Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાચનયાત્રા

સમ્પાદક : મહેન્દ્ર મેઘાણી|Opinion - Opinion|12 March 2022

[1]

માવજતનો મંતર – દોલતભાઈ દેસાઈ

સુરતમાં ‘હકીમચાચા’ની દોઢસો વર્ષ જાણીતી દવાઓની દુકાન. કો’કવાર એ દુકાને જઈ ચાચા સાથે વાતો કરવાની મારી ટેવ. એક વાર એક નવયુવક ગોટી લેવા આવ્યો. પ્રથમ બાળકનો એ પિતા બન્યો હતો. હકીમને કહ્યું : ‘બાબાને પાવાની ગોટી આપો.’ હકીમે પૂછ્યું : ‘કેવી ગોટી આપું? એક વાર ઘસારાવાળી, બે વાર ઘસારાવાળી કે ત્રણ વાર ઘસારાવાળી?’ યુવક : ‘મને સમજ નથી પડતી. એક વાર ઘસારાવાળી ને ત્રણ વાર ઘસારાવાળી ગોટીમાં શો ફેર?’ હકીમ કહે : ‘એક વાર ઘસારાવાળી ગોટી, ઓસરિયા પર એક જ ઘસરકો કરો ને પાણી સાથે બાળકને પાવ, તો પેટ ચોખ્ખું રહે. જ્યારે ત્રણ વાર ઘસરકાવાળી ગોટી ત્રણ વાર ઘસવી પડે.’ યુવક : ‘પણ એમાં દવા તો એક જ પ્રકારની ને?’ હકીમ કહે : ‘બીલકુલ એક જ પ્રકારની દવા, પણ પૂટ પૂટમાં ફેર. એક ઘસરકાવાળી ગોટીમાં દવા ખૂબ ઘૂંટીને તૈયાર કરેલી, જ્યારે ત્રણ ઘસરકાવાળી ગોટીમાં દવા ઓછી ઘુંટેલી.’ યુવક કહે : ‘ઓહ! એટલે ફેર શો?’ હકીમ કહે : ‘માવજતનો!’

દવા એક જ, પણ માવજત જુદી! જેટલી માવજત વધારે તેટલી દવા પર પૂટ ચડે ને દવાની માત્રા વધે. પણ દવા એક જ. આ ‘માવજતનો મંતર’ મને હકીમચાચાએ સમજાવ્યો. આપણા જીવનમાંયે કેટકેટલી બાબતો માવજત માગે. રસોઈ માવજત માગે, આપણી કાયા માવજત માગે, બાળકોનો ઉછેર માવજત માગે, આપણો વ્યવસાય માવજત માગે, માંદગી માવજત માગે.

ઉદવાડા જાઓ તો ‘પટેલ બાપા’ની વાડી જોજો. વાડીમાં બે ફૂટ જ ઊંચા આંબા. વીસ વીસ કેરી લટકે! ફલાવર-વાઝમાં મુકાય એવાં આંબા-જમરૂખી. નાળિયેરીની એવી જાત જે માત્ર છ ફૂટ ઊંચી થાય અને ખૂબ નાળિયેર આપે. બાપાની સાઠ એકરની વાડી જોઈ, ‘આ બધું કેવી રીતે બને?’ એમ પૂછ્યું. બાપા કહે : ‘માવજત.’ માવજતના મંતરને સમજવો હોય તો એક જ રોજિંદી ક્રિયા લઈએ – રોટલો બનાવવાની ક્રિયા. લોટ-પાણી જુદાં હોય તેને અમુક પ્રમાણમાં એકઠાં કરવાં પડે. માવજત કરનારમાં પ્રમાણભાન હોય. પ્રમાણ ચુક્યા તો પદાર્થ બગડે. પછી મેળવીને લોટ ગુંદવો પડે. મસળવો પડે. મસળવાની ક્રિયા ધીરજ માગે. માવજત કરનારમાં ધીરજની ખૂબ જરૂર. મસળીને આખડિયે રોટલો થબેડતાં થાપવો પડે. હળવેક હાથે એ કરવું પડે. એટલે માવજત કરનારમાં હળવેક હાથે કામ કરવાની આવડત જોઈએ. એ રોટલાને તાવડીમાં ધીમે તાપે શેકવો પડે. માવજત કરનારમાં શેકવાની આવડત ને શેકાવાની ધીરજ અને ક્ષમતા જોઈએ. છેવટે કદાચ હાથ દાઝે, પણ રોટલાને દેવતા પર ફુલાવવો પડે. માવજત કરનારને તાપ સહન કરતાં આવડવો જોઈએ. એ સહનશક્તિ. અને છેવટે એ રોટલા પર ઘી કે તેલ (જેને સંસ્કૃતમાં ‘સ્નેહ’ કહેવાય) લગાડે. માવજત કરનાર પાસે પૂરતા પ્રમાણમાં ‘સ્નેહ’ હોવો જોઈએ. એક વાર માવજત કરી જુઓ : તમારો રોટલો રૂડો લાગશે.

[2]

હું થોડો ગાંડો થયો છું! – જ્યોતીન્દ્ર હ. દવે

ગુજરાતી હાસ્ય-સાહિત્યને સમૃદ્ધ કરનારા ધનસુખલાલ મહેતાનાં પ્રથમ પત્ની સરલા એમને યુવાન વયે જ છોડીને ચાલી ગયાં. દ્વિતીય પત્નીને કોઈક મનોરોગ થયો. ગાંડપણમાં બધો રોષ એમણે ધનસુખલાલ પ્રત્યે જ ઠાલવ્યો. એમને દેખે ત્યાંથી જે કંઈ હાથમાં આવે તે એમના પર ફેંકે. આખરે ઘરમાં એને રાખવી અશક્ય છે એમ લાગવાથી એને ‘મેન્ટલ હોમ’માં રાખવાનો પ્રબંધ કરવો પડ્યો.

દર શનિવારે ધનસુખલાલ એને મળવા જતા. હું તે વેળા કબીબાઈ હાઈ સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતો હતો. તે શાળાની સામે જ આવેલી એક દુકાનમાંથી જલેબી અને ગાંઠિયા કે એવું કોઈક ચવાણું લઈને પત્નીને આપવા સારુ એ ‘મેન્ટલ હોમ’માં જતા. એક વાર એ વિશે વાત નીકળતાં મેં એમને પૂછ્યું, ‘તમને આમ દર અઠવાડિયે ત્યાં જતાં કંટાળો નથી આવતો ? તમને એ ઓળખી શકે છે ખરી?’

‘અરે! બરાબર ઓળખે છે. મને દેખે છે એટલે દોડતી સામે આવે છે અને જે કંઈ હાથમાં આવે છે તે છુટ્ટું મારા પર ફેંકે છે. સુપરિન્ટેન્ડેન્ટે મને કહ્યું પણ ખરું કે, તમને જોઈને એ ઉશ્કેરાઈ જાય છે; તમે ન આવતા હો તો? અહીં એના ખાવાપીવાનો પ્રબંધ અમે કરીએ જ છીએ.’

‘ત્યારે જાઓ છો શું કામ?’ મેં પૂછ્યું.

‘અરે! એમ કંઈ થાય? એ તો ગાંડી થઈ ગઈ છે. મને ભલે ભૂલી જાય. પણ હું થોડો ગાંડો થયો છું? મારાથી એને કેમ ભુલાય?’

[3]

કેટલું મળ્યું? – મોહમ્મદ માંકડ

મેકસિકોના એક પ્રદેશમાં ઠંડા અને ગરમ પાણીના ઝરા પાસે પાસે આવેલા છે. ત્યાંની સ્ત્રીઓ પોતાનાં કપડાં પહેલાં ઉકળતા પાણીના ઝરામાં બોળે છે અને પછી બાજુના ઠંડા પાણીમાં તારવીને નીચોવી નાખે છે. આવી સગવડ જોઈને ત્યાં ગયેલ એક પ્રવાસીએ કહ્યું : ‘આવી સરસ કુદરતી સગવડ મળવાથી અહીંના લોકો ઈશ્વરનો આભાર માનતા હશે!’ ‘આભાર?’ ત્યાંના રહેવાસીએ સામે પ્રશ્ન કર્યો, ‘અરે અહીંના લોકો તો અફસોસ કરે છે કે ઝરામાં ગરમ પાણી તો છે પણ તે સાબુ કે સોડાવાળું નથી!’

કેટલાંક દુ:ખો આપણે પોતે ઊભાં કરીએ છીએ, એમાંનું એક દુ:ખ આપણા અસંતોષનું છે. સામાન્ય રીતે, માણસ પોતાને જે મળવું જોઈએ તે મળ્યું નથી, પોતાને કેટલો અન્યાય થયો છે એનો જ વિચાર કરે છે. આવા વિચારને કારણે તેનામાં અસંતોષ જન્મે છે અને અસંતોષમાંથી દુ:ખ જન્મે છે. આવી રીતે વિચારનાર માણસને અન્યાય થયો હશે અને તેને કારણે તેને કેટલુંક ગુમાવવું પડ્યું હશે; પરંતુ તેને જે પ્રાપ્ત થયું છે તેમાં કેટલી બધી વ્યક્તિઓનો ફાળો છે, તેનો તેને વિચાર આવે છે ખરો? આપણા જીવનની રચના એટલી અટપટી છે કે આપણે ગમે તેટલા શક્તિશાળી હોઈએ તો પણ; આપણી પાસેનું બધું માત્ર આપણી શક્તિઓને કારણે જ પ્રાપ્ત થઈ શકે નહીં. કેટલી બધી વસ્તુઓ આપણને આપણા પૂર્વજો તરફથી વારસામાં મળેલી હોય છે. કેટલું બધું મિત્રોને કારણે પ્રાપ્ત થયું હોય છે. કેટલું દેશને કારણે, સમાજને કારણે, જાણીતા અને અજાણ્યા લોકોને કારણે આપણને મળ્યું હોય છે. આપણે જે કાંઈ હોઈએ, જ્યાં હોઈએ, ત્યાં પહોંચવામાં કેટલી બધી વ્યક્તિઓનો ફાળો છે તેનો જો આપણે વિચાર કરીએ, તો એમના તરફ આપણા મનમાં આભારની લાગણી ઉત્પન્ન થયા વિના રહે નહીં. જે માણસ બીજાના ઋણનો સ્વીકાર કરે છે, તે ઊંડા સુખ અને સંતોષની લાગણી અનુભવી શકે છે.

[4]

એકલયાત્રા – ઉમાશંકર જોશી

દરેક મહાન વ્યક્તિના ભાગ્યમાં એકલાપણું લખાયેલું જ હોય છે. એ એક મનુષ્ય જીવનનો વસમો વિરોધાભાસ છે કે જેમ જેમ માણસ વિશ્વ સાથે તાદાત્મ્ય પામવાને માર્ગે વિકાસ સાધે, તેમ તેમ એ વિશ્વથી વધુ ને વધુ વિખૂટો પડતો જાય છે; બધાંને પોતાનાં કરવા જતાં પોતે જ એકલવાયો પડી જાય છે. મહત્તા એટલે જ મિત્રરહિત દશા. ટાગોર એકલાપણું પચાવી શક્યા એનું કારણ એ કે બાહ્ય સિદ્ધિઓની પાછળ એમની દોડ હતી જ નહીં. કવિ આનંદને લક્ષ્ય કરીને જ સારુંયે જીવન જીવ્યા છે. આનંદની યાત્રા એકલાએ કરી છે; પણ જે આનંદ પામ્યા તેની લૂંટ તો આખા જગત પાસે કરાવી છે.

[5]

સુવાસની અનાસક્તિ – ગુણવંત શાહ

સામેના છોડ પર ધ્યાનસ્થ થયેલા એક પુષ્પની હાજરી ઊંડી પ્રસન્નતાનો ભાવ જગાવી જાય છે. પુષ્પ પોતાની જગ્યા છોડીને સુગંધનો પ્રચાર કરવા ક્યાં ય જતું નથી. એ શાંતિથી પોતાના સ્થાને ઊભું છે. એનું હોવું એ જ પૂરતું છે. એને અપાર ધીરજ છે. આસપાસ કોઈ સુગંધ માણનારું છે કે નહીં, તેની ચિંતા એ કરતું નથી. પોતાનાં રંગ-રૂપને જોનારું કોઈ છે કે નહીં, એ વાતનો એને ઊચાટ નથી. પુષ્પનો દેહ નાશવંત છે. સાંજ પડ્યે એની પાંખડીઓ ખરી પડે છે. પરંતુ પુષ્પનું જે પુષ્પત્વ છે તે અક્ષર છે. પુષ્પ મરે છે; પણ પુષ્પત્વ જીવે છે. પુષ્પ પાસે સુગંધ છે, રંગ છે અને ભવ્યતા છે; પણ આ બધું કોઈને પહોંચાડવાની ચેષ્ટા એ નથી કરતું. એની ભવ્યતા આસપાસ પ્રસરે છે; કારણ કે એ છે. પુષ્પ એ પ્રચારક નથી; પ્રસારક છે. કોયલ ટહુકે છે; પણ તે શ્રોતાઓ માટે નથી ટહુકતી. ટહુકો એના અસ્તિત્વનો એક ટુકડો છે. કોયલનું સંગીત પ્રચરતું નથી; એ પ્રસરતું રહે છે. પ્રચારમાં અપેક્ષા છે, આકાંક્ષા છે; પ્રસારમાં નિજાનંદ છે, મસ્તી છે.

માણસને નિજાનંદ વહેંચવાની પણ એક વાસના જાગે છે. કોયલ પણ નિજાનંદ વહેંચે છે; પણ તે વાસના વગર. આનંદનો પૂંજ પડ્યો છે. કોઈને લેવો હોય તો ફાવે તેટલો લઈ લે, અને કોઈ નહીં લે તો પણ હરિ-ઈચ્છા. પોતાની આંતરિક સંપત્તિ પરખનારું કોઈ નથી, એનો અજંપો કેટલાક સંતોને પણ રહેતો હોય છે. પામર જીવોનો ઉદ્ધાર કરવાની ઉપદેશકોને ભારે આસક્તિ હોય છે. પુષ્પ અનાસક્ત છે. પોતાની સુગંધની સમજ આપવા માટે એ વર્ગો નથી ચલાવતું. ‘સુગંધ પ્રચારક મંડળ’ પણ એ નથી શરૂ કરતું.

[6]

લોકોને સાહિત્ય તરફ વાળવા – જયંત કોઠારી

ગુજરાતી વિવેચન શબ્દાળુતામાં રાચતું દેખાય છે. કહેવાનું ઓછું હોય ને ઘટાટોપ વધારે હોય. આવું બધું જોઈએ ત્યારે થાય કે સીધી સરળ ભાષા લખવી એ ખરેખર અઘરું કામ છે, ને અઘરું લખવું એ સહેલું કામ છે. સીધી, સરળ અભિવ્યક્તિ વિચારની ચોકસાઈ ને ચોખ્ખાઈ વિના સંભવતી નથી. અખબારી કૉલમની લખાણની ગુણવત્તા પર અસર જરૂર થાય છે. લખવા પાછળ જે દૃષ્ટિ તથા ખંત હોવાં જોઈએ, તે આપણા કટારલેખકોમાં નથી. કેટલાક તો ચાર-ચાર, પાંચ-પાંચ છાપાંઓમાં લખતા હોય છે. પછી ગુણવત્તા જળવાય કઈ રીતે? વધારે લોકો સુધી પહોંચી શકે એવાં સામયિકો ખૂટે છે. લોકો સુધી જે પહોંચે છે તે સાહિત્યિક નથી હોતાં અને જે સાહિત્યિક છે તેની ભાષા એવી છે કે લોકો સમજી ન શકે. બે વચ્ચે સમન્વય રચાવો જોઈએ. ‘મિલાપ’ એ કામ કરતું હતું. હવે આપણી પાસે એવું સામયિક નથી. લોકોને કલા અને સાહિત્ય તરફ વાળવા એ જ સવાલ છે. લોકો પુસ્તક લેવા ન આવે, તો તમે લોકો પાસે પુસ્તકો લઈ જાઓ. ‘લોકમિલાપ’ એ કામ કરતું આવ્યું છે.

જન્મ : 20 જૂન 1923 : સાત ઉપરાંત દાયકાઓથી સાહિત્યની ‘ગોવાળી’ કરનાર આ એકમેવ ‘ખેપિયા'ને સહૃદય વંદન. નવાણું વર્ષની વયે પણ આ નવા રમકડા – આઈપૅડની કરામત શીખવા મથતા આ યુવાન મહેન્દ્રભાઈને સલામ! એવી યુવાની સૌને મળો … જીવનની સંધ્યાએ મહેન્દ્રભાઈને નિરામય, સંતોષી તેમ જ આનંદકારી જીવન સતત મળજો … જય હો, મીમી!! 

– વિપુલ કલ્યાણી

 

‘ઓપિનિયન’ના તંત્રી–સમ્પાદક લંડનવાસી મિત્ર વિપુલ કલ્યાણીની ફેસબુક વૉલ પરથી સાભાર : https://www.facebook.com/notes/398619504473558/

— ઉત્તમ.મધુ ગજ્જર

@@@

મહેન્દ્રભાઈના પૌત્ર ભાઈ યશ ગોપાલ મેઘાણી વૉટસેપ સંદેશમાં લખે છે :

નમસ્તે,

લોકમિલાપ ઓનલાઇન પુસ્તક ભંડારમાં (71 વર્ષ જૂનો પુસ્તક ભંડાર) આપનું સ્વાગત છે. પુસ્તકોનું લિસ્ટ જોવા (મોટાભાગનાં પુસ્તકો પર 10% વળતર મળશે. 499 ₹ થી વધુની ખરીદી પર પોસ્ટ ચાર્જ પણ ફ્રી રહેશે : https://wa.me/c/918734918888

નવાં પુસ્તકો અને ઓફર્સની માહિતી મેળવવા આ ગ્રુપમાં જોડાશો : 

https://chat.whatsapp.com/LX3XiWPyv4Q1ab2ckc54k9

@@@

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ દસમું – અંકઃ 317 – March 08, 2015

Loading

12 March 2022 admin
← લૂઝ કનેક્શન શ્રેણી (28)
કાઁગ્રેસ સામે અસ્તિત્વની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved