચ્ચન, નાણા મંત્રાલય, આર્થિક નીતિ અને દૂરદર્શન જેવા, તે વખતના ગરમાગરમ મુદ્દાઓ ઉપર, ઘેર્યા હતા.
૧૯ પાનાંઓના આ સંવાદમાં બંને પત્રકારોએ કુલ ૨૦૮ વખત દરમિયાનગીરી કરી હતી (ચાલુ વાતે સવાલો પૂછ્યા હતા).
સેમ્પલ:
૧. પ્રાઈમ મિનિસ્ટર, તમે પરિવર્તનના અને પારદર્શક સરકારના વાયદા પર ચુંટાઈને આવ્યા હતા, જેમાં દરેક પ્રકારના આઇડિયાનું સિંચન થાય. પણ થોડા જ દિવસો પહેલાં તમારી સરકારે એક મહત્ત્વના લેખકની મહત્ત્વની નવલકથા(સલમાન રશદીની સેતાનિક વર્સીસ)ને પ્રતિબંધિત કરી દીધી. આ બરાબર છે? ( આ સવાલની સાથે બીજા સાત પૂરક સવાલો થયા હતા.)
૨. તમારી સામે જે સતત આક્ષેપ થાય છે, તેમાં એક એ છે કે બહુ બધો પાવર PMOના હાથમાં છે. PMOએ સિસ્ટમમાં આટલા બધા ઊંડા ઊતરવું જોઈએ? (આની સાથે બીજા પાંચ પૂરક સવાલો પૂછવામાં આવ્યા હતા.)
૩. તમે પરિવર્તનના વાયદા સાથે આવ્યા તેનો સંદર્ભ એ આશા સાથે છે કે તમે ભારતને નવી સદીમાં જવા માટે માટે તૈયાર કરશો. તમે ૨૧મી સદીની વાત કરી હોય એને ય વહાણાં વાઈ ગયાં.
૪. અરુણ નહેરુ હવે તમારા વિરોધી નેતા છે. એમને કેમ પડતા મુકવામાં આવ્યા હતા, એ કહી શકશો? (૨૪ પૂરક સવાલો.)
૫. એવું કહેવાય છે કે પી. શિવ શંકર (જે બિનલોકતાંત્રિક કાયદાઓ ઘડવા માહેર છે) તમારી સરકારમાં 'ચંડાળ ચોકડી'ના નામથી એક ગ્રુપની નેતાગીરી કરે છે. શિવ શંકર જેવા માણસની મદદથી તમે ભારતનું નિર્માણ કરશો? (૧૦ પૂરક સવાલો.)
૬. તમે મેનકા ગાંધી કે ભત્રીજા વરુણ ગાંધી સાથે ક્યારે ય વાત કરો છો? (૮ પૂરક સવાલો.)
૭. ભ્રષ્ટાચારની વાતમાં, તમે કૉન્ગ્રેસના મુખ્ય પ્રધાનોને બિન-કૉન્ગ્રેસી CM સાથે કેવી રીતે સરખાવો છો? તમને લાગે છે જ્યોતિ બસુ પક્ષ માટે પૈસા લે છે?
૮. તમે સિસ્ટમને સાફ કરવાના વાયદા સાથે આવ્યા હતા. તમને મિ. ક્લીન પણ કહેવામાં આવ્યા હતા. હવે તમારી સામે ભ્રષ્ટાચારના આરોપ થયા છે. શું કહેશો?
૯. બોફોર્સની વાત કરીશું? કોઈક તો રૂપિયા ૬૪ કરોડ લઇ ગયું છે. સ્વિત્ઝરલેન્ડના ગોપનીયતાના કાનૂનના બહાના બતાવવા સિવાય અને ઇન્કાર કર્યા સિવાય સરકારે બીજું શું કર્યું છે? (૨૪ પૂરક સવાલો.)
૧૦. અમિતાભ બચ્ચનને રાજકારણમાં લાવવાનો તમને પસ્તાવો થાય છે? (છ પૂરક સવાલો.)
૧૧. તમે PM બન્યા, ત્યારે રૂપિયો ૧૪.૪૦ હતો. આજે ૨૬.૧૦ છે.
૧૨. તમે હમણાં દૂરદર્શનને જોયું છે? (૧૦ પૂરક સવાલો.)
(“ઇન્ડિયન જર્નાલિઝમ રિવ્યુ”માંથી)
https://www.facebook.com/raj.goswami.31/posts/2389730631077266