ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ. આટલી બધી બેઠકો જીતશે, એવો કોઈ પણ વર્તારો ન હતો. કદાચ પોતે આવી જીત મેળવશે, એવી ભા.જ.પ.ની પોતાની પણ ધારણા ન હોય.
ઉત્તરપ્રદેશના ચતુષ્પક્ષીય માળખામાં કૉંગ્રેસ અને સમાજવાદી પક્ષોએ ગઠબંધન કર્યું હતું અને સમાજવાદી પક્ષના નેતા અને તત્કાલીન મુખ્યપ્રધાન, જે લોકપ્રિય ગણાતા હતા તેમણે અને કૉંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી, બેઉએ મળી સમગ્ર રાજ્યમાં અનેક સંયુક્ત રેલીઓ કાઢી હતી. ઉપરાંત મુસ્લિમ મતોનું પ્રમાણ બીજાં રાજ્યો કરતાં વધારે હતું અને બિહાર જેવું પરિણામ આવશે, એવી પણ ગણતરી હતી. આ પશ્ચાદ્ભૂમિકામાં ભા.જ.પ.ને આટલી બધી બેઠકો મળશે, એવી કોઈએ કલ્પના કરેલી નહીં. બીજું, નોટોનું ડીમોનેટાઇઝેશન પણ ભા.જ.પ. માટે પ્રતિકૂળ ગણાશે. એવું માનવામાં આવેલું.
પરંતુ માત્ર જ્ઞાતિઓના ટેકા પર જ ગણતરી આધારિત હતી તેથી આમ બન્યું. જ્ઞાતિઓનો ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં રાજકારણમાં ઘણો જ પ્રભાવ છે, એ નિર્વિવાદ છે, પરંતુ તેની અસર પહેલા જેટલી રહી નથી અને યાદવો, દલિતો, મુસ્લિમો એકજૂથે મતદાન કરશે, એ માન્યતા પણ ખોટી પડી.
અમિત શાહે ઉત્તરપ્રદેશના મતદારોનું જે પૃથક્કરણ કર્યું અને તે પ્રમાણે સ્ટ્રેટેજી ગોઠવી, એ પણ એક અગત્યનું પરિબળ હતું, પરંતુ જે ચાર બીમાર રાજ્યો, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ ગણાતાં હતાં તેમાં બીજાં ત્રણ રાજ્યોએ કાઠું કાઢેલું, જ્યારે ઉત્તરપ્રદેશના રાજકીય પક્ષોએ માત્ર જ્ઞાતિના ગણિત પર મદાર રાખ્યો. ઉત્તરપ્રદેશમાં ઊડીને આંખે વળગે એવો કોઈ પ્રોજેક્ટ ન હતો અને તેથી જ અખિલેશ યાદવ ઉત્તરપ્રદેશના એકમાત્ર પ્રોજેક્ટ લખનૌ-આગ્રા હાઈવે પર ઘડી-ઘડી ધ્યાન દોરતા હતા.
આ રાજ્યમાં વીજળીની ચોરી, લાંચિયા રાજકારણીઓ, તૂટી રહેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યના ખાલી ખજાનાઓ અને અત્યંત ઊંડી ગરીબી રાજ્યની તાસીર બની રહી. ઉત્તરપ્રદેશની ૩૦ ટકા વસ્તી ગરીબીરેખા નીચે જીવે છે. સમગ્ર ભારતની આટલી વ્યક્તિઓ ગરીબીરેખા નીચે ગયા દસકામાં હતી. રાજ્યનો વિકાસ દર માત્ર પાંચ ટકાથી છ ટકા હતો અને સાક્ષરતા દર ૬૭ ટકા હતો, જે સમગ્ર ભારતમાં ૨૦૦૧માં હતો. ઉત્તરપ્રદેશની ગરીબ પ્રજા માટે સ્થાનિક પક્ષો અને કૉંગ્રેસ તરફથી આ માટે કોઈ આશ્વાસન ન હતું. એક વારનાં સમાન પછાત પાડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બધામાં ઘણા આગળ નીકળી ગયાં હતાં. રોજગારી માટે વલખાં મારતી ત્યાંનો પ્રજાનો એક ભાગ સમગ્ર ભારતમાં નોકરી કરતો હતો અને બીજાં રાજ્યોમાં શું થઈ રહ્યું છે, તેનો ખ્યાલ તેમના ભાઈઓને આપતો હતો. આથી જ હાથીનાં પૂતળાં તૈયાર કરવા બહુજનસમાજ પક્ષ કે માત્ર ધર્મ અને જાતિનાં સમીકરણોમાં માનતો સમાજવાદી પક્ષ કે મૃતપ્રાય કૉંગ્રેસ તેમને કોઈ આશા અપાવી શકતો ન હતો.
જુદાં-જુદાં રાજ્યોમાં દિગ્વિજયની અદાથી આવેલો ભા.જ.પા. એકમાત્ર તરણું દેખાયું. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આપેલાં અનેક વચનો ભા.જ.પ. પરિપૂર્ણ કરી શક્યો ન હતો અને તેના પર બીજા પક્ષોએ મતદારોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પરંતુ તે છતાંએ આજ પક્ષ એટલે કે ભા.જ.પ. ગરીબી દૂર કરવામાં અને ચોખ્ખો વહીવટ આપવા પ્રતિબદ્ધ છે, એવી પણ લાગણી જન્મેલી. નોટબંધીના પ્રશ્નને એવી રીતે ઉછાળવામાં આવેલો કે તે ગરીબોની વિરુદ્ધ છે પણ ગરીબોને એવું લાગેલું નહીં. રાષ્ટ્રની ૭૫ ટકા વસ્તીએ કદાચ એક હજારની નોટ પણ જોઈ ન હતી. નોટો માટે લાઇનમાં ઊભેલા મોટે ભાગે ગરીબ ન હતા અને તેઓ પણ માનતા હતા કે આ પગલું ધનાઢ્ય વર્ગને જ અસર કરે છે. નોટબંધી વિરુદ્ધ રાજકીય પક્ષોએ ગોબેલ્સની જેમ પ્રચાર કર્યો અને કેટલાક ઉદારમતવાદી સાહિત્યમાં તેનાં પર અસંબદ્ધ કાવ્યો અને ઠઠ્ઠાચિત્રો પણ થયાં પણ ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર રાષ્ટ્રના ગરીબોને પણ હકીકત ખબર હતી અને તે પરિબળ પણ ભા.જ.પ.ની તરફેણમાં આવ્યું.
ટ્રીપલ તલ્લાક એ મોટા ભાગની અભણ મુસ્લિમ સ્ત્રીઓનો અગત્યનો પ્રશ્ન હતો. ભા.જ.પા.એ આ બાબતમાં સ્પષ્ટ વલણ દાખવ્યું અને મુસ્લિમ સ્ત્રીઓ અને ઉદારમતવાદી મુસ્લિમોનો એક ભાગ તેના તરફ ઢળ્યો. મુસ્લિમોની લાગણી દુભાશે, એ ભયથી બીજા પક્ષોએ આ અંગે ચુપકીદી સેવી અને સ્પષ્ટ રીતે પોતાનો મત ન આપ્યો.
આવાં અનેકવિધ પરિબળો ભા.જ.પા.ની તરફેણમાં હતાં અને આ પ્રકારનો વિજય પ્રાપ્ત કર્યો. ગરીબો માટેની અનેકવિધ યોજનાઓને અમલમાં આણી તેમના મત પણ ભા..જ.પ. ખેંચી શક્યો હતો.
E-mail : vepari@youtele.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2017; પૃ. 13