એક રાષ્ટ્ર તરીકે આપણને કોઈ એકનો પક્ષ લેવાનું નહીં પોસાય કે ન તો મુંગા મ્હોંએ જોવાનું પોસાશે, આ ઝડપી પણ કેલ્ક્યુલેટેડ નિર્ણયો લેવાનો વખત છે.

ચિરંતના ભટ્ટ
એક એવી થ્રિલર ફિલ્મની કલ્પના કરો જ્યાં ચાર અલગ-અલગ જગ્યાએ તણખા થઇ રહ્યા હોય અને બધાનું કેન્દ્ર કોઈ એક જ વિસ્ફોટક હોય. દરેક તણખો વિશ્વના અલગ ખૂણેથી ઉઠ્યો હોય, છતાં બધા એક જ દારૂગોળાના ઢગલા તરફ આગળ વધી રહ્યા હોય. અત્યારે આપણે આવી જ દુનિયામાં જીવી રહ્યા છીએ. યુરોપ યુદ્ધના ધોરણે શસ્ત્ર સજ્જ થઈ રહ્યું છે, મધ્ય પૂર્વ હિઝબુલ્લાહના રોકેટ અને ઈરાનના પડછાયામાં ધૂંધવાઈ રહ્યું છે, દક્ષિણ ચીની સમુદ્ર તાઈવાન અને વિવાદિત ટાપુઓને લઈને ઉકળી રહ્યો છે, અને અમેરિકાના દેવાનો બોજ સૌને ડૂબાડવાની ધમકી આપી રહ્યો છે. આ કોઈ અતિશયોક્તિ નથી. આ ચાર ભીષણ જિયોપોલિટિકલ પ્રેશર પોઈન્ટ્સ એકસાથે વકરી રહ્યા છે. આપણે એ સમજી લેવું જોઈએ કે આ આપણે માટે, ભારત માટે દૂરના આંચકા નથી, આ આપણી અર્થવ્યવસ્થા, આપણી એનર્જી સિક્યોરિટી પર અને આપણા વ્યૂહાત્મક વિકલ્પો પર સીધો પ્રહાર છે.
ભારત માટે આ અત્યારે કેમ અગત્યનું?
મુંબઈની ઓઈલ રિફાઈનરીઓ માટે આ સંકટનો અર્થ છે ક્રૂડના વધતા ભાવ, કારણ કે હુતી ડ્રોન્સ રાતા સમુદ્રના શિપિંગ રૂટમાં અવરોધ બનીને છવાયા છે. સેન્સેક્સ પર નજર રાખનારાઓ માટે આ FIIનો ભય છે કારણ કે યુ.એસ.નું દેવું વધી રહ્યું છે અને ટ્રેઝરી ડગમગી રહી છે. સાઉથ બ્લૉકના સંરક્ષણ આયોજકો માટે, આ સસ્તા રશિયન ઓઈલ અને યુરોપથી આવતા સેમિકન્ડક્ટરની અછત વચ્ચે સંતુલન જાળવવાનો ખેલ છે, અને તે પણ એવા સમયે જ્યારે ચીની કોસ્ટ ગાર્ડના જહાજો આપણા આંદામાન બેકયાર્ડમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. રૂપિયો, આપણા વ્યાપારિક માર્ગો, આપણી ટેક સપ્લાય ચેઈન – આ બધું જ આ ચાર તોફાની મોજાં પર સવાર છે. આપણે પહેલાં પણ મહાસત્તાઓની હરીફાઈ જોઈ છે, પરંતુ એકસાથે ચાર મોરચે ખૂલી જાય એવી સંભાવનાઓ પહેલા ક્યારે ય નથી ખડી થઈ. આ ચાર મોરચા શું છે અને શા માટે છે તે સમજીએ.
યુરોપની € 800 બિલિયનની વૉર ચેસ્ટ : પીસ ડિવિડેન્ડનું પડીકું વળી ગયું છે
યુરોપિયન યુનિયનનો ‘રી-આર્મ યુરોપ’ પ્લાન € 800 બિલિયન જેટલું ભંડોળ ભેગું કરવા ધારે છે, જેમાં માત્ર પોલેન્ડ જ ટેન્ક, મિસાઈલ અને ડ્રોન્સ માટે € 43 બિલિયનના ખર્ચની તૈયારીમાં છે. જર્મનીએ સંરક્ષણ માટે તેની ઉધાર લેવાની બંધારણીય મર્યાદા હટાવી દીધી છે, આ પગલું કટોકટીમાં ઈમરજન્સી કાચ તોડવા સમાન છે. રશિયાનું હાઇબ્રિડ યુદ્ધ હવે માત્ર યુક્રેનની ખાઈઓ પૂરતું સીમિત નથી; તે બાલ્ટિક પાઈપલાઈન્સમાં તોડફોડ, જર્મન પાવર ગ્રીડ પર સાયબર હુમલા અને પોલેન્ડ પર નાટો ડ્રોન્સ તોડી પાડવા સુધી વિસ્તર્યું છે. આ ‘કોલ્ડ વોર ૨.૦’ છે, પણ એકપણ નિયમો વગરનું.
ભારત માટે આ ગણિત બેધારી તલવાર જેવું છે. રશિયન તેલ સસ્તું છે અને પશ્ચિમી દેશો નારાજ હોય છતાં પણ વાસ્તવિકતા એ છે કે આપણી રિફાઈનરીઓને હજુ પણ એ ડિસ્કાઉન્ટ મળે છે. પરંતુ જે સેમિકન્ડક્ટર અને રેર અર્થ (rare earths) ઉત્પાદનોની આપણને જરૂર છે તે આપણને જોઇએ એ રીતે નથી મળી રહ્યા. કારણ કે યુરોપની સંરક્ષણ ખરીદીની હોડ સેમિકન્ડક્ટર અને રેર અર્થની વૈશ્વિક સપ્લાય ચેઈનને ખોરવી રહી છે. આપણને ‘મેક ઈન ઇન્ડિયા’ માટે તેની સખત જરૂર છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે યુરોપનું ધ્યાન ભટકેલું હોવાથી ઇન્ડો-પેસિફિક કોઑપરેશન પર ધ્યાન આપવાનો તેની પાસે સમય નથી. જ્યારે તમારા ભાગીદારો પોતાના ઘરની આસપાસની સુરક્ષામાં વ્યસ્ત હોય ત્યારે QUADનું ફોકસ હચમચે છે. 1993ના મુંબઈ બ્લાસ્ટને ફંડ પૂરું પાડનારા હવાલા નેટવર્ક્સ હવે RDX નહીં પણ ડ્રોન્સ છુપાવી રહ્યા છે. આ સંજોગોમાં હાઇબ્રિડ જોખમો વૈશ્વિક બની ગયા છે, અને આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, આપણે પણ તેની ઝપેટમાં છીએ.
હિઝબુલ્લાહનું મિસાઇલ આર્સેનલ : મધ્ય પૂર્વનું ‘રીલોડિંગ‘
2024ના નાજુક યુદ્ધવિરામ છતાં, દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહની હજારો પ્રિસિઝન-ગાઈડેડ મિસાઇલો તૈનાત છે અને નેતન્યાહુની 2026ની આક્રમક સમયરેખા ટૂંકી થઈ રહી છે. ઈઝરાયલ હવે ઈરાની સપ્લાયના વધુ એક દાયકાને સાંખી નહીં લે. તેહરાનના આંતરિક વિદ્રોહને કારણે અરાજકતા વધે છે, પણ તેમનું પ્રૉક્સી નેટવર્ક અકબંધ છે, જે દરેક યુદ્ધવિરામને ‘રીલોડ ફેઝ'(શસ્ત્રો ફરી ભરવાના સમય)માં ફેરવી નાખે છે. ઈરાન એક તરફ BRICSના મિત્રનો અને બીજી તરફ ધરીના કઠપૂતળી નચાવનારનો પણ, એમ બંને રોલ ભજવે છે. આ બેવડું વર્તન સમિટના ફોટા માટે સારું છે પણ વાસ્તવિક રણનીતિ માટે મુશ્કેલ છે.
અહીં આપણને સીધો ફટકો વાગે છે: હુતી ડ્રોન્સ ભારતના 12% ઓઈલ ઈમ્પોર્ટને રાતા સમુદ્રમાં રૂંધી રહ્યા છે, જેનાથી મુંબઈની રિફાઈનરીઓ માટે ખર્ચ વધી રહ્યો છે અને રૂપિયાની અસ્થિરતા વધી રહી છે. ચાબહાર પોર્ટ, જે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા માટે આપણો પાછલો દરવાજો છે, તે ટ્રમ્પની ટીમ દ્વારા પ્રતિબંધોની ગપસપ વચ્ચે ફસાયો છે. અહીં કડીઓ જોડીને આપણે સમજવું જોઇએ કે જે હવાલા ચેનલો એક સમયે ટેરર ફંડિંગ કરતી હતી તે હવે ડ્રોન સપ્લાય લાઈન્સને મદદ કરી રહી છે. જો હિઝબુલ્લાહનો મોરચો ભડકે તો ક્રૂડ ઓઈલ $ 100 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે, જે આપણા 7% ગ્રોથ ટાર્ગેટને ફટકો મારી શકે છે. જ્યારે તમારા કહેવાતા મિત્રો એકબીજા પર મિસાઇલો છોડતા હોય ત્યારે આપણા વડા પ્રધાનની મલ્ટી-એલાઈનમેન્ટ સ્ટ્રેટેજી (સૌની સાથે મિત્રતા, કોઈની સાથે ગઠબંધન નહીં) ડગમગવા લાગે તે સ્વાભાવિક છે.
દક્ષિણ ચીન સમુદ્રના ફ્લેશપોઈન્ટ્સ : ગ્રે–ઝોન વૉરફેર હવે ‘હોટ‘ થઈ રહ્યું છે
બેઇજિંગ આક્રમણની જાહેરાત કરવામાં નથી માનતું; તે ફિલિપાઈન્સના રિસપ્લાય જહાજોને વોટર કેનનથી ટક્કર મારવામાં, પેટ્રોલ બોટને લેસરથી અંધ કરવામાં અને રીફ રડાર્સ દ્વારા ગુપ્ત રીતે ઇન્ટેલ ડોમિનન્સ મેળવવામાં પોતાની રણનીતિ ગોઠવે છે. સેકન્ડ થોમસ શોલ (Second Thomas Shoal) પર અથડામણો વધી છે, ચીનના કોસ્ટ ગાર્ડ થિટુ આઈલેન્ડ પાસેનું કોમ્યુનિકેશન જામ કરે છે અને વિવાદિત એટોલ્સ (પરવાળાના ટાપુઓ) પર કિલ્લેબંધી કરે છે. તાઈવાન પર આક્રમણની ચર્ચાઓ વધી રહી છે કારણ કે શી જિનપિંગ “બ્રુટ ફોર્સ” (બાહુબળ) માટેની તકો શોધી રહ્યા છે, પરંતુ અસલી ઈનામ માત્ર તાઈપે નથી, ખરેખર તો તે પેસિફિકના ચોકપોઈન્ટ્સ (chokepoints) પરનું નિયંત્રણ છે જે વૈશ્વિક વેપારને દોરનાર પરિબળ છે. ASEANની કોડ-ઓફ-કન્ડક્ટ વાટાઘાટો અટકી પડી છે કારણ કે મનિલા “એક ઈંચ પણ” જમીન ન છોડવાની પ્રતિજ્ઞા લઇને બેઠું છે અને બેઇજિંગ દરેક ચેતવણીને અવગણે છે.
આ બધું આપણા ઘરના પછવાડામાં છેડાયેલી બબાલ બની ગઈ છે. આપણા આંદામાન બેઝ મલાક્કા સ્ટ્રેટ પર નજર રાખે છે, આપણું 80% ઓઈલ આ ચોક પોઈન્ટ પરથી પસાર થાય છે, ત્યાં અત્યારે ચીની કેરિયર્સ પેટ્રોલિંગ કરી રહ્યા છે. સમુદ્રમાં ફિલિપાઈન્સની અથડામણો એ જમીન પર આપણા LAC સ્ટેન્ડઓફનો પડઘો પાડે છે; ચીનનો સ્પાર્ટલી (Spratly) વિસ્તારવાદ એ જ ક્રમિક અતિક્રમણની રણનીતિ છે જે આપણે ગલવાનમાં જોઈ હતી. QUAD નેવલ ડ્રીલ્સ વધી રહી છે, પરંતુ ટ્રમ્પના “અમેરિકા ફર્સ્ટ” ટેરિફ્સ એકસાથે આપણા એક્સપોર્ટને ફટકો મારી રહ્યા છે, જેના કારણે આપણે વિયેતનામ સાથે પોર્ટ એક્સેસ માટે મિત્રતા કેળવતા AUKUS ભાગીદારોને બ્રહ્મોસ મિસાઈલોથી સજ્જ કરવા મજબૂર થયા છીએ. આવામાં આપણને એક નાનકડી ભૂલ પણ ભારે પડશે. પશ્ચિમમાં બાંગ્લાદેશમાં ચીની એરબેઝનું બનવું, ઉત્તર-પશ્ચિમમાં પાકિસ્તાન-સાઉદી ડિફેન્સ પેક્ટ વગેરે આ આખા ખેલને વધુ પેચીદો બનાવે છે.
અમેરિકાનો $ 38 ટ્રિલિયનનો ડેટ બોમ્બ એટલે આર્થિક તણખાનું તેજ થવું
અમેરિકાનું દેવું હવે દર અઠવાડિયે $ 11 બિલિયનનું વ્યાજ ખાઈ રહ્યું છે, જે 2026ના નાણાકીય વર્ષના શરૂઆતના અઠવાડિયામાં ફેડરલ ખર્ચના 15% જેટલું છે. મેડિકેર અને સોશિયલ સિક્યુરિટીનો આ ઘા વધુ આકરો બનાવે છે, જેમાં ખાધ જી.ડી.પી.ના 6.7% રહેવાનો અંદાજ છે. ટ્રમ્પની ટેરિફ યોજનાઓ $ 300-400 બિલિયનની આવકનું વચન આપે છે, પરંતુ CBO આરોગ્ય સબસિડી વધવા અને કાઁગ્રેસ જાન્યુઆરીની ડેડલાઈન તરફ દોડતી હોવાથી આગળ ટ્રિલિયન્સની ખોટ જોઈ રહ્યું છે. આ કોઈ થોથાંમાં લખેલું જ્ઞાન નથી પણ, એક આર્થિક બ્લેક હોલ છે જે વૈશ્વિક મૂડીને ગળી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે વ્યાજના દરો વધારી રહ્યું છે.
ભારત પાસે લગભગ $ 250 બિલિયનની યુ.એ.સ ટ્રેઝરી છે, જે આપણી ચિંતા વધારે છે. જો વોશિંગ્ટન કોઈપણ પ્રકારના રિસ્ટ્રક્ચરિંગ કરશે તો આપણા રિઝર્વને ફટકો પડશે. વધુ આકરી બાબત એ છે કે, ગભરાયેલા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ઉભરતા બજારોમાંથી પૈસા પાછા ખેંચી લેશે, જેનો સીધો અર્થ છે : સેન્સેક્સમાં અસ્થિરતા, રૂપિયા પર દબાણ, અને ભારતીય કંપનીઓ માટે મોંઘું ધિરાણ. ટ્રમ્પનું લેટિન અમેરિકા તરફ વળવું અને “પ્રભાવના ક્ષેત્રો”(spheres of influence)ની એકલતાવાદી નીતિ યુરોપને આર્થિક રીતે ખુલ્લું મૂકી દે છે, જેનો અર્થ છે કે યુક્રેન સહાયની ખાલી જગ્યા કોઈએ તો ભરવી જ પડશે. કલ્પના કરી શકશો કે આર્ટિલરી શિપમેન્ટ માટે કોને કૉલ આવી રહ્યો છે? જેમ ઓપનહાઈમરના બોમ્બને કારણે શસ્ત્રોની હોડ જન્મી હતી એ રીતે યુ.એસ.ની આર્થિક બેદરકારી વિરોધીઓને સજ્જ કરી રહી છે અને મિત્ર રાષ્ટ્રોને અસ્થિર કરી રહી છે. આપણા રૂપિયાના રક્ષણ માટે ફોરેક્સની કિલ્લેબંધી જોઇશે, બીજાના અવિચારી ખર્ચનું પરિણામ ભોગવવાનું આપણને પોસાય તેમ નથી.
ભારતની વ્યૂહરચના : મુશ્કેલીઓ વચ્ચે સંતુલનનો ખેલ
આ ચાર તણખા અલગ નથી પણ તેમનું એકબીજા સાથે મળવું જ ખરો ખેલ છે. મધ્ય પૂર્વનો ભડકો ઓઈલના ભાવ વધારનારો છે, એ પણ એવા વખતે જ્યારે યુ.એસ.ના દેવાના બોજાનો ગભરાટ આપણા બજારો તોડી રહ્યો છે. યુરોપનું રી-આર્મામેન્ટ સેમિકન્ડક્ટર સપ્લાય ઘટાડે છે જ્યારે ચીનની શિપિંગ વધતી ભીંસ જેટલો સપ્લાય છે તેને ય આપણા સુધી પહોંચવામાં મુશ્કેલી ખડી કરે છે. આ બધા સંજોગો એકબીજા સાથે જોડાયેલા છે, બધું ભેગું થઈ રહ્યું છે.
આવામાં આપણી રણનીતિ શું હોઈ શકે? પહેલું, રશિયા-ઈરાનની ધરીની બહાર એનર્જી ડાયવર્સિફિકેશન કરી શકાય. એટલે કે યુ.એ.ઈ. (UAE) સાથે LNG કોન્ટ્રાક્ટને વેગ આપવો, મોઝામ્બિક ગેસ ફિલ્ડનો ઉપયોગ કરવો, અને છેવટે ન્યુક્લિયર બેઝલોડ વિસ્તારવા માટે વધુ ગંભીરતાથી વિચારવું. બીજું, યુદ્ધના ધોરણે સંરક્ષણનું સ્વદેશીકરણ કરવું જોઇએ. જેમ કે, તેજસ Mk2નું ઉત્પાદન, સ્વદેશી ડ્રોન્સ, અને R&Dને ફંડ આપવા માટે બ્રહ્મોસની નિકાસ પર ધ્યાન આપવું જોઇએ. આપણે એવી સપ્લાય ચેઈન પર નિર્ભર ન રહી શકીએ જે જરા સરખા જિયોપોલિટિકલ હલચલથી હથિયારમાં ફેરવાઈ જાય. ત્રીજું, BRICSનો ઉપયોગ એક બ્લૉક તરીકે નહીં પણ બેલેન્સર (સંતુલન સાધનાર) તરીકે કરવો. આપણે કોઈ નવા કોલ્ડ વૉરમાં કોઇ રાષ્ટ્રનો પક્ષ નથી લઈ રહ્યા, પરંતુ ભીંસમાં આવવાથી બચવા માટે આપણને લીવરેજની જરૂર છે.
બાય ધી વેઃ
મુંબઈના ઝવેરી બજારના વેપારીઓ જે સોનાના ભાવ ટ્રેક કરે છે, બેંગલુરુના કોડર્સ જે સપ્લાય ચેઈન સોફ્ટવેર બનાવે છે, પંજાબના ખેડૂતો જે ખાતરના ભાવ જોઈ રહ્યા છે; તે બધાં વિદેશ નીતિને અનુસરે કે ન અનુસરે, તે બધાં જ આ મોજાં પર સવાર છે. ભારત 1962થી મહાસત્તાઓ વચ્ચે સંતુલન જાળવી રહ્યો છે, પરંતુ આ વખતે સંતુલન કરવા માટેની ભોંય સાંકડી થઈ રહી છે અને ઝંઝાવાતની ગતિ વધી રહી છે. આ ચાર તણખા સાબિત કરે છે કે કોઈપણ રાષ્ટ્ર સલામત પ્રેક્ષક નથી, આપણે કોઈ બીજાની થ્રિલર ફિલ્મના એક્સ્ટ્રા કલાકાર બનીને ન રહી શકીએ. હવે ડિરેક્ટરની ખુરશી સંભાળવાનો સમય આવી ગયો છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 જાન્યુઆરી 2026
![]()

