‘ગા મેરે મન ગા’ : લેખક – પ્રફુલ્લ દેસાઈ : પ્રકાશક – સાહિત્યસંકુલ, ચૌટાબજાર, સુરત : પૃષ્ટ 200 : કિંમત રૂ. 190
છેલ્લાં કેટલાંક વર્ષોમાં સિનેમા વિશે, ખાસ કરીને ફિલ્મ ગીતસંગીત વિશે અત્યંત અભ્યાસપૂર્ણ અને ગંભીરતાથી લખાઈ રહ્યું છે. આ અંગેનાં અનેક પુસ્તકો પ્રગટ પણ થઈ રહ્યાં છે. સુરત જેવું શહેર તો ખાસ હરીશ રઘુવંશીના નામથી જ ઓળખાય છે. આ જ સુરત શહેરમાંથી ફિલ્મ ગીત સંગીતના અન્ય એક અભ્યાસી પણ સુરતને એક નવી ઓળખ આપી રહ્યા છે, તે છે ડૉ. પ્રફુલ્લ દેસાઈ. અહીં ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે વ્યવસાયે ડૉક્ટર એવા પ્રફુલ્લભાઈએ બહુ અભ્યાસપૂર્ણ રીતે ગીતસંગીતનો અભ્યાસ કરીને આ વિષયની છણાવટ કરી છે. આમ તો વિજ્ઞાન અને સંગીતને બહુ ઘનિષ્ટ સંબંધ છે, પણ અહીં ત્રિવેણીસંગમ જેવી રજૂઆત વાંચવા મળે છે. તેઓ સારા સાહિત્યકાર પણ છે, એટલે ગીતનાં સંગીતની સાથે-સાથે એમણે ગીતનો પણ આસ્વાદ કરાવ્યો છે. એમની પાસેથી જે સંચય મળે છે, તેમાં એમના સમગ્ર અભ્યાસનો લાભ વાચકોને મળે છે.
‘ગા મેરે મન ગા’ નામે લેખ સંગ્રહમાં તેમણે આપણી હિન્દી ફિલ્મનાં અવિભાજ્ય અંગ ગણાતાં ગીતોનો અને તેમની બંદિશોની વાત પ્રસ્તુત કરી છે. આ સંચય ‘ગુજરાતમિત્ર’માં આવતી એમની કૉલમના લેખોનો સંચય છે. આ કૉલમના લગભગ બસોથી વધારે લેખોમાંથી ૭૦-૭૫ લેખોને સંકલિત કરીને ભૈરવીથી મારવા સુધીના ચાલીસ જેટલા (પ્રસ્તાવનામાં એમણે ઉલ્લેખ કર્યા મુજબ પણ અનુક્રમણિકા મુજબ ૩૩) રાગોના લેખો આ સંચયમાં વાંચવા મળે છે. પ્રસ્તુત સંચયને આવકારતાં હસુ યાજ્ઞિક પ્રસ્તાવનામાં લખે છે, ‘અહીં મુખ્ય કેન્દ્રમાં સંગીત છે, એના ઉપાદાનમાં ફિલ્મી તરજ છે અને એનો અનુબંધ જે રાગસંગીતમાં વિસ્તરે છે તે અનેક સંદર્ભોમાં હસ્તામલકવત્ કરવામાં આવ્યો છે. આથી જ અહીં સંગ્રહસ્થ બધા જ લેખો બહુપાર્શ્વી આસ્વાદ્ય જ્ઞાનાશ્રયી એવા નિબંધનું સ્વરૂપ ધારણ કરે છે.’
‘ગા મેરે મન ગા’માં રાગનું સ્વરૂપ, તેમાં તૈયાર થયેલી ગીતની તરજ અને ગીતનો આસ્વાદ, એમ ત્રણેય અંગે વાંચવા મળે છે. લેખકે ફક્ત ગીતોનો ઉલ્લેખ જ નથી કર્યો પણ અહીં તો સમગ્ર ગીતકૃતિ તેની જે રીતે રજૂઆત થઈ છે, તેમ વાંચવા મળે છે. ગાયક- ગાયિકા અને કોરસના ઉલ્લેખ સાથે વાત થઈ છે. જ્યારે તે ગીત અંગે વાંચીએ છીએ, ત્યારે ગીતને વાચક ગણગણવા લાગે છે અને તે ગીત મનમાં સંભળાવા લાગે છે, જે રાગને અને તેના સ્વરૂપને સ્પષ્ટ કરી આપે છે. અહીં શરૂઆત ભૈરવથી થઈ છે. અને પછી કેટલાક પ્રચલિત રાગ જેવા કે જોગિયા, આહિર ભૈરવ, લલિત, ભટિયાર, હિંડોલ, બિલાવલ, આસાવરી, સિંધુભૈરવી, ભીમપલાસી, પટદીપ, કિરવાણી, પૂરિયા ધનાશ્રી અને મારવા જેવા રાગની સાથે-સાથે બહુ પ્રચલિત નહીં તેવા ભંખાર, બરવા, દેવગંધાર, સિંદૂરા, ધાની જેવા રાગો અંગે પણ વાંચવા મળે છે. ક્યારેક વાંચતાં-વાંચતાં એવું પણ થાય છે કે એ ગીત તો અનેક વખત સાંભળ્યું હોવા છતાં તેના રાગ અંગે સભાનપણે ધ્યાન ન દીધું હોય તેવું લાગે. અને પછી અચાનક ‘અરે આ તો આ રાગનું ગીત છે’ એમ સહસા આનંદ થઈ આવે એવી અનેક વિગતો વાંચવા મળે છે. આ રાગોમાં, તેમાં પ્રયોજાતા સ્વરો-વાદી, સંવાદી અને વર્જિતના ઉલ્લેખો પણ એમણે કર્યા છે. ખાસ સ્વરો અંગે એમણે વાચકો માટે નોંધ (પૃ.૩૧) મૂકી છે. અલબત્ત, આ નોંધ એમણે પુસ્તકનાં પ્રકરણોના આરંભ પહેલાં મૂકવી જોઈતી હતી.
સંગીતના રાગોમાં અનેક પ્રસંગોની જુદી-જુદી કથાઓ સાંભળવા મળે છે. એટલે એવું બને છે કે જુદા-જુદા લેખકોની પાસેથી એક જ પ્રસંગની અલગ-અલગ વાત વાંચવા મળે છે. અહીં આ સંચયમાં પણ એવું બને જ છે. જેમ કે તાનસેનના મૃત્યુ પછી રજૂ થયેલા રાગ તોડીની વાત વાંચવા મળે છે. આ વાતની રજૂઆતમાં સંગીતજ્ઞાતા પ્રફુલ્લભાઈની સાથે ચિકિત્સક પ્રફુલ્લભાઈનો પ્રવેશ પણ વાંચવા મળે છે. જેમ કે, “બિલાસખાને તોડીમાં સહેજ ફેરફાર કરી શુદ્ધ નિષાદને બદલે કોમલ નિષાદ લઈને એટલે કે તોડી સાથે આસાવરી મિશ્ર કરી ગાયો, ત્યારે અચાનક મૃત તાનસેનનો હાથ ઊંચકાયો. આધુનિક વિજ્ઞાનયુગમાં એને ‘રાઇગર મોર્ટિસ’ કહી શકીએ, જેમાં મૃત્યુ બાદ લાશનાં જકડાયેલાં અંગો છૂટાં થતાં હોય છે.” (પૃ. ૬૧) આમ, આવી રીતે એક રાગની વાત કરતાં-કરતાં એને સંલગ્ન રાગોની વાત પણ સાથે-સાથે વણી લે છે. જેમ કે, રાગ તોડીની વાત કરતાં તોડીના પ્રકારો વિશે અને રાગ બિલાવલની વાત કરતા અલ્હૈયા બિલાવલની વાતને પણ એ જ લેખમાં સમાવી લે છે. તેમ અત્યંત અપ્રચલિત એવા શુક્લ બિલાવલની વાત પણ લખે છે.
અહીં રાગ શુક્લ બિલાવલમાં સ્વરબદ્ધ થયેલી એક બંદિશની ચર્ચા એમણે બહુ સંયમિત રીતે કરી છે. સાયગલે ગાયેલું ‘તાનસેન’ ફિલ્મનું ગીત ‘સપ્ત સુરન તીન ગ્રામ’, જે પછીથી લતા મંગેશકરે પણ ગાયેલું તેની ચર્ચા કરતાં લેખકે આ ગીતને રાગ હેમંતનું લક્ષણગીત કેટલાકે ગણાવેલું છે તે વાતનો ઉલ્લેખ કર્યો છે. (પૃ. ૭૫) અને લતા મંગેશકરનું (મેં આ ગીત વિશે મારા પુસ્તક ‘રાગરંગ’માં ચર્ચા કરી છે) નામ લખવાનું ટાળ્યું છે. આમ એક મહાન ગાયિકાની ભૂલને લેખકે એના ઉલ્લેખ વગર બહુ સરસ રીતે ચર્ચી છે. એવી જ રીતે લતાનું ગાયેલું ફિલ્મ ‘ભાભી કી ચુડિયા’નું ગીત ‘જ્યોતિકલશ છલકે’નો મોટાભાગના શ્રોતાઓ રાગ ભૂપાલીનું માને છે પણ તે રાગ દેશકારનું છે, તેની યોગ્ય રજૂઆત કરી સમાન એવા આ બે રાગો – રાગ ભૂપાલી અને રાગ દેશકાર બે કેવી રીતે ભિન્ન છે તે સમજાવ્યું છે. (પૃ. ૮૬)
અલબત્ત, પુસ્તકમાં જે ગીતોને સમાવાયાં છે, તે બધાં જૂનાં છે અને નવા વાચકોને એમાંનાં કેટલાં ય ન પણ સાંભળ્યાં હોય તેવું બને. તેમ બધા વાચકોને બધાં જ ગીતો ગમતાં હોય તેવું ન પણ બને. તેમ છતાં એ બધાથી વાચકોને એ ગીતોના આસ્વાદને કારણે પસંદગીમાં બદલાવ પણ લાવી શકે એવું પણ બને. તેમ કેટલાક રાગો વિશે ખૂબ વિસ્તૃત તો કેટલાક વિશે ટૂંકમાં વાત થઈ છે. જેમ કે, રાગ બિલાવલ વિશે ૧૨ જેટલાં પૃષ્ઠોમાં અને રાગ સારંગ વિશે અગિયાર પૃષ્ઠોમાં તો રાગ ભંખાર વિશે ફક્ત બે પૃષ્ઠોમાં તો રાગ દેશકાર વિશે, પૃષ્ઠોમાં અને રાગ સિંદુરા વિશે પણ ફક્ત બે જ પાનાંમાં વાંચવા મળે છે.
‘ગા મેરે મન ગા …’ એક એવો સંચય છે તે સંગીતરસિકોની સાથે – સાથે ફિલ્મ ગીતરસિકોને અને અન્યોને પણ વાંચવો જ નહીં, મમળાવવો પણ ગમે એવો છે અને વાચક વાંચતાં-વાંચતાં ગાઈ ઊઠે એવું પણ બને જ. ગમતા ગીત માટે તો એવું ખાસ બની શકે. આવા સુંદર સંચય બદલ પ્રફુલ્લ દેસાઈ આપણા સૌના અભિનંદનના અધિકારી છે અને આ વાંચતા એમના હવે પછી પ્રગટ થતા સંગીતચિકિત્સાવિષયક પુસ્તક ‘સંગીતોપચાર’ વાંચવાની ઉત્કંઠા પણ જગાવે છે.
e.mail : abhijitsvyas@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2016; પૃ 11-12.