
રવીન્દ્ર પારેખ
20 જાન્યુઆરી, 2025ને રોજ બીજી વખત અમેરિકી પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો ત્યારથી તે ઠરીને બેઠા નથી. શપથ લેતાંની સાથે જ તેમણે જાહેર કર્યું કે હવેથી થર્ડ જેન્ડરની માન્યતા ખતમ ! આમ અમેરિકા તો ઠીક, દુનિયાને પણ તેમણે જંપવા દીધી નથી. તેમનાં ફરમાનોમાં ઠરેલપણું સંશોધનનો વિષય છે. તેમને બોલવાનો વાંધો નથી ને બોલીને ફરી જવાનો તો જરા પણ નથી. સનસનીખેજ રીતે વર્તવાનું તેમને ફાવે છે ને તેમને એવો વહેમ છે કે તેમની સનસનાટી દુનિયાને માફક આવે છે. ભારત સાથે તેમને મૈત્રી છે, એના કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની સાથે મૈત્રી છે એમ કહેવું વધારે યોગ્ય છે. મોદી કોઈ પણ વડા પ્રધાન કરતાં વધુ, એવી નવ મુલાકાત અમેરિકાની લઈ આવ્યા છે, એમ જ ટ્રમ્પ પણ ભારત આવ્યા છે. મૈત્રી એટલી મજબૂત તો હતી જ કે અમેરિકી પ્રમુખ તરીકે સોગંદવિધિમાં ભારતને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ હતું, પણ નરેન્દ્ર મોદીને ન હતું.
એમ પણ કહેવાય છે કે ટ્રમ્પ, મોદીથી એ મુદ્દે નારાજ હતા કે બીજા કાર્યકાળની ચૂંટણીમાં મોદી ટ્રમ્પને મળ્યા ન હતા. તેથી કદાચ મોદીને આમંત્રણ ન હતું. એ પછી પણ ટ્રમ્પ અને મોદી એટલા સ્પષ્ટ છે કે વેપારને મામલે મૈત્રી વચ્ચે લાવતા નથી. એટલે જ ટ્રમ્પ ઓવલ હાઉસમાં મોદીને મોઢામોઢ કહી શકે છે કે જે રીતે ભારત, અમેરિકા સાથે વર્તશે, એ રીતે અમેરિકા ભારત સાથે વર્તશે. મોદી રેસિપ્રોકલ ટેરિફને મામલે ટ્રમ્પ સામે ઝૂક્યા નથી તે પણ ટ્રમ્પની નારાજગીનું કારણ ખરું. ટ્રમ્પે પ્રમુખ તરીકે દુનિયા સામે ટેરિફિક ટેરિફ વોર છેડ્યું અને ચીન, ભારત તથા અન્ય દેશો સામે સોથી વધુ ટકા ટેરિફ વસૂલવાની ધમકી ઉચ્ચારી. સામે ભારત, ચીને પણ ટેરિફ અંગે ધમકીઓ આપી. જો કે, પછી ટેરિફ વોરની હવા નીકળતી ગઈ છે …
7 મેથી 11 મે, 2025 દરમિયાન ભારત પાકિસ્તાન સામે બાખડતું હતું, એ દરમિયાન અમેરિકા અને ચીન વચ્ચે પણ કશુંક રંધાઈ રહ્યું હતું ને ભારતે એ બંને મોરચા એક સાથે સંભાળવાના હતા. અમેરિકા અને ચીને જિનિવામાં એક બેઠક કરી. એમાં અગાઉના વાંધા ભૂલીને નવેસરથી ધંધો કરવાની વાત હતી. બંને દેશોએ ટેરિફ વોરને મામલે સમાધાન કરી લીધું. તે એટલે કે અમેરિકન કંપનીઓ મુશ્કેલી અનુભવતી હતી ને તેની સામે ચીનમાં લો કોસ્ટ પ્રોડકશનમાં જે માલ અમેરિકાને મોકલતી હતી તેની ખપતના પણ પ્રશ્નો હતા, એટલે અમેરિકા અને ચીને હાથ મેળવી લીધા. એ પછી આગળ શું થયું તે ખબર નથી, કારણ ટ્રમ્પ બોલવામાં માને છે, એટલું કરવામાં માનતા નથી.
એ પણ ખરું કે કોઈ પોતાની આગળ નીકળે એ પણ ટ્રમ્પને બહુ રૂચતું નથી. બાકી હતું તે એપલનાં CEO ટિમ કૂકે ભારતનાં વખાણ કર્યાં. પરિણામે ટ્રમ્પનું એવું ફરમાન છૂટ્યું કે એપલ કંપનીએ તેનાં ફોન અમેરિકામાં બનાવવા. જો એપલ કંપની ભારતમાં મોબાઈલ બનાવતી જ હોય, તો દેખીતું છે કે તે અહીં વાઈન્ડ અપ ન કરે. ટ્રમ્પે એપલ અને સેમસંગ કંપનીઓને બહાર ફોન બનાવવાની છૂટ તો આપી, પણ તેમને 25 ટકા ટેરિફ લગાવવાની વાત પણ કરી. આ ટેરિફ નથી, પણ પેનલ્ટી જ છે. એ જ રીતે અમેરિકાની બહાર બનતી ફિલ્મ પર પણ 100% ટેરિફ ઝીંકવાની વાત ટ્રમ્પે કરી છે. ટ્રમ્પ ભલે એપલને અમેરિકા ખેંચવાની કોશિશ કરે, પણ અમેરિકાની 9 મોટી કંપનીઓ વિદેશમાં 80થી વધુ ઉત્પાદનો કરે છે. આ મામલે ટ્રમ્પ સમજાતા નથી. 2002 સુધીમાં 77% ઉત્પાદનો મેઇડ ઇન યુ.એસ.એ. હતા. તે હવે 46 % પર છે. એ સૂચવે છે કે કેટલુંક ઉત્પાદન અમેરિકાનું નથી. એમ લાગે છે કે અમેરિકી પ્રમુખ પાસે લૉજિક સિવાય બધું જ છે.
ભારતે આતંકી થાણાંઓ પર એર સ્ટ્રાઈક કરી ને પાકિસ્તાને પણ જાત બતાવી. પરિણામે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું. એમાં પાકિસ્તાનને વધુ નુકસાન થતાં, તેણે યુદ્ધ વિરામની વિનંતીઓ કરી ને ભારતે તે મંજૂર રાખી. દેખીતું છે કે તેની જાહેરાત ભારત કરે, પણ ડોનાલ્ડ ડકની જેમ ડોનાલ્ડ ટ્રમ્પે કરી. આખી દુનિયામાં ટ્રમ્પે ટ્રમ્પેડ વગાડ્યું કે યુદ્ધવિરામ એમને આભારી છે. પછી જ્યારે ભારતે ખુલાસો કર્યો ત્યારે એ બહાર આવ્યું કે ટ્રમ્પે રીતસરની દખલ જ કરી હતી. ટ્રમ્પે વ્હાલા થવા, પી.ઓ.કે. સંદર્ભે માથું મારવાની કોશિશ કરી, તો ભારતે કોઇની પણ દખલ વગર એ મામલો ઉકેલવાની વાત કરી.
પણ ટ્રમ્પ, બમ્પની ગરજ સારે એવા પરગજુ છે. તેમણે પોતાની મૌખિક તોપ અન્ય દેશો તરફ ફેરવી. રશિયા-યુક્રેન યુદ્ધ મામલે કાજી થવા ગયા. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને અમેરિકા બોલાવીને પાણીથી પાતળા કર્યા, તો રશિયન પ્રમુખ પુતિનને પણ યુદ્ધ વિરામ અંગે વારંવાર સમજાવ્યા. બંને દેશોએ સૈનિકોની આપ-લે તો કરી, પણ યુદ્ધ ચાલુ રહેશે એવી જાહેરાત પણ કરી. ઝેલેન્સ્કી સાથેની તડાફડી પછી રાષ્ટ્રપ્રમુખના ઓવલ હાઉસમાં આમંત્રણથી રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા પણ ટ્રમ્પને મળવા ગયા, તેમને અપેક્ષા હતી કે અમેરિકા અને સાઉથ આફ્રિકાના સંબંધો મજબૂત બનશે, ત્યાં ટ્રમ્પે એવો ધડાકો કર્યો કે સાઉથ આફ્રિકામાં ગોરા ખેડૂતો પર અત્યાચાર થાય છે. દક્ષિણ આફ્રિકાનો વીડિયો બતાવી ટ્રમ્પે ગોરા ખેડૂતોનો નરસંહાર થઈ રહ્યો છે એમ બતાવ્યું. આ રીત અપમાનિત કરનારી હતી. રામફોસાએ કહ્યું કે દક્ષિણ આફ્રિકા ટ્રમ્પના આરોપોને નકારે છે. રામાફોસા ઉશ્કેરાયા નહીં, પણ ટ્રમ્પ તો ઉશ્કેરાયેલા જ રહ્યા. રામાફોસાએ માફીના સૂરમાં સંભળાવ્યું પણ ખરું કે તેમની પાસે આપવા માટે વિમાન નથી, તો ટ્રમ્પે પણ શરમ છોડીને કહ્યું કે કાશ ! તમે મને વિમાન આપી શકો. એ વાત પર એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે તમે વિમાન સ્વીકારો છો? ટ્રમ્પનો જવાબ હતો કે અમેરિકાની વાયુસેના માટે આપવામાં આવે તો સ્વીકારું છું. પત્રકારે વળતો સવાલ કર્યો કે તમને તો કતાર પાસેથી પર્સનલ ગિફ્ટમાં (3,400 કરોડનું) વિમાન મળ્યું છેને? તો, ટ્રમ્પ ભડક્યાને પત્રકારને ઝાટકતાં કહ્યું કે તું હવેથી આવતો નહીં. મારે તારા સી.ઇ.ઓ. સાથે વાત કરવી પડશે. એ ખરું કે ટ્રમ્પનાં આવાં વર્તનથી ઓવલની પ્રતિષ્ઠા જોખમાઈ છે.
આટલાથી સંતોષ ન હોય તેમ, ઈઝરાયેલ-ગાઝા યુદ્ધમાં પણ ટ્રમ્પ દખલ કરવાનું ચૂક્યા નથી. ટ્રમ્પ અને ઇઝરાયેલના નેતન્યાહૂ વચ્ચે હવે બારમો ચંદ્રમા છે. ઇઝરાયેલના નેતન્યાહૂ વૈશ્વિક દબાણ છતાં સાફ કહે છે કે ગાઝા પર હુમલો નહીં રોકાય. તેનું એક કારણ અમેરિકામાં ઇઝરાયેલી દૂતાવાસના કર્મચારી પતિ-પત્નીની હત્યા થઈ તે ! વળી ઈઝરાયેલ ઈરાન પર પરમાણુ હુમલો કરવાનું છે એ વાત પેટમાં ન રાખતાં ટ્રમ્પે ઈરાનને કહી પણ દીધી. આવા બફાટને કારણે અમેરિકા, ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેનું યુદ્ધ રોકે એ શક્ય નથી. બીજી તરફ દેશ તરીકેની પહેલી માન્યતા ઇઝરાયેલને ભારતે આપેલી, એટલે બંને મિત્રો છે ને અમેરિકાનું ઈઝરાયેલ સાથે કટાયું છે, એટલે ભારતથી અમેરિકા ન કતરાય તો જ નવાઈ !
ટ્રમ્પ પ્રમુખ થયા પછી ફરી એક વાર ગલ્ફ કન્ટ્રીઝની મુલાકાત લઈ ચૂક્યા છે, તે દુનિયાભરમાં છવાઈ જવાની દાનતે. હેતુ એ કે ગલ્ફ કન્ટ્રીઝ અમેરિકામાં વધુ ઇન્વેસ્ટ કરે. એ તો ઠીક, પણ અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે ભણતરની મોકળાશ ઘટતી આવે છે તે પણ ખરું ! ટ્રમ્પ વિદેશી વિદ્યાર્થી ઇચ્છતા જ ન હોય તેમ, તેમના પ્રતિબંધને કારણે ભવિષ્યમાં હાવર્ડ યુનિવર્સિટીની વૈશ્વિક પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી છે. અમેરિકી સરકારે 2.6 અબજ ડોલરની સહાય તો બંધ કરી જ, તે સાથે વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. એનો મેસેજ દુનિયામાં એવો ગયો છે કે અમેરિકાને વિદેશી ટેલન્ટની પડી જ નથી. વળી અમેરિકામાં કારકિર્દી બનાવવા જેવું વાતાવરણ પણ રહ્યું નથી, એવું હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં ભણેલા ગુરુગ્રામના ઉદ્યોગ સાહસિક રાજેશ સાહની માને છે. એમ પણ લાગે છે કે અમેરિકામાં અન્ય મંત્રીઓ જ ન હોય, તેમ ટ્રમ્પનો ઘોંઘાટ જ વિશ્વમાં પડઘાયા કરે છે.
આ અને આવી અનેક ઘટનાઓ ટ્રમ્પનાં પાંચેક મહિનાના શાસનમાં સામે આવી છે. એમાં ટેરિફ, વેપાર અને અપમાન એટલું જ હાથ લાગે છે. સારા રાજનેતાને દેશ અથવા વિશ્વ સુધારવાની કે વિશ્વને ઉપયોગી થવાની ચિંતા હોય. ટ્રમ્પને દેશ જ નહીં, વિશ્વમાં અરાજકતા, અશાંતિ ફેલાવવાના અભરખા હોય એમ લાગે છે. વિવેક તેમનામાં શોધ્યો જડતો નથી. સૌથી મોટી મહાસત્તાનો પ્રમુખ ગૌરવ અને ગરિમા જાળવે જ નહીં, એ કેવું? આશ્ચર્ય તો એ વાતનું છે કે અમેરિકા તો વેઠી લે, પણ દુનિયાના અન્ય દેશો પણ તેમની જોહુકમી, ઉદ્ધતાઈ અને અસ્થિર મનોદશા વેઠી લે એ આશ્ચર્યજનક જ નહીં, આઘાતજનક પણ છે. વૈશ્વિક અસ્થિરતાના આ જનક માટે એક જ વાત બચાવમાં કહેવાની છે અને તે ખરી કે ખોટી, યુદ્ધને રોકવાની. કોઈ યુદ્ધ ચાલુ રહે એ એમને માન્ય નથી. એટલે જ એમણે રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-ગાઝા, ભારત-પાકિસ્તાન માટે સમાધાન કરવાની કોશિશ કરી છે, એ માટે ઉદ્ધત થવું પડે, તો પણ તેમને તેનો વાંધો નથી. એ રીતે તે વિરલ છે ને વાઇરલ પણ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 મે 2025