ચંદ્રકાન્ત દરુ (અમારા માટે દરુસાહેબ) સાચા અર્થમાં Radical Humanist હતા. સૌ પ્રથમ તો દરુસાહેબ માનવતાને વરેલી એક વિરલ વ્યક્તિ હતી. ગુલબાઈ ટેકરા, ન્યુ અલ્કાપુરી સોસાયટીમાંનું તેમનું ઘર એક નાનું ભારત હતું. જેના દરવાજા બધા માટે ખુલ્લા હતા. કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જાતિ, ગરીબ કે ધનવાન, ઊંચ કે નીચ, બધાનું એમની પાસે સન્માન સચવાય, એટલું જ નહીં, પરંતુ ભારતના બંધારણના આમુખના આદર્શો – લોકશાહી, ધર્મનિરપેક્ષ, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ એ માનવગૌરવ દરૂસાહેબના ઘરમાં મૂર્ત સ્વરૂપે તમને દેખાય. સર્વનું ગૌરવ જળવાય. દરુસાહેબને કોઈના ઉપર ગુસ્સે થતા જોયા નથી. તેમને કોઈનો ભય નહીં. એક દિવસે મેં પૂછ્યું કે ઘરના દરવાજા ખુલ્લા રાખવાનો ડર નથી લાગતો? તેમનો જવાબ આંકડાકીય હતો. અમદાવાદમાં એક લાખની વસતીએ કેટલી ચોરી થાય? આપણો નંબર લાગેે ખરો ને ના પણ લાગે. આ બધાની ચિંતા કરવી નકામી છે. જિંદગીભર તેમના ઘરના દરવાજા ખુલ્લા જ રહ્યા.
મારે દરુસાહેબની ઓળખાણ ૧૯૬૪માં થઈ. તે પહેલાં ૧૯૫૯માં લૉ કોલેજમાં હું પ્રોફેસર થયો ત્યારે એલ.એ. શાહ લૉ કૉલેજમાં ભારતનું બંધારણ તેઓ ભણાવતા હતા. ત્યારે તેમના વિશે થોડું ઘણું જાણવા મળ્યું. ૧૯૬૨માં અમેરિકાથી એલએલએમ કરીને પાછો આવ્યો અને ૧૯૬૪માં ન્યુ લૉ કૉલેજ(હાલમાં એમ.એન. નાણાવટી લૉ કૉલેજ)માં આચાર્ય થયો. તે વખતે સંચાલકો સાથે કદાચ ઝઘડો થાય તો academic freedom ટકાવવા કૉલેજ છોડવી પડે, એટલે દરુસાહેબની સાથે વકીલાત શીખવા બેસવાનું નક્કી કર્યું અને કોેઈ પણ જાતની આનાકાની વગર તેમણે પોતાની ઑફિસમાં દાખલ કર્યા – માત્ર એક વિકલ્પ તરીકે. ધીમે ધીમે પરિચય વધતો ગયો અને મારો મારા કુટુંબ સાથે તેમના કુટુંબમાં પ્રવેશ થયો ત્યાર પછી તો હું, મારી પત્ની, કુટુંબ અને બે પુત્રીઓ દરુસાહેબના ઘરમાં – હસુબહેન, પુત્રી નયના, પુત્ર ચંદ્રશેખર અને પુત્રી જેવી નીતા હળીમળી ગયાં અને એ સંબંધ છેવટ સુધી જીવંત રહ્યો.
દરુસાહેબનું ઘર દરુસાહેબના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. વિશાળ હૃદય, તીક્ષ્ણ બુદ્ધિ, સરળતા અને ખુલ્લું મન તેમની વિશેષતા. સમગ્ર જીવન તેઓ પોતાના આદર્શો માટે જીવ્યા. ગામમાં સાદા શિક્ષક તરીકે શરૂ કરીને ગુજરાતના ઉચ્ચ કક્ષાના બંધારણીય ધારાશાસ્ત્રી સુધી. તેમનો જીવનમંત્ર હતો મનુષ્યની સ્વતંત્રતા. તમને દરુસાહેબને જોતા એમ ના લાગે કે આ માણસ એક મોટો વકીલ છે. તેમની શાંત અને તેમની લોજિકલ દલીલો સાંભળતા એમ ન લાગે કે આ કોઈ વિદ્વાન વકીલ છે પરંતુ શરૂઆતમાં નકાર કરતું ન્યાયમૂર્તિનું માથું ધીરે ધીરે દરુસાહેબની દલીલો સાંભળતા હકાર કરતું જુઓ ત્યારે ખબર પડે કે તેમની દલીલોની અસર કેવી થઈ રહી છે! ૧૯૬૦ સુધી મજૂર અદાલતોમાં મજૂરો તરફથી કેસો લડતા. ૧૯૪૭ના ઔદ્યોગિક ધારા વિકાસમાં તેમનો ઘણો મોટો ફાળો છે. ૧૯૭૦ સુધી કૉલેજમાંથી મળતા ૨૯૦ રૂપિયા અને યુનિવર્સિટીમાંથી મળતા ૪૦૦ રૂપિયા એમ કરીને ૬૯૦ રૂપિયામાં ઘર ચલાવતા.
૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી ગુજરાત હાઈકોર્ટમાં તેમણે વકીલાત શરૂ કરી. પહેલોવહેલો મહત્ત્વનો કેસ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ માધ્યમ અંગેનો તેમણે ચલાવ્યો, ત્યારે પાંચ ન્યાયમૂર્તિઓની બૅંચ સમક્ષ સીધી સાદી રીતે અને કોઈ ટેકનિકલ શબ્દ વાપર્યા વગર દલીલો કરતા દરુસાહેબને જોઈએ. મુંબઈ હાઈકોર્ટમાંથી આવેલ ન્યાયમૂર્તિઓ મૂછમાં હસતા હશે, અને મુંબઈથી આવેલા મોટા મોટા વકીલો પણ હસતા હશે. બીજા કે ત્રીજા દિવસે વકીલ નાનુભાઈ ત્રિવેદી હાઈકોર્ટની લાઇબ્રેરીમાં દોડતા આવ્યા અને કહેવા લાગ્યા કે બંધારણીય દલીલો સાંભળવી હોય તો ફર્સ્ટ કોર્ટમાં જાઓ. તે કેસ દરૂસાહેબ જીતી ગયા અને સર્વોચ્ચ અદાલતે તે ચુકાદો માન્ય રાખ્યો. પછી તો દરુસાહેબની વકીલાત વધતી ગઈ. તેમની કાયદાકીય સમજણ, દલીલોની તીવ્રતા, ફિલસૂફીનો ઉપયોગ વગેરે જોતા બીજા કે ત્રીજા વર્ષમાં તેમને હાઈકોર્ટની જજશીપ માટે બોલાવ્યા ત્યારે ખબર પડી કે દરુસાહેબની સનદ તો હાઇકોર્ટના વકીલ તરીકેની નથી પણ નીચલી કોર્ટની વકીલની હતી. ત્યાર પછી તો લેબર લૉના કેસોમાં તેમની વકીલાત આગળ વધી. તેમની નામના વધતા મોટામોટા કેસોમાં લોકો દરુસાહેબની સલાહ લે અને બીજા વકીલોને રોકે. પૈસાની એમણે કદી ચિંતા કરી નહીં. વર્ષો સુધી બાંધેલી રીક્ષામાં લેબર કોર્ટ જતા, લાંબા અરસા પછી એમણે ગાડી લીધી.
હજુ પણ દરુસાહેબની વકીલાતની નિપુણતા યાદ આવે છે. આ પ્રસંગે યાદ રાખવા જેવો કેસ અમદાવાદ ઇલેક્ટ્રીક કંપનીના કામદારોના યુનિયન તરફથી અમદાવાદમાં લેબરકોર્ટમાં દલીલો કરતા તે સોહમ કંપની તરફથી મુંબઈના બહુ જ જાણીતા મજૂર કાયદાના નિષ્ણાત વકીલો આવેલા અને દરુસાહેબે એવો સવાલ ઊભો કર્યો. જેનો કંપનીના વકીલો પાસે તાત્કાલિક જવાબ ન હતો. મુદત માંગી. મુંબઈ પણ ગયા. કંપનીનો મેનેજર અંગ્રેજ હતો. એને લાગ્યું કે આટલા પૈસા ખર્ચ્યા પછી પણ પોતાની પાસે, વકીલો પાસે, મજૂરો તરફથી લડતા ‘કહેવાતા સામાન્ય’ વકીલે કરેલા સવાલનો જવાબ નહોતો! તે પછી તેણે નક્કી કર્યું કે મજૂરોના પ્રશ્નો સીધી વાટાઘાટોથી પતાવવા, કોર્ટ દ્વારા નહીં.
ઇન્દિરા ગાંધીની સરકાર વખતે દાણચોરોને અટકાયતી ધારા હેઠળ પડકવામાં આવ્યા હતા, તેમના કેસો લાવનારા વકીલો દરુસાહેબને રોકે અને દરુસાહેબ કાયદાના મૂળભૂત મુદ્દાઓ ઊભા કરી તેમને છોડાવતા. દરુસાહેબની સામે ઘણો વિરોધ પણ થયેલ છે. હું પણ દરુસાહેબની આ નીતિ સામે વિરોધ કરતો. દરુસાહેબનો એક જ જવાબ ‘તમો અટકાયતીને ન જુઓ, વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો અને તેનો પર હુમલો કરતા રાજ્ય સામે જુઓ. બ્રીકિન્સ વકીલો દરૂસાહેબની દલીલથી લાખો રૂપિયા કમાયા, પરંતુ દરુસાહેબ તો તેમની standard fee જ લેતા. તેઓને મન માનવીય સ્વતંત્ર્યનો પ્રકાશ પૈસા કમાવા માટે ન હોઈ શકે.
દરુસાહેબનું વ્યક્તિગત સ્વતંત્રતા માટેનું કમિટમેન્ટ તો ૨૫ જૂન ૧૯૭૫ના રોજ બહાર આવ્યું. રાત્રે જાહેર કરેલી કટોકટીના સામે બીજા દિવસે ગુજરાત હાઈકોર્ટની વકીલોની મીટિંગ થઈ અને દરુસાહેબ આટલા ઉગ્ર હતા કે ટેબલ ઉપર ચડી ગયા અને પ્રેસ સ્વાતંત્ર્ય માટે ખુલ્લમખુલ્લા લડવા ઉગ્ર ભાષણ કર્યું. ભૂમિપુત્રનો કેસ જીત્યો અને તેમની MISA હેઠળ ધરપકડ થઈ. આઠ મહિના પછી તો છૂટ્યા. જેલમાં પણ એમણે અભ્યાસ કેન્દ્રો ચલાવ્યા.
દરુસાહેબનું વિશાળ વાચન તેમની વકીલાતોમાં ઘણું ઉપયોગી નીવડ્યું. મજૂર કાયદામાં તેમ જ બંધારણીય કાયદામાં નવા સિદ્ધાંતો સ્થાપવામાં તેમનો રોલ વિશિષ્ટ રહ્યો છે. એક દિવસ ચીફ જસ્ટીસ પી.એન. ભગવતીએ મને પૂછ્યું કે દરૂસાહેબના ઓરિજિનલ વિચારો ક્યાંથી ચાલે છે? તેઓ બહુ વાંચે છે? મેં કહ્યું કે સાહેબ દરૂસાહેબ કાયદો બહુ વાંચતા નથી. તેમને સમાજશાસ્ત્ર અને ફિલસૂફી ઉપરનું વાંચન નવા વિચારો અને દૃષ્ટિકોણ આપે છે. તેઓ વાક્યો નહોતા વાંચતા. આખું પાનું વાચતા હતા અને એટલે લેબર કોર્ટના કેસો ઘેર લઈ જતા ન હતા. ત્યાં ટેબલ ઉપર પડેલા સેંકડો કેસોમાંથી જ કેસ ચાલે તે બહાર કાઢી નજર નાંખી તરત જ દલીલ કરી શકતા.
વિચારોમાં અને વર્તનમાં સંપૂર્ણ લિબરલ હતા. સ્વતંત્રતા તેમના જીવનનો મંત્ર હતો. તેને જાળવવા તેઓ જીવનભર ઝઝૂમ્યા. તેમની વિચારસરણી સંકુચિત રાષ્ટ્રવાદ કે ધાર્મિકતામાં કદી જકડાયેલી ન હતી. દરૂસાહેબ અનેક વિચારો ઉપર અને રાજકારણ વિશે Radical Humanistની વિચારસરણી પરની ખુલ્લી ચર્ચામાં માનતા. તેમની સાથે મારે ઉગ્ર ચર્ચા અને વિવાદ થતા, પરંતુ અમારા સંબંધમાં કદી કડવાશ ઊભી ન થઈ. દરેકને માન આપે, કોઈના ઘેર જમવા ગયા હોય ત્યાં સારા ભોજન માટે આમંત્રણ આપનાર વ્યક્તિ નહીં, પંરતુ રસોડામાં જઈ રસોઈ બનાવનાર પત્નીને અભિનંદન આપે અને તેમનો આભાર માને. તેમનું આખું કુટુંબ પણ આટલું જ પ્રેમાળ હતું. અમે ઘણા દિવસો સાથે રહેલાં છીએ. જ્યારે જ્યારે અમેરિકા જઈએ ત્યારે તેમની પુત્રી નયના સાથે લોસ એન્જેલસ રહેતાં. નયના અને ચંદ્રશેખરનાં જે પ્રેમ અને લાગણી જોયાં છે તે કદી ભૂલી શકાય એમ નથી.
દરુસાહેબની વિચારસરણી બહુ સ્પષ્ટ હતી. સંપૂર્ણ વૈજ્ઞાનિક, બુદ્ધિગમ્ય, ઉદારવાદી, ધર્મનિરપેક્ષ અને લોકશાહીને વરેલી. તેમાં કોઈ બાંધછોડ નહીં. દરુસાહેબ અચાનક બીમાર થયા. કેન્સરના ઇલાજ માટે અમેરિકા લઈ જવાનું નક્કી થયું. જતા પહેલાં મુંબઈની હોટલમાં સુધારાવાદી શીયા વહોરા અંગે રીપોર્ટ પૂરો કર્યો. અમેરિકાની હૉસ્પિટલમાં રહેતા દરુસાહેબે પોતાના મિત્રની યાદ આવતા તેમના મિત્ર ડૉ. પ્રકાશ દેસાઈને તેઓ મળવા ગયા. ત્યારે હૉસ્પિટલમાં એકાંત મળવાથી તેઓ રડતા અને કહ્યું કે અહીં આ મશીનોથી જકડાવાના બદલે મારા મિત્રો વચ્ચે ભારતમાં મરવું વધારે સારું.
દરુસાહેબ ગુજરાત હાઇકોર્ટમાં બહુ જ માન ધરાવતા. ગુજરાતી સમાજમાં પણ તેઓ great intellectual હતા. આજે તેમની ખોટ સાલે છે. લોકશાહીનું માળખું રહ્યું છે, પણ તેનું હાર્દ અદૃશ્ય થવા લાગ્યું છે અને લોકશાહી માત્ર રાજકીય પક્ષોના અખાડારૂપ બની ગઈ છે ત્યારે સ્વતંત્ર રીતે વિચાર કરી શકે તેવી વ્યક્તિની ખોટ સાલે છે. સવાલ માત્ર આટલો જ છે anti-intellectual અને irrational સમાજમાં દરુસાહેબ રહી શક્યા હોત?
આંબાવાડી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2016; પૃ. 04-05
[ચંદ્રકાન્ત દરુની જન્મ શતાબ્દી (2૩ જૂન 2016) ઉજવણી પ્રસંગે 16 જુલાઈ, 2016ના રોજ ફલી નરીમાન અને ઉપેન્દ્ર બક્ષીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રકાશિત થનારા સ્મૃિતગ્રંથમાંથી ચૂંટેલો લેખ]