
રમેશ સવાણી
વડા પ્રધાન કે મુખ્ય મંત્રી ત્યાં સુધી સત્તામાં રહી શકે જ્યાં સુધી લોકસભા કે વિધાનસભામાં તેમની પાસે બહુમતી હોય. જો સંસદસભ્ય કે ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુ કેદની સજા થાય તો તે સંસદ કે ધારાસભાનું સભ્યપદ ગુમાવે છે. એટલે કે વડા પ્રધાન કે મુખ્ય મંત્રી તરીકે રહી શકે નહીં. હાલ આ જોગવાઈ છે.
કેન્દ્ર સરકાર એટલે કે વડા પ્રધાન / ગૃહ મંત્રી ‘Constitution Amendment Bill’ (બંધારણમાં 130મા સુધારા બિલ, 2025) દ્વારા એવો સુધારો કરવા ઈચ્છે છે કે “વડા પ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્ય મંત્રી અથવા રાજ્ય મંત્રીને 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે, જેમાં પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે છે, તો તેમણે ધરપકડના 31મા દિવસ પહેલા રાજીનામું આપવું પડશે. જો તેઓ આમ નહીં કરે, તો તેમને મંત્રી પદ પરથી દૂર કરવામાં આવશે.”
પ્રથમ દૃષ્ટિએ એવું લાગે કે વડા પ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્ય મંત્રી અથવા રાજ્ય મંત્રીને 30 દિવસ સુધી જેલમાં રહે તો તેમને દૂર કરવા જ જોઈએ. તો જ રાજકારણમાં સુધારો આવશે અને મંત્રીઓ ભ્રષ્ટાચાર કરતા અટકશે.
પણ ના, આ ઉદ્દેશ નથી, છૂપો ઉદ્દેશ એ છે કે વિપક્ષના મુખ્ય મંત્રી / મંત્રીઓને સત્તામાંથી દૂરનો છે, એટલે જ વિરોધપક્ષોએ આ બિલનો સજ્જડ વિરોધ કરેલ છે.
મોદી સરકારનો ઇતિહાસ રહ્યો છે કે એમણે હંમેશાં એવા કાયદા બનાવ્યા છે જેમાં એમની સત્તા મજબૂત બને અને લોકોના અધિકારો મર્યાદિત બને. કાળ ત્રણ કૃષિ કાનૂનો તેનું ઉદાહરણ છે.
થોડા સવાલો :
[1] વિપક્ષના મુખ્ય મંત્રી / મંત્રીઓ પર કેસ કોણ કરે? CBI / ED / ઈન્કમટેક્સ / ANI વગેરે કેન્દ્ર સરકારની એજન્સીઓ. આ એજન્સીઓ વડા પ્રધાન / ગૃહ મંત્રીની સૂચના મુજબ કામ કરે છે. એટલે વિપક્ષના મુખ્ય મંત્રી / મંત્રીઓ પર કેસ કરવો અને તેમને 30 દિવસ સુધી જામીન ન મળે તેવું વડા પ્રધાન/ ગૃહ મંત્રી સરળતાથી ગોઠવી શકે છે. ન્યાયતંત્રમાં પણ કરોડરજ્જુ વગરના જજ હોય છે. એટલે જો વિપક્ષના સભ્યો કાળાં નાણાંથી ખરીદી ન શકાય તો તેમને CBI / ED / ઈન્કમટેક્સ મારફતે જેલમાં પૂરી શકાય.
[2] આ બિલ કોણ લાવી રહ્યું છે? કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ. જે પોતે ત્રણ હત્યાઓ અંગે જેલમાં જઈ આવ્યા છે અને સુપ્રીમ કોર્ટે ગુજરાતમાંથી તેમને તડીપાર કર્યા હતા !
[3] વળી આ બિલમાં વિપક્ષના મુખ્ય મંત્રી / મંત્રીઓની ધરપકડ અંગે ચોખવટ નથી ! વિપક્ષને અસ્થિર કરવા જ આ બિલ લાવવામાં આવી રહ્યું છે, તે સ્પષ્ટ થાય છે. શું વડા પ્રધાન / ગૃહ મંત્રી પક્ષપાત નહીં કરે? શું સત્તાપક્ષે ક્યારે ય પોતાના મુખ્ય મંત્રી સામે કેસ કર્યો છે? ચૂંટણીમાં હરાવી ન શકાય તો આ રીતે વિપક્ષના મુખ્ય મંત્રી / મંત્રીઓનો કાંટો કાઢી શકાય !
[4] 30 દિવસ કસ્ટડીમાં રહે તેનો અર્થ એ થયો કે વર્તમાન મુખ્ય મંત્રી / મંત્રીઓને હટાવવાની કાર્યવાહી તપાસ અને ટ્રાયલ દરમિયાન જ શરૂ થશે, દોષિત ઠેરવ્યા પછી નહીં. શું આ ખતરનાક જોગવાઈ નથી? શું સત્તાપક્ષ આ જોગવાઈનો દુરુપયોગ ન કરે?
[5] સત્તાપક્ષમાં-ભા.જ.પ.માં જ બળાત્કારીઓ / હત્યારાઓ / તડીપાર / નફરતીઓ / ભષ્ટ્રાચારીઓ મોટી સંખ્યામાં છે. વડા પ્રધાન તેમની સામે કોઈ કાર્યવાહી કરવાને બદલે, તેઓ વિરોધ પક્ષોને તોડીને તેમને જેલમાં મોકલવાનું કામ કરી રહ્યા છે. લોકશાહીમાં આ ઉચિત કહેવાય? શું સરમુખત્યારશાહી તરફનું આ પગલું નથી?
[6] અટકાયત કરાયેલા મંત્રીને દૂર કરવાની બંધારણમાં કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. તેથી, બંધારણના આર્ટિકલ-75, 164 અને 239AAમાં સુધારો કરવાની જરૂર હોઈ શકે. આર્ટિકલ-75 વડા પ્રધાન અને કેન્દ્રીય પ્રધાનો સાથે સંબંધિત છે. આર્ટિકલ-164 રાજ્ય પ્રધાનો સાથે સંબંધિત છે અને આર્ટિકલ-239AA દિલ્હી જેવા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સાથે સંબંધિત છે. જો બિલનો મુખ્ય હેતુ આવા કિસ્સાઓમાં કાનૂની માળખું પૂરું પાડવાનો હોય અને રાજકારણમાં ગુનાહિત તત્ત્વોને રોકવાનો હોય તો વાંધો નથી. પરંતુ વડા પ્રધાન મોદીજી અને ગૃહ મંત્રી અમિત શાહ સત્તાનો દુરુપયોગ કરવાના ખેલાડી છે. એમની મથરાવટી જ એટલી મેલી છે કે કોઈ વિશ્વાસ મૂકે?
[7] નવી જોગવાઈ મુજબ ‘જો વડા પ્રધાન પોતે 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે તો તેમણે 31મા દિવસે રાજીનામું આપવું પડશે.’ પરંતુ વડા પ્રધાનને એરેસ્ટ કરે કોણ? શું આ જોગવાઈ ગલગલિયાં કરાવવા માટેની જ નથી? યૌન શોષણ કરનાર બ્રિજભૂષણસિંહને એરેસ્ટ કરાતો નથી ત્યાં વડા પ્રધાનને એરેસ્ટ કરવાની જોગવાઈનો કોઈ અર્થ ખરો?
[8] આ નવી જોગવાઈથી રાજકારણનો ચહેરો બદલવાનો નથી, હા વિપક્ષનો ચહેરો જરૂર બદલી જશે ! શું આ બિલ રાજકારણને ગુનામુક્ત બનાવવા માટે એક મોટો સુધારો છે? ના બિલકુલ નહીં. સત્તામાં બેઠેલા ગુનેગારો સુધરે તોપણ દેશની મોટી સેવા થાય !
[9] આ બિલ ફક્ત ધરપકડના આધારે કાર્યવાહીની મંજૂરી આપશે. જે ‘સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ’ના સિદ્ધાંતનો ભંગ નથી?
[10] દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની દારૂનીતિ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેઓ પદ પર રહ્યા. આવી સ્થિતિ નિવારી શકાશે. જેલમાં બેઠા બેઠા મંત્રીપદ ભોગવે તે સ્થિતિ હાસ્યાસ્પદ તો છે જ; પરંતુ માત્ર વિપક્ષી મુખ્ય મંત્રીને / મંત્રીને જેલમાં કેમ પૂરવામાં આવે છે? શું સત્તાપક્ષમાં બધા દેવદૂતો જ હશે?
[11] વિપક્ષી મુખ્ય મંત્રી / મંત્રીની ધરપકડની સમીક્ષા કરવા માટે એક ‘સ્વતંત્ર સમિતિ’ ન હોવી જોઈએ? જે કોઈપણ દબાણ વિના અને પ્રામાણિકતા સાથે તપાસ કરે. શું આ શક્ય છે? મોદીજી સત્તામાં હોય ત્યારે આ શક્ય નથી. મોદીજીના બધા મોટા નેતાઓ ગુનેગાર છે. પરંતુ ભા.જ.પ.માં રહીને તેમને ક્લીનચીટ મળી ગઈ છે. અને હવે તેઓ ગુનેગાર નથી પણ દેવદૂત છે ! મોદીજીની નજરમાં, વિપક્ષથી મોટો ગુનેગાર કોઈ નથી, કારણ કે વિપક્ષે મોદીજીની હાલત ખરાબ કરી દીધી છે. મોદીજીની લોકપ્રિયતા ખતમ થવાના આરે છે. લોકોએ તેમની રેલીઓમાં જવાનું બંધ કરી દીધું છે.
ટૂંકમાં, ભારતની લોકશાહીને શુદ્ધ કરવા માટે આ એક સાહસિક પગલું નથી પણ સ્વાર્થી પગલું છે. આ બિલનો ઉદ્દેશ્ય એક જ છે : સત્તા અમર રહેવી જોઈએ !
[કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય]
20 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર