26 જુલાઈ 2025ના રોજ Denver સિટીમાં ફર્યા. ડેનવર Colorado રાજ્યની રાજધાની છે. ખૂબ સુંદર અને સ્વચ્છ શહેર છે.
કોલોરાડો વિધાનસભા સભા જોવા ગયા, પરંતુ શનિવાર હોવાથી બંધ હતી. ઈમારતની ભવ્યતા આંખને ગમે તેવી હતી.
આર્ટ મ્યુઝિયમને બહારથી જ જોયું. આર્ટ મ્યુઝિયમની ઈમારત જ વિશિષ્ટ પ્રકારની છે. અહીં સ્વચ્છતાનો સંદેશ આપતું ‘Big Sweep’ ઝાડું-સૂપડીનું વિશાળ શિલ્પ બહાર મૂક્યું છે. આ શિલ્પ Claes Oldenburg અને Coosje van Bruggenએ બનાવ્યું છે, જે ઇરાદાપૂર્વકની કલાત્મક પસંદગી છે. તે 35 ફૂટ ઊંચા એક વિશાળ સાવરણી અને ડસ્ટપેન દર્શાવે છે, જે સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ અને ફાઇબર-રિઇનફોર્સ્ડ પ્લાસ્ટિકથી બનેલું છે. આ શિલ્પ કોલોરાડો લેન્ડસ્કેપની વિશાળતા અને ડેનવરની સ્વચ્છ રેખાઓથી પ્રેરિત છે. ઘરને પ્રદૂષિત કચરાથી / પ્રદૂષિત વિચારોને વાળીચોળીને બહાર કાઢવાનો સંદેશ આ શિલ્પ આપે છે.
પછી અમે Boulder Reservoirનું સૌંદર્ય માણ્યું. સરોવરનું સ્વચ્છ પાણી, સ્વચ્છ કિનારો. ત્યાં બેસી નાસ્તો કરવાની મજા માણી. અહીં બોટિંગની સુવિધા પણ છે. કવિ હરિવંશરાય બચ્ચનની કવિતા યાદ આવી ગઈ : ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’
એ પછી અમે પહોંચ્યા Boulder Mountains. અદ્દભુત પર્વતીય દૃશ્યો ! ગ્રીન માઉન્ટેન, બેર પીક અને સાઉથ બોલ્ડર પીક સહિત અનેક શિખરો અને હાઇકિંગ સ્થળોમાં ફરવાનું મન થઈ જાય. ગ્રીન માઉન્ટેન 8,148 ફૂટની ઊંચાઈ ધરાવતો પર્વત છે, જે બોલ્ડર માઉન્ટેન પાર્કમાં સ્થિત છે અને તેના ફ્લેટિરન્સ માટે જાણીતો છે. બેર પીક ગ્રીન માઉન્ટેનની દક્ષિણમાં સ્થિત છે, જેની ઊંચાઈ 8,461 ફૂટ છે. દક્ષિણ બોલ્ડર શિખર બોલ્ડરમાં, સૌથી ઊંચું શિખર છે, જે 8,549 ફૂટ ઊંચું છે. જે ખડકાળ ભૂપ્રદેશ અને મનોહર દૃશ્યો માટે પ્રખ્યાત છે. માઉન્ટ સેનિટાસ એક લોકપ્રિય હાઇકિંગ સ્થળ છે, જેની ઊંચાઈ 6,821 ફૂટની છે. ફ્લેગસ્ટાફ પર્વતનું શિખર 7,030 ફૂટ ઊંચું છે અને કાર દ્વારા પહોંચી શકાય છે.
USના દરેક રાજ્યની એક ખાસિયત એ છે કે તેની રાજધાનીમાં અને મોટા શહેરોમાં બે બાબતો જોવા મળે છે : 1. લાઈબ્રેરી, મ્યુઝિયમ. 2. સ્ટેડિયમ ! આનું પરિણામ શું?
2023 સુધીમાં કુલ 423 નોબેલ પુરસ્કારો સાથે, યુનાઇટેડ સ્ટેટ્સને સૌથી વધુ નોબેલ પુરસ્કારો મળ્યા છે.
યુનાઇટેડ સ્ટેટ્સે તેના સમગ્ર ઇતિહાસમાં સમર અને વિન્ટર ગેમ્સ બંનેમાં કુલ 3,000 થી વધુ ઓલિમ્પિક મેડલ જીત્યા છે. આમાં સમર ઓલિમ્પિક્સમાંથી 1,105 ગોલ્ડ મેડલ અને વિન્ટર ઓલિમ્પિક્સમાંથી 114 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે, જે USને ઓલિમ્પિક ઇતિહાસમાં સૌથી વધુ મેડલ જીતનાર રાષ્ટ્ર બનાવે છે.
યુનાઇટેડ સ્ટેટ્સની રાજકીય નીતિ વિચિત્ર રહી છે. વિદેશમાં સરકારો ઊથલાવવી / લશ્કરી શસ્ત્રસરંજામનો વેપાર કરાવો / હિંસા કરવી એ નીતિ જરૂર ટીકાપાત્ર છે જ. પરંતુ તેમના નાગરિકોએ અભ્યાસ / સંશોધન કરી વિશ્વને અનેક ભેટ આપી છે. લોકશાહી મૂલ્યો અને નાગરિક અધિકારોની લડત માટે વિશ્વને પ્રેરણા આપી છે.
27 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર