Opinion Magazine
Number of visits: 9453449
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તહેવારો એટલે વરુની પેઠે ખાવું …

વિશાલ શાહ|Opinion - Opinion|12 November 2015

રાજકીય એકતા ટકાવવી હોય તો પણ સાંસ્કૃિતક એકતાને મજબૂત અને સમૃદ્ધ કર્યે જ છુટકો. એ કામ ત્યારે જ બની શકે જ્યારે આપણે એકબીજાના તહેવારો ઊજવી શકીશું. ભેદના તત્ત્વો ગૌણ કરી શકીશું, અને બધા ધર્મોમાં, સંસ્કૃિતના નવા નવા આવિષ્કારોમાં, અને ભિન્ન ભિન્ન ભાષાના સાહિત્યમાં, કૌટુંબિક ભાવ ખીલવી શકીશું. આપણે ત્યાં દુનિયાના લગભગ બધા જ ધર્મો આવીને વસ્યા છે. એમની વચ્ચે સંઘર્ષ રહે એ કોઈ કાળે ચલાવી ન લેવાય. બધા ધર્મો વચ્ચે કૌટુંબિક ભાવ સ્થાપન કરીએ. આ કામમાં તહેવારો, જો સુંદર અને ઉદાર રીતે ગોઠવાયેલા હોય તો, ઉત્તમમાં ઉત્તમ મદદ કરી શકશે.

***  

'જીવતા તહેવારો' પુસ્તકની પ્રસ્તાવનામાં કાકાસાહેબ કાલેલકરે આ ધાંસુ શબ્દો લખ્યા છે. આ તો કાકાના ભારતીય સમાજ અને સંસ્કૃિતના ચિંતનની એક નાનકડી ઝલક છે. આવતીકાલે હિંદુ કેલેન્ડર પ્રમાણે કારતક સુદ એકમથી બેસતું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે 'જીવતા તહેવારો'માં કરાયેલી વાતો યોગાનુયોગે અત્યારના રાજકીય-સામાજિક માહોલમાં કદાચ ઘણી વધારે મહત્ત્વની છે. આ પુસ્તકના ૩૫૦ પાનામાં આવી ઢગલાબંધ ચિંતન કણિકાઓ વિખરાયેલી છે. કાકાનું માનવું છે કે, ''સંભવ છે કે તહેવારોની ઉજવણીની પદ્ધતિઓ સુધારીને આપણે સર્વધર્મસમભાવ અને સાંસ્કૃિતક રાષ્ટ્રીય એકતા વધારે મજબૂત કરી શકીશું …'' ‘જીવતા તહેવારો’ના પ્રકાશક ‘નવજીવને’ તેના પ્રકાશકીય નિવેદનમાં પણ કહ્યું છે કે, ''… જૂનું ધાર્મિક વાચન સમાજમાં રૂઢ હોત તો સમાજને કીમતી લોકકેળવણી મળી હોત … આજના જમાનામાં કેવળ શ્રદ્ધાથી કામ નહીં ચાલે અને કેવળ તાર્કિક અશ્રદ્ધાથી પણ સામાજિક આત્મા સંતુષ્ટ ન થાય. બંનેનો જ્યાં સમન્વય હોય એવાં લખાણો જ લોકહૃદયને પૌષ્ટિક ખોરાક પૂરો પાડી શકે …''

તો ચાલો 'જીવતા તહેવારો'માં દિવાળીના તહેવારો વિશે કહેલી વાતોનો 'ગમતાનો ગુલાલ' કરીએ. આ સાથે કાકા કહે છે એમ બેસતા વર્ષથી બધા જ તહેવારોની ઉજવણીની રીત બદલવાનો સંકલ્પ કરીએ. જો કે, ઉજવણીની રીત બદલવાની કેવી રીતે? જેમ કે, આ વર્ષે દિવાળી સહિતના તમામ તહેવારોની ઉજવણીની થીમ 'પુસ્તક અને વાચન' રાખીએ.  લેટ્સ સ્ટાર્ટ.

'જીવતા તહેવારો' વાંચતી વખતે સમજાય છે કે, પરિવર્તન સંસારનો નિયમ છે. શહેરીકરણ વધતા તહેવારોની ઉજવણીની રીતો ધીમે ધીમે બદલાઈ ગઈ છે. કાકા લખે છે કે, ''ધનતેરસ દિવાળીની તૈયારીનો તહેવાર છે. લોકવાર્તાઓ પ્રમાણે, ધનતેરસ યુવાનોના અપમૃત્યુથી છૂટેલી દયાનો તહેવાર છે … જુવાનોના અકાળ મૃત્યુની સંખ્યા સમાજમાં વધતી જાય છે એના કારણો તપાસી તે દૂર કરવાની યોજના સમાજના આગેવાનો આ દિવસે વિશેષે કરીને ચર્ચે, અને યુવાનોને જે બોધ આપવા જેવો હોય તે આપે … ગાયોના ધણની પૂજા પણ આ દિવસને માટે કહેલી છે. તે વિશે જે કરી શકાય તે કરીએ.'' કાકા 'ધનતેરશ અથવા ધણતેરશ' શીર્ષક હેઠળ આવી માહિતી આપે છે.

ભારતીય સમાજ કૃષિપ્રધાન હોવાથી તેના તહેવારોની ઉજવણીનો આધાર એક સમયે કૃષિ-પશુપાલન હતો. જો કે, હવે સમય બદલાઈ ગયો છે. ધનતેરસ યુવાનોના અપમૃત્યુથી છૂટેલી દયાનો તહેવાર છે, એ વાત પણ ભૂલાઈ ગઈ છે. પરંતુ આપણે યુવાનોની આત્મહત્યાથી લઈને યુવકો દ્વારા સ્ત્રીહિંસા જેવી નવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ. તો આ દિવસોમાં આ મુદ્દા પર ફોકસ કરતી સાહિત્ય કૃતિઓનું વાચન  કે તેના સર્જકોને બોલાવીને નાનકડા ગેટ-ટુ-ગેધરનું આયોજન કરી શકાય. આ પ્રકારના કાર્યક્રમો કંટાળાજનક ના થઈ જાય એ માટે એ વિષયના નિષ્ણાતોને પણ બોલાવી શકાય. શૈક્ષણિક સંસ્થાઓ કે ક્લબો દ્વારા પુરુષોએ સ્ત્રીઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ એની સમજ આપતા ઈનોવેટિવ સેશન્સ પણ ગોઠવી શકાય. ગિફ્ટમાં આવા જ કોઈ સુંદર પુસ્તકની ભેટ આપી શકાય.

પહેલાં ગાયોના ધણની પૂજા થતી હતી કારણ કે, ઢોરઢાંખર જ 'ધન' હતું. એટલે જ ધનતેરસનું બીજું નામ 'ધણતેરસ' છે. શહેરી સંસ્કૃિતમાં ગાયોના ધણનું મહત્ત્વ ઘટી જવું સ્વાભાવિક છે એટલે આપણે ધનની પૂજા કરીએ છીએ. જો કે, આ દિવસે સોના-ચાંદીની સાથે સાથે દર વર્ષે પસંદ કરેલા ૧૧, ૧૦૧, ૧૫૧, ૫૦૧ કે ૧૦૦૧ પુસ્તકોની પસંદગી કરીને તેની પૂજા કેમ ના કરી શકીએ?

ધનતેરસ પછી નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદશ ઊજવાય છે. કૃષિ પ્રધાન સમાજમાં તહેવારોની ઉજવણીના પાયામાં કૃષિ સંસ્કૃિતનું મહત્ત્વ વધારે હતું. કાકા લખે છે કે, ''આ દિવસે ઉકરડા કાઢીને તેનું ખાતર ખેતરમાં નાખવું, અથવા ખાડામાં દાટી દેવું. ત્યાર પછી તેલથી માલિશ કરીને ગરમ પાણીએ નાહવું. પહેલેથી તૈયાર કરાવી ધોળાયેલા મકાન પર ચૂના હળદર કે બીજા રંગની આછી લીટીઓ દોરવી. દીવાલો ચિતરામણથી શણગારવી…'' એટલે જ કાળી ચૌદશે કકળાટના રૂપમાં દિલોદિમાગમાંથી બધી જ 'ઈલ ફિલિંગ્સ' કાઢવાનું મહત્ત્વ છે. કૃષિપ્રધાન સમાજ ઉકરડો કાઢતો હતો પણ હવે શહેરી સમાજે મન-મગજમાં ઘર કરી ગયેલો પૂર્વગ્રહ, ઈર્ષા અને લાલચરૂપી ઉકરડો દૂર કરવાનો છે. સમજદાર વ્યક્તિ તો લાલચ અને ઈર્ષા જેવા 'ઉકરડા'ને પણ દોડતા રહેવાની પોઝિટિવ એનર્જીમાં પરિવર્તિત કરી શકે છે. આ દિવસે ટોપ ૧૦ પ્રેરણાત્મક પુસ્તકોની વાત કરી શકાય અને એકાદ પુસ્તકના પસંદીદા પ્રકરણો કે લખાણોનું વાચન પણ કરી શકાય. આ પ્રકારના પુસ્તકોની અત્યારે બોલબાલા છે પણ કલ્ટ ક્લાસિકની કેટેગરીમાં આવતા પુસ્તકો બહુ જાણીતા ના પણ હોય! એ માટે જાતે જ ગૂગલિંગ કરીને પુસ્તકોની યાદી બનાવી શકાય અથવા તો જુદા જુદા લોકોની મદદથી પોતાની એક અલગ યાદી બનાવી શકાય.

કાળી ચૌદશ પછી આવે છે દિવાળી. કાકા લખે છે કે, ''શાસ્ત્રોમાં દરેક તહેવારનું માહાત્મ્ય અને કથા આપેલાં હોય છે. દિવાળી વિશે એટલી બધી કથાઓ છે કે 'દિવાળીમાહાત્મ્ય' લખવા જઈએ તો એક મોટું પુરાણ થઈ જાય …'' આ પુસ્તકમાં કાકાએ બળિનું રાજ્ય, દિવાળી, મોતનો ઉત્સવ, નાના ભાઈ વગર દિવાળી અને દિવાળી (ફરી એ જ શીર્ષક) એમ કુલ પાંચ ભાગમાં દિવાળીનું મહત્ત્વ સમજાવ્યું છે. 'દિવાળી' શીર્ષક હેઠળ કાકા કહે છે કે, ''દીવાનખાનામાં એકાદ સુંદર વસ્તુ રાખવાનો રિવાજ દરેક ઘરમાં હોય છે. બહારનો કોઈ માણસ આવે એટલે સહેજે તે પર એની નજર જાય છે અને તે બોલી ઊઠે છે:કેવી મઝાની વસ્તુ! તમે આ ક્યાંથી મેળવી? …'' હવે આપણે પુસ્તકની થીમ પણ દિવાળી ઊજવતા હોઈએ તો ડ્રોઈંગ રૂમથી લઈને બેડરૂમ સુધી બધે જ પુસ્તકો અને સામાયિકોની સ્ટાઈલિશ ગોઠવણી કરીને ઘર સજાવી શકાય. ઘરમાં ગુજરાતીથી લઈને વિશ્વભરના સાહિત્યકારોના ક્વોટ્સ પણ મૂકી શકીએ. રંગોળીથી લઈને તોરણો પણ પુસ્તક થીમના આધારે ડિઝાઈન કરી શકાય. આ દિવસે પુસ્તકોથી જોજનો દૂર હોય એવા મહેમાનોને જે તે સાહિત્યકાર અને તેની કૃતિઓની માહિતી આપીને પરિચય પુસ્તિકાઓ, જીવન ચરિત્ર કે આત્મકથાની ભેટ આપી શકાય.

પછી આવે બેસતું વર્ષ. આ તહેવાર વિશે કાકાએ ખૂબ જ ટૂંકમાં માહિતી આપતા કહે છે કે, ''આ દિવસ મુખ્યત્વે મિત્રોને મળવાનો તેમ જ ગુરુજનોને મળી તેમનો આશીર્વાદ લેવાનો દિવસ છે. નવા વરસનો નવો સંકલ્પ અને આખા વરસની કંઈક નિશ્ચિત યોજના પણ આ દિવસે કરાય. જે વિચાર કરી શકે છે તે એકબે કલાક શાંતિથી એકાંતમાં બેસી પ્રાર્થનાપૂર્વક નવા વરસનો સંકલ્પ અને એ પાર પાડવાની વિગતો મનમાં ગોઠવે અને જેની આગળ નવો સંકલ્પ જાહેર કરવો ઘટે તેને જણાવે અને પોતાની પાસે અવશ્ય લખી રાખે.''

ટૂંકમાં આ દિવસે રિઝોલ્યુશન કરવાની પરંપરા વર્ષો પુરાણી છે. આપણી ઉજવણીની થીમ પુસ્તકો છે એટલે આ દિવસે ગૂગલિંગ કરીને વિશ્વના શ્રેષ્ઠ ૧૦૦ વાંચવાં જેવાં ફિક્શન, નોન-ફિક્શન, ક્લાસિક પુસ્તકોથી લઈને ઉત્તમ જીવનચરિત્રો, આત્મકથાઓ, સાયન્સ ફિક્શન, ટ્રાવેલ, ઈતિહાસ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ, બાળ સાહિત્ય તેમ જ અંગ્રેજી સહિતની ભાષામાં જે લેખકોના પુસ્તકો પરથી સૌથી વધારે ફિલ્મો બની હોય એવી જાતજાતની માહિતીના દરિયામાં ધુબાકા મારીને મલ્ટિ ડાયમેન્શિયલ યાદી બનાવીએ અને તે વાંચવાનો સંકલ્પ લઈએ. આ માટે ન્યૂયોર્ક ટાઈમ્સ, બીબીસી જેવી સંસ્થાઓએ સમયાંતરે તૈયાર કરેલી જાતભાતના બેસ્ટ સેલર્સ તેમ જ ટોપ ૧૦૦ પુસ્તકોની યાદી પર પણ નજર ફેરવીને વાચનનો દૃષ્ટિકોણ જરા વિશાળ કરવાનો સંકલ્પ પણ લેવા જેવો ખરો!

બેસતું વર્ષ પછી ઉજવણી થાય ભાઈબીજની. કાકાએ 'ક્યાં છે ભાઈબીજ?' અને 'ભાઈબીજ' એમ બે શીર્ષક હેઠળ ભાઈબીજનું મહત્ત્વ સમજાવ્યું છે. પહેલાં પ્રકરણમાં કાકા હિંદુ સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ જેવી હોવી જોઈએ તેવી નથી એમ કહીને આવું કેમ થયું એ મુદ્દે વિષદ્ છણાવટ કરે છે. કાકા ફરિયાદ કરતા લખે છે કે, ''… યુગો થયા ભારતવાસીઓ દર વર્ષે ભાઈબીજનો તહેવાર ઊજવતા આવ્યા છે, છતાં એકે કવિને ભાઈબહેનના સંબંધને પ્રાધાન્ય આપીને મહાકાવ્ય લખવાનું સૂઝ્યું નથી. નિરાશ થયેલું મન જ્યારે હતાશ દૃષ્ટિ લોકસાહિત્ય તરફ ફેંકે છે ત્યારે તે સાનંદાશ્ચર્યથી ભીની થાય છે. ભાઈબહેનનો સંબંધ અનાદિ છે, હૃદયસહજ છે, સાર્વભૌમ છે. લોકહૃદય તેને કેમ ભૂલે? લોકગીતો અને લોકવાર્તાઓમાં જ્યાં જુઓ ત્યાં ભાઈબહેનના મીઠા સંબંધનાં સંભારણાં વેરાયેલાં છે. ભવિષ્યનો સામાજિક આદર્શ ઘટનારા આજના કવિઓ! આ અણખેડેલા ક્ષેત્ર તરફ દૃષ્ટિ નાખો, અને સ્ત્રીપુરુષ વચ્ચેના આ એકમાત્ર નિર્વિકારી, નિષ્કામ અને સમાન સંબંધને ચીતરવામાં તમારું શક્તિસર્વસ્વ ખરચો.'' જો આવું છે તો પછી પુસ્તકાલયમાં જઈને જાતે જ લોકગીતો-વાર્તાઓમાંથી ગીત, વાર્તા કે અવતરણો શોધી કાઢો. બહેનને ભેટ આપતી વખતે આ માહિતીનો ગિફ્ટમાં સ્ટાઈલીશ રીતે ઉપયોગ કરો અને જો કવિ હોવ તો કાકાએ કહ્યું છે એમ આ અણખેડેલા ક્ષેત્ર તરફ દૃષ્ટિ નાખો …

આ તો દિવાળીના તહેવારો ઉજવવાનો એક નવો આઈડિયા – એક થીમ આપી. આ બેસતા વર્ષથી આપણે આખા વર્ષના બધા તહેવારો આવી જુદી જુદી થીમ સાથે ઉજવીએ અને સાંસ્કૃિતક એકતા થકી સામાજિક અને રાજકીય એકતા તરફ આગળ વધીએ.

છેલ્લે કાકાના જ શબ્દો સાથે નવા સંકલ્પો સાથે નવું વર્ષ, નવું જીવન શરૂ કરીએ.:

વરુની પેઠે ખાવું, બિલાડીની પેઠે બગાસાં ખાવાં, અને અજગરની પેઠે પડયાં રહેવું એ તહેવારનું મુખ્ય લક્ષણ થઈ પડયું છે. એક તહેવાર એટલે ત્રણ દિવસનો બગાડ એટલું તો ખરું જ. આવી હાલતમાંથી તહેવારોને બચાવવા એ આપણું મુખ્ય કામ છે…

e.mail : vishnubharatiya@gmail.com

Loading

12 November 2015 admin
← પ્રજાતંત્ર સંસ્કૃિતને ટકાવનારાં ઇલમી, શૂરાં
પટણામાં પ્રજાસૂય પ્રસ્ફોટ →

Search by

Opinion

  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?
  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved