Opinion Magazine
Number of visits: 9446928
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઊગતા સૂરજના દેશમાં નહીં આથમતો સામાજિક ભેદભાવ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|28 March 2024

ચંદુ મહેરિયા

ભારતની જેમ જાપાનમાં પણ ઊંચ-નીચના ભેદ છે, આભડછેટ પળાય છે, એમ કોઈ કહે તો આપણે માનીએ ? દુનિયાના આ વિકસિત અને સમૃદ્ધ દેશનો સમાજ સમાનતાપૂર્ણ, સંવાદી અને સામંજસ્યપૂર્ણ હોવાની વૈશ્વિક છાપ છે. જાપાનના નાગરિકોનું કર્તવ્ય, સમય અને  શિસ્તનું પાલન વખણાય છે. એ સ્થિતિમાં જાપાનીઝ નાગરિકો દેશના એક પ્રજાસમૂહને હેય દૃષ્ટિએ જોતા હોય તે ઝટ ગળે ન ઉતરે એવી હકીકત છે. ૨૦૦૧માં દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યોજાયેલી વલ્ડ કોન્ફરન્સ અગેઈન્સ્ટ રેસિઝમમાં, જાપાનના કથિત અસ્પૃશ્ય એવા બુરાકુમિન સમાજના નેતાઓને પ્રત્યક્ષ જોવા-મળવાનું થયું હતું. ભારતની જેમ જાપાનની સરકાર અને સમાજ પણ એમ કહે છે કે હવે ક્યાં કશા ભેદ રહ્યા જ છે ? પરંતુ શું ભારતમાં કે શું જાપાનમાં આભડછેટ પૂર્ણ ભૂતકાળ નહીં પણ ચાલુ વર્તમાનકાળ છે, તેની પ્રતિતી તાજેતરના જાપાનની સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી થઈ. બંધારણ અને કાયદાપોથીમાં તો જાપાનના તમામ નાગરિકો સમાન છે, પરંતુ લોકોનો સમાજિક દૃષ્ટિકોણ બદલાયો નથી. એટલે બુરાકુમિન આજે પણ ભેદભાવ વેઠે છે. જાપાની પ્રકાશકો  બુરાકુમિન વસ્તીના  નકશા, વસાહતોની તસવીરો અને તેમના વિશેની માહિતી પ્રકાશિત કરતા હોય છે. આવા જ એક પ્રકાશક સામેના દીર્ઘ કાનૂની સંઘર્ષને કારણે અદાલતે તે આચરણ ભેદભાવપૂર્ણ હોવાનું સ્વીકારીને ત્રણ કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. એટલે જાપાનમાં હજુ આભડછેટ અને ભેદભાવ મોજુદ છે અને તે સામેનો અવિરામ સંઘર્ષ પણ ચાલે છે તે પુરવાર થયું છે.

જાપાનમાં યોદ્ધા, ખેડૂતો, કામદારો અને વેપારીઓની ચારસ્તરીય સમાજરચના સત્તરમી સદીના ઈદોકાળમાં જન્મી હતી. તોકુગાવા શોગુનેટ (૧૬૦૩-૧૮૬૭) વંશ દ્વારા સમાજમાં સ્થિરતા આણવા અને રાજ્યસત્તા ટકાવવા માટે ચડતી-ઉતરતી ભાંજણીની સમાજવ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ સામંતી શાસનમાં ચાર જ્ઞાતિ, સ્તર કે વર્ણ સિવાયના લોકોને બુરાકુમિન કે બુરાકુ કહેવામાં આવે છે. પૂર્વે તેમના માટે વધુ અપમાનજનક શબ્દો (દા.ત.એટા) વપરાતા હતા. જાપાની શબ્દ બુરાકુમિનનો સાદો અર્થ તો ગામડાંના લોકો થાય. પણ જ્યારે આ શબ્દ વર્ણ, જ્ઞાતિ કે ચારસ્તરીય સમાજવ્યવસ્થા બહારના લોકો માટે વપરાતો થયો ત્યારે તેનો અર્થ બદલાઈને ગામડિયો, ગમાર, ઉપેક્ષિત અને બહિષ્કૃત એવો થવા લાગ્યો છે.

સામંતી સમાજવ્યવસ્થાની પેદાશસમા બુરાકુમિનો બહારનો પ્રજાસમૂહ એટલે પણ છે કે તેઓના માથે જે વ્યવસાય કે કામો મારવામાં આવ્યા હતા તેને ગંદા, અશુદ્ધ અને અપવિત્ર માનવામાં આવે છે. મરેલાં ઢોર ખેંચવાં, સફાઈ, કબ્રસ્તાનની રખેવાળી, શબ માટેની કબર ખોદવી, જેલરથી જલ્લાદ અને કસાઈથી દેહવ્યાપારના કામો, ભીખ માંગવી અને સામંતી જમીનદારોના વેઠિયા હોવું, ચામડા કમાવા – જેવાં ગંદાં અને હલકાં ગણાતાં કામો તેઓને કરવા પડતા હતા. તેમની વસ્તી ભારતના દલિતોની જેમ ગામના છેડે, ટેકરીઓ પર કે જમીનના ઢોળાવ પર હતી. ઘેટો(GHETO)માં રહેવું, હલકાં ગણાતાં કામો કરવાં તેને કારણે તેમની આર્થિક સ્થિતિ નબળી અને સામાજિક દરજ્જો ઉતરતો હતો. શિક્ષણ, આરોગ્ય અને બીજી નાગરિક સુવિધાઓથી તેમને વંચિત રાખવામાં આવતા હતા.

ભારતના દલિતોની જેમ જાપાનના બુરાકુમિન પર પણ જાતભાતના પ્રતિબંધો લદાયેલા છે. અન્ય ચાર સમૂહો સાથે કે નજીક તેઓ રહી શકે નહીં. તેઓ જુદા કે નીચા છે તે દર્શાવવા અન્ય જાપાનીઓ જેવા કપડાં પહેરી શકે નહીં. માથું ખૂલ્લું અને વાળ ટૂંકા રાખવા પડતા. મહિલાઓ આઈબ્રો કરી શકતી નહીં કે દાંત રંગી શકતી નહીં. ધાર્મિક સ્થળો અને શાળાઓમાં પ્રવેશી શકતા નહીં. બુરાકુ સિવાયના લોકો સાથે લગ્ન કરી શકે નહીં. ૧૮૬૮માં મીજી સમ્રાટે આ ભેદભાવ કરતા સામાજિક પદાનુક્રમને સમતલ કરવા પ્રયાસ કર્યો. ૧૮૬૯માં સામંતશાહીના અંત સાથે ૧૮૭૧માં ચારસ્તરીય સમાજરચના નાબૂદ થઈ અને બુરાકુમિનોને નવા નાગરિક બનાવ્યા હતા.

સ્વમાન અને સમાનતા માટેની જાપાનના કહેવાતા અસ્પૃશ્યોની લડતે પણ તેમને બરાબરીનો હક અપાવ્યો છે. ત્રીજી મે ૧૯૪૭થી અમલી જાપાનના બંધારણના પ્રકરણ-૩ના અનુચ્છેદ ૧૪માં કાયદા સમક્ષ તમામ જાપાનીઓને એક સમાન ગણવામાં આવ્યા છે. ઉપરાંત જ્ઞાતિ, ધર્મ, પંથ, લિંગ, સામાજિક સ્થિતિ કે પારિવારિક મૂળનાં કારણે કોઈપણ નાગરિક સાથે રાજકીય, આર્થિક અને સામાજિક ભેદભાવ કરવામાં આવશે નહીં તેમ પણ જણાવ્યું છે. બંધારણીય સમાનતા મળી તેનું કારણ ૧૯૨૨થી શરૂ થયેલું બુરાકુમુક્તિ આંદોલન છે. લેવલર્સ સંગઠન (૧૯૨૨), બુરાકુ લિબરેશન રાષ્ટ્રીય સમિતિ (૧૯૪૬) અને બુરાકુ લીબરેશન લીગ(૧૯૫૫), સોસાયટી ફોર ઈન્ટીગ્રેશન (૧૯૬૦) તથા ઓલ જાપાન બુરાકુ લિબરેશન મૂવમેન્ટ (૧૯૭૬) જેવા સંગઠનો દ્વારા તેમણે આંદોલનો કર્યા છે. અન્યાય અને અત્યાચારો સામે પ્રતિકાર અને વાજબી હકો તેમણે સંઘર્ષ કરી મેળવ્યા છે. બુરાકુ લિબરેશન લીગના લડાકૂ નેતા જિઈચિરો માત્સુમેતો (૧૮૮૭-૧૯૬૬) બુરાકુઓના મુક્તિદાતા ગણાય છે.

બંધારણના સમાનતાના અધિકારને જમીન પર ઉતારવા સરકારે પ્રયાસો કર્યા છે. ગાંધી જન્મ શતાબ્દી વરસ ૧૯૬૯માં આરંભાયેલી બુરાકુ માટેની ખાસ સવલતો – રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ અને રોજગારે તેમની સ્થિતિમાં સુધારો આણ્યો છે. લગ્ન અને રોજગારમાં ભેદભાવ ઘટ્યો છે. ૧૯૩૦માં માંડ ૧૦ ટકા બુરાકુમિન અન્ય સાથે લગ્ન કરી શકતા હતા તે હવે વધીને ૬૦ ટકે પહોંચ્યા છે. પરંતુ હજુ સરેરાશ જાપાનીના માનસમાં બુરાકુમિન પ્રત્યેનો ભેદભાવ કે દુર્ભાવ ઓછો થયો નથી. ૨૦૦૩નો ટોક્યો મેટ્રોપોલિટન સરકારના સર્વેમાં ૭૬ ટકા ટોક્યોવાસીઓએ બુરાકુમિન વિશેનો તેમનો ભેદભાવભર્યો મત બદલ્યો ન હોવાનું કે પાંચ ટકાએ તેમને કદી પોતાના પાડોશી તરીકે નહીં સ્વીકારવાનો મત વ્યક્ત કર્યો હતો. બુરાકુમિન નેતાઓએ ખાનગી કંપનીઓમાં બુરાકુમિનને નોકરી ના આપવા માટે બિનબુરાકુઓએ તૈયાર કરેલી તેમના નામ-સરનામા સાથેની ૩૩૦ પાનાંની હસ્તલિખિત યાદીની નકલ સરકારને આપી છે. બુરાકુઓની વસ્તીના અધિકૃત આંકડાઓ તો ઉપલબ્ધ નથી, પરંતુ તેમના નેતાઓ દેશની આશરે ૧૨ કરોડની વસ્તીમાં તેમની વસ્તી ૧૦થી ૩૦ લાખ હોવાનું જણાવે છે. બુરાકુઓના રાજકીય પ્રતિનિધિત્વનો સવાલ પણ છે જ. બુરાકુઓના વંશજો માટે પણ કેવો ભેદ રખાય છે તેનું એક આંખ ઉઘાડનારું ઉદાહરણ જાણવા જેવું છે. ૨૦૦૧માં તત્કાલીન જાપાની સરકારમાં નંબર ૨નું સ્થાન ધરાવતા હિરોમુ નોનકાનું નામ વડા પ્રધાનના ઉમેદવાર તરીકે ચર્ચામાં હતું. પરંતુ તેઓ બુરાકુમિન હોવાથી વડા પ્રધાન પદના અન્ય ઉમેદવાર તારો એસોએ ‘અમે કોઈ બુરાકુને વડા પ્રધાન બનવા દઈશું નહીં’ તેવો જાહેર હુંકાર કર્યો હતો અને બહુમતી જાપાની મતદારોએ તેમનું સમર્થન કર્યું હતું.

જાપાની સમાજ તેમના અસ્પૃશ્યોને સ્વીકારવા તૈયાર નથી તો સરકાર બુરાકુમિનને બંધારણીય સમાનતા આપે છે, પરંતુ તેનો કાયદેસર ભંગ કરી ભેદભાવ આચરનારને સજા કે દંડની જોગવાઈ કરતી નથી. એટલે એકરસ કે સમરસ થવાનો માર્ગ બુરાકુઓ માટે ભારે કઠિન છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

28 March 2024 Vipool Kalyani
← ‘અદુલી’ એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ 
बहुसंख्यकवादी नैरेटिव को टेका लगाती फिल्में: स्वातंत्र्यवीर सावरकर →

Search by

Opinion

  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved