ભારતીય રાજકીય પક્ષોએ ભારતનાં લોકોને નાગરિક બનાવવાના બદલે હિન્દુ, મુસ્લિમ, દલિત, આદિવાસી વધુમાં વધુ બનાવ્યાં છે. એમાં ય ભા.જ.પ.ની બહુસંખ્યક હિન્દુત્વની રાજનીતિના કારણે આ વિભાજન વધુ તીવ્ર બન્યું છે. યુ.પી.માં ચૂંટણીની પડઘમ વાગી રહી છે, ત્યારે બદલાયેલી આ રાજનીતિનો અનુભવ પ્રારંભથી જ થાય છે. ભા.જ.પ.નો તો એક જ રાગ છે, મેં મંદિર આપ્યું, તમે મને વૉટ આપો! શિક્ષણ, આરોગ્યની કોઈ મુશ્કેલી હોય, તો રામમંદિર જાવ. હજુ દેશમાં કોરોનાની રસીના બે ડોઝ ૧૦ કરોડ લોકોને અપાયા છે. આરોગ્ય-શિક્ષણના ક્ષેત્રે યુ.પી.નું પ્રદર્શન કંગાળ છે. કોરોનાપૂર્વે ઑક્સિજનની તંગીથી બાળકો મરી ગયાંની ઘટના, હાથરસમાં થયેલી બળાત્કારની ઘટના, વિકાસ દૂબેનું ઍન્કાઉન્ટર યુ.પી.ની સાંપ્રત સ્થિતિ છે. આ બધાની કોઈ વાત જ નહીં. અગાઉના બે મુખ્ય મંત્રી સમેત ભા.જ.પ. હવે બ્રાહ્મણોને વૉટબૅંક બનાવવા પાછળ પડ્યાં છે.
એ વાત સાચી છે કે યુ.પી.માં ૧૪ ટકા બ્રાહ્મણો છે. ભૂતકાળમાં કૉંગ્રેસે યુ.પી.માં છ બ્રાહ્મણ મુખ્ય મંત્રી આપ્યા છે, એ નેતાઓ કેવળ બ્રાહ્મણ નેતા ન હતા, એમને વ્યાપક લોકસમર્થન હતું તેમ જ રાજનીતિમાં પરિપક્વ હતા. ચૂંટણીની રણભેરી વાગતાં જ કૉંગ્રેસના મુખ્ય બ્રાહ્મણનેતા જિતેનપ્રસાદ ભાજપમાં જોડાયા (અથવા ખરીદાયા …) બ્રાહ્મણ વોટબૅંકનો આ પ્રારંભ છે. પૂર્વે જ્યારે માયાવતીએ વિરાટવિજય મેળવ્યો, ત્યારે આર.એસ.એસ. તેમની સાથે હતું. આર.એસ.એસ.ના અગ્રણી કૈલાશચંદ્ર મિશ્રાના પુત્ર ત્યારે અને આજે માયાવતીની નિકટ છે. સતીષચંદ્ર મિશ્રાને સાથસહકારના બદલામાં એમના પિતાના નામ સાથે સંકળાયેલી યુનિવર્સિટી કાનપુરમાં માયાવતીએ બનાવી આપી ! બી.એસ.પી.નું પ્રારંભે સૂત્ર હતું : ‘તિલક (બ્રાહ્મણ), તરાજુ (વણિક) ઔર તલવાર (ક્ષત્રિય) ઉસકો મારો જૂતાં ચાર’. એ સૂત્ર પછી બદલાઈ ગયું. ‘હાથી નહીં ગણેશ હૈ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ હૈ …’ આમ, જોઈ શકાય છે કે યુ.પી.માં દેવો ચૂંટણી લડી રહ્યા છે, તેથી ભૂદેવને કેમ ભુલાય ? અગાઉ બી.એસ.પી.એ પક્ષમાં ‘બ્રાહ્મણો’ના નામે પાંખ પણ બનાવી હતી. ગુજરાતમાં પણ ભા.જ.પ. છોડી દેનાર નલીન ભટ્ટને બી.એસ.પી.ની જવાબદારી સોંપાઈ હતી. અત્યારે બી.એસ.પી. કહી રહ્યું છે કે, ભા.જ.પ. કહ્યા પ્રમાણે ત્વરિત રામમંદિર બનાવી નથી રહ્યું, એ અધૂરું કામ અમે પૂરું કરીશું. રામલલ્લાનો લાભ બધાને લેવો છે. રાજીવ ગાંધીએ રામમંદિરનાં બારણાં એટલે જ સ્તો ખોલેલાં. બી.એસ.પી.ના મંચથી અત્યારે ‘જયશ્રીરામ’ના નારા લગાવાય છે !
ર૩મી જુલાઈએ બી.એસ.પી.એ અયોધ્યામાં બ્રાહ્મણ-સંમેલન કર્યું અને ર૯મી સુધી છ બ્રાહ્મણ-સંમેલનો કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ભા.જ.પ.ની બહુસંખ્યક હિન્દુત્વવાદી રાજનીતિમાં આ છીંડું પાડવાનો પ્રયાસ છે. ઝેરનું મારણ ઝેરનો આ પ્રયોગ છે. પણ આખરે એ યાદ રાખવાનું કે જેના પર ઝેરનો પ્રયોગ થાય છે, એ પ્રજા ઝેરીલી બની જશે. સતીષચંદ્ર મિશ્રાએ જણાવ્યું કે, યોગીજીએ માત્ર વિકાસ દૂબેનું જ ઍન્કાઉન્ટર નથી કર્યું, ચારસો બ્રાહ્મણોને માર્યા છે ! આવી જ ચિંતા અખિલેશજીને યાદવોની છે. વિકાસ દૂબેની ઘટનાને રૂપકની જેમ ખોલી શકાય. પરંપરાગત રીતે બ્રાહ્મણો હિંસક ઘટનાના સૂત્રધારો ન હતા, હવે યુ.પી.માં આ વર્ગ અપરાધી થયો છે. સમાજની સર્વવ્યાપી બેરોજગારીનું એક પરિણામ હોઈ શકે. ભા.જ.પે. શહેરે-શહેરે, ગલીએ-ગલીએ મંદિરો (ગેરકાયદે) બનાવી દીધાં છે જેનાથી એમને વ્યવસાય મળ્યો છે, સાથોસાથ ધર્મકેન્દ્રિત રાજનીતિની સજ્જડ અને નીચેના સ્તરથી વ્યવસ્થા સર્જી છે. મોટા પાયે સહેજ પણ હિન્દુવોટ ન ગુમાવવા પડે એટલે કુંભનો મેળો થવા દીધો ! અત્યારે આર.એસ.એસ. ચિત્રકૂટમાં સંતસમાગમ કરી રહ્યું છે. સંતોને ઢગલો પદ્મશ્રી, પદ્મભૂષણ આપ્યાં છે, તેથી ચૂંટણીમાં સંતમતનો ફાળો મૂલ્યવાન રહેવાનો. કૉન્ગ્રેસ પાસે ય સંતોની નાનકડી ફોજ છે.
બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય, કોરોના, કિસાનોના પ્રશ્નો, કૃષિબિલ, દલિત અત્યાચારો, સરકારી નિમણૂકોમાં ભ્રષ્ટાચાર, મનરેગાની નિષ્ફળતા – આ ચૂંટણીના મુદ્દા નથી, તેથી સમાજવાદી પક્ષ પણ દેવોની આ ચૂંટણીમાં પાછી પડવા માંગતો નથી. અખિલેશ યાદવે જાહેર કર્યું છે કે ભા.જ.પ.ના યોગી જો શ્રીરામની વિશાળ મૂર્તિ બનાવવાના હોય, તો અમે એનાથી પણ મોટી મૂર્તિ પરશુરામની બનાવીશું ! વિદેશમાં શિક્ષણ પામેલા અખિલેશને કોઈ નવો વિચાર નથી આવતો ? ૧૫મી ઑગસ્ટે અયોધ્યામાં સમાજવાદી પક્ષનું ય બ્રાહ્મણ-સંમેલન યોજાઈ રહ્યું છે ! રામની સામે પરશુરામની આ ચૂંટણી છે. ગુજરાતની યુનિવર્સિટીઓમાં ઘણા વખતથી પરશુરામ જયંતીની જાહેર રજા અપાય છે, એમાં પરશુરામ પ્રેમ નથી, બ્રાહ્મણ વોટબૅંકને ખુશ કરવાની નીતિ છે.
ભા.જ.પ. સામે ચૂંટણી લડવા, જીતવા હજુ સમય છે ચેતી જવાનો. અખિલેશ-માયાવતીની આ રાજનીતિ નકારાત્મક છે. ભા.જ.પ.નો મુકાબલો ભા.જ.પ.નાં સાધનોથી ન થાય. થાય તો, ચૂંટણી જીતી લેવાય, તો ય એ પરિણામ લોકશાહી માટે સારી નિશાની નથી. આ બંગાળ નથી, યુ.પી. છે. અહીં રામની સ્મૃતિની યાદ ભરચક આપવામાં આવશે. હમણાં જ ઉદ્યોગપતિ મિત્તલે એકવીસો કિલોનો ઘંટ ભેટ આપ્યો છે. નાના-મોટા ઘંટની તો કંઈ વિસાત નથી, જે પાંચ-સાત કિ.મી. સુધી સંભળાશે ! શિક્ષિત મતદારો ન હોવાથી ભા.જ.પ.ની સાંપ્રદાયિક, બહુસંખ્યક હિન્દુત્વવાળી રાજનીતિના પ્રભાવમાં આવવાની સંભાવના વધારે છે. વળી, ભા.જ.પ. પાસે નાણાંની કોથળી – સહુથી ભારે છે. એકલા બંગાળમાં જ જે પાર્ટી આઠ હજાર કરોડ ખર્ચી શકે છે, એ યુ.પી.માં કોઈ જોખમ ન ઉઠાવે. યુ.પી. ભારતીય રાજનીતિની ધોરી નસ છે. સામ-દામ-દંડની રાજનીતિમાં ભા.જ.પ. માહિર છે. પંચાયતની ચૂંટણી લડવા માંગતાં ભા.જ.પ. સિવાયના લોકોને ભા.જ.પે. ફૉર્મ સુધ્ધાં ભરવા દીધાં નથી, જેની અસંખ્ય ફરિયાદો મળી છે. યોગીનો ઉદય ‘લવજેહાદ’માંથી થયો હતો, એની પણ યાદ આપવામાં આવશે. લવજેહાદ પણ એક એજન્ડા છે, તેથી ગુજરાતમાંય શરૂ કર્યું છે.
આવા સંજોગોમાં યુ.પી.નાં લોકોને નાગરિક બનાવો. યુ.પી.ની ચૂંટણી દેવો વચ્ચે નહીં, પ્રજાના પ્રશ્નો માટે લડો. વિશ્વની સહુથી મોટી લોકશાહી ભારત છે, એનું સહુથી મોટું રાજ્ય યુ.પી. છે. એમાં જો ચૂંટણી આવા સામંતી મુદ્દાઓની આસપાસ જ રમાતી રહેશે તો ભારતની લોકશાહીનું ભાવિ અંધકારમય બનશે, એમાં કોઈ શંકા નથી.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 11