
દેવીકા ધ્રુવ
જેમ સમયનું વિસ્મય છે તેમ ‘ઉંમર’ શબ્દનું વિસ્મય પણ છે અને રહસ્ય પણ છે. એક નહિ પણ એના ઘણાં બધાં રહસ્યો છે અને અનેક અર્થછાયાઓ છે. પહેલાં તો વિચાર એમ આવે કે ઉંમર એટલે ઉંમર. એમાં વળી શું રહસ્યો? સાચી વાત છે. પણ ગુજરાતી ભાષાના શબ્દોને સમૃદ્ધિની દેન છે. એટલે કે, શબ્દોમાં, એના અર્થોમાં, ભાવોમાં, સૌંદર્યમાં અનોખી તાકાત છે. જરાક ઊંડા ઉતરીને છણાવટ કરવા બેસીએ તો એમાંથી રસપ્રદ મઝાની વાતો મળતી જશે.
પહેલો સવાલ એ કે, ઉંમર શબ્દ આવ્યો ક્યાંથી? તો એ મૂળ અરબી શબ્દ उम्र પરથી ઉતરી આવેલો સ્ત્રીલિંગ શબ્દ છે. શબ્દકોષ મુજબ એનો અર્થ વય, વર્ષ, જીવનકાલ, આયુષ્ય વગેરે કરવામાં આવે છે તે તો સર્વવિદિત છે. અંગ્રેજી ડિક્ષનેરી પણ કહે છે કે, the length of time that a person has lived or a thing has existed. એટલે કે, સજીવ વ્યક્તિ, નિર્જિવ વસ્તુ કે ઘટનાના સમયનું માપ એટલે ઉંમર. પણ એનાયે વિભાગો કેટલા બધા? જો માનવજાતની વાત કરીએ તો બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વયોવસ્થા વગેરે. જો જીવનની વાત કરીએ તો દશકો, શતકો / સદીઓ, યુગો વગેરે. દિવસનું પણ કલાકો, મિનિટો અને સેકંડમાં વિભાજન. કુદરતની વાત કરીએ તો ૠતુઓના ભાગ. હવે આ દરેક વિભાગ એક યા બીજી રીતે કશાકની સાથે જોડાયેલા છે.
હવે વાત વિચારીશું માણસની ઉંમરની કે એ કોની સાથે જોડાયેલી છે. દરેક વ્યક્તિની ઉંમર મન સાથે જોડાયેલી છે અને તન સાથે તો જરૂર જોડાયેલી છે. આપણે ભલે કહીએ કે, ઉંમર એ માત્ર નંબરો છે. સરસ વાત છે અને એ જીવનને હકારાત્મક રસ્તે રાખવાનું એક જરૂરી મનોબળ પણ આપે છે; પણ હકીકતે ઉંમર મુજબ દરેકનાં તન અને મન, બંનેના આવેગો સંકળાયેલા હોય છે. એટલે કે, દરેકની ઉંમર પ્રમાણે કાર્ય, કર્મ, ક્રિયાઓ, ગતિ, વિચારશક્તિ, સ્વભાવ વગેરે અલગ અલગ બનતાં જતાં હોય છે. એટલે ઉંમરનું આ એક પહેલું રહસ્ય છે. મા,પા,બા, બોલતા, ભાખોડિયાં ભરતા,પા પા પગલી માંડતા બાળકથી માંડીને જીવનની સંધ્યાએ પહોંચેલ, લાકડીને ટેકે ચાલતી અને સૂના બાંકડે બેઠેલ પ્રત્યેક વ્યક્તિની ગતિ-વિધિ, ઉંમર મુજબ બદલાતી રહેતી હોય છે. બીજું, ઉંમર પ્રમાણે બોલી બદલાય છે, રમકડાં બદલાય છે, ટેવો બદલાય છે, વર્તન બદલાય છે. જ્યારે આપણે ૧૦ની ઉંમરના હોઈએ ત્યારે આઈસ્ક્રીમ, ચોકલેટમાં રસ હોય, ૨૦ વર્ષની ઉંમરે ભણવામાં, કેરિયરમાં અથવા યૌવન સહજ ઊર્મિઓમાં રસ જાગે, ૩૦ની ઉંમરે પરિવાર, ઘર વગેરેમાં રસ હોય અને પછી તો જેમજેમ ઉંમર વધે તેમતેમ જરૂરિયાતો, શોખ અને ઘણું બધું બદલાતું જાય છે.
હવે ઉંમરની આ બધી વિવિધતાને કારણે ભાષામાં એના ઉપરથી કેટકેટલી મઝાની કહેવતો, રુઢિપ્રયોગો વગેરે રચાયાં? બીજા શબ્દોમાં ઉંમર, તેની આ અલગ અલગ ગતિ-વિધિ મુજબ સાહિત્યના ખજાના સાથે સંકળાઈ એ પણ એક રસપ્રદ વાત જ ને?
જુઓઃ
ઉંમરમાં આવવું, પરણવાની ઉંમરે પહોંચવું, ઉંમરે પહોંચવું, અંતિમ પડાવે આવવું, અવસ્થાએ પહોંચવું, વાળ ધોળા થયા. વગેરે વગેરે.
આટલી વાત પછી આ બધી કહેવતોના અર્થ ભાગ્યે જ સમજાવવાની જરૂર રહે છે.
હવે મુદ્દો તનનો વિચારીએ તો, ચહેરાની રેખાઓથી માંડીને ચામડી, ચાલ અને કદ પણ બદલાય છે એ તો સૌ કોઈ જાણે છે. પ્રત્યેક જીવ માત્રને માટે થતી રહેતી એ અનિવાર્ય સ્થિતિઓ છે અને છતાં નવાઈની અને રહસ્યની વાત તો એ છે કે, આપણે આપણને રોજેરોજ દર્પણમાં જોઈએ છીએ પણ ક્યારે અને કેવી રીતે આ બદલાવ થયો એ કોઈને ખબર પડતી નથી. બોલો, આ ઉંમરનો જ તકાજો નહિ તો બીજું શું?
રોજ રોજ નજરોની સામે જ દિવસ ને રાત, કેવું હરતું ને ફરતું .
સાવ કાચી માટીનું સજેલું આ પૂતળું, ક્યારે કાયાને બદલતું.
પૂછો તો પૂછો, કોઈ કોને કે કેવી રીતે ને કોણ કરતું?
કોની કરામત ને કેવાયે તારથી જાદૂઈ ખેલ બધા રચતું …..
કુદરતમાં પણ આ જ છે ને?
હવે આટલી વાત અને આ સમજણ તો બધાંને જ છે. તો ઉંમર વિશે બીજી જે ખાસ વાત છે તે એની હળવી હળવી અને મસ્તીભરી ઘટનાઓ. કેટલાક લોકો એવા હોય છે કે તેમને ઉંમર વધવાની સાથે કેટલીક અસમર્થતાઓ ઊભી થતી હોય છતાં તેઓ એ સ્વીકારવા તૈયાર હોતા નથી. આમ તો એ સારી વાત કહેવાય. પણ એમાંથી કેટલીક વાર છબરડાઓ ઊભા થતા હોય છે. ખાસ કરીને આંખ અને કાનની તકલીફને કારણે. આ લખતાંની સાથે – ઓહો, અનાયાસે જ દલપતરામનું એક વર્ષો જૂનું પાત્ર જીવરામ ભટ્ટ સાંભરે છે. એમને રાત્રે દેખાતું નથી અને છુપાવવા જાય છે. પણ પછી તો રાતના જમવાના સમયે કંસાર પીરસતા સાસુને, પાડી સમજીને લાત મારે છે અને પછી પોકળ બહાર પડે ત્યારે કેવું હાસ્ય નીપજે છે! એટલે ઉંમર ન સ્વીકારવાનું મિથ્યાભિમાન આવા ખેલો ઊભા કરે છે.
આવી રીતે કાનની તકલીફને કારણે ઊભા થતા હજારો દાખલાઓ મળી આવે છે. એના ઉપરથી તોઃ “મારી સાસુએ એમ કહ્યું કે ગોખમાં દીવો મેલ. મેં ભોળીએ એમ જાણ્યું કે, સોડમાં દીવો મેલ’ જેવાં ગીતો પણ રચાતાં અને રમૂજી ટુચકા તો અસંખ્ય મળી આવે.
એક માણસ તો વળી ઉંમરને કારણે સાંભળે ઓછું પણ પોતે બહેરો છે તે વાત માને જ નહિ. એની સાથે વાત કરનાર વ્યક્તિ મોટેથી બોલે તો એ તરત તાડૂકેઃ ધીમે બોલ ને, હું કોઈ બહેરો નથી!
અહીં સુરેશ દલાલની એક મઝાની પંક્તિઓ યાદ આવે છે.
આંખ તો મારી આથમી રહી ને કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે: હમણાં હું તો ચાલી.
આ છે ઉંમરની વાસ્તવિકતા.
કેટલાકને વળી ખરેખર ઉંમર જણાતી નથી હોતી. તંદુરસ્તી એવી જાળવી રાખી હોય કે ૮૦ની ઉંમરે પણ ગરબા ફરી શકે અને નૃત્ય પણ કરી શકે. પણ ખૂબી તો એ છે કે, તેમને જોનાર પ્રશંસા કર્યા પછી એક વાત તો જરૂર ઉમેરે કે, વાહ … આ ઉંમરે પણ તમે સરસ નાચી શકો છો! દેખાવ સુંદર લાગે તો પણ વખાણ કરતાં પેલું વાક્ય તો ઉમેરે જ, “આ ઉંમરે પણ ..” એટલે આ ઉંમરનો ઉલ્લેખ કર્યા વગર તો કોઈ વાત કરે જ નહિ. જો વધુ યાદ કરીશું તો આપણે પણ દાદીમા માટે એમ કહેતા કે બાને “આ ઉંમરે” પણ કેટલું બધું હજી યાદ છે! અને નવાઈ તો એ છે કે આપણને આપણી “એ ઉંમરે” એવી સમજણ નથી હોતી પણ છેક દાદીની ઉંમરે પહોંચીએ છીએ ત્યારે જ સમજાય છે! એટલે ઉંમર, સમજણ સાથે પણ કેવી સંકળાયેલી છે?
સાચે જ, કહેવાયું છે ને કે, “ઉંમરનો સૂરજ આસમાને જેમજેમ ચડતો જાય તેમતેમ આપણા અહંનો પડછાયો અને સકલ બ્રહ્માંડમાં આપણો પોતાનો આપણે જ કાઢેલો ક્યાસ નાનો ને વાસ્તવિક થતો જાય છે.”
આમ, ઉંમર શબ્દને વિસ્તારથી આ રીતે વિચાર્યા પછી કહેવાનું તો એટલું જ રહે કે, ઉંમર ઉંમરનું કામ કરે અને આપણે આપણું. કારણ કે, Age is a matter of mind over matter. If you don’t mind it doesn’t matter.
દરેક ઉંમરને એનું સૌંદર્ય છે. ચહેરાની દરેક રેખા, દરેક કરચલી કે ઉંમરના દરેક સળની પાછળ એક અણકહી વાર્તા છુપાયેલી છે. ઇંગ્રિડ બર્ગ્મેનનું એક સરસ વાક્ય છે જેનો ભાવ એવો છે કે, ઉંમર એ એક પર્વત પરનું ચઢાણ છે. છેક ટોચ પર પહોંચીને પાછું વળી જોઈએ તો દૃશ્ય ખૂબ રળિયામણું લાગે. અબ્રાહમ લિંકને પણ એ જ કહ્યું છે ને કે, It is not years in your life that count. It’s the life in your years.
શારીરિક ઉંમર ભલે વધે, માનસિક ઉંમર વધવા ન દેવી. સફળતાની અને સુખની એ એક જ ચાવી. અમેરિકન એક કવયિત્રી પૅટ્રિસિયા ફ્લેમિન્ગની ઘણી કવિતાઓમાંથી ઉંમરના વર્ણન હોય છે અને તેમાંથી પ્રેરણાત્મક સંદેશાઓ મળે છે. તેમની એક લાંબી કવિતા I’m still hereના થોડા મને ગમતા અંશ સાથે આ લેખનું સમાપન કરું.
My looks are nothing special,
My face reveals my age,
My body shows some wear and tear,
And my energy’s not the same.
Too often my memory fails me,
And I lose things all the time.
One minute I know what I plan to do,
And the next it may just slip my mind.
I’m still quite aware of the beauty inside,
And my value should not be dismissed.
I’m still here and want so much to live,
And I know that there’s no one in this world quite like me,
And no one who has more to give.
ઉંમરનાં સૌંદર્યની કેવી સરસ વાત! “I’m still quite aware of the beauty inside,
And my value should not be dismissed.”
ઑક્ટોબર ૨૨, ૨૦૨૪
e.mail : ddhruva1948@yahoo.com