મૂળશંકર સુધારક હતો અને જટાશંકર સનાતની. હિંદુ ધર્મ, હિંદુ સમાજ, અંગ્રેજો સાથેના સંબંધોનું સ્વરૂપ તેમ જ લાભાલાભ એમ જે કાંઈ ચર્ચા ચાલતી હતી એ આ મૂળશંકર-જટાશંકર વચ્ચે ચાલતી હતી. તેમને બંનેને મહાત્મા ફૂલે જેવા બહુજન સમાજમાંથી પેદા થયેલા નેતૃત્વ વિશે અને તેમણે ઊભા કરેલા પ્રશ્નો વિશે જાણ નહોતી અને જો જાણ હતી તો તેની પરવા નહોતી. આમાં મૂળશંકર બે પ્રકારના હતા. એક મર્યાદિત અર્થમાં આધુનિક પણ વ્યાપક અર્થમાં વૈદિક હિંદુને ઘડવા માગતા હતા જે વિધર્મીઓનો મુકાબલો કરે અને આર્યસંસ્કૃતિનો દિગ્વિજય કરે. બીજા મૂળશંકરને આધુનિક પાશ્ચાત્ય શિક્ષણ મેળવીને અંગ્રેજ શાસનનો લાભ મળે એવા બનવું હતું. જટાશંકરને મ્લેચ્છો માટે અણગમો હતો અને રહી વાત બહુજન સમાજની તો એ તો આગલા જન્મમાં કરેલાં પાપોની સજા ભોગવી રહેલા અભાગીઓ હતા. સજા ઈશ્વરે કરી છે અને શાસ્ત્રમાન્ય છે એટલે આપણે એમાં હસ્તક્ષેપ કરાય જ નહીં.
આમ એક બાજુ મૂળશંકરોએ આપસમાં કરેલી ચર્ચામાં અને બીજી બાજુ મૂળશંકર-જટાશંકર વચ્ચેની ચર્ચામાં બહુજનસમાજ કોઈ અસ્તિત્વ જ નહોતો ધરાવતો. વળી બહુજન સમાજની વસ્તી કેટલી હતી? સમગ્ર હિંદુ સમાજમાં લગભગ ૮૫ ટકા કરતાં વધુ. એવો તે કેવો હિંદુ પીંડ કે હિંદુ શરીરના ૮૫ ટકા અંગ વિશે વિચારવાનું પણ નહીં. મૂળશંકરો ઉપેક્ષા કરતા હતા અને જટાશંકરો તિરસ્કાર. દુર્ભાગ્યે ૧૯મી સદીના ભારતની આ હકીકત હતી અને આજે પણ એમાં બહુ ફરક પડ્યો છે એવું નથી.
રામધારીસિંહ દિનકર હિંદી ભાષાના પહેલી હરોળના કવિ હતા અને ગાંધીજીથી પ્રભાવિત હતા. તેઓ જવાહરલાલ નેહરુના મિત્ર હતા અને રાજ્યસભાના સભ્ય હતા. તેમણે ૧૯૫૬માં ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ નામનો ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનો સુંદર ગ્રંથ લખ્યો છે જેનો આ લખનારે અનેકવાર આધાર તરીકે ઉપયોગ કર્યો છે. એ ગ્રંથને જવાહરલાલ નેહરુની એટલી જ સુંદર પ્રસ્તાવના મળી છે. દિનકરે પોતાનો ગ્રંથ ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને અર્પણ કર્યો છે. એ ગ્રંથમાં અર્પણના પાને આ બે પંક્તિ છે :
હેથાય આર્ય, હેથાય અનાર્ય, હેથાય દ્રાવિડ – ચીન,
શક-હૂણ-દલ, પાઠાણ-મોગલ એક દેહે હોલો લીન.
કવિ કહે છે કે આર્ય, અનાર્ય, ચીની હૂણ-શક વગેરે એક દેહે હોલો લીન એટલે કે એક દેહમાં લીન થઈ ગયા છે. પણ આ કવિ દિનકરના અમર ગ્રંથમાં મહાત્મા ફૂલેનો ઉલ્લેખ સુદ્ધા નથી, બહુજન સમાજની જાગૃતિ અને સામાજિક ન્યાય વિશે અલાયદું આખું એક પ્રકરણ લખવાની વાત તો બાજુએ રહી. નથી જવાહરલાલ નેહરુએ તેમની પ્રસ્તાવનામાં આ ખૂટતી કડી વિશે કવિ દિનકરનું ધ્યાન દોર્યું.
આ શું સૂચવે છે? ઉપેક્ષા. વીસમી સદીના બીજા દશકમાં ગાંધીજી દ્વારા દીક્ષિત થયેલાઓ (દિનકર અને નેહરુ) પણ ઉપેક્ષા કરે છે. ઉપેક્ષા કરવાનો તેમનો ઈરાદો નહોતો, હિંદુઓનો માનસિક પીંડ જ આ રીતનો બન્યો છે. હાંસિયામાં રહેલી પ્રજાની, તેમની ઈચ્છાઓ અને એષણાઓની, તેમની પીડાઓની, તેમની માગણીઓ અને સંઘર્ષોની સહજપણે ઉપેક્ષા કરવામાં આવે છે. નેહરુ અને દિનકરને ફૂલેની યાદ ન આવી. માત્ર દિનકર નહીં, આઝાદી પછી ભારતના ઇતિહાસના જે ગ્રંથો લખાવા લાગ્યા એમાં પણ હાંસિયામાં રહેલી પ્રજાઓના સંઘર્ષની કે જદ્દોજહદની કોઈ વાત આવતી નહોતી. કેટલાક ઇતિહાસકારોએ જોયું કે મુખ્ય ધારાના ઇતિહાસકારો છેવાડેની પ્રજાના પુરુષાર્થોની વાત જ કરતા નથી ત્યારે તેમણે છેવાડેની પ્રજાના પુરુષાર્થનો અલગથી ઇતિહાસ લખવાનું શરૂ કર્યું અને તમે માનશો ‘સબાલ્ટર્ન સ્ટડીઝ’ તરીકે ઓળખાતા ઇતિહાસના અત્યાર સુધીમાં વીસેક ગ્રંથો પ્રકાશિત થયા છે. કલ્પના કરો કે તેમની અંદર કેવો અજંપો હશે અને કેવો પુરુષાર્થ હશે! પણ મૂળશંકરો અને જટાશંકરોએ તેમના તરફ ધ્યાન આપ્યું નહોતું.
મહાત્મા જ્યોતિબા ફૂલેના ધ્યાનમાં આવ્યું કે સુધારક હોય કે સનાતની, છે બધા બ્રાહ્મણ અને તેઓ પોતાના વિષે જ વિચારે છે. વિધવાનાં પુનર્લગ્ન અને બાળવિવાહ પ્રતિબંધ એ બધા બ્રાહ્મણોના પ્રશ્નો છે. બહુજન સમાજ બાળવિવાહને અને વિધવાવિવાહને ધર્મ સાથે જોડતો નથી એટલે એ કુરિવાજ બહુજન સમાજમાં નથી અને થોડા પ્રમાણમાં છે તો એ બ્રાહ્મણોની દેખાદેખી છે અને તે દૂર કરી શકાય એમ છે. તેમના ધ્યાનમાં બીજું એ પણ આવ્યું કે સુધારકો સુધારાના આંદોલન માટે જે દલીલ કરે છે એ સુધરવાથી તેમના સમાજને થનારા લાભની કરે છે. સમગ્ર ભારતીય પ્રજાના હિતની વાત નથી કરતા. ત્રીજું તેમના ધ્યાનમાં એ આવ્યું કે સુધારકો દંભી પણ છે અને બેવડું જીવન જીવે છે. ખરાખરીનો પ્રસંગ આવે તો પાણીમાં પણ બેસી જાય છે. જેમ કે સુધારકોના સુધારક ન્યાયમૂર્તિ રાનડે. તેમણે ૧૮૬૧માં વિધવા વિવાહ મંડળની સ્થાપના કરી હતી, પરંતુ તેઓ પોતે જ્યારે ૩૦ વરસની ઉંમરે નિ:સંતાન વિધુર થયા ત્યારે તેમણે વિધવા સાથે લગ્ન કરવાની જગ્યાએ કુંવારી કન્યા સાથે લગ્ન કર્યાં હતાં.
અને સૌથી મહત્ત્વની વાત. તેમને અનુભવ થયો કે તેઓ બહુજન સમાજના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે, પણ સુધારકો તેના તરફ ધ્યાન નથી આપતા. સનાતનીઓ વિરોધ કરે અને તિરસ્કારે એ તો સમજી શકાય, પણ સુધારકો પણ ઉદાસીન રહે એ તો હદ કહેવાય. તેમણે પોતે તો સામે ચાલીને હાંસિયાની પ્રજાના કલ્યાણનો વિચાર ન કર્યો, પણ ધ્યાન દોરવા છતાં પણ તેઓ એ તરફ ધ્યાન નથી આપતા. આ બાજુ અંગ્રેજો બહુજન સમાજ અને દલિતોના પ્રશ્નોને સાંભળતા હતા અને મદદ કરતા હતા.
આનાં બે પરિણામ આવ્યાં. મહાત્મા ફૂલે એવા તાત્પર્ય પર આવ્યા કે બ્રાહ્મણો તેમનું સાંસ્કૃતિક – સામાજિક વર્ચસ્ કાયમ રાખવા માગે છે. તેમનું સુધારાનું આંદોલન પણ એ વર્ચસ્ નવા યુગમાં વધુ મજબૂત બને એ માટેનું છે. તેઓ તેના દ્વારા રાજકીય અને આર્થિક વર્ચસ્ પણ કાયમ રાખવા માગે છે. તેઓ અંગ્રેજી શિક્ષણ લઈને ઈજારાશાહી સ્થાપિત કરવા માગે છે. તેઓ સમગ્ર ભારતની સમગ્ર પ્રજા વિશે વિચારતા નથી. આ બાજુ અંગ્રેજો તેમની વાત સાંભળતા હતા અને તેમની મદદ પણ કરતા હતા એટલે તેઓ એમ માનતા થયા કે ભારતમાં જેટલો સમય અંગ્રેજોનું રાજ રહે તેમાં બહુજન સમાજનો ફાયદો છે. આને પરિણામ સંસ્થાનવાદના વિરોધમાં વિકસી રહેલા ભારતીય રાષ્ટ્રવાદને તેઓ નકારવા લાગ્યા. તેમણે કહ્યું કે ભારતીય નવજાગરણ બ્રાહ્મણોનું નવજાગરણ છે અને ભારતીય રાષ્ટ્રવાદ બ્રાહ્મણોનો રાષ્ટ્રવાદ છે.
મહાત્મા ફૂલેએ જ્યારે ભારતીય રાષ્ટ્રવાદ સર્વસમાવેશક નથી, પણ પૃથકતાવાદી છે એમ કહીને તેને નકારવા માંડ્યો અને બ્રાહ્મણો કપટી છે અને તેમનો ઈજારાશાહી એજન્ડા છે એમ કહેતાં ભાષણો કરવા માંડ્યા અને પુસ્તકો પણ લખ્યાં, તેઓ ખુલ્લી અંગ્રેજોની તરફદારી કરવા લાગ્યા ત્યારે; દયાનંદ સરસ્વતી, બંકિમચંદ્ર ચેટરજી, સ્વામી વિવેકાનંદ, મહાદેવ ગોવિંદ રાનડે, દેવેન્દ્રનાથ ઠાકુર વગેરે થોડા આગળપાછળના સમયમાં હયાત હતા, પરંતુ તેમણે કોઈએ હાંસિયાની પ્રજાના અવાજને નહોતો સાંભળ્યો. જ્યારે હજુ તો આકાર પામી રહેલા ભારતીય રાષ્ટ્રવાદને કોઈ નકારતું હોય ત્યારે કોઈ કહેતાં કોઈને એમ નહોતું થયું કે આપણે તેમની વાત સાંભળવી જોઈએ. મુસલમાનો વતી સર સૈયદ અહમદ ખાને પણ તેને નકાર્યો હતો એ પછી પણ કોઈ હિંદુ મનીષીને નહોતું લાગ્યું કે બહુજન સમાજને બાથમાં લેવો જોઈએ.
આ હિંદુઓનો સ્વભાવધર્મ છે અને એટલે તો સો વરસ પછી દિનકર અને નેહરુ પણ ફૂલેને ભૂલી જાય છે!
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 28 જૂન 2020