જ્યાં જીવવું હોય એમ જિવાતું નથી, ખાવું હોય એમ ખવાતું નથી, વર્તવું હોય એમ વર્તી શકાતું નથી, અસ્તિત્વ માગે તે આપી શકાતું નથી ને મરવું હોય તો મરી પણ શકાતું નથી એ કેવા પ્રકારની સ્થિતિ છે? આવી સ્થિતિમાં માણસ ડહાપણની સીમામાં ક્યાં સુધી રહી શકે?
— હાન કાંગ

હાન કાંગ
વર્ષ ૨૦૨૪નું નોબેલ લિટરેચર પ્રાઇઝ દક્ષિણ કોરિયાની લેખિકા હાન કાંગને મળ્યું. દક્ષિણ કોરિયામાં સાહિત્ય માટે ગયેલું આ પહેલું નોબેલ પ્રાઇઝ છે. નોબેલ આપનાર રોયલ સ્વીડિશ એકેડમીએ આ સન્માનની જાહેરાત કરતાં કહ્યું, ‘આ સન્માન હાન કાંગને તેમના તીક્ષ્ણ અને કાવ્યાત્મક ગદ્ય માટે મળે છે, જેમાં અતીતના આઘાતો સાથે મૂઠભેડ અને માનવજીવનની કોમળતા બંનેનાં દર્શન થાય છે.’
હાન કાંગ કોરિયન ભાષામાં લખે છે અને દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં વસે છે. આ સિઓલને પશ્ચાદભૂમિકામાં રાખી લખાયેલી એમની નવલકથા ‘ધ વેજિટેરિયન’ને 2016નું બૂકર પ્રાઇઝ મળ્યું છે ને તે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થયેલી એમની પહેલી નવલકથા છે. આ નવલકથા વાંચવા મળી નથી પણ એના વિષે ઈન્ટરનેટ પર ઘણું બધું ઉપલબ્ધ છે. જિજ્ઞાસા સાથે થોડું વાંચ્યું. એક સ્ત્રી અચાનક એક સ્વપ્ન જોઈને શાકાહારી બનવાનું નક્કી કરે અને એને લીધે એ એના કુટુંબથી વિખૂટી પડી જાય એવું વાંચીને કુતૂહલ વધ્યું. જેમ વધારે જાણતી ગઈ તેમ વધારે અંદર ઊતરતી ગઈ. પાત્રની સાથે મારી પરતો પણ ખૂલતી ગઈ. એવું તો શું હતું એમાં?
માંડ 200 જેટલાં પાનાંની આ નવલકથાની ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલા ભાગનું નામ છે ‘ધ વેજિટેરિયન’ કથક છે નાયિકા યાંગ-હાઈનો પતિ. પતિપત્ની બંને સામાન્ય માણસો છે. પતિ ઓફિસમાં કામ કરે છે, પત્ની સાધારણ ને કામગરી છે. એ કહે છે, ‘મારી પત્નીમાં આકર્ષણ થાય એવું કશું નથી, પણ એ કદરૂપી પણ નથી. બહુ ઊંચી નથી, બહુ નીચી નથી. મને તે ફાવી ગઈ હતી. મારા મધ્યમ દેખાવ અને કઢંગી ટેવો એની સાથે ચાલી જતા હતા. તે ફરિયાદ કરતી નહોતી, કશું માગતી નહોતી. તેને જીતવા મારે કોઈ બૌદ્ધિક કસરત કરવાની જરૂર પડતી નહોતી. હું ઘેર હોઉં ને ટી.વી.માં ડૂબી ગયો હોઉં તો એ પોતાના કમરામાં જતી રહેતી. અમારી વચ્ચે બહુ પ્રેમ હતો એમ તો ન કહેવાય, પણ ખાસ વાંધો ય નહોતો.’
આગળ કહે છે, ‘પણ એ બ્રા પહેરતી નથી.’ અને આપણને એક ઇંગિત મળે છે, જો આપણે સાવધ અને સંવેદનશીલ હોઈએ તો. એનું બ્રા ન પહેરવું કોઈ વિદ્રોહ છે? આ મામલામાં એ કોઈ દલીલ નથી કરતી, પણ કોઈને ગણકારતી પણ નથી.
સીધી દિશામાં ચાલ્યું જતું તેમનું લગ્નજીવન પહેલી વાર ખળભળી ઊઠે છે જ્યારે યાંગ-હાઈને કતલ થતાં પ્રાણીઓનાં સ્વપ્ન આવે છે અને એ માંસ ખાવાનું બંધ કરી દે છે. ‘વૃક્ષ જેવા’ જીવનની ઝંખનામાં એનું ખાવાનું ઓછું થતું જાય છે, વજન ઘટતું જાય છે. ઘરના કોઇની સમજાવટ એના પર અસર કરતી નથી. જ્યાં શાકાહારનું બિલકુલ પ્રચલન નથી અને સામાજિક નિયમોને ઉવેખી શકાતા નથી એવા દક્ષિણ કોરિયન સમાજમાં યાંગ-હાઈનો વેજિટેરિયન થવાનો અત્યંત આઘાતજનક અને વિદ્રોહી નિર્ણય પતિને પચતો નથી અને તેને સીધી કરવા એ જાતીય આક્રમણ સહિતના અનેક કઠોર ઉપાયો અજમાવે છે. પરિવારમાં રાખેલા એક જમણમાં પતિ અને ભાઈ એના હાથ પકડી રાખે છે અને પિતા તેના મોંમાં પોર્ક ઠાંસે છે. યાંગ-હાઈ પોર્ક થૂંકી નાખે છે અને પોતાના કાંડા પર બ્લેડ ફેરવી દે છે અને તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. પહેલા ભાગના અંતે હોસ્પિટલમાંથી ભાગી નીકળેલી યાંગ-હાઈ મળે છે ત્યારે તેના હાથમાં એક ઘાયલ પક્ષી હોય છે. તેને ઉડાડી મૂકતાં તે કહે છે, ‘મેં કઈં ખોટું કર્યું છે?’
બીજા ભાગનું નામ છે ‘મોંગોલિયન માર્ક’. આ બધું બન્યાના બે વર્ષ બાદ યાંગ-હાઈનો બનેવી એક પ્રસંગ યાદ કરે છે. એ વીડિયો આર્ટિસ્ટ હતો. એને શરીર પર ફૂલો ચીતરાવેલાં સ્ત્રીપુરુષનો સંભોગ શૂટ કરવો હતો. યાંગ-હાઇના શરીર પર જન્મથી ફૂલો આકારનાં નિશાન છે તેથી તે તેને મૉડેલિંગ કરવાનું કહે છે. યાંગ-હાઈ સંમત થાય છે. બનેવી તેના શરીર પર રંગીન ફૂલો આકારે છે. સંભોગની વાત થતાં પુરુષ મોડેલ ચાલ્યો જાય છે. યાંગ-હાઈ કહે છે કે એ પુરુષના શરીર પર ચીતરેલાં ફૂલોએ તેનામાં ઉત્તેજના જગાડી છે. બનેવી પોતાના શરીર પર રંગીન ફૂલો ચીતરાવી યાંગ-હાઈ પાસે જાય છે અને તેની સાથે શરીરસંબંધ બાંધે છે. દરમ્યાન યંગ-હાઈનો પતિ તેના પર છૂટાછેડાની નોટિસ મોકલી ચૂક્યો છે. યાંગ-હાઈની બહેન આખી વાત જાણે છે ત્યારે પોતાના પતિને અને બહેનને માનસિક બીમાર કહે છે. બનેવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં બાલ્કનીમાંથી પડતું મૂકે છે પણ બચી જાય છે.
ત્રીજા ભાગ ‘ફ્લેમિંગ ટ્રીઝ’ની કથક છે યાંગ-હાઈની બહેન ઇન-હાઈ. એ હવે પતિથી અલગ છે. દીકરાને મોટો કરવા સાથે મેન્ટલ હોસ્પિટલમાં રહેતી યાંગ-હાઈની સંભાળ પણ લે છે. તેને સ્ક્રિઝોફેનિયા અને અનોરેક્સિયા નર્વોસાની સારવાર આપવામાં આવે છે. અનોરેક્સિયા નર્વોસા એક ઇટિંગ ડિસઑર્ડરનું નામ છે. તેમાં વ્યક્તિ શરીરનો આકાર બદલવાની ઘેલછામાં ખાવામાં ખૂબ આત્યંતિક કક્ષાના ફેરફાર કરે છે. યાંગ-હાઈ હવે પોતે વૃક્ષ હોય એમ વર્તવા લાગી છે. એક વાર હોસ્પિટલમાંથી ભાગીને તે વૃક્ષ શાંત ઊભું રહીને ભીંજાતું હોય તેમ વરસાદને ઝીલે છે. ઇન-હાઈ પોતે ડિપ્રેશન અને માનસિક અસ્વસ્થતાની શિકાર છે છતાં વારંવાર બહેનને મળવા હોસ્પિટલ જાય છે અને તેને ખાવા માટે સમજાવતી રહે છે. એક વાર એ યાંગ-હાઈને જબરદસ્તી ખવડાવતાં ડૉક્ટર-નર્સ અને છૂટવા મથતી યાંગ-હાઈને જુએ છે. તેનાથી આ કરુણ દૃશ્ય જોઈ શકતું નથી. અંતે બીજી બંને હોસ્પિટલમાં જતી બંને બહેનો રસ્તા પર પસાર થતાં વૃક્ષોને જુએ છે. ઇન-હાઈને થાય છે કે યાંગ-હાઈ વૃક્ષ બની ચૂકી છે અને પોતે યાંગ-હાઈ બનવાની તૈયારીમાં છે.
આમ શીર્ષક ‘ધ વેજિટેરિયન’ હોવા છતાં તેમાં સિદ્ધાંત તરીકે શાકાહારની કોઈ વાત નથી. એનાં સ્તરો ખૂલતાં આવે છે તેમ હિંસા, નિર્દોષતાની સંભાવના, પાગલપણું, બીજાને સમજવાની અશક્તિ, અભિવ્યક્તિના માધ્યમ તરીકે શરીરની અનિવાર્યતા અને મર્યાદા, પિતૃસત્તાકતા આ બધું ઊઘડતું આવે છે. હાન કાંગ હે છે, ‘ભૂલભૂલમણીમાં માર્ગ શોધતી હોઉં તેમ મેં લખ્યું છે. જ્યાં જીવવું હોય એમ જિવાતું નથી, ખાવું હોય એમ ખવાતું નથી, વર્તવું હોય એમ વર્તી શકાતું નથી, અસ્તિત્વ માગે તે આપી શકાતું નથી ને મરવું હોય તો મરી પણ શકાતું નથી એ કેવા પ્રકારની સ્થિતિ છે? આવી સ્થિતિમાં માણસ ડહાપણની સીમામાં ક્યાં સુધી રહી શકે?’
વિવેચકો શું કહે છે? ‘જુદી હોવાના કારણે, પોતાની ઓળખ સ્થાપિત કરવાના પ્રયત્નોને કારણે થતો યાંગ-હાઈનો સર્વનાશ એ માત્ર એક સ્ત્રીની વાત નથી. કોરિયાની સભ્યતા સ્ત્રીઓ પર કચડી નાખતું દબાણ લાદે છે.’ ‘આ એવી સ્ત્રીની વાત છે જે પોતાના જીવનમાં પોતાને શોધી રહી છે. આ સફરમાં તેને સમજાય છે કે પરિવારજનો અને સંબંધો લાગે છે તેટલા નિર્દોષ નથી.’ એવું નથી લાગતું કે આ આપણી પણ વાત છે? ‘કશું જ ન બચે અને કશું જ ન થઈ શકે ત્યારે જે ખાલીપણું અને આક્રોશ જન્મે, આદિમ સૌંદર્ય અને ખળભળાવી મૂકતો છટાદાર સંયમ – હાન કાંગ તેની માસ્ટર છે.’ ‘જુદી જુદી સંસ્કૃતિના લોકો જુદી જુદી રીતે જોઈ શકે એવી મોકળાશ અહીં છે.’
તમિલ અને નેપાળી સહિત ૨૭ ભાષામાં તેનો અનુવાદ થયો છે. પહેલો અનુવાદ અંગ્રેજીમાં કરનાર ડેબોનેર સ્મિથ કહે છે, ‘મારે જેટલો ડિકશનરીનો તેટલો ડિકશનરીની બહાર જવાનો પ્રયત્ન કરવો પડ્યો હતો.’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 20 ઑક્ટોબર 2024