મુક્ત વિચારકો એ છે જે તેમની બુદ્ધિને પૂર્વગ્રહો કે ભય વગર કામ કરવા દે છે અને પોતાની પરંપરા, સંસ્કૃતિ, માન્યતા, વિશેષાધિકાર વગેરે સાથે અથડામણ ઊભી કરતી બાબતોનું વાસ્તવ સમજવા ઈચ્છે છે. આવી માનસિકતા દુર્લભ છે, પણ યોગ્ય રીતે વિચાર કરવા માટે એ જરૂરી છે
— ટૉલ્સ્ટૉય
‘મારી બુદ્ધિથી કે હૃદયથી નહીં પણ મારા પરમાણુથી હું સમજ્યો કે મોસ્કોમાં હજારો ગરીબ માણસો હોય અને હું માલમલીદા ઉડાવતો રહું એ ગુનો છે. એ ગુનો હું કેવળ સાંખી લઉં છું એમ નથી, પણ મારા મોજશોખો વડે તેમાં હું સીધો ભાગ ભજવું છું. જ્યાં સુધી મારી પાસે વધારાનું ખાવાનું છે અને બીજા કોઈક પાસે જરાયે નથી, જ્યાં સુધી મારી પાસે બે વસ્ત્ર છે ને બીજા કોઈક પાસે એકેય નથી ત્યાં સુધી નિરંતર ચાલી રહેલા પાપમાં હું ભાગીદાર છું.’ આ વિધાન છે રશિયન દાર્શનિક લિયો ટૉલ્સ્ટૉયનું.
છેલ્લા દિવસોમાં આપણે યુદ્ધનાં પડઘમ સાંભળી ચિંતાતુર થયા અને ત્યાર પછી શાંતિનો હાશકારો પણ અનુભવ્યો. ત્યારે યાદ આવે છે ટૉલ્સ્ટૉયની દોઢ સદી પહેલા લખાયેલી, વિશ્વની મહાન નવલકથાઓમાંની એક ‘વૉર એન્ડ પીસ’. મૂળ રશિયન ભાષામાં 1865થી 1869ના ગાળામાં ‘વોયના આઈ મીર’ નામે એ પ્રગટ થઈ હતી.
અહીં વૉર શબ્દ નેપોલિયનિક વોર્સ એટલે કે નેપોલિયનકાલીન યુદ્ધોના સંદર્ભે યોજાયો છે. જગતના ઇતિહાસમાં આ યુદ્ધો ખૂબ મહત્ત્વના છે. 1800થી 1815 સુધી ચાલેલાં આ યુદ્ધો 1792થી 1799 સુધી ચાલેલા ફ્રેંચ ક્રાંતિ-યુદ્ધોના અનુગામી, તેના જ વિસ્તાર જેવાં હતાં. કુલ 23 વર્ષ સુધી યુરોપમાં સતત ચાલેલાં યુદ્ધો દરમિયાન મોટાભાગનું યુરોપ ટૂંકા ગાળા માટે ફ્રેંચ આધિપત્ય હેઠળ આવ્યું હતું જેનો સમ્રાટ હતો નેપોલિયન. તેના સામ્રાજ્યની સીમાઓ રશિયાને અડતી હતી. રશિયા પર ફ્રેંચ સંસ્કૃતિનો એટલો પ્રભાવ હતો કે ત્યાંના રાજવી પરિવારો અને ઉમરાવો ફ્રેંચ ભાષા બોલતા.
1810માં ફ્રાંસ અને રશિયાના સંબંધો બગડ્યા. 1812માં નેપોલિયને યુરોપમાં અત્યાર સુધીની સૌથી મોટી ગણાય એવી સેના લઇ એવી જ અભૂતપૂર્વ તૈયારીઓ સાથે રશિયા પર આક્રમણ કર્યું. શરૂઆત જીતથી થઈ. ફ્રાન્સના એક લાખ સૈનિકોએ ઝડપથી મોસ્કો કબજે કર્યું; પણ હિમવર્ષા, કડકડતી ઠંડી, પુરવઠાની અછત અને રાજકીય ગતિવિધિઓને કારણે નેપોલિયનને પીછેહઠ કરવી પડી. ‘વૉર એન્ડ પીસ’માં આ યુદ્ધની વાસ્તવિક વિગતો, તેનું પરિણામ, ઝારયુગીન સમાજની જીવનશૈલી અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ અજબ નિપુણતાથી ગૂંથાયેલાં છે.
‘વૉર એન્ડ પીસ’ એક દળદાર ગ્રંથ છે જેમાં પાંચ પુસ્તકો, 1,500થી વધારે પાનાં, 559 પાત્રો અને 365 પ્રકરણો છે. કૌટુંબિક આંટીઘૂંટીઓ, રાજકીય કાવાદાવાઓ, રશિયન કલા, ફ્રેંચ સંસ્કૃતિની રશિયા પર અસર, ગૂંચવાયેલા પ્રેમસંબંધો, દિલચસ્પ કહાણીઓ અને લાંબા ચિંતનાત્મક લખાણો આ બધું રસપ્રદ હોવા છતાં એનું વાંચન એક પડકાર છે. ટૉલ્સ્ટૉય પોતે એને ‘નવલકથા’ જેવા પ્રકારવાચક શબ્દમાં બાંધવા રાજી ન હતા. તેઓ ત્યાર પછી લખાયેલી ‘અન્ના કેરોનિના’ને પોતાની પ્રથમ નવલકથા કહેતા. ઉમરાવ પરિવારની એક સ્ત્રીના લગ્નબાહ્ય સંબંધ, સમાજમાં પડતા એના પ્રત્યાઘાત અને સંબંધમાં પુરુષ-સ્ત્રી બંને જોડાયાં હોવા છતાં પુરુષ એનું સામાજિક મહત્ત્વ ન ગુમાવે અને સ્ત્રીનો એને આત્મહત્યા કરવી પડે એ હદે બહિષ્કાર થાય એ વાસ્તવિકતા ‘અન્ના કેરોનિના’ના કેન્દ્રમાં હતી. ટૉલ્સ્ટૉયને અમરત્વ પ્રદાન કરનારી આ બંને કૃતિઓ એક શાશ્વત સત્ય બતાવે છે કે માણસ અનેક અદૃશ્ય આંતરબાહ્ય બંધનોમાં એટલો જકડાયેલો હોય છે કે તેની પાસે સ્વતંત્રતા અને પસંદગીનો નહીંવત અવકાશ બચે છે.
‘વૉર એન્ડ પીસ’ની શરૂઆત સમારંભથી થાય છે. 19મી સદીની શરૂઆતના ઝાર એલેક્ઝાન્ડર-1 શાસિત રશિયન સમાજના ઉમરાવોનો એ સમારંભ છે. પાંચ ઉમરાવ પરિવારો – ખાસ કરીને બેઝુખોવ, બોલ્કોન્સકી અને રોસ્ટોવ – ના સભ્યો નેપોલિયનિક યુદ્ધો સાથે સંકળાયેલા છે. વાર્તા તેમના અંગત અને કૌટુંબિક જીવનથી નેપોલિયનના મુખ્ય મથક સુધી, રશિયાના એલેક્ઝાન્ડર-1ના દરબારથી યુદ્ધભૂમિ સુધી ફેલાયેલી છે. નવલકથામાં લગભગ 160 વાસ્તવિક વ્યક્તિઓનો ઉલ્લેખ છે. લશ્કરી ઇતિહાસ પર ટૉલ્સ્ટૉયને વિશ્વાસ ઓછો હતો. નવલકથાના ત્રીજા ખંડની શરૂઆતમાં તેઓ ઇતિહાસ કેવી રીતે લખવો જોઈએ તે અંગેના પોતાના વિચારો સમજાવે છે. 24 દાર્શનિક પ્રકરણો છે જેમાં લેખકની ટિપ્પણીઓ અને મંતવ્યો છે, કથા નહીં. વિશાળ રંગભૂમિ પર જીવન-નાટક ખેલાતું હોય એવું લાગે છે.
નવલકથા લખતા પહેલા ટૉલ્સ્ટૉયે ફ્રેન્ચ આક્રમણ સમયે હયાત હોય એવા લોકો સાથે વાત કરી હતી. નેપોલિયનિક યુદ્ધો વિશે ઉપલબ્ધ તમામ પ્રમાણભૂત સામગ્રી – પત્રો, જર્નલો, જીવનચરિત્રો, આત્મકથાઓ, ઇતિહાસ વાંચવા ઉપરાંત ક્રિમિઅન યુદ્ધના પોતાના અનુભવનો ઉપયોગ શાહી રશિયન સૈન્યની રચના કેવી રીતે કરવામાં આવી હતી તેની આબેહૂબ વિગતો અને પ્રત્યક્ષ અહેવાલો લાવવા માટે કર્યો હતો. હેમિંગ્વે કહે છે કે ‘ટૉલ્સ્ટૉય જેવું યુદ્ધ કોઈ લખી શકે નહીં.’ સાથે તેમણે શાંતિ પણ ખોજી છે. શાંતિ યુદ્ધની ગેરહાજરી માત્ર છે કે પછી તેનું ફલક સંવાદિતા અને સમજદારી સુધી વિસ્તરે છે? આ પ્રશ્નનો જવાબ છે અને નથી.

લિયો ટૉલ્સટૉય, 1868
1962માં તેમનાં લગ્ન થયાં, 1963માં તેમણે ‘વૉર એન્ડ પીસ’ લખવાનું શરૂ કર્યું. ત્યારે તેઓ પોતાના ગામડાંની જાગીરમાં રહેતા હતા. 1865 અને 1869 વચ્ચે તેમણે વચ્ચે આખી નવલકથા ફરીથી લખી. પત્ની સોફિયાએ ભારે જહેમત લઇ સાત જેટલી અલગ સંપૂર્ણ હસ્તપ્રતોની નકલ કરી હતી. સોફિયા તેમની સચિવ, સંપાદક અને નાણાકીય વ્યવસ્થાપક હતી. પછીથી ટૉલ્સ્ટૉય મિલકતો છોડવા માંડ્યા એટલે લગ્નજીવન ખરાબે ચડ્યું, જેનો અંત ટૉલ્સ્ટૉયના ગૃહત્યાગમાં આવ્યો.
‘વૉર એન્ડ પીસ’ પ્રગટ થઈ, તરત જ વેચાઈ ગઈ અને ઝડપથી અન્ય ભાષાઓમાં અનુવાદિત થઈ. ગુજરાતીમાં તેનો અનુવાદ ‘યુદ્ધ અને શાંતિ’ નામથી જયંતિ દલાલે કર્યો છે, જે 1955માં પ્રગટ થયો હતો. ચાર ભાગમાં આ અનુવાદ કરતાં તેમને ત્રણચાર વર્ષ લાગ્યા હતાં. એ પ્રગટ થયો ત્યારે વિજયરાય વૈદ્યે કહ્યું હતું કે ‘આ અનુવાદ સાબિત કરે છે કે ગુજરાતી ભાષા જગતસાહિત્યને પચાવી શકે તેવી ગૌરવશાળી છે.’ ગુજરાતમાં ટૉલ્સ્ટૉયના ગ્રંથોના અનુવાદો ઘણા છે. ગાંધીજીથી માંડીને જિતેન્દ્ર દેસાઈ સુધી અનેકનું એમાં પ્રદાન છે. ટૉલ્સ્ટૉયના પુસ્તક ‘કિંગ્ડમ ઑફ ગોડ ઈઝ વિધીન યુ’માં પ્રગટ થયેલા અહિંસક પ્રતિકારના વિચારોએ ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી. બંને વચ્ચે પત્રવ્યવહાર પણ થયો હતો.
‘વૉર એન્ડ પીસ’નો ધ્વનિ એવો છે કે નેપોલિયનો, રાજ્યસત્તાઓ, આંદોલનો, વિચારો અને આદર્શો તો જશે પણ માનવપ્રેમ, શ્રદ્ધા અને રોજિંદા ગૃહજીવનનું મૂલ્ય સ્થાયી ટકશે. ‘યુદ્ધ ને શાંતિ’ નવલકથાનું એક પાત્ર પિએર યુદ્ધકેદી હતો, ત્યારે અન્ય કેદીઓ સાથે જીવતાં તેને ભાન થયું કે માનવ મૂળે તો સુખી થવા સર્જાયો છે. સુખ પોતાના અંતરમાં અનુભવાય છે અને તે પણ સાવ સાધારણ મૂળભૂત જરૂરિયાતોના સંતોષાવાથી. અને દુઃખ એ જરૂરિયાતોના અભાવથી નહીં પણ તેની અત્યાધિકતાથી પેદા થતું હોય છે.
ટૉલ્સ્ટૉય કહે છે, ‘મુક્ત વિચારકો એ છે જે તેમની બુદ્ધિને પૂર્વગ્રહો કે ભય વગર કામ કરવા દે છે અને પોતાની પરંપરા, સંસ્કૃતિ, માન્યતા, વિશેષાધિકાર વગેરે સાથે અથડામણ ઊભી કરતી બાબતોનું વાસ્તવ સમજવા ઈચ્છે છે. આવી માનસિકતા દુર્લભ છે, પણ યોગ્ય રીતે વિચાર કરવા માટે એ જરૂરી છે.’ ‘જો મને કોઈ પૂછે કે આપણી સદીના લોકો માટે સૌથી વધારે જરૂરી અને સૌથી સારી હોય એવી સલાહ કઈ – તો હું એટલું જ કહું, ‘ઈશ્વરને ખાતર, એક ક્ષણ થોભો, તમારું કામ અટકાવો અને આસપાસ જુઓ.’ ‘હું કોણ છું અને અહીં શા માટે છું એ જાણ્યા વગર જીવન અશક્ય છે.’ અને ‘બધા ઈચ્છે છે કે વિશ્વ બદલાય. પણ કોઈ પોતાને બદલવા માગતું નથી.’ દોઢ સદી પહેલાના આ વિચારો આજે પણ પ્રસ્તુત છે કેમ કે તેમાં શાશ્વત સત્યનો રણકાર છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 18 મે 2025