
માઇસોર નરસિંહાચાર શ્રીનિવાસ
એમ.એન. શ્રીનિવાસ ભારતનાં પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી હતા. તેમણે ૧૯૫૨માં સાંસ્કૃતિકરણની થિયરી આગળ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં પછાત જાતિઓ (વચલી જાતિઓ અને હિન્દીમાં પ્રચલિત શબ્દ મજલી જાતિઓ) હિંદુ નિસરણી ઉપર પોતાને બે-પાંચ પગથિયાં ઉપર ચડાવવા માટે પોતાનું સાંસ્કૃતિકરણ કરે છે અર્થાત તેમને પછાત ગણાવતા રીતિરિવાજોને છોડીને ઉપરને પગથિયે ઉજળિયાતોનાં રીતિરિવાજ અપનાવે છે. (સલામતી ખાતર જ્યાં પણ મન પ્રશ્ન કરે ત્યાં ‘કહેવાતા’ એવો એક શબ્દ ઉમેરી દેવો. મને પણ અનેક જગ્યાએ કહેવાતા શબ્દ અભિપ્રેત છે.) તેમનાં બાપદાદાનું નામ કરસન હતું, પણ હવે તેઓ પોતાનાં સંતાનનું નામ કરસનની જગ્યાએ કૃષ્ણ રાખે છે.
બીજી બાજુ ૧૯મી સદીમાં સાંસ્કૃતિકરણની જગ્યાએ વિકૃતિકરણની ઘટનાઓ પણ બની છે. ત્યારે બ્રાહ્મણોમાં વિધવાવિવાહ પ્રતિબંધિત હતો અને પછાત જાતિઓમાં વિધવા સ્ત્રીનાં પુનર્લગ્ન કરવામાં આવતાં હતાં. કેટલીક વચલી જ્ઞાતિઓ (સાવ પછાત નહીં એવી, પણ સવર્ણ પણ નહીં.) એ પોતાને ઉપર ઊઠાવવા વિધવા સ્ત્રીઓનાં પુનર્લગ્ન ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તેઓ બે પાટલીની ધોતી પહેરવા લાગ્યા હતા, વગેરે.
ત્રીજી વાત, ભારતમાં બ્રાહ્મણોની સ્થિતિ એવી છે કે તેઓ ઈચ્છે તો પણ નીચે ઊતરી શકતા નથી અને દલિતો ઈચ્છે તો પણ ઉપર ચડી શકતા નથી. માટે બાકીની જ્ઞાતિઓને વચલી જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે. માત્ર બ્રાહ્મણ અને દલિતોનું જ સ્થાન નિશ્ચિત અને અપરિવર્તીય છે. તેઓ પોતાનાં સ્થાનનું ઉપર કે નીચે અનુલોમ-વિલોમ કરી શકતા નથી, બાકીની જ્ઞાતિઓ કરી શકે છે.
આ વચલી જ્ઞાતિઓનાં અનુલોમ-વિલોમની વાસ્તવિકતાને નજર સામે રાખશો તો ધ્યાનમાં આવશે કે સાંસ્કૃતિકરણને અને વિકૃતિકરણને વિચાર, સભ્યતા, આધુનિકતા સાથે કોઈ સંબંધ નથી; માત્ર અને માત્ર લાભ સાથે સંબંધ છે. જેના જેવા બનવાથી લાભ મળતો હોય તો તેમના જેવું બનવાનું. ૧૯મી સદીમાં બ્રાહ્મણ જેવા બનવાથી સમાજમાં પ્રતિષ્ઠા વધવાનો લાભ મળતો હતો અને અત્યારે બે પગથિયાં નીચે ઊતરવાથી અનામતનો લાભ મળે છે. બધા પોતાને પછાત કહેવડાવવા લાગ્યા છે. હમ ભી ડીચની માફક હમ ભી પછાત. પાટીદારો કહે છે અમે પછાત, મરાઠાઓ કહે છે અમે પછાત, રાજસ્થાનમાં મિણાઓ કહે છે અમે પછાત, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં જાટો કહે છે અમે પછાત. લગભગ સંપૂર્ણ આર્થિક અને રાજકીય વર્ચસ ધરાવનારાઓ કહે છે અમે પછાત. બ્રાહ્મણો પોતાને પછાત જાહેર કરી શકતા એ વાતની તેઓ પીડા અને અસૂયા અનુભવે છે. માટે તેઓ અનામતની જોગવાઈનો જ વિરોધ કરે છે અને કહે છે કે અનામતનો આધાર આર્થિક પછાતપણાનો હોવો જોઈએ.
હવે મણિપુર જઈએ જ્યાં મણિપુરની મૈતી કોમ ઈચ્છે છે કે તેમને અનુસૂચિત આદિવાસી કોમ તરીકેની માન્યતા આપવામાં આવે. આવું તેઓ શા માટે ઈચ્છે છે? શિક્ષણ અને નોકરી માટે નહીં, એની તો તેમને ચિંતા જ નથી કારણ કે તેમાં તો તેઓ અગ્રેસર છે, પણ જંગલમાં જમીન ખરીદવા માટે. મણિપુરમાં આર્ટીકલ ૩૭૧ હેઠળ જંગલમાં જમીન જંગલમાં રહેતા આદિવાસીઓ સિવાય કોઈ માલિકીહક ધરાવી શકે નહીં. કાશ્મીરનો આર્ટીકલ ૩૭૦ અને આ ૩૭૧. વિશેષ જોગવાઈ માત્ર કાશ્મીરને જ આપવામાં આવી છે એવું નથી.
મણિપુરમાં મૈતીઓની વસ્તી ૫૩ ટકા છે, પણ તેઓ મેદાનમાં રહે છે એટલે તેઓ મણિપુરની કુલ જમીનમાં માત્ર દસ ટકાનો જ હિસ્સો ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો મણિપુરની દસ ટકા ભૂમિમાં મણિપુરની વસ્તીના અડધા કરતાં વધુ સંખ્યામાં મૈતીઓ વસે છે અને ૯૦ ટકા ભૂમિમાં અડધા કરતાં પણ ઓછી અન્ય આદિવાસી કોમ વસે છે. આ વાત મૈતીઓને ખટકે છે. તેમની નજર જંગલજમીન ઉપર છે. જો આદિવાસી હોવાનો દરજ્જો મળે તો જંગલમાં જમીન ખરીદી શકાય.
મણિપુરના બહુમતી મૈતીઓ વૈષ્ણવ હિંદુ છે. ચૈતન્ય મહાપ્રભુના ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયનાં સંપર્કમાં મૈતીઓ ચાર સદી પહેલાં આવ્યા હતા. આને કારણે તેમનું પ્રચલિત અર્થમાં સાંસ્કૃતિકરણ થયું છે. મણિપુરની ભાષા મૈતી છે જેને આજકાલ મણિપુરી તરીકે ઓળખાવવામાં આવે છે. મૈતી ભાષાની લિપિ છે. મૈતી ભાષાસુધાર આંદોલન ચાલી રહ્યું છે. મણિપુરી નૃત્ય વિષે તો તમે જાણતા જ હશો. આઝાદી પહેલાં મૈતીઓએ અન્ય ભારતની રિયાસતોની માફક પ્રજાપરિષદની સ્થાપના કરી હતી અને મૈતી રાજા સામે આંદોલન કરીને માગણી કરવામાં આવી હતી કે રિયાસતમાં લોકતંત્ર દાખલ કરવામાં આવે. શાળા, શિક્ષણ, રાજકારણ, અર્થકારણ એમ દરેક મોરચે મૈતી અગ્રેસર છે. જો કોઈ દરેક બાબતે હાંસિયામાં છે તો એ પહાડોમાં વસતા આદિવાસીઓ છે. મૈતીઓને જંગલમાં ઘૂસવું છે અને જંગલજમીન ઉપર કબજો કરવો છે. ભારતનાં બીજા કોઈ પણ વૈષ્ણવ સાથે એક પંક્તિએ બેસી શકે એવા કહેવાતા સુસંસ્કૃત મૈતી વૈષ્ણવોને આદિવાસી બનવું છે. કારણ કે મેદાની મણિપુરમાં ગોકુળ નાનું પડે છે અને સમૃદ્ધિ, વર્ચસ તેમ જ ચાલાકી ધરાવનારા વૈષ્ણવો ભરપૂર છે.
એ વાત સાચી છે કે ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના સંપર્કમાં આવ્યા પહેલાં મૈતીઓ પણ એક આદિવાસી અથવા વાંશિક કબીલાઈ કોમ જ હતી. પણ છેલ્લાં ત્રણસો ચારસો વરસ દરમ્યાન ચૈતન્યપ્રણિત વૈષ્ણવ ભક્તિ આંદોલનનાં સંપર્કમાં આવ્યા પછી તેમને આદિવાસી કહેવા મુશ્કેલ છે. અને વળી આદિવાસીઓને આખરે “આપણાં જેવાં” બનાવવાનો તો અનામત અને બીજી વિશેષ જોગવાઈ આપવા પાછલનો હેતુ છે. હવે મૈતીઓ કહે છે કે અમારે પાછા આદિવાસી બનવું છે જે આમ તો અમે હતા જ.
ભારતમાં આવો લાભલક્ષી અનુલોમ વિલોમનો ખેલ અનેક દાયકાઓથી ચાલી રહ્યો છે. ભારતનાં શાસકો આ જાણે છે એટલે અત્યાર સુધી હળવે હલેસે કામ લેતા હતા. ખાસ કરીને ઇશાન ભારતનાં સરહદી રાજ્યોમાં તો વિશેષ સાવધાની રાખતા હતા. પણ વર્તમાન હિન્દુત્વવાદી સરકાર ઇચ્છે છે કે પ્રશિષ્ટ હિન્દુઓ ખ્રિસ્તીબહુલ આદિવાસીઓનાં જંગલમાં પ્રવેશે અને જમીન ઉપર કબજો કરે. એટલે તો મણિપુરનાં તોફાનોમાં ૬૫ જણનાં મૃત્યુ થયાં હોવા છતાં પણ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરવામાં મશગૂલ છે. આ ખતરનાક ખેલ છે અને અનુલોમ વિલોમનું રાજકારણ તો આગ સાથે રમત રમવા જેવું છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 14 મે 2023