
રાજ ગોસ્વામી
111 વર્ષ પહેલાં, નોર્થ એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયેલું ‘ટાઈટેનિક’ કયારે ય સમાચારોમાંથી ગાયબ રહેતું નથી. આધુનિક માનવ ઇતિહાસનું (જે તે વખતે) જેટલું મોટું જહાજ હતું, એટલી જ મોટી એ દુર્ઘટના હતી. તેનું જ્યારે નિર્માણ કરવામાં આવ્યું, ત્યારે તેને સૌથી સુરક્ષિત જહાજ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. 15 એપ્રિલ 1912ના રોજ તે સમુદ્રમાં ડૂબ્યું, ત્યારે તેમાં 2,224 મુસાફરો સવાર હતાં. એમાંથી 1,500થી વધુ લોકો, જહાજની સાથે જ, પાણીમાં ગરકાવ થઇ ગયાં.
23મી જૂને ‘ટાઈટેનિક’ ફરીથી સમાચારોમાં ચમક્યું. એનો કાટમાળ હજુ પણ સમુદ્રના તળિયે છે. સમુદ્રશાસ્ત્રીઓથી લઈને સાહસિકો વખતો વખત ડૂબકી મારીને તેની શોધખોળ કરતાં રહે છે. 23મી તરીકે, ‘ધ ટાઈટેન’ નામનું એક સબમર્સીબલ વાહન ‘ટાઈટેનિક’ની જ્યાં જળસમાધિ છે ત્યાં ધડાકા સાથે ડૂબી ગયું અને એમાં સવાર પાંચ લોકોનાં મોત થઇ ગયાં.
જહાજ ડૂબ્યાના 73 વર્ષ પછી, 1985માં, સમુદ્રના તળિયે તેનો કાટમાળ પહેલીવાર શોધવામાં આવ્યો તે પછી ‘ટાઈટેનિક ટુરિઝમ’ની શરૂઆત થઇ હતી. અમેરિકાની ઓસિયનગેટ નામની એક કંપની આવી ટુર ચલાવે છે. મિનિવાન કદનું ‘ધ ટાઈટેન’ વાહન આ કંપનીનું હતું. તે સમુદ્રમાં તૂટી ગયું તેના સમાચાર આવ્યા ત્યારે, ૩૩ વખત એ કાટમાળનાં ચક્કર મારી આવનારા હોલિવૂડના ફિલ્મ નિર્દેશક જેમ્સ કેમરોને બી.બી.સી.ને કહ્યું હતું કે તેમને જ્યારે પહેલીવાર એ સમાચાર મળ્યા હતા કે સબમર્સીબલનો નેવિગેશન અને કોમ્યુનિકેશન સંપર્ક થતો નથી, ત્યારે જ તેમને ફાળ પડી હતી કે તેની સાથે દુર્ઘટના થઇ છે.
“મેં તરત જ સબમર્સીબલ સમુદાયમાં મારા સંપર્કોને ફોન લગાવ્યો હતો,” કેમરોને કહ્યું હતું, “એકાદ કલાકમાં જ મારી પાસે અમુક તથ્યો આવી ગયાં હતાં. એ લોકો 3,500 મીટર પર હતા અને નીચે 3,800 મીટર તરફ ઉતરી રહ્યા હતા. તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, અને મેં તરત જ કહ્યું – મોટી દુર્ઘટના વગર સંપર્ક ન તૂટે. મારી શંકા હતી કે અંદર સ્ફોટ થયો છે.”
તેમણે ઉમેર્યું હતું, “મારી નજર સામે એવું દૃશ્ય તરી ગયું જેમાં લોકો ચીસાચીસ કરતાં હોય અને ઓક્સીજન માટે ફાંફા મારતાં હોય. એ કેવી વિડંબના છે કે 1912માં જે જગ્યાએ ટાઈટેનિક ડૂબી ગયું હતું, તે જ જગ્યાએ ધ ટાઈટેન ડૂબી ગયું. બંને વખતે ચેતવણીઓને ગણકારવામાં આવી નહોતી.”
આ જેમ્સ કેમરોન એ જ છે જેમણે 1997માં જગપ્રસિદ્ધ ‘ટાઈટેનિક’ ફિલ્મ બનાવી હતી. 2012માં, કેમેરોને ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચાર પત્રને કહ્યું હતું કે 13,000 ફીટ નીચે ટાઈટેનિક જ્યાં ડૂબી ગયું હતું તે દુનિયાની સૌથી અઘરામાં અઘરી જગ્યા છે. ત્યાં સમુદ્રના તળિયેથી તમે કોઈને બચાવ માટે પણ બોલાવી ન શકો. તેમને એ જગ્યા જોવી હતી, જ્યાં માણસ પહેલાં ક્યારે ય ગયો નહોતો.
મૂળ કેનેડામાં જન્મેલા કેમરોન કોલેજમાં ભણવાને બદલે ટ્રક ચલાવતા હતા અને જ્યોર્જ લુકાસની અંતરીક્ષ ફિલ્મ ‘સ્ટાર વોર્સ’ જોઇને ફિલ્મો અને તેની સ્પેશ્યલ ઈફેક્ટ તરફ આકર્ષાયા હતા. 1989માં તેમણે ‘ધ એબીસ’ નામની ફિલ્મ બનાવી હતી, જેમાં સમુદ્રમાં ઓઈલ-રિગ પર કામ કરતા કર્મચારીઓને સમુદ્રમાં વિચિત્ર પ્રજાતિનો ભેટો થાય છે. તે વખતથી તેમનામાં સમુદ્રના પેટમાં શું હોય તેનું કુતૂહલ જાગ્યું હતું.
‘ટાઈટેનિક’માં ફર્સ્ટ-ક્લાસમાં પ્રવાસ કરતી અમીર પરિવારની રોઝ બકટેર (કેટ વિન્સ્લેટ) અને થર્ડ-ક્લાસના મુસાફર જેક ડાઉસન(લીયોનાર્ડો ડિકેપ્રીઓ)ની વાર્તા છે. બંને ચાર દિવસની તેમની ટાઈટેનિક યાત્રા દરમિયાન પ્રેમમાં પડે છે. એક બાજુ તેમના એ રોમાન્સ અને એમાં આવતી અડચણો અને બીજી જહાજનું હિમશીલા સાથે ટકરાઈને ડૂબી જવું એ બે ઘટનાઓ એકસાથે ફિલ્મમાં ચાલતી રહે છે. છેલ્લે જેક રોઝને તરાપા પર તરતી રાખીને ખુદ બરફ જેવા કાતિલ પાણીમાં ઠરી જઈને અવસાન પામે છે.
આખી ફિલ્મ ફ્લેશબેકમાં હતી. ફિલ્મની શરૂઆતમાં, ટાઈટેનિક જહાજના કાટમાળની શોધખોળ કરી રહેલા અમુક ગોથાખોરો, વૃદ્ધ થઇ ગયેલી રોઝ પાસેથી આંખે દેખ્યો અહેવાલ માંગે છે. રોઝ તે કેવી રીતે લંડનમાં જહાજ પર સવાર થઇ અને કેવી રીતે જેકને ભટકાઈ ત્યાંથી વાર્તા કહેવાનું શરૂ કરે છે. આખી ફિલ્મ આમ જુઓ તો બોલિવૂડની રોમેન્ટિક ફિલ્મ જેવી છે. તે વખતે ઘણા ફિલ્મ વિવેચકોએ કહ્યું પણ હતું કે જેમ્સ કેમરોને બોલિવૂડ લવ-સ્ટોરી બનાવી છે, જેમાં એક અમીર છોકરી છે, એક ગરીબ છોકરો છે, બંને વચ્ચે પ્રેમ છે અને છોકરીનો પરિવાર એમાં વિલન બને છે.
2009માં, કેમરોને પ્લેબોય પત્રિકાને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમણે પ્રેમ-કહાની કહેવા માટે કે પૈસા કમાવા માટે ‘ટાઈટેનિક’ ફિલ્મ બનાવી નહોતી, બલકે તેમને જહાજના કાટમાળ સુધી ડૂબકી મારીને તેને શૂટ કરવું હતું. કેમેરોન પોતે સારા ગોથાખોર છે. તેમણે કહ્યું હતું, “ટાઈટેનિકનો કાટમાળ સમુદ્રનો માઉન્ટ એવરેસ્ટ છે. ગોથાખોર તરીકે મારે ત્યાં જવું હતું. મને જ્યારે ખબર પડી કે અમુક લોકો આઈમેક્સ ફિલ્મ બનાવવા માટે ટાઈટેનિક સુધી ગોથું મારી આવ્યા છે, તો મને થયું કે હું એક ફિલ્મ બનાવીશ જેથી ત્યાં જવાનો ખર્ચો નીકળી જાય. એક ખોજયાત્રીનું કામ સૌથી અઘરો અનુભવ કરવાનું અને પાછા આવીને તેની વાર્તા કહેવાનું છે.”
પરંતુ, વર્ષો પહેલાં એક ડૂબી ગયેલા જહાજ એક જહાજના કાટમાળને શૂટ કરવા માટે કોણ પૈસા આપે? (આજના હિસાબે તે 20 કરોડ રૂપિયામાં બની હતી) એટલે કેમરોને ફાયનાન્સરોને લલચાવવા માટે આઈડિયા લડાવ્યો કે શેક્સપિયરના સદાબહાર પ્રેમીઓ, રોમિયો અને જુલિયેટ, ટાઈટેનિક જહાજ પર હોય તો કેવું? રોમિયો અને જુલિયેટની પ્રેમ કહાની પર દુનિયાભરમાં અનેક ફિલ્મો બની છે. આપણે ત્યાં બોલિવૂડમાં ‘એક દુજે કે લિયે’, ‘બોબી’, ‘સોદાગર’, ‘કયામત સે કયામત તક’ અને ‘સનમ તેરી કસમ’ જેવી ફિલ્મો બની છે.
તેની વાર્તા સર્વકાલીન છે: રોમિયો અને જુલિયેટ ગળાડૂબ પ્રેમ છે, પણ તેમનો પરિવાર એકબીજાને નફરત કરે છે. બંને લગ્ન કરવાનું નક્કી કરે છે, પણ જુલિયેટને ત્રણ દિવસમાં કાઉન્ટ પેરિસ સાથે પરણાવી દેવાનો કારસો ગોઠવાય છે. આમાંથ બચવા માટે જુલિયેટ પાદરી પાસે એવું ઔષધિ માંગે છે, જે પીવાથી તે મૃત નજર આવે.
પાદરીએ આ વાત રોમિયોને કહેવાની હોય છે પણ તે પહેલાં રોમિયો માની લે છે કે જુલિયેટ મરી ગઈ છે. એટલે તે જુલિયેટની ‘કબર’ પર જઈને તેને ચૂંબન કરે છે અને પોતાની પાસે રાખેલું ઝેર પી જાય છે. તે ફરી જુલિયેટને ચૂંબન કરે છે અને જુલિયેટ આંખો ખોલે તે પહેલાં મરી જાય છે. પ્રેમીને મૃત જોઇને દુઃખી થઇ ગયેલી જુલિયેટ રોમિયોની કટાર ખેંચીને પોતાના હૃદયમાં મારી દે છે, જેથી પરપુરુષથી બચી શકે.
‘ટાઈટેનિક’માં એ જ વાર્તાને થોડા ફેરફાર સાથે એવી રીતે સમાવામાં આવી હતી કે પ્રેમીઓની ટ્રેજેડી અને જહાજની ટ્રેજેડી સાથે-સાથે ચાલે. જેમ્સ કેમરોનને ફિલ્મની સફળતા વિશે બહુ આશા નહોતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, “ફિલ્મ પૂરી થવાના છેલ્લા છ મહિના હતા, ત્યારે મને થયું હતું કે મારી કેરિયર પતી જશે. મને લાગ્યું હતું કે આમાં પૈસા નહીં બને. મને થયું હતું કે મેં ટ્વેંટીએથ સેન્ચુરીની તિજોરીમાં મોટું ગાબડું પાડ્યું છે અને મને એ લોકો માફ નહીં કરે.”
પરંતુ ‘ટાઈટેનિક’ એ વખતની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ એટલું જ નહીં, 14 ઓસ્કાર નોમિનેશનમાંથી 11 એવોર્ડ લઇ ગઈ. કેમરોન કહે છે કે તેનું કારણ કંઇક અંશે ટાઈટેનિક જહાજની પોતાની વાર્તા છે. ઇતિહાસમાં એ દિવસે શું થયું હતું તેનું કુતૂહલ આ ફિલ્મની લોકપ્રિયતા માટે જવાબદાર છે. તે કહે છે, “હું હંમેશાં માનું છું કે એક સદાબહાર પ્રેમ કહાનીમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને ઉર્જા બક્ષે છે. ફિલ્મમાં જેક રોઝને જીવન આપે છે. છેલ્લા શોટમાં અમે તેની એ ભૂરી આંખોમાં તેના 103 વર્ષને પસાર થતું બતાવ્યું હતું. જેકે તેને આટલી મોટી ગીફ્ટ આપી હતી.”
ફિલ્મની વાર્તાની અને કેમરોનના નિર્દેશનની તો ઘણી બધી વાતો છે પણ તેમની ચીવટની બે નાનકડી વાતો નોંધવા જેવી છે: ફિલ્મ ફ્લેશબેકમાં છે, એટલે વર્તમાન સમય અને ફિલ્મની ક્રેડીટનાં રીલ્સ કાઢી નાખીએ, તો ફિલ્મની કુલ લંબાઈ બે કલાક અને ચાલીસ મિનિટની છે. 1912માં, ટાઈટેનિકને ડૂબતાં પણ એટલો જ સમય લાગ્યો હતો. બીજું, હિમશીલા સાથે જહાજની ટક્કર 37 સેકન્ડની હતી. ફિલ્મમાં પણ એ દૃશ્ય 37 સેકન્ડનું છે.
(પ્રગટ : ‘સુપરહિટ’, “સંદેશ”; 05 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર