તેરી દુનિયા સે હો કે મજબૂર ચલા
મૈં બહોત દૂર, બહોત દૂર, બહોત દૂર ચલા …
ઈસ કદર દૂર હૂં મૈં લૌટ કે ભી આ ન સકું
ઐસી મંઝિલ હૈ જહાં, ખુદ કો ભી મૈં પા ન સકું
ઔર મજબૂરી હૈ ક્યા ઈતના ભી બતલા ન સકું …
આંખ ભર આઈ મગર અશ્કોં કો મૈં પી લૂંગા
આહ નિકલી જો કભી, હોઠોં કો મૈં સી લૂંગા
તુઝસે વાદા હૈ કિયા ઈસલિયે મૈં જી લૂંગા …
ખુશ રહે તૂ હો જહાં લે જા દુઆયેં મેરી
તેરી રાહોં સે જુદા હો ગઈ રાહેં મેરી
કુછ નહીં પાસ મેરે બસ હૈ ખતાયેં મેરી …
કોઈ ફિલ્મના સફળ થયેલા ને ગાજેલા ગીત પાછળ સરસ પણ અલ્પપ્રસિદ્ધ ગીતો ઢંકાઈ જાય એવું બને છે. ‘ખામોશી’નાં ‘તુમ પુકાર લો’ અને ‘વો શામ કુછ અજીબ થી’ પાછળ એક મીઠું ને દર્દભર્યું ગીત ઢંકાઈ ગયું હતું – એને ગીત પણ ન કહી શકાય – થોડી અમસ્તી પંક્તિઓ જ હતી, ગુલઝારની – ‘આજ કી રાત ચરાગોં કી લૌ ઊંચી કર લો, હો સકે તો દિલ કી આગ આંચલ મેં ભર લો, અપની આગ મેં જલના હોગા, આજ અકેલે ચલના હોગા’ આ પંક્તિઓ ઓછી જાણીતી ગાયિકા આરતી મુખર્જીએ હેમંતકુમારના સંગીત નિર્દેશનમાં ગાઈ હતી.
1976ની ફિલ્મ ‘તપસ્યા’ માટે તેણે કિશોરકુમાર સાથે ગાયેલા ‘દો પંછી દો તિનકે’ ગીતનું પણ એવું જ હતું. નાયિકા ઇન્દુ(રાખી)એ બલિદાન પર બલિદાન માગતી જિંદગી પસંદ કરી હતી છતાં એ અને સાગર (પરીક્ષિત સહાની) એકમેકને ચૂપચાપ ચાહતા. આ સ્થિતિમાં બંનેએ જોયેલા એક નાજુક-નમણા સ્વપ્નનું આ ગીત ‘જો રાહ ચુની તૂને’ એ જબરદસ્ત ગીત પાછળ ઢંકાઈ ગયું હતું. આ ગીત રચનાર એમ.જી. હશ્મત પણ એ જ ‘ઓછા જાણીતા’ જૂથના સભ્ય છે.

બલરાજ સહાની અને પરીક્ષિત સહાની
જેવું આ ગીતનું તેવું જ ફિલ્મમાં પરીક્ષિત સહાનીનું છે. તેના સક્ષમ સપૉર્ટ વગર રાખીનું મુખ્ય અને મજબૂત પાત્ર અધૂરું રહી જાત. રાખી અને પરીક્ષિત એકબીજા સાથે એટલાં શોભતાં હતાં કે 1977માં ‘દૂસરા આદમી’માં પણ શશી કપૂરના મૃત્યુથી ભાંગી પડેલી અને એના જેવા દેખાતા રિશી કપૂરને પ્રેમ કરવા લાગેલી રાખીને ચૂપચાપ ચાહતા ને સંભાળતા પુરુષ તરીકે પરીક્ષિતની જ પસંદગી થઈ.
પ્ર-સિદ્ધ કલાકારોના, એમના જેટલા સફળ ન નીવડ્યાં હોય એવાં સંતાનો માટે ‘દીવા પાછળ અંધારું’ એવા શબ્દો વાપરવા અને પછી એમને તુચ્છ ગણીને ભૂલી જવા એવી આપણને આદત હોય છે. પણ ઘણીવાર એમને ઓળખવાની પણ મઝા આવે છે. જેમ કે પરીક્ષિત સહાની – પ્રતિભાશાળી પિતાનો પુત્ર ને દેખાવડો પણ બહુ ચાલ્યો નહીં એવો અભિનેતા એવી એની ઓળખ. એમાં સચ્ચાઈ નથી એમ નહીં, પણ એ સિવાય પણ એનું એક વ્યક્તિત્વ છે, ને એ જબરદસ્ત છે. મળવું છે એને? ચાલો. ગીત લઈશું ‘તેરી દુનિયા સે હો કે મજબૂર ચલા.’ ફિલ્મ ‘પવિત્ર પાપી’, ગીત-સંગીત પ્રેમ ધવન, કંઠ કિશોર કુમાર.
‘ઓહ રે તાલ મિલે’ વાળી ફિલ્મ ‘અનોખી રાત’ પરીક્ષિત સહાનીની પહેલી ફિલ્મ. સંજીવકુમારના કહેવાથી એણે નામ બદલીને અજય સહાની કર્યું હતું. એમાં એ ચિત્રકાર હતો. વાસ્તવિક પરીક્ષિત પણ ચિત્રકાર છે, ફિલ્મમાં જે સ્કેચ અને ઇઝલ બતવાયાં હતાં તે પરીક્ષિતનાં પોતાનાં હતાં. એ ફિલ્મમાં તેણે ‘મિલે ન ફૂલ તો કાંટો સે દોસ્તી કર લી’ ગઝલ પડદા પર ગાઈ હતી અને પહેલી જ ફિલ્મ હોવા છતાં ગઝલની સાદગી અને ગૂઢતા બન્ને તત્ત્વોને બહુ સમજપૂર્વક વ્યક્ત કર્યાં હતાં.
પરીક્ષિત મહાન અભિનેતા બલરાજ સહાનીનો દીકરો અને મહાન લેખક ભીષમ સહાનીનો ભત્રીજો છે. બાળકલાકાર તરીકે બેત્રણ ફિલ્મો તેણે કરી, પછી પિતાએ અભિનય છોડાવી તેને સારી સ્કૂલોમાં ભણાવ્યો અને મોસ્કો ભણવા મોકલ્યો. બલરાજ માર્ક્સવાદી હતા અને એથી જેલમાં પણ ગયેલા. એથી પરીક્ષિતને સોવિયેત યુનિયન માટે ખૂબ કુતૂહલ હતું. 1965માં 21 વર્ષનો પરીક્ષિત મોસ્કો સિનેમા ઇન્સ્ટિટ્યૂટમાં પાંચ વર્ષ દિગ્દર્શનનો કૉર્સ કરીને મુંબઈ આવ્યો. રાજ કપૂરની ‘મેરા નામ જોકર’માં પરીક્ષિત આસિસ્ટન્ટ દિગ્દર્શક હતો. 1966માં ‘અનોખી રાત’ આવી, પછી તરત ‘પવિત્ર પાપી’ ઑફર થઈ. પરીક્ષિત તેનું દિગ્દર્શન કરવા માગતો હતો, પણ નિર્માતાએ તેને હીરો બનાવી દીધો. પરીક્ષિત કહે છે, ‘ડેડીએ સલાહ આપી – લોકો કેટલું રખડે છે ત્યારે અભિનયની તક મળે છે. તને મળી છે તો લઈ લે. બટ બી યૉરસેલ્ફ. ઈટ ઈઝ બેટર ટુ બી અ ફર્સ્ટ રેટ પરીક્ષિત ધેન અ થર્ડ રેટ બલરાજ.’
લેખન પરીક્ષિતનો પહેલો પ્રેમ. કહે છે, ‘ભીષમજી કા પ્રભાવ કહિયે કી મેરે આત્મા કી પુકાર – એક્ટિંગમેં મઝા હૈ, લેકિન રાઇટિંગ એક નશા હૈ, કૈફ હૈ, જૂનુન હૈ’ પરીક્ષિતે બલરાજ સહાની પર એક પુસ્તક લખ્યું છે, ‘ધ નૉન-કન્ફર્મિસ્ટ.’ કર્મશીલ, લેખક, અભિનેતા, સમાજની કંઠી ન બાંધનારા અને માનવતાવાદી પિતા બલરાજ સહાની માટે તેણે વાપરેલા ‘નૉન-કન્ફર્મિસ્ટ’ શબ્દમાં બહુ ઔચિત્ય છે. બીજા પુસ્તક ‘સ્ટ્રેન્જ એન્કાઉન્ટર્સ : એડવેન્ચર્સ ઑફ અ ક્યુરિયસ લાઈફ’માં પરીક્ષિતના પોતાના મોસ્કો અને મુંબઈના ફિલમવિશ્વના અનુભવો છે.
પોતા વિષે પરીક્ષિતે કહ્યું છે, ‘રશિયા ભણીને આવ્યો ત્યારે ડૅડી મુંબઈમાં પ્રખ્યાત થઈ ગયા હતા. લાંબા સમયે સાથે રહેવા મળ્યું તેથી ડૅડી ખૂબ સાચવતા. ઘરમાં જ મારા માટે મ્યુઝિક રૂમ, પેઈન્ટિંગ રૂમ, ડાર્ક રૂમ, જિમ કરી આપેલા. પણ કંઈક બનું, એવો આગ્રહ રાખે ખરા. મોસ્કોમાં દિગ્દર્શન ઉપરાંત સ્ક્રીપ્ટ-રાઈટિંગ અને એડિટિંગ પણ શીખ્યો, પણ બૉલિવૂડની પદ્ધતિઓ ઘણી જુદી હતી. મારામાં ડૅડી જેટલી પૅશન કે પેશન્સ નહીં. પોતાને સાબિત કરવામાં બહુ રસ નહીં. સામે સહેલાઈથી આવે તે કરી લઉં બાકી મઝા કરું.’
‘પવિત્ર પાપી’ 1970ની ફિલ્મ. તેમાં પરીક્ષિત નાયક હતો. પગલે પગલે બલિદાન આપતો ને પ્રેમ માટે, ફરજ માટે ગુનો પણ કરી લેતો એવો નાયક. સંજોગો એવા થાય છે કે તે પોતે જ પૈસા એકઠા કરીને પ્રિયતમા તનુજાને પરણાવે છે. ‘તેરી દુનિયા સે હો કે મજબૂર ચલા’ એ આ ઘડીનું સંવેદન છે. વર્ષો પછી, તનુજા સાસરિયા અને પતિથી હેરાન ને બીમાર હોય છે ત્યારે પતિને સમજાવી, પ્રેમિકાને મળ્યા પણ વિના એ ચાલ્યો જાય છે ત્યાં ફિલ્મ પૂરી થાય છે. પતિની નાની ભૂમિકામાં કોણ હતું, ખબર છે? તરુણ, મૂછ વગરનો ઉપેન્દ્ર ત્રિવેદી. આ ફિલ્મમાં બલરાજ સહાનીની પણ એક સરસ ભૂમિકા હતી. પરીક્ષિત કહે છે, ‘એ ફિલ્મમાં મારે અભિનય કરવો નહોતો, કર્યો. પડદા પર ગાવું નહોતું, ગાયું. દિગ્દર્શન કરવું હતું, ન કર્યું. એથી કારકિર્દી ફંટાઈ ગઈ. નિયતિ. મને અફસોસ નથી.’
પરીક્ષિત 23 વર્ષના હતા ને બહેન શબનમ મૃત્યુ પામી. પછીના વર્ષે બલરાજ સહાની 59 વર્ષની ઉંમરે ચાલ્યા ગયા. પરીક્ષિત આઘાતથી એવાં ભાંગી પડ્યા કે બેત્રણ વર્ષ શરાબ અને ઊંઘવાની ગોળીઓના સહારે વીતાવ્યાં. ત્યાર પછી પોતાને મજબૂત કરી ઊભા થયા, પણ કરવું શું? પિતા હવે નથી, કોનું માર્ગદર્શન લેવું? આડેધડ ફિલ્મો સાઇન કરી, ન જામ્યું. પણ ચરિત્ર ભૂમિકાઓમાં ખૂબ શોભ્યા. 140થી વધુ ફિલ્મોમાં ચરિત્ર ભૂમિકાઓ, સરસ સિરિયલોના યુગની ‘ગાથા’, ‘ગુલ ગુલશન ગુલફામ’ જેવી સિરિયલ્સ, દેવ આનંદની ભાણેજ અરુણા સાથે લગ્ન, ત્રણ સંતાનો, સ્પર્ધાત્મક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઉમદા મૈત્રીસંબંધો અને ‘નેવર ગિવ અપ’ મોટો – આ પરીક્ષિત સહાની.
‘પવિત્ર પાપી’ના અન્ય ગીતની પંક્તિઓ સાથે અટકીએ: ઐસી કોઈ રાત નહીં હૈ જિસકા હોતા નહીં સવેરા, કાંટોં કા દુ:ખ ઝેલનેવાલે ફૂલોં પર ભી હક હૈ તેરા, સુખ દે ચાહે દુ:ખ દે દાતા, હંસ કે ઝોલી ભર પ્યારે ભઈ … અલ્લા હી અલ્લા કર પ્યારે ભઈ …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 18 જુલાઈ 2025