
રમેશ સવાણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ઓગસ્ટ 2025ના રોજ, વિદેશી કારમાં બેસી રોડ શો કર્યા બાદ, અમદાવાદના નિકોલમાં જાહેર સભામાં કહ્યુ હતું : “60થી 65 વર્ષ દેશ પર શાસન કરનારી કાઁગ્રેસ પાર્ટી ભારતને બીજા દેશો પર નિર્ભર રાખ્યો. પરંતુ આજે ભારતે આત્મ નિર્ભરતાને વિકસિત ભારતના નિર્માણનો આધાર બનાવ્યો છે. આપણા ખેડૂતો અને માછીમારો, પશુપાલકો અને ઉદ્યમીઓના દમ પર ભારત તેજીથી વિકાસના રસ્તા પર ચાલી રહ્યો છે. આત્મનિર્ભરતાના રસ્તા પર આગળ વધી રહ્યો છે.” લોકોએ ‘ડબલ’ તાળીઓ પાડી હતી.
પરંતુ પાંચ દિવસ અગાઉ, 20 ઓગસ્ટ 2025ના રોજ મોદીજીએ સ્વદેશી / વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતની હત્યા કરી હતી ! કઈ રીતે?
મોદીજીએ કપાસની આયાત પરની જકાત જે 11 ટકા હતી તે 30મી સપ્ટેમ્બર 2025 સુધી તત્કાલ અમલમાં આવે તે રીતે સ્થગિત કરી દીધી છે. એનો અર્થ એ છે કે 30 સપ્ટેમ્બર સુધી જે પણ કપાસની આયાત ભારતમાં થશે તે કપાસ પર કેન્દ્ર સરકાર કોઈ વેરો ઉઘરાવશે નહિ.
આની શું અસર થશે?
[1] કપાસની આયાત વધી જાય. તેમાં પણ અમેરિકન કપાસની આયાત વધુ વધે એમ પણ બને.
[2] ભારતના કપાસની કિંમત બજારમાં ઘટી જાય કારણ કે બજારમાં કપાસનો પુરવઠો વધી જાય.
[3] જિનિંગ અને પ્રેસિંગ મિલો ભારતના કપાસને બદલે વિદેશી કપાસ ખરીદે તો પણ ભારતના કપાસની કિંમત ઘટી જાય.
[4] કપાસની કિંમત બજારમાં ઘટી જાય તો ભારતના કપાસ ઉગાડનારા ખેડૂતોને ભારે મોટો ફટકો પડે.
મોદીજીએ 15 ઓગસ્ટ 2025ના રોજ લાલ કિલ્લા પરથી ઉદ્દઘોષ કર્યો હતો કે “હું અમેરિકા સાથેના વેપારના કરારમાં ભારતના ખેડૂતોનું અહિત થવા નહીં થવા દઉં. ભલે મારે વ્યક્તિગત સહન કરવું પડે !” પાંચ જ દિવસમાં મોદીજીએ ટોપી ફેરવી ! ભારતના કપાસ પેદા કરનારા ખેડૂતોને નુકસાન થાય તેવું પગલું ભર્યું. મોદીજીને જે વ્યક્તિગત નુકસાન થવાનું હતું તે હવે નહિ થાય ! તેમને વ્યક્તિગત રીતે શું નુકસાન થવાનું હતું તે તો તેઓ જ જાણે! અમેરિકા સાથે હજુ વ્યાપાર સમજૂતી માટે વાટાઘાટો ચાલી રહી છે ત્યારે જ આવું પગલું ભરવામાં આવ્યું છે તે આશ્ચર્યજનક છે. આયાત પરની જકાત સ્થગિત કરી દેવામાં આવી છે તે માત્ર અમેરિકાના કપાસ માટે જ નથી પણ અન્ય તમામ દેશોમાંથી થતી કપાસની આયાત પર હવે કોઈ વેરો ઉઘરાવવામાં નહિ આવે. એટલે કે અન્ય દેશોમાંથી થતી કપાસની આયાત પણ વધી શકે છે.
ભારત કપાસની જે આયાત કરે છે તેમાં બીજા ક્રમે અમેરિકા છે. ભારતમાં અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ઈજીપ્તથી કપાસની આયાત થાય છે. 2023-24માં ભારતે 58 કરોડ ડોલરના કપાસની આયાત કરી હતી અને તે 2024-25માં 120 કરોડ ડોલરની થઈ હતી. આમ, 11 ટકા આયાત જકાત લાદવામાં આવતી હતી તેમ છતાં આયાત લગભગ બમણી થઈ ગઈ હતી. તો હવે આયાત પર જકાત છે જ નહિ તો કપાસની આયાત વધશે જ. એટલે આપણે કપાસની જરૂરિયાતની બાબતમાં આત્મનિર્ભર નથી તે વાત ચોક્કસ છે.
ભારતે કપાસ પરની આયાત જકાત શૂન્ય કરી નાખી તેથી ફાયદો કોને થશે તે સમજવાની જરૂર છે. આયાત જકાત ઘટાડવા માટેની માગણી વસ્ત્રોની નિકાસ કરનારી કંપનીઓ કરતી હતી. તેનું કારણ એ હતું કે ભારતનાં વસ્ત્રોની નિકાસ પર અમેરિકામાં અત્યારે 60 ટકા જેટલી જકાત નાખી દેવામાં આવી છે કે જે એક મહિના પહેલાં 0 થી 5 ટકા હતી અને કેટલાંક કાપડવસ્ત્ર ક્ષેત્રોમાં તે 9.0થી 13.0 ટકા જ હતી. આને પરિણામે વસ્ત્ર ઉત્પાદક કંપનીઓએ જો કપાસ સસ્તો આવે તો જ તેઓ નિકાસ કરી શકે એવી દલીલ કરી અને તેથી મોદીજીએ કપાસ પરની આયાત જકાત શૂન્ય કરી નાખી. એટલે આમાં કપાસ ઉગાડનારા ખેડૂતોની તો ચિંતા કરવામાં આવી જ નથી. સસ્તી આયાતથી કપાસના ભાવ બજારમાં ઘટી જશે તો ખેડૂતોનું કેટલું અહિત થશે તેની ચિંતા કેન્દ્ર સરકારે કરી નથી. જે ફાયદો થશે વસ્ત્રો પેદા કરનારા અને નિકાસ કરનાર મોટી કંપનીઓને થશે.
નિકાસકારો એમ કહેતા હતા કે અમેરિકામાં જકાત વધી ગઈ એટલે અમેરિકન કંપનીઓએ તેમની આયાતના ઓર્ડર રદ્દ કરી નાખ્યા છે. એનું એક કારણ એ પણ છે કે અમેરિકામાં ભારતનાં વસ્ત્રો પરની આયાત જકાત 60 ટકા જેટલી થઈ છે, પણ બાંગ્લાદેશ અને વિયેતનામના કપાસ પરની જકાત 20 ટકા જ છે અને ચીન પર તે 30 ટકા જ છે. આમ, ભારત વસ્ત્રોની નિકાસમાં આ ત્રણ દેશોની હરીફાઈમાં ટકી શકતું નથી. એટલે વસ્ત્રોની નિકાસ કરનાર કંપનીઓએ એવી દલીલ કરી કે જો તેમને કપાસ સસ્તો મળે તો 60 ટકા જેટલી જકાત હોય તો પણ ભારતનાં વસ્ત્રોની નિકાસ અમેરિકામાં થઈ શકશે. એટલે ભારત સરકારે કપાસ પરની આયાત જકાત સાવ જ કાઢી નાખી. જો કે, તેનાથી ભારતનાં વસ્ત્રોની નિકાસ અમેરિકામાં કેટલી વધે છે તે તો જોવાનું જ રહ્યું. કારણ કે બાંગ્લાદેશ, વિયેતનામ અને ચીન પણ કંઈ મોઢું વકાસીને આ જોઈ તો રહે જ નહિ. તેઓ પણ તેમની વસ્ત્રોની નિકાસ વધારવા સબસિડી તેમની કંપનીઓને આપે એમ પણ બને.
ભારતે અમેરિકાથી 2022માં 49 કરોડ ડોલર, 2023માં 22 કરોડ ડોલર અને 2024માં 21 કરોડ ડોલરની કપાસની આયાત કરી હતી. ભારત અમેરિકાથી જે ખેતપેદાશોની આયાત કરે છે તે આ વર્ષો દરમ્યાન અનુક્રમે 235 કરોડ ડોલર, 204 કરોડ ડોલર અને 238 કરોડ ડોલર હતી. એટલે કે ખેતપેદાશોની અમેરિકાથી થતી કુલ આયાતમાં કપાસની આયાતનો ફાળો લગભગ 10મા ભાગનો જ છે. પણ આયાત જકાત ઘટાડવામાં આવી છે તેનાથી હવે અમેરિકાથી થતી કપાસની આયાત વધી શકે છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ધમકીઓ આપવામાં આવેલી તેની અસર ભારતમાં થઈ રહી છે. ટ્રમ્પ દ્વારા ભારત ખેતપેદાશોની આયાત પરની જકાત ઘટાડે એવી માગણી કરવામાં આવેલી અને તેની શરૂઆત મોદીજીએ કપાસની આયાત પરની જકાત દૂર કરીને કરી છે.
અમેરિકા તેના ખેડૂતોને ભારે સબસિડી આપે છે. તેમાં પણ કપાસ પેદા કરનારા ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ભારે ચર્ચાનો વિષય રહી છે. 2022માં અમેરિકન સરકાર 44 કરોડ ડોલરની સબસિડી તેના કપાસ પકવતા ખેડૂતોને આપતી હતી કે જે 2021માં 85 કરોડ ડોલર હતી. જો કે, 2000માં એ સબસિડી 250 કરોડ ડોલર જેટલી હતી. આમ, અમેરિકાએ કપાસ પેદા કરતા ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ઘટાડી છે ખરી પણ તે હજુ ભારતની તુલનાએ તો બહુ જ છે. 2024નો આંકડો એમ કહે છે કે અમેરિકન સરકારે ત્યાંના કપાસ પેદા કરનારા ખેડૂતોને 100 કરોડ ડોલરની સબસિડી આપી હતી. અમેરિકામાં માત્ર 16,100 ખેતરોમાં કપાસ પાકે છે અને તેમને આ સબસિડી આપવામાં આવી છે. એટલે કે એક ખેતર દીઠ 62,112 ડોલરની સબસિડી મળી. આ રકમ ભારતના રૂપિયામાં અત્યારે રૂ. 54 લાખ થાય !
ભારત સરકાર અને રાજ્ય સરકારો રોકડ રકમ સહિત જે સબસિડી ખેડૂતોને આપે છે તે ખેડૂતદીઠ રૂ. 40,000થી વધુ નથી. તેમાં વીજળી, પાણી, ખાતર અને મશિનરી વગેરે બધાંમાં આપવામાં આવતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની સબસિડીનો સમાવેશ થઈ જાય છે. અમેરિકામાં કપાસ પેદા કરનારા ખેડૂતોના ખેતરનું સરેરાશ કદ 73થી 187 એકર છે. જ્યારે ભારતમાં 92 ટકા ખેડૂતો પાસે 5 એકરથી ઓછી જમીન છે. હવે અમેરિકાના ખેડૂત સાથે ભારતના ખેડૂતને હરીફાઈ કરવાનું કહેવામાં આવે છે ! સાચી હરીફાઈ થાય ખરી? આમ, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ પણ માંદો થાય, એવો ઘાટ છે. તેમ છતાં ભારત સરકારે અમેરિકાના કપાસ પરની જે આયાત જકાત દૂર કરી નાખી છે તે આઘાતજનક છે. કપાસના ખેડૂતોની ‘ડબલ’ આત્મહત્યા ન થાય તેની ચિંતા મોદીજીને નહીં થતી હોય?
મોદીજીની એક ખાસિયત એ છે કે તેમની કથની અલગ છે અને કરણી અલગ છે. બોલે કંઈ અને કરે કંઈ ! નિકોલની સભામાં સ્વદેશી / વોકલ ફોર લોકલ / આત્મનિર્ભર ભારતની વાત રાત્રે ભૂલી ગયા અને બીજે દિવસે પહોંચ્યા જાપાની કંપની સુઝુકીના હાંસલપુર પ્લાન્ટમાં BEV-બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ`ઈ-વિટારા’ને પ્રસ્થાન કરાવવા ! મોદીજીએ કહ્યું હતું : “રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય, પરંતુ તેમાં પરસેવો ભારતીયનો હોય, તો તે વસ્તુ સ્વદેશી જ છે !”આને કહેવાય કાછડી ખેંચી પાઘડી બાંધવાનું કામ ! 1947 પહેલાં ભારતીયો પરસેવો જ પાડતાં હતા ! ટોપી ફેરવનારને કઈ રીતે પહોંચવું?
[સૌજન્ય : હેમંતકુમાર શાહ]
27 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર