
રાજ ગોસ્વામી
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ બિઝનેસમેન ઈલોન મસ્ક વચ્ચે લડાઈ થઇ ગઈ છે. ટ્રમ્પ પ્રશાસનમાંથી મસ્કની વિદાઈ, ટેક્સ બિલને લઈને કાઁગ્રેસની વારંવાર ટીકા, ટ્રમ્પને ‘ઉઘાડા’ પાડવાની ધમકી, મસ્કની કંપનીઓ પર લગામ કસવની ટ્રમ્પની વળતી ધમકી અને આરોપ-પ્રતિઆરોપનો સિલસિલો દુશ્મનીથી ઓછો નથી. ટ્રમ્પ કહે છે કે મસ્કનું દિમાગ સંતુલન બગડી ગયું છે. મસ્ક કહે છે કે અમેરિકામાં હવે ત્રીજી પાર્ટી બનાવવાનો સમય આવી ગયો છે.
બંને જણા એવી રીતે ભેગા થયા હતા જાણે વર્ષો પહેલાં મેળામાં છૂટા પડી ગયા હોય અને હવે એવી રીતે વર્તે છે જાણે બાપે માર્યા વેર હોય. ટ્રમ્પને તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન મસ્કના પૈસા અને સોશિયલ મીડિયાના પ્રભાવની જરૂર હતી. મસ્ક પોતે (દક્ષિણ આફ્રિકામાં જન્મ્યો હોવાથી) રાષ્ટ્રપતિ બની શકે તેમ ન હોવાથી તેને વ્હાઈટ હાઉસમાં પોતાનો માણસ જોઈતો હતો.
અમેરિકન વહીવટીતંત્રની સાફસફાઈ કરવા માટે ટ્રમ્પે જે રીતે મસ્કને બિનશરતી ટેકો અને અમાપ સત્તા આપી હતી અને મસ્કે જે રીતે ચારેબાજુથી કચરો વાળ્યો હતો (અને વળતામાં નવો કચરો વેર્યો હતો), તે પછી તે ટ્રમ્પની દરેક નીતિ-રીતિમાં સલાહ-સૂચન આપતો હતો. એમાં તેને એવું લાગવા માંડ્યા હતું કે તે જ સુપર-પ્રેસિડેન્ટ છે. ટ્રમ્પે ઇલેક્ટ્રિક વાહનોના પરથી ટેક્સ ક્રેડિટ દૂર કરી તેના પગલે મસ્કની ટેસ્લા કાર કંપનીને મોટો ફટકો પડ્યો અને તેમાંથી બંને વચ્ચે ફટક્યું હતું.
જાણકાર લોકો કહે છે કે વહેલું કે મોડું, આવું થવું અનિવાર્ય હતું. મનોવિજ્ઞાનઓ કહે છે કે બંને અહંકારી છે, બંને આત્મમુગ્ધ છે. આપણે ત્યાં કહેવત છે કે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે, તેના જેવું છે આ.
મનોવિજ્ઞાનમાં ‘આલ્ફા મેલ’ની એક ધારણા છે. થોડા વખત પહેલાં, અભિનેત્રી અને સાંસદ કંગના રાણાવતે એક વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી, જે પાછળથી ભા.જ.પ.ના અધ્યક્ષ જે.પી. નડ્ડાના કહેવાથી હટાવવી પડી હતી. તેમાં કંગનાએ લખ્યું હતું, ‘એમાં કોઈ બેમત નથી કે ટ્રમ્પ એક આલ્ફા મેલ છે, પરંતુ આપણા પી.એમ. સૌ આલ્ફા મેલના બાપ છે.’ પી.એમ.ની તો ખબર નથી, પણ ઈલોન મસ્ક જરૂર ટ્રમ્પનું માથું ભાંગે તેવો આલ્ફા મેલ છે. અમેરિકાની રાજનીતિમાં અત્યારે જે તમાશો થઇ રહ્યો છે તે આ બે આલ્ફા મેલની લડાઈ છે.
આલ્ફા મેલની ધારણાને સમજવા જેવી છે. તેની કલ્પના જંગલી વરુ (આલ્ફા વોલ્ફ) સાથે જોડાયેલી છે. ઘણા લોકો શિયાળને વરુ કહે છે, પણ બંને શ્વાન કુળનાં ભિન્ન પ્રાણી છે. વરુ, માંસાહારી શ્રેણીના કૅનિડે કુળનું સસ્તન વન્ય પ્રાણી છે. ગુજરાતી સ્થાનિક બોલીમાં તેને નાર, ભાગડ, લાગડ કહે છે. તેની 32 ઉપજાતિઓ છે અને તેમાં નર માદા કરતાં મોટો હોય છે. વરુ સૂકાં જંગલોમાં અને ગાંડા બાવળની ઝાડીઓ વાળા મેદાનવાળા વિસ્તારોમાં જોવા મળે છે.
તે એકલવાયું જનાવર છે. મતલબ કે તે ટોળામાં નથી ફરતું. તાકતવાર અને આગેવાન પુરુષોને આલ્ફા મેલ કહેવામાં આવે છે તે પણ આ જ કારણથી; તે સૌથી આગળ અને એકલા હોય છે. વરુ દેખાવમાં કૂતરા જેવું હોય છે, પરંતુ તે વાઘને પણ ઊભી પૂંછડીએ ભગાડવા સક્ષમ હોય છે. માણસ આજ સુધી તેના ગળે પટ્ટો બાંધી શક્યું નથી. એટલા માટે તમને પ્રાણી સંગ્રહાલયમાં વાઘ જોવા મળશે, પણ વરુ નહીં.
વરુ તેના પ્રદેશમાં સૌથી શાતીર અને તાકાતવર શિકારી છે. તે કોઈનાથી ડરતું નથી. તેની પ્રકૃતિ જ એવી છે કે તે તેના પિતરાઈ શ્વાનની જેમ માણસોના પંપાળવાથી ન તો ભરમાઈ જાય છે કે ન તો મસિયાઈ બહેન શિયાળની જેમ તેનાથી મોટાં શિકારી પ્રાણીથી ડરી જાય છે.
એવું કહેવાય છે કે તેના બાળકને જો કોઈ પશુ ઉઠાવી જાય તો, તે પૂરા પ્રદેશને તબાહ કરી નાખે છે. તે જ્યારે શિકાર પર જાય ત્યારે, તેની સાથે વૃદ્ધ વરુઓને નથી રાખતું. તેમના માટે શિકાર કરવો એ યુદ્ધથી કમ નથી અને એમાં યુવાન અને તેજ વરુઓ જ ઉપયોગી હોય છે. વરુઓની આવી અનોખી લાક્ષણિકતાઓના કારણે જ માણસે તેની વાર્તાઓમાં માનવ વરુ(વેયરવુલ્ફ)ની કલ્પના કરી છે.
વરુઓની વસ્તીમાં એક જોડી એવી રહેતી હતી જે પૂરા જૂથ પર, આહાર પર અને સમાગમ પર નિયંત્રણ રાખતી હતી. અર્થાત, વરુઓ આપસમાં લીડર બનવા માટે લડાઈ કરતાં અને એમાંથી એક જોડી ‘વરુ સમાજ’માં પોતાનું પ્રભુત્વ સ્થાપતી. આ બંને આલ્ફા મેલ અને આલ્ફા ફીમેલ કહેવાય છે.
ઉત્ક્રાંતિવાદી મનોવૈજ્ઞાનિકોનો દાવો છે કે માનવ સમાજમાં પુરુષોનો સામાજિક વ્યવહાર પણ વરુઓ જેવો જ છે. પુરુષ પણ તેના જૂથમાં લીડર બનીને બીજા પર શાસન કરવા, સંસાધનો પર કાબૂ જમાવા અને સ્ત્રીને તેની મેટિંગ પાર્ટનર બનાવવા માટે લડાઈ કરતો રહે છે.
પુરુષોમાં કુદરતી રીતે જ બીજાઓ પર પ્રભુત્વ જમાવાની વૃત્તિ હોય છે, અને જે પુરુષ આત્મવિશ્વાસ, દૃઢતા, કરિશ્મા અને શારીરિક શક્તિનું પ્રદર્શન કરે છે તે વધુ આકર્ષક અને જીવનમાં વધુ સફળ હોય છે. તેઓ આ માણસોને આલ્ફા કહેતા અને જે નબળા, આજ્ઞાકારી, અસુરક્ષિત અને બોરિંગ હતા તેને બીટા કહેતા હતા.
આલ્ફા શબ્દ ગ્રીક બારાખડીમાંથી આવે છે. તેના પહેલા અક્ષરને આલ્ફા કહે છે. છેલ્લા અક્ષરને ઓમેગા કહે છે. તદ્દનુસાર, જે પ્રથમ છે, પ્રાથમિક છે, અગ્રણી છે, સૌથી ઉપર છે, એક નંબર પર છે તે આલ્ફા છે. ઈસાઈ ન્યૂ ટેસ્ટામેન્ટમાં, ઈશ્વર પોતાને આલ્ફા અને ઓમેગા ગણાવે છે; હું જ પ્રારંભ છું અને હું જ અંત છું.
અમેરિકાને ફરીથી મહાન બનાવવાની રાજનીતિમાં ટ્રમ્પ અને મસ્કની મન:સ્થિતિ પણ આવી જ છે: હું જ પ્રારંભ છું અને હું જ અંત છું. પણ આવું માનવાવાળો એક હોય, બે નહીં. બે હોય તો મતભેદ અને મનભેદ થવો અનિવાર્ય છે. જેમ વરુ તેની ટેરેટરી માટે લડાઈ કરે તેમ આ બે જણા પણ તેમની સત્તા અને સર્વોપરિતા માટે લડી પડ્યા છે.
ટ્રમ્પ-મસ્કનો ઝઘડો વ્યક્તિગત છે અને તેમાં અમેરિકાની જનતાનું અને લોકશાહીનું નુક્શાન છે. આત્મમુગ્ધ લોકોના હાથમાં રાજકીય અને પૈસાની સત્તા આવી જાય ત્યારે તેઓ કેવી ઘટિયા રીતે વર્તે છે તેનું આ બંને ઉદાહરણ છે. આત્મમુગ્ધ અને અહંકારી લીડરો નિર્દયી હોય છે અને તેમનામાં સહાનુભૂતિ જેવું કશું હોતું નથી.
તેઓ આજુબાજુના લોકો પર પોતાનો કંટ્રોલ સ્થાપીને અથવા સતત વાહવાહી અને એટેન્શન મેળવીને તેમની અણઆવડતની ભાવનાથી પીછો છોડાવાનો પ્રયાસ કરે છે. તેઓ પોતે કેટલા યોગ્ય છે તે સાબિત કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. આત્મમુગ્ધ લીડરો એટલા માટે જ પોતાની ટીકા કે રિજેક્શન સહન નથી કરી શકતા અને જે કંઈ ખરાબ હોય તેના માટે બીજા લોકોને દોષિત ઠેરવીને પોતાને પીડિત તરીકે પેશ કરે છે. ટ્રમ્પ અને મસ્ક અત્યારે એ જ કરી રહ્યા છે.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 15 જૂન 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર