હાસ્યલેખ
મમ્મી તો મારે જ – એ ઉક્તિને સાર્થક ઠેરવવા મારી એકની એક પત્નીએ તેનાં એકના એક દીકરાને ધીબેડતાં જે વાણીપ્રવાહ ચલાવ્યો તેનું રેકોર્ડિંગ કૈંક આવું હતું, ’તને કેટલી વાર કહ્યું કે ભણવામાં ધ્યાન આપ, પણ મોબાઈલ છૂટતો જ નથીને ! બાપ ને દીકરો બંને સવારથી મોબાઇલમાં એવા ઘૂસેલા હોય છે કે ઘરમાં બીજું કોઈ માણસ છે તેની યાદ જ નથી આવતી. બાપ વીડિયોમાંથી ઊંચો નથી આવતો ને દીકરો કાર્ટૂનમાંથી ! જાતે વાંદરા જેવો ને ઉપરથી વાંદરાના કાર્ટૂન જુએ. વડના વાંદરા ઉતારે એવી જાત છે. આવા ઘડચાઓ વચ્ચે મરી જવાની હું તો !’
એ પછી પણ એ ઘણું બોલી, પણ હું વાંદરા આગળ અટકી ગયો હતો, ’તું એને વાંદરો કહે છે તે તું કોણ થઈ?’
એનો જવાબ આપવાને બદલે એ સામે ચોંટી, ’તે તમે કોણ થયા તે પણ તો જુઓ !’
– ને હું ચૂપ થઈ ગયો.
આમ તો હું નર હતો, પણ, મને વાનર ચિંતન તરફ ધકેલી દીધો એણે –
એવું કહેવાય છે કે આપણા પૂર્વજો વાનર હતા, પણ મારા ભેજામાં એ વાત ઘૂસતી નથી ને હું ગંભીર રીતે માનું છું કે જે મારા ભેજામાં ઘૂસતું નથી તે કોઈનાં ભેજામાં ઘૂસે એ શક્ય જ નથી. એક જમાનામાં ચાર્લ્સ ડાર્વિન કરીને એક વિદેશી વૈજ્ઞાનિક થઈ ગયો. તેણે એમ કહ્યું કે માણસના અને વાંદરાના પૂર્વજો એક હતા. માણસ અને વાંદરા વચ્ચે સામ્ય જણાતું હોય તો પણ, બંનેના ફાધર એક જ હોય એમ માનવાનું મુશ્કેલ છે. આપણા બાપે આપણને ઘણી વાર ગધેડા કહ્યા હોય છતાં, જો આપણો બાપ, એના બાપે પણ ગધેડો કહ્યા છતાં ગધેડો ન હોય કે ઘોડાનો બાપ માણસ ન હોય તો માણસનો બાપ વાનર કેવી રીતે હોય? વારુ, કહેવાય છે તો એવું પણ કે માણસ વાંદરામાંથી ઊતરી આવ્યો છે. એ ખરું કે માણસ વાનર જેવું વર્તન કરતો હોય તો પણ, તે વાનરમાંથી ઊતરી આવ્યો છે એમ કહીને વાનરનું અપમાન કરવાનો આપણને કોઈ અધિકાર નથી. આજ સુધી કોઈ વાનરે એમ કહ્યું નથી કે અમે માણસમાંથી ઊતરી આવ્યા છીએ તો માણસને કોઈ અધિકાર ખરો, એમ કહેવાનો કે તે વાનરમાંથી ઊતરી આવ્યો છે? એ તો સારું છે કે વાંદરાઓ બિચારા ભલા છે તે બોલતાં નથી, બાકી, હાલત એવી થાય કે આખી માણસ જાત એમની કોર્ટમાં બચાવ કરવામાંથી જ ઊંચી ન આવે !
આ બધાંના મૂળમાં ડાર્વિન છે. કોઈ વાનરે તેનું કૈં બગાડયું નથી, તો પણ તેણે નકામો વાનરને માણસ સાથે ભટકાડી દીધો. આજ સુધી કોઈએ પોતાનો બાપ બદલ્યો નથી. કૂતરાનો બાપ કૂતરો રહ્યો હોય, ઇવન કૂતરીનો બાપ કૂતરો હોય, કીડીનો બાપ, કોડી ન રહેતાં કીડી જ હોય, તો માણસનો બાપ વાનર કેવી રીતે હોય? ગમે એટલા વાનરવેડા કરતો હોય તો પણ કે વડના વાંદરા ઉતારે તેવા તેના છોકરાં હોય તો પણ, માણસનો દીકરો વાનર ગણાતો નથી તો વાનરનો દીકરો નર કેવી રીતે હોય? તો પણ આજ સુધી એવું મનાતું આવ્યું છે કે નરના પૂર્વજો વાનર હતા.
એ જુદી વાત છે કે બાપ તેના દીકરાને ગુસ્સામાં વાંદરો કહી દેતો હોય કે પતિ, પોતાની, (પોતાની જ) પત્નીને વાંદરી કહી દેતો હોય તો પણ દીકરો વાંદરો નથી થઈ જતો કે નથી તો પત્ની વાંદરી થઈ જતી, તો માણસ વાંદરામાંથી ઊતરી આવ્યો છે એવું ભેજામાં કઈ રીતે ઊતરે તે કોઈ કહેશે? ઓકે, પૂર્વજો વાનર હતા એ થિયરી સાચી માનીએ તો કેટલાક પ્રશ્નોના જવાબ નથી મળતા. જેમ કે વાંદરાઓ આ પૃથ્વી પર અવતર્યા તો કેટલા યુગો સુધી તેમનું વાનર તરીકે અવતરવાનું ચાલ્યું એનો જવાબ મળે એમ છે? એટલે કે એકઝેટલી કયાં સુધી વાનરોનું પ્રોડક્શન ચાલ્યું તેનો કોઈ ઓથેન્ટિક ડેટા મળે એમ નથી. કારણ, એ પ્રોડક્શન બંધ પડ્યું જ નથી. વેલ, વાનરોએ નરનું ઉત્પાદન શરૂ કર્યું હોય તો તેની મેન્યુફેક્ચરિંગ ડેટ મળવી જોઈએ. જો આદમ પહેલો પુરુષ છે એ સાચું માનીએ તો તેનો પિતા છેલ્લો વાનર હતો એમ માનવું પડે. પણ, એ સો ટકા સાચું નથી, કારણ કે એ પછી પણ વાંદરાઓ જન્મવાનું તો આજ સુધી ચાલુ જ છે. જો નર, વાનરમાંથી ઊતરી આવ્યો હોય તો વાનરોનું અવતરવું બંધ થવું જોઈએ ને ! પણ વાનરો તો છાપરાં તોડે જ છે ને એ સાથે જ નર છાપરું માથે મૂકતો જ જાય છે. તો, એમ માનવું કે વાનરોમાંથી નર થયા તે સાથે વાનરો પણ અવતરતા જ રહ્યા? એમ લાગે છે કે વાનરોની બે ફેક્ટરીઓ છે જેમાંની એક નર પેદા કરે છે ને બીજી વાનર ! એવું હોય તો ય ગૂંચવાડો તો છે જ ! ગૂંચવાડો એ છે કે આપણા માબાપ કયા વાનરની કઇ ફેક્ટરીની પેદાશ છે તેની માહિતી મળતી નથી. સાથે જ એ પણ ખબર નથી પડતી કે આપણા સંતાનો વાનરના સંતાનો છે કે નરના? ને આપણે ખરેખર કોણ છીએ? જો કે, સમજાતું તો એ પણ નથી કે કયા વાનર પછી નર થયો કે કયો નર હજી વાનર જ છે?
કદાચ એવું હોય કે અમુક વાનરો નર થયા હોય ને બાકીના વાનર જ રહ્યા હોય તો, તે ખરેખર કયા તેનો પણ કોઈ જવાબ મળતો નથી. એવી કોઈ માહિતી નથી મળતી જેના પરથી એ ખબર પડે કે અમુક ચોક્કસ વાનર પછી નર બનવાનું શરૂ થયું. બીજી તરફ નર જો નર જન્માવતા હોય ને વાનર હજી વાનરને જ જન્મ આપતા હોય તો એ બે એકબીજા સાથે કઇ રીતે સંકળાયેલા છે તે વાત બહાર આવવી જોઈએ, પણ એવું તો કૈં જણાતું નથી. એ પણ હજી સંશોધનનો જ વિષય છે કે આ થિયરીનો જનક ચાર્લ્સ ડાર્વિન વાનરની કેટલામી પેઢી પછી નર તરીકેની ઓળખ પામ્યો?
એ ખરું કે વાનરો ‘હિપ હિપ’ કરતાં છાપરાં કુદાવે છે, તો માણસો ‘હિપ, હિપ હુરરે’ કરીને શેમ્પેન ઉછાળે છે, એટલું સામ્ય હશે કે કેટલાંક વાનરો, માણસ સિગારેટ આપે તો ધુમાડા કાઢે છે, પણ કોઈ વાનરે માણસને બજારમાંથી ચોકલેટ લાવીને આપી નથી. એટલે વાનર અને નરમાં થોડું સામ્ય હોય તો પણ એવું સામ્ય નથી કે બંનેનાં પૂર્વજો એક હોવાનો શેરો મારવો પડે. વાનરો ઝાડ પર રહેતાં આવ્યાં છે, તો નર જમીન પર રહે છે. માણસને ઝાડ પર ચડતાં આવડતું હોય તો પણ તેનો મોટો ભાગ જમીન પર જ રહે છે. હવે ફેશન દાખલ માણસો ઝાડ પર મકાન બાંધીને રહે છે, તો પણ મોટે ભાગે આજે ય માણસ જમીન પર જ રહે છે એ હકીકત છે. આજ સુધી કોઈ વાનરે જમીન પર ઝૂંપડી બાંધ્યાનું જાણ્યું છે? એટલે ક્યાંક સામ્ય હોય તો પણ એ નક્કી છે કે બંનેના પૂર્વજ એક નથી.
મારું ગંભીરપણે માનવું છે કે ડાર્વિને અટકચાળું જ કર્યું છે. એ નક્કી સંસ્કૃત કે ગુજરાતી જાણતો હોવો જોઈએ. તેણે વાનર જોયો તે પહેલાં શબ્દકોશ જોયો હશે ને એમાં ‘વાનર’ શબ્દ આગળ તેની પિન ચોંટી ગઈ હશે. તેને ‘વાનર’ શબ્દમાં ‘નર’ દેખાયો હશે ને તે ‘વા’ પછી છે, તે પણ ધ્યાનમાં આવ્યું હશે. તેમાં વળી ‘વાનર’ ટાઈપ કરવા જતાં ‘વા’થી ‘નર’ સ્પેસ છોડીને ખસી ગયો હશે ને ઘાટ ‘વા વાયો ને નળિયું ખસ્યા’ જેવો થયો હશે. ‘વા નર, વા નર, વા નર’ ટાઈપ થતાં એવું પણ થયું હશે કે ‘વા’ લાઇનમાં રહ્યો ને ‘નર’ નીચે ઊતરી આવ્યો હોય ને ‘નર’ને સ્વતંત્ર અસ્તિત્વ મળ્યું હશે ને ચમત્કાર થયો હશે કે વાનરમાંથી નર ઊતરી આવ્યો છે. સાચું તો ડાર્વિન જ કહી શકે. એ નથી ને હું છું, એટલે આટલું મનન, મંથન!
એક વાત ચોક્કસ છે કે વાનર હજી વાનર જ જન્માવે છે ને નર, નર જન્માવે છે. એ હિસાબે વાનરના પૂર્વજો વાનર છે ને નરના નર ! બંનેના બાપ જુદા છે ને એને જુદા જ રાખીએ. જો એ ખરેખર સિદ્ધ થઈ જશેને કે નર, વાનરમાંથી ઊતરી આવ્યો છે તો વાનરો તો કદાચ નર નહીં થાય, પણ નર ચોક્કસ વાનરવેડા કરવાનું છોડીને ખરેખર જ વાનર થવા ઊંધી દોટ મૂકશે. નરનો વિકાસ એટલો થયો છે કે તે વાનર થઈને જ વાનર-નર-વાનરનું વર્તુળ પૂરું કરે એમ બને. તમને શું લાગે છે, તમે નરમાં છો કે પછી …
000
e.mail : ravindra21111946@gmail.com