તમને યાદ છે? ૨૦૨૦માં જ્યોર્જ ફ્લોઇડ નામના ૪૬ની વયના એક કાળા માણસને એક ગોરા પોલિસ અધિકારીએ ગળા પર પગ મૂકીને જાહેરમાં ફૂટપાથ પાસે મારી નાખેલો, ત્યારે થયેલા દેખાવોના માહોલમાં ટ્રમ્પ બાઇબલ લઈને એક ચર્ચની બહાર ફોટો પડાવવા ઊભેલા. કેટલો બધો ધાર્મિક માણસ છે આ! ટ્રમ્પ તો ખ્રિસ્તી ધર્મપ્રેમી કહેવાય.
આવા દેશભક્ત માણસ સામે આંદોલન થાય? આખા અમેરિકામાં અત્યારે જે આંદોલનો ટ્રમ્પની નીતિરીતિ સામે થઈ રહ્યાં છે, એ તો રશિયાના પુતિન અને ચીનના જિનપિંગનું કાવતરું છે. બાઈડન અને ઓબામા અને આખી ડેમોક્રેટિક પાર્ટી વિદેશી કાવતરાનો ભાગ બની ગઈ છે! નરેન્દ્ર મોદીની ૫૬ ઇંચની છાતી અહીં કામમાં લાગે એમ નથી, કારણ કે એમણે તો આ વખતની ચૂંટણીમાં ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’નો નારો લગાવ્યો નહોતો.
જો કે, મોદીએ ત્યાંના ભારતીયોને આદેશ આપી દીધો છે કે તેમણે ટ્રમ્પ વિરોધી આંદોલનમાં ભાગ લેવો નહીં. બદલામાં મોદીએ હમણાં જ ટ્રમ્પે ભારતની ચીજો પર લગાડેલી ઊંચી જકાત પાછી ખેંચી લેવી પડશે. મોદીની આ શરત ટ્રમ્પ સ્વીકારી ચૂક્યા છે એટલે અહીં ભારતમાં રામ મંદિરોમાં આજે ભારે ભીડ જામી છે! જેઓ કોઈ દિવસ મંદિરોમાં જતા નહોતા એવા યુવાનો પણ આજે તેથી ભગવાન રામને મોદીનું રાજ કાયમ તપે એવા આશીર્વાદ આપવા બે હાથ જોડીને વીનવવા દોડી ગયા છે.
ટ્રમ્પે જે ભારતીયોને તગેડી મૂકેલા એમને પાછા બોલાવીને વ્હાઈટ હાઉસમાં જ એમને નોકરી આપવાની જે બીજી શરત મોદીએ મૂકી તે પણ ટ્રમ્પે સ્વીકારી લીધી છે. ટ્રમ્પે તો ફોન પર એવું વચન આપ્યું કે તેઓ જાતે એમને આવકારવા એરપોર્ટ જશે.
અમેરિકનોને સમજણ જ પડતી નથી. એ લોકો ખોટેખોટો અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો દુરુપયોગ કરી રહ્યા છે. આવી સ્વતંત્રતા તો હોવી જ ન જોઈએ. કોણ આવા દેખાવો માટે ત્યાં પરવાનગી આપે છે? ગુજરાતની પોલિસને ટ્રમ્પ બોલાવે તો કોઈને દેખાવો માટે પરવાનગી આપે જ નહીં. ટ્રમ્પનો આ બાબતે ભૂપેન્દ્ર પટેલ પર ફોન આવ્યાના સમાચાર હમણાં જ મળ્યા છે!
અમેરિકાને ફરી મહાન બનાવવા માટે ટ્રમ્પ રોજ કેટલી બધી મહેનત કરે છે એનો અમેરિકનોને ખ્યાલ જ નથી. એમની મહેનત નકામી જશે. એમણે તો હમણાં જ કહ્યું કે તેઓ ત્રીજી વાર પણ પ્રમુખ બનવા તૈયાર છે. એને માટે કાયદામાં શો ફેરફાર કરવા એ તેઓ વિચારી રહ્યા હોય ત્યારે આવાં આંદોલનો થાય કંઈ?
ટ્રમ્પ જ દેશપ્રેમી છે. જુઓ, સમજો જરા એમણે ગેરકાયદે ઘૂસેલા લોકોને તગેડી મૂકવા ઝુંબેશ ઉપાડી, અને વિદેશી ચીજો પર વધુ જકાત નાખીને મોંઘી કરી નાખી. દુનિયા આખીને ડરાવીને ટ્રમ્પ અમેરિકાને મહાન બનાવી રહ્યા છે. એટલે અમેરિકામાં અમેરિકન ચીજો વધુ ઉત્પન્ન થાય અને વેચાય. એ તો મહાત્મા ગાંધીના સ્વદેશીના સિદ્ધાંતને અનુસર્યા કહેવાય! આવા પવિત્ર માણસ સામે આંદોલન કરનારા બધા અમેરિકાનો ભવ્ય ઇતિહાસ ભૂલી ગયા છે. આ આંદોલનજીવીઓ ટ્રમ્પને કામ કરવા દેતા નથી. હજુ અમેરિકા ફરી મહાન થવાનું તો બાકી છે. આ તો ટ્રમ્પના પાશેરામાં પહેલી પૂણી છે!
એમની સામે આંદોલન કરનારા બધા અર્બન નક્સલ, દેશદ્રોહી, રાજદ્રોહી, વિકાસદ્રોહી, આંદોલનજીવી છે. ટ્રમ્પ હવે પાદરીઓને સંસદમાં બોલાવીને તેમનો ટેકો છે એમ પુરવાર કરે! બાઇબલ માથે મૂકીને કે છાતી પર રાખીને ટ્રમ્પ પોતે ગોડ દ્વારા મોકલવામાં આવેલો ઉદ્ધારક છે એમ જાહેર કરે તો બધું શાંત થઈ જશે.
ટ્રમ્પ મિસિસિપી નદીમાં સ્નાન કરશે તો પણ તેમનો વાળ વાંકો નહીં થાય એ નક્કી છે. એવી સલાહ એમને મોદીએ ફોન પર આપી દીધી છે!
આ આંદોલન કરનારા પર કે તેમના નેતાઓને વીણી વીણીને તેમના પર FBI અને CIA લગાડો. જો એવું કંઇ એમને ન આવડતું હોય તો નરેન્દ્ર મોદી અહીંથી ED, IT અને CBIના અધિકારીઓ મોકલીને દોસ્તી નિભાવવા તૈયાર છે!
રામનવમી, ૨૦૨૫.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર