Opinion Magazine
Number of visits: 9504178
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ते हि नो दिवसा गता:॥

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|17 May 2017

આદરણીય ગણેશ દેવી, મહેન્દ્રભાઈ, વિમલભાઈ, કુન્તેશભાઈ, અશોકભાઈ, ઉત્તમભાઈ, મૈત્રીબહેન તેમ જ ઉપસ્થિત સૌ મિત્રો,

મનસુખભાઈ શાહ તથા બળવંતભાઈ પટેલની અનુપસ્થિતિ આજે સવિશેષ સાલે છે.

કપૂરચંદભાઈ ચંદરયાના નિધનના સમાચાર આઘાતકારી છે. એમનું અવસાન એટલે ગુજરાતી ડાયસ્પોરે ભાષાસંવર્ધનનાં કામને ફટકો. અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ તેમ જ વિચારપત્ર “ઓપિનિયન” પણ આ અવસાનથી ખેદ અનુભવે છે.

થોડીક ક્ષણો પહેલાં જાણ્યું કે ગુજરાતના એક બહુ મોટા માણસ, હમીદભાઈ કુરેશીનું આજે દુ:ખદ અવસાન થયું છે. મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાના સમયગાળાથી, ઈમામ સાહેબ અબ્દેલ કાદર બાવઝીર અત્યંત નજીકના સાથીદાર. એમનાં દીકરી અમીનાબહેન ગુલામ રસૂલકુરેશીને પરણેલાં. એમનું સંતાન તે આપણા આ હમીદભાઈ. આ ત્રણ ત્રણ પેઢીની પોરસાવતી દાસ્તાઁ છે. ગુજરાતે એક બહુ મોટા ખાનદાન શહેરીને આજે ખોયા છે. આ દુ:ખમાં હું અને અમારો પરિવાર પણ સામેલ.  

વારુ, આ અવસરનું નામ પડ્યું છે તે દહાડાથી ચકરાવે ચડેલો છું. મહિનાઓ ઠેલાતા ગયા, અઠવાડિયા આવ્યા ને ગયા, દિવસો ય વહ્યા કર્યા. પરંતુ ટાંચણ કરવાની આજ દિવસ લગી ફાવટ ન જ આવી તે ન જ આવી. રતિલાલ ચંદરયાએ અને ગુજરાતીલેક્સિકોને મારાપણાંને ઘેરો ઘાલી લીધેલો; અને આમને આમ તે દુનિયામાં સતત પરિભ્રમણ કરતો રહ્યો.

ते हि नो दिवसा गता:॥ ભવભૂતિના રામને મોઢે આ શબ્દો છે ને ? એ તે કેવા કેવા દિવસો હતા ? ચંદરયા પરિવાર સાથેના સંબંધને હવે ચાર દાયકા થયા. ભાષા-સાહિત્ય તથા વિલાયતની અકાદમીના કામને સારુ ચાર દાયકાઓ પૂર્વે દેવચંદભાઈથી તેનો સંબંધ બંધાયેલો. કપૂરચંદભાઈએ તેને મજબૂત કર્યો; અને પછી રતિલાલભાઈએ આ ડિજિટલ કોશ શાં આદરેલાં કામને સારુ હળવા મળવાનું થયાં કર્યું, અને પરિણામે અમારી મૈત્રી ફાલતી ચાલી, ફૂલતી ચાલી. સાથે રહી આ ગુજરાતીલેક્સિકન આંદોલનને મૂર્ત સ્વરૂપ દીધાંનું સાંભરે છે. મુંબઈ માંહેના લોકાર્પણના એ દિવસો; પ્રસંગો; ધીરુબહેન પટેલ સાથેની મુલાકાત ગોઠવણ; ગુજરાતી સાહિત્ય પરિષદ જોડેની એ સોહરાબી-રુસ્તમી; લંડન મધ્યે વિસ્તરતું લોકાર્પણ; ગૂજરાત વિદ્યાપીઠ જોડેની લાંબી પેરેની વાટાઘાટ અને સાર્થ ગૂજરાતી જોડણીકોશને ડિજિટલ વિશ્વમાં સામેલ કરવાની પહેલ; યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ જોડેના અમદાવાદ ને બ્રિટન ખાતેના જોડિયા પ્રકલ્પો; યુનિકોડ ગુજરાતી ફૉન્ટનો સુપેરે આદર; સમસામયિકો તથા પ્રકાશકો યુનિકોડ ગુજરાતી ફૉન્ટમાં પ્રવેશ મેળવે તેવો પ્રયાસ; ભગવદ્ગોમંડળ કોશની સામેલગીરી; “નિરીક્ષક”, “ઓપિનિયન”, “મિલાપ” તથા “વિશ્વમાનવ”ને ‘ડિજિટલ વરસેટાઇલ ડિસ્ક’નું સ્વરૂપ મળવું; અને હવે, ઑક્સફર્ડ ડિક્શનેરી જૂથ સાથેનો આ પ્રકલ્પ. બહુ મોટી હરણફાળ આ માણસે લીધી; અને તેનાથી, ગુજરાતી સતત ન્યાલ થતી રહી.

ટાંકણે મહેન્દ્રભાઈ મેઘાણી સંપાદિત "મિલાપ"ની ડિવીડી લોકાર્પિત થઈ તે ઘટનાની આ બે છબિ. અહીં (ડાબેથી) મહેન્દ્રભાઈ મેઘાણી, વિપુલ કલ્યાણી, ગણેશભાઈ દેવી તથા વિમલભાઈ ચંદરયા દૃશ્યમાન છે.

રતિકાકાના આ કામને કારણે અંગત અંગત હું ય ખૂબ લાભ્યો છું. અશોક કરણિયા જેવા બડભાગી, દૂરંદેશ અને કાર્યનિપુણ યુવાન મિત્રનો સંગ મળ્યો છે. એમના સંગમાં સતત રાજી રાજી રહ્યો છું. “ઓપિનિયન”ની કૂચ હળવાશે આગળ વધી શકી છે. મુદ્રિત યુગ, ડિજિટલ અવતાર અને હવે વેબસાઇટનું ય ફલક. આ બધામાં રતિલાલ ચંદરયા મૂળગત મશાલચી પૂરવાર થયા છે.

રતિકાકા તરીકે પંકાયેલા આ નબીરાનું શિક્ષણ તો માંડ બેચાર ચોપડીનું, પણ એમની સમજણ, એમની કામગીરીનો વ્યાપ ઝાઝેરો, જાણે કે ખુદ જંગમ વિદ્યાપીઠ. સન 1922માં 23 ઑક્ટોબરે પૂંજીબાઈ ને પ્રેમચંદભાઈને ત્યાં જન્મેલા રતિભાઈને બહોળો અનુભવ. ચંદરયા પરિવારના વેપારવણજમાં અગ્રેસર. બીજી-ત્રીજી હરોળ તૈયાર થઈ, ત્યાં લગી ધંધાધાપાના વિસ્તાર સારુ પૂરેપૂરા ખૂંપેલા રહ્યા; અને પછી, હળુહળુ આ ડિજિટલ કોશના કામમાં ઊતરતા ગયા તેને સારુ ખૂબ ભમ્યા, ઘણાનો સાથ સહકાર મેળવ્યો. અને પોતાના મનોરથો પાર કર્યા. સન 2013ની 13 ઑક્ટોબરે વિદાય લીધી ત્યાં સુધી ગુજરાતીલેક્સિકનને માટે સતત માર્ગદર્શક રહ્યા અને સવાલો જાગ્યા ત્યારે મારા જેવા સહોદરો અને સાથીદારોને પોતાને અડખેપડખે રાખી કામને આટોપતાં રહ્યા.

ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સંસ્કૃિત, અરે, તેનું પોત પણ, આજકાલ એક એવા ચોખંભે છે, જ્યાંથી જો દશા અને દિશા ન જડે તો વેરવિખેર થવાની વિશેષ દહેશત છે. તો રતિલાલ ચંદરયા વિનાના આ આંદોલનને, આપણા આ ગુજરાતીલેક્સિકનના આ સમૂળગા પ્રકલ્પને, સભાન અને કાર્યશીલ રહેવા સિવાય કોઈ જ ચારો નથી. અને જો ન જ રહેવાય, તો ખુદકુશીનું પાપ માથે ભમતું રહેવાનું, તે ચોક્કસ. આપણી સમક્ષ અધૂરાં કામો ખડકાયાં છે : માવજીભાઈ મુંબઈવાળાએ યુનિકોડમાં બેસે તેવા એક નહીં દશદશ ફોન્ટ્સ હાલ આપ્યા છે. તેને જોઈ તપાસી, સમારી આપવાનું કામ આપણું જ હોય. તેમ સોશિયલ મીડિયા સમેત આજકાલ રૉમન લિપિમાં ગુજરાતી લખવાનો ચાલ ફાટીને ધૂમાડે ગયો છે અને તેમાં ભારોભાર અરાજકતા છે. તેને ઠેકાણે લાવવાનું કામ પણ આપણા ક્ષેત્રનું બનવું જોઈએ. ઇન્ટરનેટે ગુજરાતી માહિતીઓ, વગેરેની વિગતોમાં ભારોભાર ગાબડાં છે. તે ક્ષેત્રને તરબતર કરવાની ગુંજાઈશ આપણી રાહ જુએ છે. એક વેળા, સમસામયિકોના તંત્રીસંપાદકોનો સંપર્ક સાધતા, ભાષાસાહિત્યના સવાલો અને કોયડાઓ બાબત સુપેરે નીવેડો લાવી શકાતો. હવે સોશિયલ મીડિયાને કારણે, દરેક લહિયો માને છે કે તે ખુદ તંત્રીસંપાદકલેખક છે ! − આ ઘટનાક્રમની રૂપરેખાનું શું કરવું ?

વારુ, આપણે જ્યારે ગુજરાતી ભાષા-સાહિત્યની આતુરતા સહ વાત કરીએ છીએ, ત્યારે આ સ્વાયત્તતાને મુદ્દે ગુજરાતી સાહિત્ય પરિષદ તેમ જ ગુજરાત સાહિત્ય અકાદમીની બાથંબાથી અમને વિચારપ્રદેશમાં ધકેલી મૂકે છે. સ્વાયત્તતાનો અદ્દલ અગત્યનો મુદ્દો છે; પણ સાથે ગુજરાતી સાહિત્યનો, ગુજરાતી ભાષાનો દાયરો ટૂંકાતો જાય છે, તેની પ્રસ્તુતા, ભલા, ક્યારે કેન્દ્રસ્થ રાખતા થઈશું ? ભાષાસાહિત્યના મોટેરાંઓ, અધ્યાપકો, એમનાં મંડળો, સંસ્થાઓ, ગુજરાતીલેક્સિકન આંદોલન ડાયસ્પોરા સમેતની ગુજરાતી આમ જનતાની ય થોડીઘણી ચિંતા સેવે તો કામ બને !

દરમિયાન, દાયકાઓ પહેલાં, લંડનસ્થિત ‘નેહરુ સેન્ટર’માં ડૉ. ગણેશ દેવીને પહેલવહેલા જોયા, સાંભળ્યા. અલપઝલપ મળવાનું ય થયેલું. તે પછી, મુંબઈ ખાતે દિવંગત હિમ્મત ઝવેરીની સ્મૃિતસભામાં અમે એક જ મંચ પરે વક્તાઓ હતા. અને હવે છેક આજે, અહીં ફરીવાર; જાણે કે આ મારું સૌભાગ્ય જ હોય.

’મારો ભાષાપ્રવેશ’ નામક લેખમાં ગણેશ દેવી કહે છે :

“આ મારું ગામ, મારું રાજ્ય એ પ્રકારના સીમાડા તૂટી ગયા. ઇંગ્લેન્ડથી ગુજરાત આવ્યો ત્યારે એવું નથી લાગ્યું કે હું મહારાષ્ટ્રનો. મહારાષ્ટ્રમાં હતો અને ફરી પાછો ગુજરાત આવ્યો તે સારું થયું. સિટિઝન ઓફ ધ વર્લ્ડ ગાંધીએ કહ્યું જ છે : બધાં બારીબારણાં ખુલ્લાં રાખવાં. જો મૂળિયાં મજબૂત હોય તો તે વિચારોમાં હોવાં જોઈએ, સ્થળમાં નહિ. એટલે કોઈ પૂછે તમે ક્યાંના, તો કહેવું જોઈએ હું ફલાણા વિચારનો છું, નહિં કે ફલાણા ગામનો. આ રીત સારી રહેશે.”

ભાષા જ એવી વસ્તુ છે જે પ્રાણીઓને માનવ બનાવે છે.

સન 1950ના ઑગસ્ટની પહેલીએ મહારાષ્ટ્રમાં જન્મેલા આપણા આ કર્મઠ, વિદ્વાન ને કર્મશીલ મુખ્ય વક્તાને નામ, વળી, એક બીજું અવતરણ બોલે છે, “આપણે વર્નાક્યુલર નામનો શબ્દ વાપરવાનો ચાલુ રાખ્યો છે. આ શબ્દનો અર્થ તે ભારતીય ભાષાઓ. ભાષા તો આપણો પ્રાચીન શબ્દ છે. પાણિનિથી એ ભાષા છે. ભાષા શબ્દનો અર્થ અવાજ (અથવા લેંગ્વેજ) થાય છે. આઈડેન્ટિટી, વોઇસ અને લેંગ્વેજ – આ ત્રણે અર્થમાં ‘ભાષા’ શબ્દનો વપરાશ કરવાનું મેં નક્કી કર્યું. ભારતીય ભાષાઓ સાથે એક સંબંધ તો હતો જ, ‘સેતુ’ દ્વારા ભારતીય ભાષાથી એની શરૂઆત થયેલી.”

અને પછી એ ઉમેરે છે, “ગુજરાતી મહાન ભાષા છે અને ગુજરાતી ભાષાનું મરણ શક્ય નથી. કારણ કે પાંચ કરોડ ગુજરાતીના ગુજરાતનો આર્થિક વિકાસ છેલ્લાં 150 વર્ષથી થયો છે. ગુજરાતી આફ્રિકા ગયા, ઇંગ્લેન્ડ ગયા, ઓસ્ટ્રેલિયા ગયા. કામ કરવાની ટેવ પાછલાં 150 વર્ષોમાં ગુજરાતીની બદલાઈ ગઈ છે અને ખૂબ દિલ દઈ લોકો કામ કરે છે. તે રીતે અંગ્રેજ કામ નથી કરતા. તો આપણે ત્યાં જે સંપત્તિ નિર્માણ થઈ એને લીધે આપણી ગુજરાતી ભાષાને ભય નથી. છતાં આ ગુજરાતી ભાષા માટે પણ એક ભયસ્થાન છે : આપણા ડોમેઇન ઑફ લેંગ્વેજ ઓછા થતા જાય છે. ખાસ કરીને બોલી સાથેનો સંબંધ ઓછો થતો જાય છે. માતૃભાષામાં ભણાવતી એવી નિશાળની સંખ્યા ઓછી થતી ગઈ. કોઈ ઉત્તમ પ્રકારની હાઈસ્કૂલ ગુજરાતીમાં નથી. ગુજરાતી ભાષા માટે જે વિવિધ ડોમેઈન હોવો જોઈએ એમાં અત્યારે ઓટ આવવાથી ગુજરાતીને પણ ભયસ્થાન છે. એક સરસ ગુજરાતી વાક્ય, અંગ્રેજી શબ્દના વપરાશ વગર બોલી શકે એવા યુવાનોની સંખ્યા ઓછી થતી જાય છે.”

વળી, ખુદ સવાલે છે : “નિરક્ષરતા કે ભાષા એટલે શું?” અને પછી પોતે જ ઉત્તર વાળે છે : “ભાષા સ્વયં મરતી નથી : જૂના ઘણા પ્રાચીન શબ્દો અત્યાર સુધી આપણે ત્યાં હજી વપરાય છે – પણ કોઈ કાનૂન અથવા કોઈ ખામીભરી પૉલિસી દ્વારા ભાષા પર બંધન લાદવામાં આવે છે અને ત્યારે ભાષાઓને મારવામાં આવે છે. ટૂંકમાં ભાષા મૃત્યુથી પર છે પણ એના પર મૃત્યુદંડ ઠોકવામાં આવે છે. ગ્રીક ભાષામાં એક શબ્દ છે અફેસિયા. અફેસિયા એક બીમારીનું નામ છે. એનો અર્થ છે વાચાહીનતા, વાચાભ્રંશ, વાચાભ્રમ. અત્યારે દુનિયામાં ઘણી ભાષા સામે અફેસિયાની સજાનું ફરમાન જારી થઈ રહ્યું છે. યુનેસ્કોના અંદાજ પ્રમાણે વીસમી સદીની શરૂઆતમાં, દુનિયામાં લગભગ 7,000 ભાષાઓ હતી, તેમાંથી એકવીસમી સદીના અંત સુધી માત્ર 300 ભાષા જીવતી રહેશે.”

દેવી કહે છે : “એક માન્યતા એવી છે કે માતૃભાષામાં સાતમા ધોરણ સુધી ભણતર મળી રહે તો બાળક એ ભાષા ટકાવી રાખે છે. આપણે ત્યાં સાતમા ધોરણની તો વાત દૂર, કે.જી.થી જ અંગ્રેજીમાં ભણાવવાની શરૂઆત થઈ છે. આપણે ત્યાં અંગ્રેજીમાં સારું લખતા સર્જકો કોણ? હું કહીશ સૌથી પહેલા મહાત્મા ગાંધી. એમનું ભણતર ગુજરાતીમાં થયું હતું. આર.કે. નારાયણનું ભણતર તમિળમાં હતું. હું પોતે મરાઠીમાં ભણ્યો. અંગ્રેજીમાં લખાણ કરું છું છતાં લઘુતાગ્રંથિ આવી નથી. મારાં અંગ્રેજીમાં લખાયેલાં પુસ્તકો દુનિયામાં ઘણી જગ્યાએ લોકો વાંચે છે. આ અંગ્રેજી કોઈ અન્ય અંગ્રેજી ભાષાથી ખરાબ છે એવું નથી. માતૃભાષામાં ભણતર એ બાળકનો મૂળભૂત અધિકાર છે અને હોવો જોઈએ.”

ડો. ગણેશ દેવીએ અન્યત્ર નોંધ્યું છે તેમ, સમય એટલે જ એ જતો રહેવાનો. એટલે આપણે એવા અન્ય સમયમાં, જે વીતી ચૂક્યો છે એવા સમયમાં સમાઈ જવાનું છે. આપણી દોડ સમય સાથે છે. સમય આપણાથી બળવત્તર છે. એની સામે એક ક્ષણ એવી આવશે કે આપણી દોડવાની તાકાત પૂરી થશે ત્યારે આપણે ત્યાં ઊભા રહેવાનું. એટલે જ્યાં સુધી ચલાય, ચાલવાનું. ન ચલાય ત્યારે ઊભા રહેવાનું. સમય તો આગળ ચાલતો રહેશે. દુનિયા ચલતી રહેગી.

હમણાં હમણાં બ્રાઝિલના રિયો ‘દ જાનેરો ખાતે ઑલમ્પિક રમતો આટોપાઈ. પારિસમાં 1924 વેળાની ઑલમ્પિકમાં, આવી વિશ્વ રમતસ્પર્ધા યોજાયેલી. તેમાં, સ્કૉટલૅન્ડના એરિક લીડલ તથા ઇંગ્લૅન્ડના હેરલ્ડ અબ્રાહ્મસે કમાલનો ઇતિહાસ સર્જી બતાવેલો. 1981માં પ્રદર્શિત થયેલી ‘ચેરિયટ્સ ઑવ્ ફાયર’માં તેની જબ્બર સાખ જડે છે. એક લાંબા અરસાથી ડૉ. ગણેશ દેવીની દોડ, તેનું કામ પોરસાઈને જાણ્યું છે, માણ્યું છે. ભાષા સારુ, મારે મન, ગણેશ દેવી આપણા ‘ચેરિયટ ઑવ્ ફાયર’ જ છે. … તો સમય વીતી જાય એ પહેલાં, ચાલો, તેની ક્ષણને પામી લઈએ; ડો. ગણેશ દેવીની આ ‘નિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર’માં સામેલ થઈ જઈએ.

અમદાવાદ, 8 ઑક્ટોબર 2016

Loading

17 May 2017 admin
← વાસ્તવિક્તા
Trump and Truth →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved