સર્વોચ્ચ અદાલતે બંધારણના અનુચ્છેદ ૧૯ (ફ્રીડમ ઓફ સ્પીચ) અને ૨૧(પ્રોટેક્શન ઓફ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી)ને સાંકળીને માહિતીના અધિકારને મૂળભૂત અધિકાર ગણ્યો છે. ભારતના સંવિધાને તો નાગરિકને મૂળભૂત અધિકારો આપ્યા પણ વહીવટીતંત્રની લાલફીતાશાહી લોકોને સામાન્ય માહિતી પણ આપતી નહોતી. તેના કારણે જ માહિતી અધિકારનું સશક્ત આંદોલન ઊભું થયું. લાંબા સંઘર્ષ પછી ૨૦૦૫માં માહિતી અધિકારનો કેન્દ્રીય કાયદો મળ્યો. આ આંદોલનના એક અગ્રણી અને પૂર્વ સનદી અધિકારી અરુણા રોય માહિતીના અધિકારને ‘જીવવાનો અને જાણવાનો હક’ ગણાવે છે.
બીજી આઝાદી કે લોકશાહીને સાર્થક કરતા કદમ તરીકે બિરદાવાતો આ કાયદો દક્ષિણ એશિયાના દેશોના આવા કાયદામાં સૌથી બહેતર મનાય છે. તો પારર્દિશતાના મુદ્દે તે દુનિયાનો સૌથી સારો કાયદો ગણાય છે. આજે આ કાયદાના નબળા અમલ છતાં દરેક રાજકીય પક્ષ અને સરકાર તેનાથી ડરે છે. આ કાયદો ઘડવાનું ઉચિત શ્રેય લેનાર કૉન્ગ્રેસ અને યુ.પી.એ.ના સાથી પક્ષોએ ૨૦૦૬માં ફાઈલ નોટિંગને કાયદાના દાયરામાંથી બહાર કાઢવા અને ૨૦૦૯માં માહિતી અધિકાર અરજીની ગંભીરતા નક્કી કરવા તથા કાયદાની સમીક્ષા કરવા મૂળ કાયદામાં સુધારા કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં સફળ થયા નહોતા. વિક્રમી સંસદીય કાર્યવાહીના ગણાતા સંસદના છેલ્લા સત્રમાં હાલની સરકારે માહિતી અધિકાર કાનૂન ૨૦૦૫માં સંશોધન કરતું બિલ પસાર કર્યું છે. તેના કારણે આ કાયદો નબળો પડવાની દહેશત ઊભી થઈ છે.
દેશ અને દુનિયામાં માહિતીનો અધિકાર દીર્ઘ ઇતિહાસ ધરાવે છે. ઈ.સ. ૧૭૬૬માં સ્વિડને પ્રથમવાર માહિતી અધિકારનો કાયદો ઘડયો હતો. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, નેપાળ, શ્રીલંકા અને ક્વીન્સલેન્ડ સહિતના ૧૦૦ કરતાં વધુ દેશોએ તેના નાગરિકોને માહિતીનો અધિકાર આપેલો છે. ભારતમાં પહેલી પ્રેસ પરિષદે, ૧૯૫૨માં, વહીવટમાં પારદર્શિતાનું સૂચન કર્યું હતું. ૧૯૭૭માં કટોકટી પછી સત્તામાં આવેલા જનતા પક્ષે માહિતી અધિકારના કાયદાનું વચન આપ્યું હતું. પણ તેના અસ્થિર અને ટૂંકા કાર્યકાળમાં તે વચન નિભાવી શક્યો નહીં. માહિતી અધિકારના સૌથી નિષ્ઠાવાન પ્રયત્નો ૧૯૮૯માં વી.પી. સિંઘના સત્તાકાળમાં થયા હતા. ૨૦૦૫નો માહિતી અધિકારનો કેન્દ્રનો કાયદો આવ્યો તે પૂર્વે તમિલનાડુ, ગોવા, રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર, અસમ, મધ્યપ્રદેશ અને જમ્મુ-કશ્મીર એ નવ રાજ્યોમાં માહિતી અધિકારના કાયદા કે નિયમો અમલમાં હતા.
વહીવટી પારદર્શિતા અને ખુલ્લાપણાનો લોકોને અહેસાસ થાય તે માટે ૧૨ ઓક્ટોબર, ૨૦૦૫થી અમલી બનેલા માહિતી અધિકારના કાયદાનો ઉદ્દેશ, ‘સરકારી તંત્રની કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાનો છે.’ આ કાયદાનો ‘ભ્રષ્ટાચારને નિયંત્રણમાં રાખવાનો, સરકારોનું કાર્યક્ષમ સંચાલન થાય છે કે નહીં તે જોવાનો અને સરકાર તથા પ્રજા વચ્ચે માહિતીની આપલે કરી સંવાદિતા સાધવાનો’ પણ હેતુ છે. આર.ટી.આઈ. એક્ટ હેઠળ કોઈ પણ માહિતી ૩૦ દિવસમાં અને જીવન કે સ્વતંત્રતા સાથે જોડાયેલી માહિતી ૪૮ કલાકમાં જ આપી દેવાની જોગવાઈ છે, પરંતુ માહિતી અધિકાર હેઠળ માંગેલી માહિતી આપવામાં સરકારી તંત્રની વરસો જૂની રગશિયા ગાડાની કે ઠાગાઠૈયાની નીતિનો સર્વત્ર અનુભવ છે. માહિતી ન આપવી, અધૂરી, અસ્પષ્ટ અને ભળતીસળતી માહિતી આપવાની વ્યાપક ફરિયાદો છે. માહિતી અધિકારની અરજી તબદીલ કરીને કાયદાની છટકબારીનો પણ અધિકારીઓ વ્યાપક ઉપયોગ કરે છે. તેને કારણે બિનજરૂરી વિલંબ થાય છે. વળી સમયમર્યાદામાં માહિતી મળતી નથી. જો માહિતી ન મળે, મળેલ માહિતીથી અરજદારને સંતોષ ન થાય તો કેન્દ્ર અને રાજ્યોના માહિતી આયોગોમાં અપીલ કરવાની કાયદામાં જોગવાઈ છે. તેને કારણે કાયદાનો યોગ્ય અમલ ન કરનારને દંડરૂપી સજા થાય છે.
૨૦૦૫ના માહિતી અધિકાર કાયદાની કલમ ૧૩ અને ૧૬માં સુધારો કરતું બિલ તાજેતરમાં સંસદનાં બંને ગૃહોએ પસાર કર્યું છે. કેન્દ્ર અને રાજ્યોના માહિતી આયોગો સ્વતંત્ર અને સ્વાયત્ત હોય તે માટે ૨૦૦૫માં કાયદાના ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સર્વપક્ષીય સંસદીય સ્થાયી સમિતિએ કેટલીક જોગવાઈઓની ભલામણ કરી હતી. કાયદાની કલમ ૧૩ અને ૧૬ મુજબ કેન્દ્રના મુખ્ય માહિતી કમિશનરના વેતન-ભથ્થાં સર્વોચ્ચ અદાલતના જજ અને રાજ્યના મુખ્ય માહિતી કમિશનરનાં વેતન ચૂંટણી કમિશનર કે મુખ્ય સચિવ સમકક્ષ તથા અન્યના પગાર ભથ્થા ચૂંટણીપંચના સભ્ય જેટલાં નક્કી કર્યાં હતાં. તેમનો કાર્યકાળ ૫ વરસ અને વધુમાં વધુ ૬૫ વરસની ઉંમરનો રાખ્યો હતો. મોટે ભાગે સરકારના માનીતા નિવૃત્ત અધિકારીઓની જ નિમણૂકો કેન્દ્ર અને રાજ્યોના માહિતી આયોગોમાં થતી હતી. તેમ છતાં સરકારે કલમ ૧૩ અને ૧૬માં સુધારો કરીને કેન્દ્ર અને રાજ્યોના માહિતી આયોગોની નિમણૂક તેમનો કાર્યકાળ, વેતન-ભથ્થા અને સેવાની શરતો હવે કેન્દ્ર સરકાર નક્કી કરશે તેવી જોગવાઈ કરી છે.
માહિતી અધિકારના કાયદામાં સુધારા સંદર્ભે સરકારની દલીલ છે કે ચૂંટણીપંચ બંધારણીય સંસ્થા છે જ્યારે માહિતી આયોગ કાયદાકીય સંસ્થા છે ત્યારે માહિતી કમિશનરોનાં વેતન-ભથ્થાં ચૂંટણીપંચના સભ્યો સમકક્ષ કઈ રીતે હોઈ શકે ? એ જ રીતે માહિતી કમિશનરોના આદેશોને જો અદાલતોમાં પડકારી શકાતા હોય તો તેમનાં વેતન અદાલતોના જજની સમકક્ષ પણ ન રાખી શકાય. પહેલી નજરે સરકારની આ દલીલ કોઈને પણ સ્વીકાર્ય લાગે તેવી છે. પણ અત્યાર સુધી રાજ્યોના માહિતી આયોગના સભ્ય અને મુખ્ય માહિતી કમિશનરનાં વેતન અને સેવા શરતો રાજ્ય સરકારો નક્કી કરતી હતી. તેના પર કેન્દ્રની આ તરાપ છે. હવે કાર્યકાળ નક્કી કરવાનું સંપૂર્ણપણે કેન્દ્ર હસ્તક રહેશે. એને કારણે આપણા સમવાયી માળખા પર અસર થશે અને વિપક્ષોની રાજ્ય સરકારોને પરેશાની ભોગવવી પડશે. આ કારણસર માહિતી આયોગની સ્વતંત્રતા પણ જોખમાશે.
સરકારો હાલની હોય, ગઈકાલની હોય કે આવતીકાલની, તમામને નબળો માહિતી અધિકાર કાયદો જ ખપે છે. એટલે જ બીજુ જનતા દળ, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ અને વાય.એસ.આર. કૉન્ગ્રેસ જેવા પ્રાદેશિક પક્ષોએ આ સુધારા બિલનો લોકસભામાં તો વિરોધ કર્યો પણ જ્યાં સરકારની બહુમતી નથી તેવી રાજ્યસભામાં સમર્થન કર્યું! માહિતી અધિકારનો કાયદો સઘળા રાજકીય પક્ષોને લાગુ પડે છે તેવા કેન્દ્રીય માહિતી આયોગના ૨૦૧૩ના ચુકાદાનો એકે ય રાજકીય પક્ષ અમલ કરતો ન હોય તો તે સબળો માહિતી અધિકાર ઈચ્છે ખરા?
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 28 ઑગસ્ટ 2019