ટ્વીટર પર એક ઉડતી ટિપ્પણી વાંચીઃ ‘નિષ્ફળતાને સફળતા તરીકે રજૂ કરવામાં વડાપ્રધાન મોદીનો જવાબ નથી.’ તેનો સંદર્ભ વડાપ્રધાનનું સ્વાતંત્ર્ય દિનનું ભાષણ હતું. આશરે દોઢ કલાકનું તેમનું રાષ્ટ્રજોગ ભાષણ સાંભળ્યા કે વાંચ્યા પછી થાય કે કાં આપણે પરગ્રહથી આવીએ છીએ કે પછી આ ભાઈ પરગ્રહથી આવતા લાગે છે. કોઈ પણ માણસ વાસ્તવિકતાથી આટલા સુખપૂર્વક વિમુખ રહીને શી રીતે વાત કરી શકે? વિશેષ પ્રતિભા જોઈએ તેના માટે. જૂઠાણાં અને આત્મમુગ્ધતાના આસવનું સંયોજન થાય, તો જ આ સિદ્ધ અવસ્થા શક્ય બને.
કોવિડથી કોમી હિંસા અને કાશ્મીરની બદતર સ્થિતિથી માંડીને લદ્દાખ સરહદે જે કંઈ બન્યું, તેના વિશે વડાપ્રધાને ફરી એક વાર દેશવાસીઓ સમક્ષ ખોટું ચિત્ર રજૂ કર્યું. તેમાં સૌથી ઉઘાડું જૂઠાણું સરહદ વિશેનું હતું. તેમણે કહ્યું, ’એલ.ઓ.સી.થી એલ.એ.સી. સુધી ક્યાં ય કોઈ ભારતની અખંડિતતાને પડકારી શકે એમ નથી … લદ્દાખમાં જે થયું તે આખી દુનિયાએ જોયું છે.’ આને કહેવાય આત્મવિશ્વાસ. કેમ કે, એ જ મુદ્દો છેઃ લદ્દાખમાં જે થયું તે આખી દુનિયાએ જોયું છે. ચીન ભારતની હદમાં ગણાતા અથવા જ્યાં ભારતીય સૈન્ય પેટ્રોલિંગ કરતું હતું એવા વિસ્તારોમાં ઘૂસી આવ્યું, ડેરાતંબુ નાખ્યા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દોભાલથી માંડીને અનેક સ્તરે વાતચીત-મંત્રણાઓ પછી હજુ ચીન પાછું હઠવાનું નામ લેતું નથી. તેના અનેક પુરાવા છે, જેમાંનો છેલ્લો પુરાવો તો ખુદ સરકારી વેબસાઇટ પર ચડ્યો હતો, પણ પછી તરતોતરત ઉતારી લેવાયો. તેનાથી વધુ એક વાર જણાતું હતું કે ચીને ભારતીય હદનું ટ્રાન્સગ્રેશન (ઉલ્લંઘન) કર્યું છે અને વડાપ્રધાન આ મુદ્દે જૂઠું બોલ્યા છે.
પરંતુ વડાપ્રધાન જૂઠાણાંને જ વળગી રહેવાનું નક્કી કરે અને તે જૂઠાણું છે તે સ્પષ્ટ થઈ ગયા પછી પણ ઘણા લોકોને તેનાથી ફરક ન પડે, એ છે પોસ્ટ-ટ્રુથ સોસાયટીની તાસીર. તેમાં તથ્યો શોધી લાવતી ખોજી પત્રકારિતાનું કશું મહત્ત્વ નથી. કેમ કે, અણગમતાં તથ્યોને માટે જાહેર વિમર્શમાં કોઈ સ્થાન જ નથી. એવાં તથ્યો લાવનાર કે પ્રગટ કરતા રહેનાર કે યાદ કરાવતા રહેનારને માથે લિબરલ-સેક્યુલર-અર્બન નક્સલથી માંડીને અનેક લેબલો લાગી જાય છે. સામે પક્ષે રાક્ષસી તાકાત ધરાવતા સત્તાવાર અને બિનસત્તાવાર સરકારી તંત્રનું પ્રચારયંત્ર પૂરજોશમાં ફરતું રહે છે. પછી વડાપ્રધાન જૂઠું બોલે છે કે સચ્ચાઈ પર ઢાંકપિછોડો કરે છે, એ જાણે સમાચાર રહેતા નથી. ‘એ તો ઠીક, બીજું કંઈ ખાસ હોય તો કહો’—એવું વલણ ઘણા લોકોનું ઘડાવા લાગે છે. આ સ્થિતિમાં નક્કી આપણે કરવાનું છે કે ઉચ્ચ સ્તરેથી બોલાતાં જૂઠાણાંને સામાન્ય ગણીને તેની સાથે જીવતાં શીખી જવું છે? કે જાગ્રત નાગરિક તરીકે તેની સાથે અસહકારના વિકલ્પો વિશે વિચારવું છે?
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 17 ઑગસ્ટ 2020; પૃ. 01