અમૃતાના જીવનનાં છેલ્લાં વર્ષો ભવ્ય અભિવ્યક્તિ અને વિકટ સંજોગોનાં હતાં. કલાકાર તરીકે તે અદ્દભુત હતી. ઓગણત્રીસ વર્ષની જિંદગીમાં આ કક્ષાએ ભાગ્યે જ પહોંચી શકાય. પણ તેણે જે શિખરો સર કરવા ધાર્યું હતું ત્યાં તે પહોંચી હતી? તેનામાં કેટલી કલાભૂખ, વ્યાકુળતા, ઝંખના ને પીડા સળગતી હતી તેની આપણે તો કલ્પના જ કરવાની રહે છે …

અમૃતા શેર-ગિલ
‘અમૃતા શેરગિલ ભારતીય ઉપખંડમાં આધુનિક ચિત્રશૈલીનો પાયો નાખનારાઓમાંની એક હતી. પોતાની પીંછી દ્વારા તેણે 1930ના ભારતીય સ્ત્રીપુરુષોની રોજિંદી જિંદગીને, એની હતાશાઓ અને એકલતાઓ સમેત અભિવ્યક્તિ આપી.’ 1941માં અમૃતા શેરગિલ મૃત્યુ પામી ત્યારે ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ ઓબિચ્યુરીની શરૂઆત આ શબ્દોથી થઈ હતી. ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’માં માત્ર શ્વેત લોકોને શ્રદ્ધાંજલિ અપાતી, અપવાદરૂપ વ્યક્તિઓની જ નોંધ લેવાતી. અમૃતા શેરગિલ આવો અપવાદ હતી. માત્ર ઓગણત્રીસ વર્ષના ટૂંકા અજંપ જીવન અને ભવ્ય કલાકૃતિઓ વડે તે હંમેશાં આંતરરાષ્ટ્રીય ચર્ચામાં રહી. 2021માં સેફ્રોનેટ ઑક્શન હાઉસે એનું એક પેઈન્ટિંગ ‘ઇન ધ લેડીઝ એન્ક્લોઝર’ 37.8 કરોડ રૂપિયામાં વેચ્યું હતું. 2023માં આ જ હાઉસે એનું બીજું પેઈન્ટિંગ ‘ધ સ્ટોરી ટેલર’ 61.8 કરોડમાં વેચ્યું અને તે વિશ્વભરના સૌથી ‘એક્સ્પેન્સીવ’ કલાકારોમાં ગણાઈ. તેની ચિત્રશૈલીએ કલાકારોની એકથી વધારે પેઢીઓને પ્રભાવિત કરી છે. તેના પર પુસ્તકો લખાયાં છે, ટપાલ ટિકિટ નીકળી છે, સલમાન રશદીની એક નવલકથા ‘ધ મૂર્સ લાસ્ટ સાય’નું પાત્ર તેનાથી પ્રેરિત છે, દિલ્હીમાં તેના નામનો એક માર્ગ છે.
મહારાજા રણજિતસિંહની પૌત્રી એક યુરોપયાત્રા દરમિયાન એક હંગેરિયન યહૂદી ઓપેરા સિંગર મેરી ઍન્તૉનિયેતને મળી અને પોતાની સાથે ભારત લાવી. સિમલામાં પંજાબી રાજકુળના સંસ્કૃત-ફારસીના વિદ્વાન ઉમરાવસિંહ શેરગિલ અને ઍન્તૉનિયેત પ્રેમમાં પડ્યાં ને પરણી ગયાં. 1913માં ડાન્યુબ નદીને કાંઠે, બુડાપેસ્ટના એક સુંદર-શાંત ઘરમાં અમૃતાનો જન્મ થયો.
આઠેક વર્ષ પછી શેરગિલ પરિવાર ભારત આવી સિમલામાં વસ્યો. અમૃતાના પેઈન્ટિંગની શરૂઆત અહીં જ થઈ. નોકરોને મોડેલ બનાવી તે ચિત્રો દોરતી. એટલી નાની ઉંમરે પણ તે પોતાને ‘એથેઈસ્ટ’ કહેતી – એ માટે એક વાર તેને કૉન્વેન્ટ સ્કૂલમાંથી કાઢી મૂકી, તો પણ. અમૃતા અને એની બહેન ઇન્દિરા બન્ને પિયાનો શીખતી અને સિમલાના ગેઈટી થિયેટરમાં યોજાતાં નાટકો અને કૉન્સર્ટ્સમાં ભાગ લેતી.
મામા અર્વિન બેકેટ સિમલા આવ્યા ત્યારે એમણે અમૃતાની કલાને પારખી, માએ પણ પ્રોત્સાહન આપ્યું. પેઈન્ટિંગ શીખવા અમૃતા ઈટલી, ફ્રાન્સ અને અન્ય યુરોપીય દેશોમાં ફરી અને ત્યાંની પ્રખ્યાત આર્ટસ્કૂલોમાં ભણી. પેરિસમાં ‘યંગ ગર્લ્સ’ને ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે તે માત્ર 19 વર્ષની હતી. ત્યાં કરેલું ‘ટ્રેડિશનલ વુમન’ આજે પણ સીમાચિહનરૂપ ગણાય છે. ત્યાં તેણે ઘણાં ન્યૂડ પેઈન્ટિંગ અને સેલ્ફ પોટ્રેટ્સ બનાવ્યાં. ઉપરાંત સ્ટીલ લાઈફ, પેરિસનું જીવન, મિત્રો-વિદ્યાર્થીઓનાં પેઈન્ટિંગ પણ કર્યાં. ‘કન્વર્ઝેશન્સ’ પણ અહીંનું. ભરપૂર પ્રશંસા અને પ્રસિદ્ધિ મળતાં ગયાં. પેરિસના ગ્રાન્ડ સલૂનમાં ચૂંટાનારી તે પ્રથમ અને સૌથી નાની ઉંમરની એશિયન હતી. આ બધું છતાં પોતાના અપાશ્ચાત્ય, અપરિચિત મૌલિક સ્વની શોધ તેને ભારત જવા પ્રેરતી હતી.
તેણે માને લખ્યું, ‘હું પેઈન્ટિંગ શીખું છું, છતાં કોઈ મને એ શીખવે છે એમ નથી. મારું મન પોતાને શું જોઈએ છે તે જાણે છે અને બહારની અસરને સ્વીકારવાનો વિરોધ કરે છે.’ તેનાં પેઈન્ટિંગ પર હંગેરિયન પેઈન્ટર્સ અને પૉસ્ટ ઈમ્પ્રેશનિઝમનો થોડો પ્રભાવ ખરો, પણ તેના એક પ્રોફેસર કહેતા કે ‘અમૃતાના પેઈન્ટિંગમાં જે રંગસમૃદ્ધિ છે તે પશ્ચિમની દેણ નથી. અમૃતાની કલાપ્રતિભા તેનો સાચો ઉન્મેષ પૂર્વમાં જ પ્રાપ્ત કરી શકશે.’
1934માં પેરિસના ઠંડા, ભૂખરા સ્ટુડિયોઝને છોડી તે ભારત આવી – સૂર્યપ્રકાશિત ધરતી, ઘેરા રંગો અને ઘઉંવર્ણ નમ્ર લોકોના દેશમાં. અહીં તેને પત્રકાર માલ્કમ મુગેરિન મળ્યો. તેણે બનાવેલું માલ્કમનું પેઈન્ટિંગ દિલ્હીની નેશનલ ગૅલેરી ઑફ મોર્ડન આર્ટમાં છે. ભારત સરકારે અમૃતાનાં પેઈન્ટિંગ્સને ‘રાષ્ટ્રિય કલાનિધિ’ ઘોષિત કરી આ ગેલેરીમાં સાચવ્યાં છે. લાહોર અને પેરિસનાં મ્યુઝિયમોમાં પણ તેનાં ચિત્રો છે.
સિમલાના મકાનના ઉદ્યાનમાં એક તરફ અમૃતાએ સ્ટુડિયો બનાવ્યો હતો. આખો વખત તે ચિત્રો બનાવતી. 1935માં સિમલાની ફાઈન આર્ટ્સ સોસાયટી ચિત્રપ્રદર્શન ભરવાની હતી. અમૃતાએ 10 ચિત્રો મોકલ્યાં. તેમણે પાંચ પાછાં મોકલ્યાં જે ખરેખર તો વધારે સારાં હતાં. જે પાંચ સ્વીકાર્યાં હતાં એમાંના એકને ગોલ્ડ મેડલ મળ્યો, જે પાછું એ પાંચમાં છેલ્લા ક્રમે આવે. અમૃતાને આખી વાતનો એટલો કંટાળો આવ્યો કે તેણે મેડલ ‘વધુ યોગ્ય વ્યક્તિના લાભાર્થે’ પાછો મોકલ્યો. દિલ્હીમાં યોજાયેલા એક પ્રદર્શનમાં પણ આવો જ અનુભવ થયો. કલાપ્રદર્શનોની ‘મિડિયોક્રસી’થી ત્રાસીને તેણે પ્રદર્શનમાં ચિત્રો મોકલવા બંધ કર્યાં.
1936માં એ પોતાનાં ભુલાયેલા ભારતીય મૂળને શોધવા ખૂબ ફરી. ભારતીય પરિધાન અપનાવ્યું. લોકજીવન નજીકથી જોયું. મોગલ અને પહાડી શૈલી, પદ્મનાભપુરમના મહેલના મધ્યકાલીન ચિત્રો તેમ જ અજંતાનાં ગુફાચિત્રોથી પ્રભાવિત થઈ. કોચીન અને ત્રાવણકોર પણ ગઈ. ‘મને મારું લક્ષ્ય મળી ગયું છે – ગરીબ, ગ્રામીણ ભારતીયોની મૌન, ધૈર્યપૂર્ણ, એકલવાઈ છબિને, તેમનાં શ્યામલ છાયાચિત્રો સમાં શરીરો દ્વારા મારે ચિત્રિત કરવી છે.’
1937માં તેણે દક્ષિણ ભારતમાં ત્રણ ચિત્રો બનાવ્યાં – ‘બ્રાઈડલ ટૉયલેટ્સ’, ‘બ્રહ્મચારીઝ’ અને ‘સાઉથ ઇન્ડિયન વિલેજર્સ ગોઈંગ ટુ માર્કેટ.’ એ જ વર્ષે તેને ‘થ્રી ગર્લ્સ’ માટે બોમ્બે આર્ટ સોસાયટીએ ગોલ્ડ મેડલ આપ્યો. શરણાગતિ અને નિયતિના સ્વીકારના ભાવવાળી, ઢળેલી આંખોવાળી ત્રણ છોકરીઓના ચહેરા અને બેસવાની રીત ઘણું કહી જાય છે. 1938માં તે હંગેરી ગઈ. વિક્ટર એગન સાથે લગ્ન કર્યાં. પતિપત્ની ભારત આવ્યાં અને પિતાની જાગીર સરાયામાં જઈને રહ્યાં. ‘બીજે ક્યાં ય હું એટલી સહજ, સ્વાભાવિક કે આત્મવિશ્વાસપૂર્ણ નથી રહી શકતી. યુરોપ પિકાસો, મેટિસ અને બ્રાકનું છે પણ ભારત માત્ર મારું છે.’
‘ધ સ્વિંગ’, ‘ધ એન્શિયન્ટ સ્ટોરી ટેલર’, ‘ધ બ્રાઈડ’, ‘ધ હૉર્સ એન્ડ ધ ગ્રુમ’, ‘વુમન રેસ્ટિંગ ઓન ચારપાઈ’, ‘ટાહિટિયન’, ‘રેડ બ્રિક્સ હાઉસ’, ‘હિલ સીન’, ‘વિમેન ઈન રેડ’, ‘એલિફન્ટ્સ બૅધિંગ ઈન ધ ગ્રીન પૂલ’, ‘ધ હલ્દી ગ્રાઈન્ડર’, ‘રેસ્ટિંગ’ ‘વિલેજ સીન’, ‘ઇન ધ લેડીઝ એન્ક્લૉઝર’, ‘સીએસ્ટા’ ચિત્રો તેણે અહીં કર્યાં. તે ખૂબ કામ કરતી. કહેતી, ‘સમય નથી.’ એક જાતનો અજંપો તેને ઘેરતો.
1941ના સપ્ટેમ્બરમાં પતિપત્ની લાહોર ગયાં. લાહોર ત્યારે સંસ્કૃતિ અને કલાનું કેન્દ્ર ગણાતું. તેને લાહોરમાં પોતાના ચિત્રોનું મોટું પ્રદર્શન ભરવું હતું. પણ તે માંદી પડી, કોમામાં ચાલી ગઈ અને બે દિવસમાં મૃત્યુ પામી. તેનું મૃત્યુ આજ સુધી અફવાઓમાં વીંટળાયેલું એક રહસ્ય જ રહ્યું છે.
અમૃતાનાં ચિત્રો ભારતીય સંસ્કૃતિ માટે એટલાં મહત્ત્વનાં ગણાયાં કે જ્યારે પણ લીલામ થાય, સરકાર આગ્રહ રાખે કે દેશની કલા દેશમાં જ રહેવી જોઈએ. દસેક ચિત્રો જ બહાર વેચાયાં છે. 2006માં તેનું ચિત્ર ‘વિલેજ સીન’ 6.9 કરોડના વિક્રમી ભાવે વેચાયું હતું. 2018માં ‘ધ લિટલ ગર્લ ઈન બ્લ્યૂ’ 18.69 કરોડમાં વેચાયું. એ અમૃતાની પિતરાઈ બહેન બબીતનું પોટ્રેટ હતું. યુનેસ્કોએ વર્ષ 2013ને અમૃતા શેરગિલ ઈન્ટરનેશનલ યર ઘોષિત કર્યું હતું.
પોતાના સમયથી બહુ આગળ, નિર્ભય મુક્તતા સાથે એ જીવી. એ કાળના ભારતમાં તેના જેવી આધુનિક, પ્રતિભાશાળી અને કંઈક નિરંકુશ જીવન જીવતી સ્ત્રીનો સ્વીકાર થવો મુશ્કેલ હતો. તેનો પરિવાર બ્રિટિશ રાજ સાથે ઘરોબો ધરાવતો હતો, પણ અમૃતાને ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસ, પંડિત નહેરુ અને મહાત્મા ગાંધી પ્રત્યે આકર્ષણ હતું.
અમૃતા ભારતની ફ્રિડા કાહલો ગણાતી. ફ્રિડા મેક્સિકન પેઈન્ટર હતી. બન્ને ન્યૂડ ચિત્રો અને સેલ્ફ પોટ્રેટ માટે જાણીતાં હતાં. ફ્રેડા પણ નાની ઉંમરે મૃત્યુ પામી હતી અને અનેક સ્ત્રીપુરુષો સાથે અંતરંગ સંબંધ ધરાવતી હતી. કલા અને પોતાની જાત પ્રત્યેનું ઉગ્ર વળગણ બન્નેમાં સમાન હતું.
કલા-વિવેચક રિચર્ડ બાર્થોલોમ્યુ લખે છે, ‘અમૃતાના જીવનનાં છેલ્લાં વર્ષો ભવ્ય અભિવ્યક્તિ અને વિકટ સંજોગોનાં હતાં. કલાકાર તરીકે તે અદ્દભુત હતી. ઓગણત્રીસ વર્ષની જિંદગીમાં આ કક્ષાએ ભાગ્યે જ પહોંચી શકાય. પણ તેણે જે શિખરો સર કરવા ધાર્યું હતું ત્યાં તે પહોંચી હતી? તેનામાં જે કલાભૂખ, વ્યાકુળતા, ઝંખના ને પીડા સળગતી હતી તેની આપણે તો કલ્પના જ કરવાની રહે છે.’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 27 જુલાઈ 2025