મેં રાજકીય આકલન કરવામાં અનેક ભૂલો કરી છે એમાં સૌથી મોટી ભૂલ ઉદ્ધવ ઠાકરે વિશેની છે. તેઓ પ્રચંડ સંકટની વચ્ચે જે સ્વસ્થતાથી અને સભ્યતા સાથે મહારાષ્ટ્રમાં શાસન કરી રહ્યા છે એ જોઇને તેમના વિરોધીઓ પણ મોંમાં આંગળા નાખી ગયા છે. ખાસ કરીને ત્યારે, જ્યારે કોઈ રાજકીય પક્ષનો નઠારાપણાનો પચાસ વરસ લાંબો ઇતિહાસ હોય. એક લાંબો અને દંતકથારૂપી વારસો હોય ત્યારે તો ચીલો ચાતરવો બહુ અઘરો હોય છે.
૧૯૬૭માં શિવસેનાની સ્થાપના કૉન્ગ્રેસીઓએ અને મુંબઈના ઉદ્યોગપતિઓએ મળીને સામ્યવાદી પક્ષના મજૂર સંગઠનોને તોડવા માટે કરી હતી. એ કૉન્ગ્રેસની અને ઉદ્યોગપતિઓની આજની વાણીજ્ય પરિભાષામાં કહીએ તો સ્પેશ્યલ પર્પઝ વેહિકલ હતી. કૉન્ગ્રેસના નેતાઓ શાસનમાં હતા એટલે કાયદો તોડી ન શકે, કાયદો હાથમાં ન લઈ શકે, વાંકી આંગળી કરીને ઘી કાઢી ન શકે એટલે એવા કોઈ તોફાની પરિબળની જરૂર હતી જે ઇશારે તોફાન કરે અને ઇશારે શાંત થઈ જાય. શિવસેનાએ આ સોંપેલી ભૂમિકા લગભગ બે દાયકા ભજવી હતી. ૧૯૮૯ પછી કૉન્ગ્રેસ નબળી પડી અને સેના કૉન્ગ્રેસથી સ્વતંત્ર થવા લાગી.
બાળ ઠાકરેએ રાજકારણની તેમની પોતીકી શૈલી વિકસાવી હતી. પોતાના તખ્ત પરથી ઊઠીને ક્યાં ય નહીં જવાનું. ચમરબંધીને પણ બાળ ઠાકરેને મળવા જવાનું. તેઓ બોલે તે કાયદો. ગમે તેની ઐસી તૈસી. તેમના રાજકારણને પોષનારા અને તેનો લાભ લેનારા (ક્લાયન્ટ કહો કે બીજું કાંઈ) કૉન્ગ્રેસના નેતાઓ અને કુબેરપતિઓની પણ એસીતૈસી. બાળ ઠાકરે આ બધું જ કરતા હતા પણ મર્યાદામાં રહીને. તેમનો ઉપયોગ કરનારાઓ પણ તેમની આ વિકસાવેલી ઈમેજનો ખપ જાણતા હતા એટલે આદર કરતા હતા અને તેમને મળવા તેમના ઘેર તેમના દરબારમાં જતા હતા. તેમને ખબર હતી કે સાહેબનો હુંકાર અથવા વાઘની ડણક દ્વારા એવા કામ થઈ શકે છે જે સત્તા દ્વારા સતાવાર રીતે નથી થઈ શકવાના. રાજકીય પક્ષ ઠર્યો એટલે કોઈ એજન્ડા તો જોઈએ એટલે મરાઠી અસ્મિતા.
આને કારણે લગભગ બે-અઢી દાયકા સુધી તો શિવસેનાને એક ગંભીર રાજકીય પક્ષ તરીકે જોવામાં નહોતી આવતી અને બાળ ઠાકરેએ ગંભીર રાજકારણ કર્યું પણ નહોતું. ૧૯૮૯ પછીથી તેમણે ગંભીરતાપૂર્વક સંસદીય રાજકારણ કરવાનું શરૂ કર્યું હતું અને બી.જે.પી. સાથે ભાગીદારી કરી હતી. બાળ ઠાકરેએ રાજકીય શૈલી તો એ જ રાખી, પણ હવે ચૂંટણીકીય રાજકારણ પ્રમાણમાં ગંભીરતાપૂર્વક કરવા માંડ્યું. કૉન્ગ્રેસ વિરોધી જુવાળ હતો, બી.જે.પી.નો સાથ હતો અને બાળ ઠાકરેની ટીપિકલ રાજકીય શૈલી હતી. આનું પરિણામ તો મર્યાદિત જ હતું, કારણ કે ભારતમાં રાજકીય પક્ષના નેતાએ ચોવીસે કલાક ઊભા પગે રહેવું પડતું હોય છે અને સેવક તરીકે ઉપસ્થિત થવું પડતું હોય છે જે બાળ ઠાકરે કરી શકતા નહોતા.
બાળ ઠાકરે જ્યારે વૃદ્ધ થયા અને બીમાર રહેવા લાગ્યા ત્યારે પ્રશ્ન થયો કે આ વિશિષ્ટ શૈલીનું રાજકારણ નવા યુગમાં સીનિયર ઠાકરેની ગેરહાજરીમાં કોણ આગળ લઈ જઈ શકે અને કઈ રીતે? ત્યારે એક જ નામ હતું, બાળ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરે. આ લખનાર સહિત દરેક રાજકીય સમીક્ષક માનતો હતો કે દેખીતો વારસદાર રાજ ઠાકરે જ હોઈ શકે. બાળ ઠાકરેને ભારતીય રાજકારણમાં જોવા મળે છે એમ ભત્રીજા કરતાં દીકરો વધારે વહાલો હતો. તેમણે જ્યારે પોતાના પુત્ર ઉદ્ધવ ઠાકરેને પોતાના વારસદાર ઘોષિત કર્યા ત્યારે દરેકની પ્રતિક્રિયા એવી હતી કે બાળ ઠાકરેની વિદાય પછી શિવસેના સંકેલાઈ જશે અને રાજ ઠાકરેએ સ્થાપેલો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તેની જગ્યા લઈ લેશે.
ઉદ્ધવ ઠાકરે વન્ય ફોટોગ્રાફી કરતા હતા. તેઓ સેનાના જાહેર કાર્યક્રમોમાં ભાગ્યે જ નજરે પડતા હતા. તેઓ કોઈને આંજી દે એવા વક્તા નથી. તેમને સેના સ્ટાઈલમાં તડફડ કરતાં આવડતું નથી અને ધમકાવતા કે ગાળો દેતા આવડતું નથી. ઓછું બોલે, ઓછું ફરે અને પાછું બધું જ પ્રભાવ વિનાનું. આ માણસ કાંઈ કરતાં કાંઈ ઉકાળી શકશે એમ કોઈને લાગતું નહોતું. બાળ ઠાકરેને પણ થોડીક શંકા હતી એમ મારું માનવું છે, કારણ કે તેમણે મૃત્યુના થોડા દિવસ પૂર્વે દશેરાની રેલીમાં વીડિયો કોન્ફરન્સમાં શિવસૈનિકોને સંબોધતા કહ્યું હતું કે તમે જેમ મને પ્રેમ કર્યો છે અને સાથ આપ્યો છે એમ ઉદ્ધવને આપતા રહેજો. આમાં કાકલૂદી હતી.
ભારતીય રાજકારણમાં પિતાનું રાજકારણ પુત્ર આગળ લઈ જાય એ કોઈ નવી વાત નથી; પણ પિતાના રાજકારણની ખાસ શૈલી હોય, બ્રેન્ડ વેલ્યુ હોય, કોઈ પણ ઓળખી શકે એવી સિગ્નેચર હોય ત્યારે એ આગળ લઈ જવું એ અઘરું કામ છે. ઉદ્ધવ ઠાકરે કરી શક્યા છે અને રાજ ઠાકરે એમાં નિષ્ફળ નીવડ્યા છે.
આવું અણધાર્યું કેમ બન્યું? રાજકીય સમીક્ષકો ક્યાં થાપ ખાઈ ગયા?
તેમની સૌથી મોટી શક્તિ એ છે કે તેઓ બાળ ઠાકરેની નકલ કરતા નથી. તેમને ખબર છે કે તેઓ બાળ ઠાકરે નથી ઉદ્ધવ ઠાકરે છે. યુગ બદલાઈ ગયો છે, રાજકારણનું સ્વરૂપ બદલાઈ ગયું છે, મૂલ્યવ્યવસ્થા બદલાઈ ગઈ છે, ટેડી આંગળીનું શાસ્ત્ર બદલાઈ ગયું છે વગેરે. અત્યારના નેતાઓ ગાંધીયુગના નેતા નથી જેને આંગળી વાંકી કરવામાં શરમ આવે અને કોઈ પાસે એવું કામ કરાવવું પડે. અત્યારના સર્વોચ્ચ શાસકો પોતે જ આંગળી વાંકી કરી લેતા હોય છે. તેમણે ક્યારે ય તેમના પિતાની રાજકીય શૈલીની નકલ કરી નથી. ઉદ્ધવ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે પાસે જે મૂડી હતી તે જ વાપરી હતી અને તેમાં વધારો કર્યો હતો.
આ બાજુ રાજ ઠાકરેએ કાકાની નકલ સિવાય કાંઈ કર્યું નથી એટલે ફેંકાઈ ગયા છે. વાઘની ડણક ત્યારે જ કામ કરે જ્યારે એ ડણકનો રાજકીય ખપ હોય. ઉદ્ધવ ઠાકરેએ મરાઠીવાળો શિવસેનાનો રાજકીય મુદ્દો પણ પડતો મુક્યો છે. તેમને સમજાઈ ગયું છે કે આનાથી કોઈ રાજકીય લાભ નથી. ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાને એક ધોરણસરના રાજકીય પક્ષમાં કાયાપલટ કરી છે. એક એવા પક્ષની કાયાપલટ કરી છે જે પાચ દાયકાની એક અલગ જ ઓળખ ધરાવતો હતો. બી.જે.પી.ને સેક્યુલર પાર્ટી બનાવવી એ જેટલું અઘરું છે, એટલું જ અઘરું આ કામ હતું. ઉદ્ધવ ઠાકરે એ કરી શક્યા છે, કારણ કે એ પ્રામાણિક અને પ્રતિબદ્ધ છે.
ગયા વરસે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી બી.જે.પી.એ અંચાઈ કરી અને સંજોગો એવા બન્યા કે ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવા મળ્યું. આની પણ કોઈએ કલ્પના કરી નહોતી. છેલ્લા બે મહિનાથી તેઓ કોવિડના સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. ઉશ્કેરાયા વિના, કોઈના ઉપર દોષારોપણ કર્યા વિના, હિંદુ-મુસ્લિમ કર્યા વિના; એક સાચુકલી નિસબત ધરાવતા સંસ્કારી, સ્વસ્થ અને પીઢ નેતાને શોભે એ રીતે. કોઈ નબળી કે નીચ વાત તેમણે કરી નથી. તેઓ મહારાષ્ટ્રની જનતાને અડધો કલાક સંબોધે છે તેનો વીડિયો જોવા જેવો છે. કોઈ વેપારી પોતે ક્યાં ઊભો છે એ સમજવા માટે જેવી આવક-જાવકની બેલેન્સશીટ રજૂ કરે એવી કોવિડની બેલેન્સશીટ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન લોકો સમક્ષ રજૂ કરે છે. પાછા લોકોનો આત્મવિશ્વાસ જળવાઈ રહે એ રીતે. પાલઘર પ્રકરણ વખતે તેમણે કહ્યું હતું કે મોટી લડાઈ નાની વાતો કરવાથી કે નાનાં કામો કરવાથી નથી જીતી શકાતી.
આ લખનાર જેવા આખી જિંદગી શિવસેનાનો વિરોધ કરનારાઓ પણ ઉદ્ધવ ઠાકરેને જોઇને મોમાં આંગળા નાખી ગયા છે. આટલી શાલીનતા, આટલી નિસબત, આટલી પરિપક્વતા આટલી પ્રામાણિકતા ‘માતોશ્રી’માં ઉછરી, વિકસી, ઘડાઈ અને ટકી રહી એ એક આશ્ચર્ય છે!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 મે 2020